હકકનું પત્રક મહેસુલી રેકર્ડમાં સૌથી અગત્ય નું પત્રક છે. કારણ કે કબજેદાર કે ખાતેદારની જમીન પરત્વેના હકકો કેવી રીતે પ્રાપ્ત થયા છે તે અંગેનું મુખ્ય રેકર્ડ છે અને ત્યારબાદ વખતો વખત જમીનને લગતા વ્યવહારોની નોંધ હકકના પત્રકમાં સતત થતી રહે છે. હકકનું પત્રક રોજનીશીના આકારમાં રાખેલું છે. જેમાં પ્રથમ નોંધેલા તથા નોંઘ્યા વગરના દસ્તાવેજથી વારસાથી, મોઢાની કબુલાતોથી, અગર બીજી રીતે સંપાદન કરેલા જમીનના માલિકોના કબજેદારોના ગીરો રાખનારના, ખેડૂતો (ગણોતીયા) ના અગર જમીનની ગણોત, અથવા મહેસૂલ લેવાની મુખત્યાર હોય તેઓના સઘળા ખાનગી હકોની તેમજ સાર્વજનિક હકોની અને સફીલદારીના (ઈઝમેન્ટાના) તેમજ સરકારના જમીન ઉપરના સઘળા હકોની વિગતો આપવામાં આવે છે. સદરહુ હકો પછીથી દરેક ગામના સરવે નંબરના અનુક્રમ મુજબ જમીન બાબતની અનુક્રમણિકા માં દાખલ કરવામાં આવે છે અને દરેક સરવે નંબરથી પેટા હિસ્સાની કબજા પ્રમાણે જુદી જુદી નોંધ કરવામાં આવે છે.
સરકારી પડતર જમીનો વિવિધ બિનખેતીના હેતુ માટે ગ્રાન્ટ કરવા માટે મહેસૂલ વિભાગના તા. ૬-૬-ર૦૦૩ ના સંકલિત ઠરાવથી સૂચનાઓ આપવામાં આવી છે. અરજદારોની અરજી પરની મૂળભૂત પ્રક્રિયા જેવી કે માંગણીવાળી જમીનની ઉપલબ્ધતા માટે મહેસૂલી રેકર્ડ મુજબ હાલની પરિસ્થિતિ, ક્ષેત્રફળ, માંગેલ જમીન પર દબાણ, સ્થળ સ્થિતિના નકશા, અરજદારની ઉકત ઠરાવ મુજબની પાત્રતા, અરજદારનું લેખિત નિવેદન, આજુબાજુની પરિસ્થિતિ અને સંબંધિતોના નિવેદન વગેરે તમામ બાબતો આવરી લેતી દરખાસ્ત ના મૂળ કાગળો મામલતદારની કચેરીમાં તેમના સુપરવીઝન હેઠળ તૈયાર થતા હોઈ સરકારશ્રીના અમલી ઠરાવોની જોગવાઈઓ અભ્યાસ માંગી લે છે.
૧૯૬૦નો ખેતીની જમીનનો ટોચમર્યાદા કાયદો અને તે હેઠળ બનાવેલા નિયમોના અમલીકરણની જિલ્લા કક્ષાની મહત્વની કામગીરી અને નિયંત્રણ કલેકટર ધ્વારા કરવામાં આવે છે. ખેતીની જમીનની ટોચમર્યાદા નક્કી કરવા સારૂ રાજ્ય સરકાર ધ્વારા દરેક જિલ્લા કક્ષાએ મામલતદાર સંવર્ગના અધિકારી બનેલા ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલા છે. આ ટ્રીબ્યુનલ ધ્વારા જે ખાતેદારો પાસે ટોચમર્યાદા કરતાં કાયદાના અમલની તારીખે એટલે કે તા. ૧-૪-૧૯૭૬ના રોજ ટોચમર્યાદા કરતાં વધુ જમીન હોય તેની બાબત નક્કી કરવાની થાય છે. જિલ્લા કક્ષાએ એક થી વધુ ટ્રીબ્યુનલો અસ્તિત્વ ધરાવતી હોય છે. ટ્રીબ્યુનલનું સીધું સુપરવીઝન અને નિયંત્રણ નાયબ કલેકટર (જમીન સુધારા) મારફતે કલેકટર ધ્વારા કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ એક ટ્રીબ્યુનલથી બીજા ટ્રીબ્યુનલમાં કેસો તબદીલ કરવા, ટ્રીબ્યુનલને વહીવટી મદદ પૂરી પાડવી વિગેરે કામગીરી કલેકટર ધ્વારા કરવામાં આવે છે.
હાલમાં ખેત જમીન ટોચમર્યાદા ધારા હેઠળના ટ્રીબ્યુનલોની સંખ્યા નહીવત પ્રમાણમાં છે. કેસોનું પ્રમાણ પણ ખુબ જ ઓછુ છે જે કેસો પડતર છે તે મોટાભાગના કેસો નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડતર છે. જિલ્લા ટ્રીબ્યુનલો ધ્વારા ફાજલ પાડવામાં આવેલી ખેતીની જમીનોની વહેંચણી પણ પૂર્ણ કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના ૨૦ મુદ્દા અમલીકરણ કાર્યક્રમમાં ફાજલ જમીન ફાળવવાનો મુદ્દો મહત્વની છે. જેમાં સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ જમીનો ફાજલ કરી અગ્રતાક્રમ અનુસાર જરૂરીયાતમંદોને ખેતીની જમીનો ફાળવવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે. જે આ કાયદાની મહત્વની સિધ્ધિ છે.
શહેર માપણી સિટી સર્વે વિસ્તાર માં હક્ક પત્રક નાં વહીવટ સાથે સંકળાયેલી છે.
હેતુઓ : શહેર માપણીના ત્રણ હેતુઓ છે.
રાજય સરકાર તરફથી ખેતીના હેતુ માટે અપાયેલી નવી અને અવિભાજય શરતની જમીનો કે જેનો મુખ્યત્વે ગ્રાન્ટ કરીને આપેલી હોય તેવી સરકારી પડતર જમીનો, વિવિધ સત્તાઓ પ્રકાર નાબુદી કાયદાઓ જેવા કે મુંબઈ કનિષ્ઠ વતન નાબુદી ધારો, બરોડા પટેલ વતન નાબુદી ધારો, બરોડા એબોલેશન એકટ, સ્ટાઈપેન્ડ રી નાબુદી અધિનિયમ હેઠળ પેટલાઈની જમીનો, અવેડા તળેની જમીનો કનિષ્ઠ કે ગામનોકરો કે ચાકરિયાત કાયદા અન્વયે રીગ્રાન્ટ થયેલી જમીનો મુંબઈ ગણોત અધિનિયમ ૧૯૪૮ હેઠળની પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો તથા જેની તબદીલી હેતુફેર કે હીત સબંધના ભાગલા પાડવા સરકારની પુર્વ મંજુરીની જરૂરત હોઈ તેવી જમીનો ખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે સરકારશ્રીના તા. ૧૮-૧૨-૦૪ સંકલીત ઠરાવ ક્રમાંક : નશજ-૧૦૨૦૦૩-૨૬૦૦-જ થી અમલીકરણ માટેની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
સ્ત્રોત: મહેસુલ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020