સરકાર દ્વારા શરૂ કરાયેલા આત્મા પ્રોજેકટ વિશે જાણકારી મળતાં પ્રકાશભાઇને ખેતીમાં નસીબ ખૂલ્યા ઉત્તમ ખેતીની કહેવતને સાર્થક કરતા ઉમરગામ સરોંડાના ખેડૂત પ્રકાશભાઇ પટેલ, નાના ખેડૂતો માટે પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન સસ્તી અને ફાયદાકારક.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આત્મા પ્રોજેકટ વિશે તેઓને જાણકારી મળતાં પ્રકાશભાઇની ખેતીના નસીબ ખૂલ્યા. આ પ્રોજેકટ હેઠળ વિવિધ તાલીમો લીધી. અનુભવો મેળવ્યા અને પોતાની ખેતીમાં કષિ જ્ઞાન સાથે પોતાની કોઠાસૂઝને પણ અપનાવી. હાલમાં તેમણે પોતાની ૪૦ ગુંઠા જમીનમાં ટામેટાંની ખેતી કરી છે. જેમાં પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન કરવામાં આવ્યું છે. દોઢેક માસમાં ટામેટાનું વેચાણ ચાલુ થઇ ગયું છે. હાલ દર ત્રીજા દિવસની પ્રતિ લણણીમાં ૪ થી પ મણ ટામેટાંનું ઉત્પાદન મળી રહ્યું છે.
ઉમરગામ તાલુકાના સરોંડા ગામના પ્રકાશભાઇ પટેલ ગર્વથી કહી રહ્યા છે. આમ તો પ્રકાશભાઇએ આર્ટ ટીચર્સ ડિપ્લોમા (એ.ટી.ડી) કરી બે વર્ષ જેટલો સમય નોકરી કરી જોઇ, પરંતુ ખેતીમાં વધુ લગાવ હોવાને કારણે તેમણે ખેતીમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં પરંપરાગત ખેતી કરી, પણ તેમાં તેઓ ઝાઝું ઉત્પાદન મેળવી શકતા ન હતા.
પ્રકાશભાઈ ને આશા છે કે, ચારથી પાંચ ટન જેટલા ટામેટાનું ઉત્પાદન થશે. પ્રકાશભાઇ આ ટામેટાનું ગ્રેડિંગ કરી વાપી અને નારગોલ વિસ્તારમાં છૂટક વેચાણમાં ગ્રાહકોને માર્કેટભાવ કરતાં ઓછા ભાવે આપે છે. આમ તો ટામેટાં નાસિકના વખણાય પરંતુ આજે આ સરોંડા ગામના ટામેટાએ પણ માર્કેટમાં અનોખી ઓળખ ઉભી કરી છે. વલસાડ જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ બાબતે પ્રેરણા લઈ આધુનિક ખેતી તરફ વળે તો સારી આવક મેળવી શકે છે.
પેપ્સી ડ્રીપ ઈરીગેશન પિયત પદ્ધતિ અંગે પ્રકાશભાઇ કહે છે, આજે ખેતી કરવી હોય તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું ખૂબ જરૂરી છે. પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન નાના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે. આ પિયત પધ્ધતિના ફાયદા જોઇએ તો તે ખૂબ જ ઓછા ખર્ચે નાંખી શકાય છે. સમગ્ર ખેતી વિસ્તારને માત્ર અડધો કલાકમાં જ પાણી આપી શકાતું હોવાથી પાણી, વિજળી અને સમયનો બચાવ કરી શકાય. સાથે ખાતર પણ પાણી સાથે જ આપવામાં આવતું હોવાથી ૯૦ ટકા રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી શકાય છે, તેમજ નિંદામણ પણ કરવાનું થતું નથી, જેથી મજુરી ખર્ચ ઘટે છે. આ પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન કયારેય બ્લોક થતી નથી. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળે છે.
વિશેષ એમની કોઠાસૂઝની વાત કરીએ તો ટામેટાના ખેતરમાં ફરતે ગલગોટાના છોડ ઉગાડવામાં આવ્યા છે. જેના ઉપર થતા ઢાલીયા કીટકથી ફૂગના રોગનું નિયંત્રણ કરી શકાય છે. સાથે વર્મીકોમ્પોઝ, સેન્દ્રીય તથા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. વર્મીકમ્પોસ્ટ ખાતર પોતાની વાડીમાં જ બનાવીને ઉપયોગમાં લે છે. પ્રકાશભાઇ ખેતી સાથે રીંગણ, ટામેટાં, ફલાવર, કોબી, મરચીનું ધરૂ, સફેદ જાબું, આબાંની કલમો, કેરીનું અથાણું, નાળિયેરનું છૂટક વેચાણ કરી પૂરક આવક મેળવી રહ્યા છે. આમ ઉંમરગામ વિસ્તારમાં ખેતી કરતાં પ્રકાશભાઈ આ વિસ્તારના ખેડૂતો માટે ઘણાં પ્રેરણાદાયક સાબિત થઈ રહ્યાં છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પોતાની આવડતનો અનુભવ આપી રહ્યાં છે.
આત્મા પ્રોજેકટથી પ્રેરાઇને પ્રકાશભાઇએ 'શ્રી’ પધ્ધતિથી કરેલી ડાંગરની ખેતીના મબલખ ઉત્પાદન માટે કષિ મહોત્સવ-૨૦૧પ દરમિયાન એમને ઇનામથી સન્માનવામાં આવનાર હોવાનું પણ શ્રી પ્રકાશભાઇ જણાવે છે. આ નવતર પ્રયોગની વધુ જાણકારી માટે પ્રકાશભાઇના મોબાઇલનં.૯૬૬૨૬ ૮૩૧૬૬ ઉપરથી મેળવી શકાય છે.
સ્ત્રોત : ભાસ્કર સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024