સુરત સહિત ભારતના મોટાભાગના લોકોની રોજનીશી સવારે ઉઠી સ્નાન કરીને ભગવાનની ભક્તિ કરવાની છે. પરંતુ સુરતનો એક પર્યાવરણ પ્રેમી પરિવાર એવો છે કે સવારે ઉઠીને બે કલાક સુધી પહેલા ફુલ-છોડની માવજત કરી પછી ભગવાનની ભક્તિ કરે છે. આટલું જ નહીં પરંતુ પોતાના ઘરને મીની જંગલમાં ફેરવી નાંખનારા આ પરિવારના ઘરની આસપાસ એટલા બધા ફુલ છોડ છે કે ઘરનો દરવાજો શોધવા ફરવું પડે છે. ઘરની આસપાસના વાતાવરણને મીની જંગલ જેવુ બનાવનારા આ પરિવારને ઘણાં લોકો ક્રેઝી તો ઘણાં લોકો સાચા પર્યાવરણ પ્રેમી ગણી રહ્યાં છે.
સુરત સહિત સમગ્ર વિશ્વમાં આવતીકાલે વિશ્વ પર્યાવરવણ દિવસની ઉજવણી કરવામાં આવશે પરંતુ સુરતમાં એક એવો પરિવાર છે જેના માટે વર્ષના ૩૬૫ દિવસ પર્યાવરણ દિવસ છે. સુરતના સિમેન્ટ કોંક્રીટના જંગલ વચ્ચે રાંદેર રોડના એક પરિવારે પોતાના ઘરને જ મીની જંગલમાં ફેરવી દીધું છે. ઘરને જ લીલુછમ બનાવવા પાછળ આ પરિવાર લોહી-પરસેવો એક કરી દે છે. રોજ સવારે ઉઠીને આ પરિવાર પોતાના બે કલાક પોતે ઉછરેલા ફુલ છોડ તથા વૃક્ષની માવજત માટે આપે છે.
સુરતના રાંદેર રોડ પર ઋષભ સર્કલ નજીક મોરાર નગર સોસાયટીમાં રહેતાં કાપડિયા પરિવારને આ વિસ્તારના લોકો પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખે છે. આ પરિવારના ઘરનો બહારનો ભાગ જાણે મીની ગીચ જંગલ હોય તેવો બનાવી દેવાયો છે. ૨૫ વર્ષથી પણ વધુ જુના વૃક્ષો આ ઘરની આસપાસ છે. પોતાના ઘરને કુદરતી વાતારવણ આપનારા અશોકભાઈ કાપડિયા પોતે ફોટોગ્રાફર છે. વર્ષોથી તેઓને વૃક્ષ પ્રત્યે પ્રેમ તો હતો જ પરંતુ તેઓ ફોટોગ્રાફીના વ્યવસાયમાં ઘણી વખત વિદેશ ગયાં હતા. દુબઈ જેવા રેતાળ પ્રદેશ અને એરપોર્ટ સહિત અનેક જગ્યાએ ત્યાં હરિયાળી હોય તો આપણે ત્યાં તો હરિયાળીને અનુરૃપ વાતાવરણ હોય તો પછી અહી કેમ હરિયાળી નહીં તે વાત બાદ અમે ઘરની હરિયાળી વધારી દીધી છે.
અશોકભાઈના પત્ની અંજુબેન કહે છે, અમારા માટે તો આ વૃક્ષ અને છોડ અમારા બાળક જેવા છે. રોજ સવારે પ્રભુ ભક્તિ કરતાં પહેલાં વૃક્ષની માવજત કરીએ છીએ. મારી સાથે મારા માતા હંસાબેન પણ ફુલ છોડની માવજત કરે છે. ઘરની આસપાસ વધુ પ્રમાણમાં ફુલ-છોડ અને વૃક્ષ હોવાથી કોઈ મુશ્કેલી પડે છે ખરી?આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, મુશ્કેલી તો કોઈ પડતી નથી પરંતુ અનેક લાભ થયાં છે. આ હરિયાળીના કારણે અમારે ત્યાં નવા નવા પક્ષી તથા પતંગીયાઓ પણ સમયાંતરે જોવા મળે છે.
તેઓ વધુમાં કહે છે, રવિવારે રજા હોવાથી મોટા ભાગના લોકો ફિલ્મ જોવા કે ગાર્ડનમાં ફરવા જાય છે. પરંતુ અમારા માટે તો અમારૃ ઘર જ ગાર્ડન છે તેથી અમારો આખો પરિવાર રવિવારના દિવસે કલાકો સુધી ફુલછોડની માવજત પાછળ વિતાવે છે. આ ઉપરાંત તેઓ કહે છે, લોકો તો એક દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીને ભુલી જશે પરંતુ અમારા માટે તો વર્ષના ૩૬૫ દિવસ પર્યાવરણ દિવસ છે.પાલિકા આડેધડ વૃક્ષ કાપે તો કેટલાક બાળકોની જેમ ઉછેરે
શહેરમાં અનેક લોકોના ઘરમાં કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન છે
સુરત મહાનગરપાલિકાએ હાલમાં વૃક્ષ વાવોને બદલે વૃક્ષ કાપો અભિયાન હાથ ધર્યું છે. બી.આર.ટી.એસ. રૃટના નામે પાલિકા આડેધડ વૃક્ષ કાપી રહી છે. તો બીજી તરફ કેટલાક લોકો વૃક્ષ-છોડને પોતાના સંતાનોની જેમ ઉછેરી રહ્યાં છે.
સુરતના ઋષભ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાના ઘરને મીની જંગલ બનાવી દીધું છે. આ ઉપરાંત સુરતમાં અનેક લોકોએ પોતાના ઘરમાં કિચન ગાર્ડન બનાવ્યા છે તો કેટલાક લોકોએ ટેરેસ ગાર્ડન પણ બનાવ્યા છે. જો લોકો રો હાઉસ કે ગાળા ટાઈપ મકાનોમાં રહે છે તે લોકોએ પણ પોતાના ઘરની આસપાસ વૃક્ષ રોપ્યા છે. આટલું જ નહીં પંરતુ મોટાભાગના લોકો આ વૃક્ષની યોગ્ય માવજત પણ કરે છે. સુરતના લોકો પાસે વૃક્ષની માવજત કરવાનું સુરત પાલિકા શીખે અને તેનું અનુકરણ કરે તો સાચા અર્થમાં સુરત હરિયાળુ બની શકે તેમ છે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024