સહિયારી માલિકીની મિલકત રેવન્યુ રેકર્ડમાં કોઈ એક સહમાલિકના નામે ચાલુ હોય તેથી અન્ય સહમાલિકના હકનો ઇનકાર થયેલ છે તેમ ઠરાવાય નહીં અને આવી સહિયારી મિલકત કોઈ એક સહમાલિકના નામે ચાલતી હોવાથી જેના નામે ચાલતી હોય તેનો વિરુદ્ધ કબજો (એડવર્સ પઝેશન) ગણાય નહીં, પરંતુ એક સહમાલિકનો કબજો અન્ય સહમાલિકો વતી ગણાય તેવો સિદ્ધાંત દર્શન સિંઘ વિ. ગુજ્જર સિંઘના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ કેસની હકીકત ટૂંકમાં નીચે મુજબ છે.
બે ભાઈઓ હિરા સિંઘ અને જગજીત સિંઘ ખેતીની જમીન ધરાવતા હતા. ત્યાર બાદ બંને ભાઈઓને ખૂનના કેસમાં જેલની સજા થઈ હતી. જેલવાસ દરમિયાન જગજીત સિંઘ જેલમાંથી ભાગી છૂટયા હતા જ્યારે હિરા સિંઘને પોતાની સજામાંથી મુક્તિ મળતા હિરા સિંઘે જેલમાંથી બહાર છૂટયા બાદ તેઓની બંનેની સંયુક્ત માલિકીની જમીનનો સંપૂર્ણ કબજો હિરા સિંઘે લઈ લીધો હતો. ત્યાર બાદ સને-૧૯૨૦માં હિરા સિંઘ અવસાન પામેલા. જેનો લાભ લઈ સહહિસ્સેદારની પત્ની હરકોરબહેને જમીનનો કબજો લઈ લીધો હતો. હિરા સિંઘ દ્વારા પોતાની હયાતી દરમિયાન રૂલીયા સિંઘને દત્તક રાખેલ હતો. હિરા સિંઘના અવસાન બાદ સને-૧૯૩૦થી જમીનના રેવન્યુ રેકર્ડમાં આખી જમીનમાં યાને જગજીત સિંઘના હિસ્સા સહિતની જમીનમાં રૂલીયા સિંઘનું નામ દાખલ કરવામાં આવેલું. ત્યાર બાદ રૂલીયા સિંઘનું સને-૧૯૬૨ની સલમાં અવસાન થતાં તેમના પુત્રીના સંતાનો દર્શન સિંઘ, આલા સિંઘ અને પ્રિતમ સિંઘનું નામ આ જમીનના રેવન્યુ રેકર્ડમાં આખી જમીનમાં યાને જગજીત સિંઘના હિસ્સા સહિતની જમીનમાં તેઓનું નામ દાખલ કરવામાં આવેલું કે જેઓ નામદાર સુપ્રીમ કોર્ટના હાલના કેસના એપેલન્ટ છે.
આથી જગજીત સિંઘના છઠ્ઠા વર્ગના સગોત્ર એવા ગુજ્જર સિંઘ યાને નામદાર સુપ્રીમ કોર્ટના હાલના કેસના રિસ્પોન્ડન્ટે તેવી એન્ટ્રીઓને ચેલેન્જ કરેલ, પરંતુ તેમની અરજી કાઢી નાખવામાં આવેલ. ત્યાર બાદ ગુજ્જર સિંઘે હિરા સિંઘના તેઓ સગોત્ર છે તેવું જાહેર કરવા તથા તેઓ બંનેના હિસ્સાની જમીન મેળવવા નામદાર સિવિલ / ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કરેલો, પરંતુ નામદાર નીચલી કોર્ટે તેવો દાવો રદ કરેલો અને એવું તારણ આપેલું કે, "દાવાવાળી જમીનમાં રૂલીયા સિંઘ અને તેઓના ગુજરવા બાદ તેમના વારસદારો વિરુદ્ધ કબજો (એડવર્સ પઝેશન)માં હતા.
જેનાથી નારાજ થઈને ગુજ્જર સિંઘે પ્રથમ એપેલેટ કોર્ટમાં અપીલ દાખલ કરેલી. જે કામે નામદાર કોર્ટે ગુજ્જર સિંઘની અપીલ અંશતઃ મંજૂર રાખવાનો હુકમ કરેલો, પરંતુ એપેલેટ કોર્ટે માત્ર જગજીત સિંઘના હિસ્સાવાળી જમીન બાબતે જ હુકમ કરેલો. વધુમાં એપેલેટ કોર્ટે એવું તારણ આપેલ કે, પંજાબના રૂઢિગત પ્રણાલી મુજબ રૂલીયા સિંઘે હિરા સિંઘનો દત્તક પુત્ર હોય માત્ર હિરા સિંઘના હિસ્સાવાળી જમીનમાં હક મેળવવા હકદાર છે, પરંતુ દાવવાળી જગજીત સિંઘની જમીનના હિસ્સાવાળી જમીનમાં હક મેળવવા હકદાર નથી અને નામદાર નીચલી કોર્ટે જગજીત સિંઘની હિસ્સાવાળી જમીન અંગે વિરુદ્ધ કબજા (એડવર્સ પઝેશન) બાબતે કરેલ હુકમ એપેલેટ કોર્ટે રદ કરેલો. જેની સામે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવેલી. જેમાં નામદાર હાઈકોર્ટે પણ એપેલેટ કોર્ટનો હુકમ માન્ય રાખેલો, પરંતુ નામદાર હાઈકોર્ટના હુકમની સામે હાઈકોર્ટ સમક્ષ બીજી વધારાની અપીલ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ થયેલી.
જેમાં હાઈકોર્ટના હુકમમાં સુધારો કરવામાં આવેલો અને તેમાં જગજીત સિંઘના હિસ્સાવાળી જમીનમાં પ્લેન્ટિફ ગુજ્જર સિંઘ અને બીજા સગોત્ર યાને સામાવાળા નં. ૨થી ૭ વચ્ચે હિસ્સા પાડવામાં આવેલ. જેનાથી નારાજ થઈને દર્શન સિંઘનાઓએ ગુજ્જર સિંઘ વિરુદ્ધ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલી.
સુપ્રીમ કોર્ટ સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે, આ દાવાવાળી જમીનમાં રૂલીયા સિંઘ અને તેઓના અવસાન બાદ તેમના વારસદારો યાને હાલના એપેલન્ટો આ જમીનમાં સને-૧૯૩૦થી કબજામાં હતા કે કેમ ? તેમ જ તેઓના નામ મ્યુટેશન રેકર્ડમાં હતા કે કેમ ? તેમ જ જગજીત સિંઘના હિસ્સાવાળી જમીનમાં એડવર્સ પઝેશન થકી તેઓના ટાઈટલ યોગ્ય હતા કે કેમ ? નામદાર સુપ્રીમ કોર્ટે હાલના કેસમાં જણાવેલ કે જો કોઈ એક હિસ્સેદાર આખી જમીનના કબજામાં હોય તો તે કબજેદારનો તેવો કબજો બીજા સહહિસ્સેદાર પૂરતું એડવર્સ પઝેશન ગણાય નહીં.
સિવાય કે બીજા સહહિસ્સેદારને દૂર (Ouster) કરવામાં આવેલ હોય.
નામદાર સુપ્રીમ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, કાયદાની સાચી પરિસ્થિતિ એ છે કે, સહમાલિકીની મિલકતનો કબજો કોઈ એક સહમાલિક પાસે હોય તો એવું માની લેવાય કે, તે કબજેદાર બીજા સહમાલિકો વતી તે જમીનનો કબજો ધરાવે છે. સિવાય કે અન્ય સહમાલિકના ટાઈટલનો ઇનકાર કરીને સ્પષ્ટ રીતે તેઓને દૂર (Ouster) કરી દેવામાં આવેલ હોય. વધુમાં તે જમીનના રેવન્યુ રેકર્ડમાં પણ સહમાલિકો પૈકી માત્ર એકનું જ નામ દાખલ થયેલ હોય તો પણ બીજા સહહિસ્સેદારોને દૂર કરવામાં આવેલ હોવાનું માનવામાં નહીં આવે. સિવાય કે એવી સ્પષ્ટ જાહેરાત હોય કે અન્ય સહમાલિકો તે જમીનના ટાઈટલ ધરાવતા નથી. આમ, નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ કે હાલના કેસના એપેલેન્ટોએ સાબિત કરેલ છે કે, તેઓ જમીનમાં અવિરતપણે અને સતત કબજો ધરાવતા આવેલા છે અને નામદાર સુપ્રીમ કોર્ટે એપેલન્ટોની અપીલ મંજૂર રાખી હાઈકોર્ટે લેટર્સ પેટન્ટ અપીલના કામે કરેલ હુકમ રદ કરેલો તેમ જ નીચલી / ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખેલો તેમ જ પક્ષકારો વચ્ચેનો મૂળદાવો રદ જાહેર કરેલો.
આમ, ઉપરોક્ત કેસની સમગ્ર હકીકત જોતાં સ્પષ્ટ થાય છે કે, સહિયારી માલિકીની મિલકત રેવન્યુ રેકર્ડમાં કોઈ એક સહમાલિકના નામે ચાલુ હોય તેથી અન્ય સહમાલિકના હકનો ઇનકાર થયેલ છે તેમ ઠરાવાય નહીં અને આવી સહિયારી મિલકત કોઈ એક સહમાલિકના નામે ચાલતી હોવાથી જેના નામે ચાલતી હોય તેનો વિરુદ્ધ કબજો (એડવર્સ પઝેશન) ગણાય નહીં, પરંતુ એક સહમાલિકનો કબજો અન્ય સહમાલિકો વતી ગણાય.
લેખક : દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટીસફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/5/2020