નવી શરતની ખેતીની જમીન ૧૫ વર્ષે આપોઆપ કોઇપણ પ્રિમિયમ લીધા વિના જૂની શરતમાં ફેરવી દેવાનો કાયદો છે, પરંતુ અમલ થતો નથી. ખેડૂતોને કલેકટર, મામલતદાર, તલાટી વગેરે જગ્યાએ અરજીઓ કરવી પડે છે.
નવી શરતની જમીનને જો ૩૧ ઓગષ્ટ ૧૬ના રોજ ૧૫ વર્ષ પૂરા થયા હોય તથા તો સંબંધિત મામલતદાર દ્વારા ૩૧ ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં શરત ભંગના કેસ નહીં હોય તો આપમેળે ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા અંગેના હુકમો કરવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ પ્રિમિયમ લીધા વિના તેમ જ ખેડૂત ખાતેદારની અરજી લીધા વિના સંબંધિત મામલતદારે જે જમીનને ૧૫ વર્ષ પૂરા થયા હોય અને કોઇપણ જાતનો શરત ભંગ ન હોય તો આપમેળે મામલતદારે હુકમો કરીને ખેતીના હેતુ માટે 4 જુલાઈ 2008ના ઠરાવ મુજબ જૂની શરતમાં ફેરવી આપવામાં આવે છે.
જમીનોને નવી શરતમાંથી જૂની શરત કરવા માટે મહેસુલ વિભાગનો પરિપત્ર
તાજેતરમાં મહેસુલ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને પંદર વર્ષ પૂર્ણ થયેથી ફક્ત ખેતીના હેતુસર નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા બાબતો સૂચના આપવામાં આવી હતી. 31-12-2017ના અંતે પંદર વર્ષ ઉપરનો કબ્જો ધરાવતી નવી શરતની ખેતીની જમીનો ખેતીના હેતુ માટે ગ્રામ્ય કક્ષાએ શરતફેર કરવાનો (જૂની શરત કરવાનો) કોઈ કેસ બાકી રહેતો નથી. તેવું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
મહેસુલ વિભાગના સંયુક્ત સચિવ કલ્પેશ શાહે પ્રસિદ્ધ કરેલા સૂચાપત્રની વિગતો મુજબ 4-10-16ના પરિપત્રથી તમામ કલેકટરો સહિત તલાટીઓને સૂચના આફી હતી. ગ્રામ્ય વિસ્તારની નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને કોઈ પણ પ્રીમીયમ લીધા વિના સંબંધિત માલતદારે આવી જમીન કે જેનો સળંગ કબ્જો દર માસની અંતિમ તારીખે ગ્રાંટ થયેથી પંદર વર્ષ કે તેથી વધુ સમયનો થતો હોય તેની જમીનોના રેકર્ડમાંથી નવી અને અવિભાજ્ય સત્તા પ્રકાર એવી નોંધ કમી કરી તેની જગ્યાએ માત્ર બિનખેતી હેતુ માટે પ્રીમીયમને પાત્ર ગણીને મામલતદારોએ હુકમ આપવાના રહે છે. આ પરિપત્ર દ્વારા 31-8-2016 સુધીમાં જૂની શરતમાં જમીનોને ફેરવવાની રહેતી હતી.
અગાઉના પરિપત્રને ધ્યાને રાખીને 31-12-2017ના રોજ પંદર વર્ષ પૂર્ણ થતા હોય તેવી જમીનોને 4-7-2008 અને 3-5-2011ના ઠરાવની જોગવાઈઓ ધ્યાને રાખીને ફક્ત ખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવી જમીનોના રેકર્ડમાંથી નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની નોંધ-કમી કરીને તેની જગ્યાએ માત્ર બિનખેતીના હેતુ માટે પ્રીમીયમને પાત્ર ગણીને આવા હુકમ સંબંધિત મામલતદારોએ કરાવનો રહેતો હોવાનું મહેસુલ વિભાગે જણાવ્યું છે. આ પ્રક્રિયા થતા ભવિષ્યમાં બિનખેતીના પ્રસંગે ફક્ત ખેતીથી બિનખેતીનું પ્રીમીયમ વસુલ કરવાનું રહે છે.
વિગતો મુજબ મહેસુલ વિભાગે ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાળવેલી નવી શરતની જમીન તેમજ ભૂદાન હેઠળ આપવામાં આવેલી જમીનોને આ સૂચના લાગુ પાડવામાં આવી નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020