વિવિધ બિલની ચૂકવણીનું સલામત માધ્યમ ઈ-વોલેટ
ઓનલાઈન પેમેન્ટ કરવું આધુનિક સમયની માગ છે. યુવા પેઢીમાં નાના-મોટા બિલ ઓનલાઈન ચૂકવવાનું ચલણ તદ્દન સામાન્ય બની ગયું છે.
પરંતુ તેમને મનમાં હમેશાં એવો ફફડાટ રહે છે કે ચૂકવણી કરતી વખતે બેંકમાં પડેલા જમા નાણાં પર કોઈ હાથ સાફ ન કરી લે. જોકે તેમનો સાઈબર ક્રાઈમનો આ ભય દૂર કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે ઈ-વોલેટ. ઈ-વોલેટ દ્વારા તે પોતાના બિલો સુરક્ષિત રીતે ચૂકવી શકે છે. વળી આજની તારીખમાં પેટીએમ, ફ્રીચાર્જ, એસબીઆઈ બડી (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા), મોબીલિક્સ જેવા સંખ્યાબંધ ઈ-વોલેટ ઉપલબ્ધ છે.
તેવી જ રીતે ઘણી બેંકોએ પણ પોતાના ઈ-વોલેટ શરૃ કર્યાં છે. આજે આપણે આ ઈ-વોલેટ શી રીતે આપણને મદદ કરી શકે તેમ જ તેનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તેની વાત કરીશું. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે...
- તમારા એન્ડ્રોઈડ ફોનના પ્લેસ્ટોરમાં જઈને તમે કોઈપણ મોબાઈલ વોલેટ ડાઉનલોડ કરી શકો છો.
- મોટાભાગના ઈ-વોલેટ સ્માર્ટફોન દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે સાધારણ ફોન ઉપયોગમાં લેવાવાળા લોકો માટે ભારત સરકારે યુપીઆઈ ઈ-વોલેટ લોંચ કર્યું છે.
- દરેક ઈ-વોલેટમાં તમે કરેલી ચૂકવણીની વિગતો હોય છે. તમે કઈ તારીખે ક્યાં ક્યાં પૈસા ચૂકવ્યા તેની માહિતી ટ્રાન્જેક્શન વિષયક વિકલ્પમાં જઈને જોઈ શકાય છે.
- ઈ-વોલેટ કઈ કઈ ઓફરો આપે છે તેની માહિતી તેના વપરાશકર્તાઓને નોટિફિકેશનના માધ્યમથી નિયમિત રીતે મળતી રહે છે.
- ઓનલાઈન બેંકિંગના માધ્યમથી તમે જે જે ચૂકવણી કરો ત્યારે તમારા હિસાબ-કિતાબના ડિજિટલ લેખા-જોખા કે રસીદના રેકોર્ડ તમારી પાસે હોય છે. જરૃર પડયે તમે તેને જોઈ શકો છો અને પ્રિન્ટ પણ કરી શકો છો.
- આ પેમેન્ટ ટૂલની મદદથી કોઈપણ ચૂકવણી કર્યા પછી વપરાશકર્તાનું ખાતું અપડેટ થતું રહે છે.
- ઘણી વખત ચોક્કસ સેવાનો ઉપયોગ કે ખરીદી કરવામાં આવે ત્યારે ગ્રાહકોને રિવોર્ડ પોઈંટ્સ આપવામાં આવે છે. તેઓ તેનો ઉપયોગ અન્ય ખરીદી વખતે કરી શકે છે.
- કેટલાંક વોલેટ એવાં પણ છે જેનો ઉપયોગ કરવાથી કેટલાંક સ્ટોર્સમાંથી ફ્રી કૂપન મળે છે. કેટલાંક વોલેટ્સ તહેવારો દરમિયાન પોતાના વપરાશકર્તાઓ માટે લોભામણી સ્કીમ્સ પણ લઈ આવે છે.
- કેટલીક ઈ-વોલેટ ચોક્કસ રેસ્ટોરાંમાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવે તો વિવિધ પ્રકારની છૂટ પણ આપે છે. તેથી કિટી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટીનું આયોજન કરતી વખતે જે તે વ્યક્તિએ પોતાના ઈ-વોલેટ પર કઈ કઈ રેસ્ટોરાંમાં છૂટ મળે છે તે તપાસી લેવું જોઈએ.
- ઘરમાં લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ ઉજવણી હોય ત્યારે તેની મોટાભાગની ખરીદીની જવાબદારી મહિલાઓના શિરે હોય છે. અને આટલી બધી ખરીદી કરવાની હોય ત્યારે ટ્રેન-બસમાં કે ભીડભરી બજારોમાં પુષ્કળ રોકડ લઈને જવું જોખમી બની જાય છે. આવી સ્થિતિમાં ઈ-વોલેટ સલામત વિકલ્પ બની રહે છે. જે તે માનુની પોતાના મોબાઈલ વોલેટની મદદથી નિશ્ચિંત બનીને ખરીદીના બિલોની ચૂકવણી કરી શકે છે.
- લગ્ન પ્રસંગની ખરીદી ઉપરાંત ઘરમાં રાશન લાવવા માટે પણ ઈ-વોલેટનો ઉપયોગ કરી શકાય. આવી ખરીદી કરતી વખતે તમને કેશબેક કે અન્ય કોઈ ફાયદો પણ થઈ શકે છે.
- મોબાઈલ રિચાર્જ કરાવવાનું હોય, લેન્ડલાઈન ફોનનું બિલ ચૂકવવાનું હોય કે ડીટીએચ માટે પૈસા ભરવાના હોય ત્યારે તમારે અન્ય કોઈની મદદ લેવાની કે દોડધામ કરવાની જરૃર નથી પડતી. આ બધાં કામ તમે ઈ-વોલેટની મદદથી આસાનીથી કરી શકો છો.
- ફિલ્મોની ટિકિટ બુક કરાવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
- નોકરી કરતાં પતિ-પત્ની પાસે પોતાના સંતાનોની શાળામાં ફી ભરવા જવાનો સમય નથી હોતો. પરંતુ તેઓ ઈ-વોલેટ પેટીએમનો ઉપયોગ કરીને આ કામ કરી શકે છે.
- શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુ માટે કે નોકરીની શોધમાં, નોકરિયાત લોકોને પોતાની ઓફિસના કામ માટે અન્ય શહેરોમાં કે પછી વિદેશમાં જવાની જરૃર પડે છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની રેલવે કે વિમાન પ્રવાસની ટિકિટો ઈ-વોલેટે દ્વારા ચૂકવણી કરીને બુક કરાવી શકે છે.
- સડક પ્રવાસ માટે હવે કેબ બુક કરાવવાનું ચલણ સામાન્ય બની ગયું છે. ઈ-વોલેટ દ્વારા પેમેન્ટ કરવાથી ઘણાં કેબ સર્વિસ પ્રોવાઈડરો તેના ઉપર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
- ટ્રેડિશનલ ફંડ ટ્રાન્સફરની તુલનામાં મોબાઈલ વોલેટથી ફંડ ટ્રાન્સફર કરવાથી ઓછો ચાર્જ આપવો પડે છે.
- મોટાભાગના ઈ-વોલેટ ૨૪ટ૭ કામ કરતાં હોય છે. તેથી ગ્રાહક પોતાની સુવિધા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.
- પર્યટનનું આયોજન કરતી વખતે ટિકિટ બુકિંગ ઉપરાંત હોટેલોના બુકિંગ માટે પણ ઈ-વોલેટ ઉપયોગી થઈ પડે છે.
સ્ત્રોત: વૈશાલી ઠક્કર, સહિયર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.