ક્ષેત્રફળ કરતા વધારાની જમીનો કબજામાં હોય તેવી વધારાની જમીનોના કબજા હકો નિયમિત કરવા અંગેની જોગવાઈઓ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી જમીનોની માપણી કરી રેકર્ડ અદ્યતન કરવા ખૂબ મોટા પાયે અને વખતોવખત ઝુંબેશ ચલાવવામાં આવેલ છે અને આ અંગે વખતોવખત માપણી પણ કરવામાં આવેલ છે. જેમાં નવી માપણીમાં કેટલાંક ખાતેદારોની કબજાની જમીનમાં જૂની માપણી મુજબના ક્ષેત્રફળ કરતા વધારાની જમીનો કબજામાં હોવાનું પણ ઘણા કિસ્સાઓમાં બનવા પામેલ છે. આવી વધારે માલૂમ પડેલ જમીનો અંગે પ્રીમિયમ લઈને ખાતેદારોના કબજા હકો પણ સરકાર દ્વારા નિયમિત કરી આપવામાં આવતા હતા. પરંતુ આ અંગે હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોના ખેડૂતોની માપણી વધારાની સમસ્યાને કાયમી ઉકેલ માટે સરકારે માપણી વધારા અંગેના આ અગાઉના તમામ ઠરાવો, પત્રો અને પરિપત્રો રદ કરીને ઠરાવ ક્રમાંકઃ દબણ- ૧૧૨૦૧૩/૨૨૦/લ. થી તા. ૦૯-૦૭-૨૦૧૩ના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. આ ઠરાવની જોગવાઈઓ નીચે મુજબ છે.
કબજા હક નિયમિત કરવા બાબતઃ
- ખાતેદારોની જમીનમાં જે વધારો થયો હોય અને ચારેબાજુ ખાનગી ઈસમોની જમીન હોય તો તા.૧-૮-૫૮ના રોજ શરૂ થતાં મહેસૂલી વર્ષથી ખાતેદારની જમીનના ક્ષેત્રફળમાં જેટલો વધારો થયો હોય તેટલા ક્ષેત્રફળવાળી જમીનનો આકાર વસૂલ કરવો.
- ઉપર મુજબ થયેલી જમીનનો નિયત થયેલ હક એટલે કે, આકાર બંધ પ્રમાણેના મૂળ જમીનના ૨૦ પટ જેટલી રકમ તે ખાતેદારો પાસેથી ઉપર્યુક્ત પેરા એકમાં જણાવેલ જમીનનાં આકાર ઉપરાંત પ્રીમિયમ સ્વરૂપે લેવી. આ રકમ ભરવાથી ખાતેદારના કબજા હક્કો નિયમિત થયેલા ગણાશે.
- ઉપર (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે આજુબાજુના તમામ સર્વે નંબરોની ચોક્કસ માપણી થયેલ હોય અને ગામ નકશામાં તે સર્વે નંબરનું ચોક્કસ માપ દર્શાવવામાં આવેલ હોય તો તેવા કિસ્સાઓમાં ઉક્ત (૧)ની જોગવાઈ લાગુ કરવાની રહેશે. જો ચારેબાજુના સર્વે નંબર પૈકી તમામ અથવા અન્ય સર્વે નંબરની માપણી ન થઈ હોય તો તેવા કિસ્સામાં પ્રથમ તેની માપણી કરીને ઉપર (૧) મુજબની જોગવાઈ લાગુ પાડવામાં આવશે.
- ઉપર (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે જે સર્વે નંબરની કોઈ પણ એક કે વધારે બાજુ ગામ નકશામાં દર્શાવેલ ગામ રસ્તો, સીમરસ્તો કે પગવાટ હોય તો તેવા સંજોગોમાં જે સર્વે નંબરનો માપણી વધારો નિયમિત કરવાનો થાય તે ઉપર (૧) પ્રમાણે કરવાનો રહેશે. પરંતુ જે ગામ રસ્તો, સીમરસ્તો કે પગવાટ નકશામાં હોય કે ગામ રસ્તો કે પગવાટ ગામ નકશા પ્રમાણે મૂળ સ્થિતિમાં જ ખુલ્લો રહેવો જોઈશે.
માપણી વધારો નિયમિત કરવાની મહેસૂલ વિભાગ દ્વારા જોગવાઈ
માપણી વધારો નિયમિત કરવાની મહેસૂલ વિભાગ તા.૧૨-૪-૯૧ની ઠરાવની જોગવાઈ દૂર કરી નીચે પ્રમાણે સુધારા કરવામાં આવેલ છે :
જે સર્વે નંબરનો માપણી વધારો નિયમિત કરવાનો હોય તે જમીનની એક બાજુ કે વધારે બાજુ સરકારી પડતર જમીન, નદી, તળિયું કે તળાવ કે છેલ્લો (પાણીનો વહેળો) કે અન્ય જાહેર રસ્તા આવેલ હોય તેવી જમીનોમાં નીચે જણાવ્યા પ્રમાણે માપણી વધારો નિયમિત કરી આપવાનો રહેશે.
- નગરપાલિકા સહિત તમામ ગ્રામ્ય વિસ્તારમાં ખાતેદારને મૂળ જમીનના ૨૦ ટકા સુધીની જમીનનો માપણી વધારો પ્રવર્તમાન જંત્રી દરની એકવડી કિંમત વસૂલ લઈને અને તેથી વધુનો માપણી વધારો પ્રવર્તમાન જંત્રી દરની બેવડી કિંમત વસૂલ નિયમિત કરવાનો રહેશે.
- ઉપર પ્રમાણે ચાર એકર સુધી તથા રૂ.૧૫ લાખ સુધીની કિંમતની જમીનનો માપણી વધારો કરવાની સત્તા કલેક્ટરની રહેશે.
- ચાર એકરથી વધુ તથા રૂ. ૧૫ લાખથી વધુ કિંમતવાળી જમીનનો માપણી વધારો કરવાની સત્તા સરકારની રહેશે.
- જંત્રી દર નક્કી કરતી વખતે સવાલવાળી જમીનનો જંત્રીદર અને જો તે સર્વે નંબરનો જંત્રીદર ઉપલબ્ધ ન હોય તો લાગુ સર્વે નંબરનો જંત્રીદર ધ્યાને લેવાનો રહેશે. આ જંત્રીદર જમીનના જે તે ઉપયોગને અનુલક્ષીને લેવાનો રહેશે.
- ઉપર પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે માપણી વધારો ખેડૂત ખાતેદાર જે શરતે મૂળ જમીન ધારણ કરતો હશે તે શરતે જ નિયમિત કરવાનો રહેશે.
- ઉપર ૨ (૧) માં જણાવ્યા પ્રમાણેના કિસ્સા સિવાય અસાધારણ માપણી વધારો માલૂમ પડે કે, જ્યાં આવો માપણી વધારો ૪૦ ટકા કે ૪ એકર એ બે પૈકી જે વધુ હોય તેવા તમામ વિશિષ્ટ કિસ્સાઓમાં માપણી વધારો નિયમિત કરવાની દરખાસ્તો સરકારને રજૂ કરવાની રહેશે તથા આવો અસાધારણ માપણી વધારો રેકર્ડ તથા ગુણદોષને આધારે મંજૂર કે નામંજૂર કરવાની સત્તા સરકારની રહેશે.
- ઉપર આપેલ સત્તામર્યાદામાં ૪૦ ટકા કે તેથી વધુ માપણી વધારો થતો હોય પરંતુ ૪ એકરથી અથવા આપેલ નાણાકીય મર્યાદાથી ઓછો થતો હોય તેવા કેસો બાબતે કલેક્ટરને આપેલ નાણાકીય મર્યાદામાં પોતાની કક્ષાએ નિર્ણય લઈ શકશે. પરંતુ કલેક્ટર આ સત્તાની સોંપણી કરી શકશે નહીં.
- માપણી વધારો નિયમિત કરતાં જો ખેતી જમીન ટોચમર્યાદા ધારા હેઠળ કુલ હોલ્ડિંગ વધુ થતુ હોય તો તેવા કિસ્સામાં ખેતી જમીન ટોચમર્યાદા ધારા હેઠળ મળવા પાત્ર હોલ્ડિંગ કરતાં વધુ માપણી વધારો મંજૂર કરી શકાશે નહીં. જમીનના કુલ હોલ્ડિંગ અંગે સંબંધિત ખેડૂત ખાતેદારનું બાંહેધરી પત્ર અને ૭/૧૨, ૮-અની ચકાસણી કરી લેવાની રહેશે.
- માપણી વધારાની જમીન પૈકી ઔદ્યોગિક એકમો એ પ્રમાણિત ઔદ્યોગિક હેતુ માટે જો સર્વે નંબર/ બ્લોક નંબરની પૂરેપૂરી જમીન વેચાણ લીધી હશે તો તેને આ નીતિ લાગુ પાડીને જે માપણી વધારો થાય તેને આનુષાંગિક જે પ્રીમિયમ નક્કી થાય તે ભરવાનું રહેશે. પરંતુ તે સર્વે નંબર/ બ્લોક નંબર પૈકીની પૂરેપૂરી જમીન નહીં ખરીદી હોય અને અમુક વિસ્તાર ખરીદયો હશે તો માપણી વધારાને અનુલક્ષીને પ્રીમિયમ ભરવાની જવાબદારી જે તે મૂળ ખાતેદારની રહેશે. જે અંગે ગામ દફતરે જરૂરી નોંધ રાખવાની રહેશે.
કેટલાક ખાતેદારોની કબજાની જમીનમાં જૂની માપણી મુજબના ક્ષેત્રફળ કરતા વધારાની જમીનો કબજામાં હોવાનું પણ ઘણાં કિસ્સાઓમાં બનવા પામેલ છે. આવા કિસ્સાઓ અંગે હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોના ખેડૂતોની માપણી વધારાની સમસ્યાને કાયમી ઉકેલ માટે સરકારે માપણી વધારા અંગેના આ અગાઉના તમામ ઠરાવો, પત્રો અને પરિપત્રો રદ કરીને ઠરાવ ક્રમાંક : દબણ- ૧૧૨૦૧૩/૨૨૦/લ.,થી તા. ૦૯-૦૭-૨૦૧૩ના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. આ ઠરાવની કેટલીક જોગવાઈઓ વિશે આ અગાઉના અંકમાં ચર્ચા થઈ ગયેલ છે. તે ઉપરાંતની કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.
ડૂબના સર્વે નંબર અંગેઃ
- જૂના સર્વે નંબર રેકર્ડમાં હોય પરંતુ તે નવી માપણીમાં સમાવવામાં રહી ગયા હોય તેવા સર્વે નંબરને ડૂબના સર્વે નંબર તરીકે ઓળખવામાં આવે છે. આવી ડૂબ તરીકે ગણાતી જમીનનું સ્થળ પર અસ્તિત્વ હોય તો આવા નંબરોની માપણી કરાવી સંબંધીત ખાતેદારના મૂળ હોલ્ડિંગમાં ઉપર (૧)ની જોગવાઈ પ્રમાણે ઉમેરો કરવાનો રહેશે, અને જો સ્થળ પર આવી ડૂબની જમીનનું અસ્તિત્વ ન હોય તો કોઈ પણ કાર્યવાહી કરવાની રહેશે નહીં.
- ઉક્ત (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે આજુબાજુના તમામ સર્વે નંબરોની ચોક્કસ માપણી થયેલ હોય અને ગામ નકશામાં તે સર્વે નંબરનું ચોક્કસ માપ દર્શાવવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં ઉક્ત (૧)ની જોગવાઈ લાગુ કરવાની રહેશે.(દા.ત. આવા મપાયેલા નંબરો વાળી જમીન કોઈ પણ સરકારી તંત્ર બોર્ડ, નિગમ, મ્યુનિસિપાલિટી કે અન્ય કોઈ સરકારી કચેરીના કબજામાં હોઈ શકે.
- ઉપર (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે જે સર્વે નંબરની કોઈ પણ એક બાજુ ગામ નકશામાં દર્શાવેલ ગામ રસ્તો કે પગવાટ હોય પરંતુ અન્ય કોઈ સરકારી જમીન ન હોય તેવા સંજોગોમાં જે સર્વે નંબરનો માપણી વધારો નિયમિત કરવાનો થાય તે ઉપર (૧) પ્રમાણે કરવાનો રહેશે. પરંતુ જે ગામ રસ્તો કે પગવાટ નકશામાં હોય તે ગામ રસ્તો કે પગવાટ ગામ નકશા પ્રમાણે મૂળ સ્થિતિમાં જ ખુલ્લો રહેવો જોઈશે.
માપણી વધારાવાળી જમીન સરકારને પરત કરવા અંગેઃ
- ખાતેદાર ખેડૂત કે, ખેતીની જમીન ખરીદનાર ઔદ્યોગિક એકમ કે વેપારી એકમ મૂળ જમીન જ ધારણ કરવા ઈચ્છે અને માપણી વધારાવાળી જમીન સરકારને પરત કરવા ઈચ્છે તો માપણી વધારાવાળી જમીન કલેક્ટરને પરત કરી શકશે અને કલેક્ટર માપણી વધારાની જમીન સરકાર સદરે પરત લઈ શકશે. અને તેનો સરકારી જમીનનાં નિકાલ અંગેની જોગવાઈઓ પ્રમાણે નિકાલ કરી શકશે.
- કેટલાંક પ્રસંગે એક જથ્થે રહેલ કેટલાંક સર્વે નંબરની વચ્ચોવચ અમુક સર્વે નંબરના માપણી વધારાના પ્રશ્નો વિનિયમિત કરવામાં આવે છે. આવા સંજોગોમાં વચ્ચે આવેલા સર્વે નંબરના માપણી વધારા જેટલું ક્ષેત્રફળ આવી જમીનના છેવાડાના ભાગે એક જથ્થે જો જમીન માલિક સરન્ડર કરવા માંગે તો વચ્ચેના સર્વે નંબરનો માપણી વધારા સામે સરન્ડર કરેલ જમીનના જેટલું ક્ષેત્રફળ તેની સરહદેથી કમી કરી વિનિયમિત કરી શકશે.
અર્થાત
- બંને જમીનોના ક્ષેત્રફળ માપણી વધારો અને સરન્ડર કરવામાં આવનાર જમીનનું ક્ષેત્રફળ સમાન હોવું જોઈશે.
- સરન્ડર કરવામાં આવનાર જમીન માપણી વધારાના ક્ષેત્રફળને અનુરૂપ એક જથ્થે અને તે જમીનના છેવાડે અન્ય ઉપયોગમાં લઈ શકાય તે રીતેની હોવી જોઈએ. આવી બાબતમાં પણ કલેક્ટર કક્ષાએ ૪ એકર સુધીની સત્તા મર્યાદા રહેશે. અને તેથી વિશેષ ક્ષેત્રફળ હોય તો સરકારની મંજૂરી માટે રજૂ કરવાની રહેશે.
ઉપર મુજબની જોગવાઈ આ ઠરાવની તારીખથી લાગુ કરવાની રહેશે. તથા તા. ૦૭-૦૫-૭૭ તથા તા. ૧૨-૪-૯૧ના ઠરાવની જોગવાઈ પ્રમાણે આ ઠરાવની તારીખ સુધીમાં માપણી વધારો નિયમિત કરવામાં આવેલ હોય તેવા કોઈ પણ કેસની પુનઃસમીક્ષા કરવાની રહેશે નહીં. આમ છતાં મૂળ માપણી વધારાની તા. ૦૭-૦૫-૭૭ અને તા. ૧૧-૦૪-૯૧ના ઠરાવની જોગવાઈઓના ભંગ કરીને અથવા ખોટું અર્થઘટન કરીને લીધેલા નિર્ણય સક્ષમ કક્ષાએ સમીક્ષાને પાત્ર રહેશે. આ ઠરાવની તારીખે જે કિસ્સાઓમાં નિર્ણય બાકી હોય તેવા કિસ્સાઓને તથા તા. ૦૭-૦૫-૧૯૭૭ અને તા. ૧૧-૦૪- ૧૯૯૧ના ઠરાવના અમલ સંદર્ભે હવે પછી ઉપસ્થિત થતા કિસ્સાઓમાં આ ઠરાવની જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.
સ્ત્રોત: દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટિસ બ્લોગ