નાની રકમની પર્સનલ લોન લેવા માટે હવે તમારે બેન્કમાં જવાની કે બેન્કના કર્મચારીને ફોન કરવાની જરૂર નથી. ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કો એટીએમનો ચૂકવણીના પોઈન્ટ તરીકે ઉપયોગ કરી ગ્રાહકોને પ્રી-અપ્રૂવ્ડ લોનની સુવિધા પૂરી પાડે છે. લોનની રકમ ગ્રાહકની ટ્રાન્ઝેક્શનનો ઈતિહાસ, ખાતાંનું બેલેન્સ, ખાતામાં જમાં થતું વેતન તથા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા થતી ચૂકવણીની ગણતરીને આધારે નક્કી થાય છે.
એટીએમ દ્વારા તમે તમારી બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકી શકો છો. આ માટે એટીએમના ઓપન ફિક્સ્ડ ડિપોઝિટ મેનુમાં જઈ ફિક્સ્ડ ડિપોઝિટનો સમય તથા રકમ લખવા ઉપરાંત અન્ય જરૂરી વિગતો ભરી કન્ફર્મ કરવાનું રહે છે.
જો તમારી પાસે નેટબેન્કિંગની સુવિધા ના હોય તો તમે એટીએમની મદદથી તમારા ખાતામાંથી અન્ય બેન્કના ખાતામાં રોકડ ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે જે ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાની હોય તે ખાતાની નોંધ ઓનલાઈન અથવા બેન્કની શાખામાં કરાવવાની રહે છે. એક દિવસમાં 40,000 જેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે.
મોટાભાગના મોબાઈલ ઓપરેટર્સની પ્રીપેડ સર્વિસિસ એટીએમ દ્વારા રિચાર્જ કરાવી શકાય છે. આ જ પ્રમાણે તમે તમારા મિત્રો કે પરિવારના સભ્યોના મોબાઈલ ફોન પણ રિચાર્જ કરાવી શકો છો. આ માટે એટીએમના મેનુમાં મોબાઈલ રિચાર્જ સિલેક્ટ કરી મોબાઈલ નંબર એન્ટર કરો. ત્યારબાદ ફરીથી નંબર કન્ફર્મ કરી અને રિચાર્જની રકમ એન્ટર કરો.
એટીએમની મદદથી તમે ટેલિફોન, વીજળી, ગેસ તથા અન્ય બિલોની ચૂકવણી કરી શકો છો. આ માટે તમારે આ તમામ સર્વિસ પ્રોવાઈડર્સની નોંધણી બેન્કની વેબસાઈટ પર કરવાની રહે છે.
કેટલીક બેન્કો તેમના એટીએમ દ્વારા ઈન્કમટેક્સ ભરવાની સુવિધા પણ પૂરી પાડે છે. જેમાં એડવાન્સ ટેક્સ, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ઉપરાંત નિયમિત આકારણી બાદના ટેક્સની બાકી રકમ ભરવાનો પણ સમાવેશ થાય છે. આ માટે તમારે બેન્કની વેબસાઈટ અથવા તો તેની શાખામાં જઈને નોંધણી કરાવવાની રહેશે. તમારા ખાતામાંથી રકમ કપાઈ ગયા બાદ એટીએમ એક યુનિક નંબર(CIN) જનરેટ કરશે. તેના 24 કલાક પછી તમે બેન્કની વેબસાઈટ પર જઈ CINની મદદથી ચલણની પ્રિન્ટ કાઢી શકશો.
એસબીઆઈ તથા પંજાબ નેશનલ બેન્ક જેવી કેટલીક સરકારી બેન્કો કેટલાંક પસંદગીના રેલ્વે સ્ટેશનોએ રેલ્વે ટિકિટ બૂકિંગની પણ સુવિધા પૂરી પાડે છે. હાલના તબક્કે માત્ર લાંબા અંતરની મુસાફરીની ટિકિટો જ બૂક કરાવી શકાય છે.
ઘણી બેન્કોએ એટીએમ કિઓસ્કની સાથે જ કેશ ડિપોઝિટ મશિન પણ મુક્યાં છે. જેમાં એક સમયે રૂ.49,000 સુધીની રોકડ જમાં કરાવી શકાય છે. તેમાં રૂ. 100, 500 અને 1,000ની ચલણી નોટો સ્વીકારાય છે.
એલઆઈસી, એચડીએફસી લાઈફ તથા એસબીઆઈ લાઈફ જેવી વીમા કંપનીઓએ એટીએમ દ્વારા પ્રીમિયમની ચૂકવણી માટે બેન્કો સાથે જોડાણ કર્યું છે. આ માટે તમારે તમારી વીમા પોલિસીનો નંબર યાદ રાખવો જરૂરી છે. એટીએમના મેનુમાં ‘બિલ પે’ વિકલ્પ પસંદ કરી તમારી વીમા કંપની પસંદ કરો. ત્યારબાદ પોલિસી નંબર તથા જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર એન્ટર કરો. આટલું કર્યા બાદ પ્રીમિયમની રકમ એન્ટર કરી તેને કન્ફર્મ કરો.
આમાંથી કેટલાંક કામો જેમ કે રોકડ ટ્રાન્સફર કરવી, બિલની ચૂકવણી, રેલ્વે ટિકિટ બૂક કરવી કે પછી વીમાનું પ્રીમિયમ ભરવું વગેરે માટે હવે એટીએમ સુધી જવાની પણ જરૂર નથી. આ કામો હવે નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગથી પણ કરી શકાય છે.
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/13/2018