જનતાની સામેલગીરીને કારણે સેબી એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે આવી કંપનીઓ ખાસ કરીને લઘુમતી ધરાવતા શેરહોલ્ડર્સની બાબતમાં વાજબી અને ન્યાયી રીતે વર્તે. દા.ત. આવી કંપનીઓમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોવું જરૂરી છે, જેમાં ઓછામાં ઓછા અડધા ભાગના સભ્યો પ્રમોટર્સ/કંપનીથી સ્વતંત્ર, અલગ હોય. આ ઉપરાંત કંપનીઓએ લિસ્ટિંગ એગ્રીમેન્ટનું પાલન કરવાનું હોય છે, જે અન્ય બાબતો સાથે જ સૂચિત ફોર્મેટ અને ચોક્કસ અંતરે માહિતીની જાહેરાતો (ડિસ્ક્લોઝર્સ) સતત થતી રહેવી જોઈએ એવું નિર્ધારિત કરે છે.
આઈપીઓ / એફપીઓ કરનારી કોઈ પણ કંપનીએ ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ સેબીનાં નિરીક્ષણો માટે સેબીમાં સુપરત કરવું જરૂરી છે. ઈશ્યુનું કદ રૂપિયા 100 કરોડ સુધીનું હોય એવા ઈશ્યુઓ સંબંધિત ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ, બોર્ડના સંબંધિત પ્રાદેશિક કાર્યાલય કે જેના અધિકાર ક્ષેત્ર હેઠળ ઈશ્યુઅર કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પડતી હોય ત્યાં ફાઈલ કરવો જોઈએ. સેબીના અધિકારીઓ જુદા-જુદા સ્તરે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ 2009નું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરે છે અને ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટમાં તમામ આવશ્યક માહિતી જાહેર થઈ છે એની ખાતરી કરે છે.
સેબીનો નિરીક્ષણ પત્ર માત્ર 3 મહિના અમલમાં રહે છે. એટલે કે કંપનીએ 3 મહિનાના ગાળામાં તેનો ઈશ્યુ લાવવો પડે છે.
સેબી નથી કોઈ ઈશ્યુ માટે ભલામણ કરતું કે નથી કોઈ પ્રોજેક્ટ કે યોજનાની નાણાકીય સધ્ધરતા માટે કોઈ જવાબદારી લેતું, જેના માટે ઈશ્યુ લાવવાની દરખાસ્ત મુકાઈ છે. સેબી ઓફર ડોક્યુમેન્ટમાં કરાયેલાં નિવેદનો કે વ્યક્ત કરાયેલા અભિપ્રાયોની સચ્ચાઈ માટે પણ કોઈ જવાબદારી લેતું નથી.
સેબીને ઓફર ડોક્યુમેન્ટ સુપરત કર્યું એટલે એનો મતલબ એવો નથી થતો કે તેને સેબીએ મંજૂરી આપી દીધી છે. લીડ મેનેજર એમ પ્રમાણિત કરે છે કે ઓફર ડોક્યુમેન્ટમાં કરાયેલી જાહેરાતો સામાન્યપણે પર્યાપ્ત છે અને એ સમયે અમલમાં રહેલી રોકાણકારોના રક્ષણ અને જાહેરાતો અંગેની સેબીની માર્ગદર્શિકાઓને અનુરૂપ જ છે. રોકાણકારો સૂચિત ઈશ્યુમાં રોકાણ કરવા માટે જાણકારી આધારિત નિર્ણય લઈ શકે એ માટે આ નિયમ બનાવાયો છે.
રોકાણકારોએ ઓફર ડોક્યુમેન્ટમાં જાહેર કરાયેલી માહિતીના આધારે પોતે જાતે સુમાહિતગાર નિર્ણય લેવો જોઈએ. સેબી પોતાને કોઈ પણ ઈશ્યુ / ઈશ્યુઅર સાથે સાંકળતું નથી અને કોઈ રીતે એમ ધારી લેવું ન જોઈએ કે રોકાણકાર એ ઈશ્યુ મારફતે જે રોકાણ કરવા માગે છે એ નાણાંની બાંયધરી સેબી આપે છે. જોકે સામાન્યપણે રોકાણકારોને કોઈ પણ રોકાણ કરવા પહેલાં જોખમી પરિબળો સહિત ઈશ્યુને લગતી બધી જ નક્કર હકીકતોનો અભ્યાસ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. બિનસત્તાવાર સાધનો મારફતે ‘ટિપ્સ’ કે સમાચારોથી દોરવાઈ જવા સામે તેમને ભારપૂર્વક સાવધ કરવામાં આવે છે.
સ્ત્રોત: ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020