આ વાત એક નાના ખેડૂતની છે, જેણે સૂકી જમીનમાંથી ન્યુનતમ જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષરત પરિસ્થિતિથી કશુંક અલગ કરવાનું વિચાર્યું. 'જીવન પ્રત્યેના ઉંડા પ્રેમે' તેમને માત્ર સારી આવક જ નથી આપી, પરન્તુ એથી પણ વિશેષ બીજા ખેડૂતોને તેમનું અનુકરણ કરવાની પ્રેરણા આપી છે.
એક યુવાન ખેડૂત ચંદ્રાન્ના અગાઉ “નર્સરી ચંદ્રાન્ના”ના નામે ઓળખાતા હતા અને હવે 'વર્મિકમ્પોસ્ટ ચંદ્રાન્ના'ના નામે ઓળખાય છે. ત્રણ વર્ષમાં તેમણે વર્મિકમ્પોસ્ટ અને અળસિયાનું વેચાણ કરી રૂ. 1.4 લાખની આવક મેળવી છે. આ વાત એ વિસ્તારમાં પરીકથા સમાન છે, જ્યાં તેના જેવા ખેડૂતોની સરેરાશ વાર્ષિક આવક રૂ. 15,000થી વધારે નહોતી.
તુમકુર્લહલ્લી ચંદ્રાન્નાનું ગામ છે. ત્યાં 650 ઘરો છે. તે કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના મોલકલમુરુ તાલુકાનું વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતું એક આદર્શ ગામ છે. આ ગામમાં મોટાભાગે પછાત સમુદાયોના લોકો રહે છે. ત્યાંની કુલ 3800ની વસતીમાં 410 અનુસૂચિત જાતિના, 100 મુસલમાન અને 100 લિંગાયત પરિવાર છે. ગામમાં લગભગ 3322 હેક્ટર જમીન છે, જેમાં 15 ટકા સૂકી જમીન છે તથા 3.5 ટકા જમીનને બોરવેલનું પાણી પ્રાપ્ય છે. બાકીની 2695 (81.5 ટકા) હેક્ટર જમીન સામાન્ય છે, જેમાં ખરાબો તથા ગૌચર માટેની જમીન અને 'સંરક્ષિત વન' છે, જ્યાં કયારેક માત્ર ઘાસ અને ઝાડી-ઝાંખરા દેખાય છે. સામાન્ય રીતે અહીંની જમીન છીછરી, લાલ રેતાળ છે. અહીંની જમીનો પથરાળ હોવાને કારણે આ ગામ ફળદાયી ખેતી માટે અનુકૂળ નથી. વાર્ષિક વરસાદ માત્ર 500 મિમી હોવાના કારણે ખેડૂતોને મગફળીની ખેતી ઉપર નિર્ભર રહેવું પડે છે, જે વર્ષે દર વર્ષે થતો રોકડિયો પાક છે. 30 વર્ષમાં માત્ર મગફળીની ખેતીના કારણે ઉપજદર ઘટીને 8 ક્વિંટલ પ્રતિ હેક્ટરના દયાજનક સ્તરે સુધી પહોંચી ગયો છે. કૃષિમાં કોઈ આકર્ષક વાત નથી તેમ છતાં લોકો આજીવિકા માટે અત્યારે માત્ર કૃષિ અને મજૂરી ઉપર નિર્ભર છે.
જ્યાં ખેતીને લગતો કોઈ ચમત્કાર ભાગ્યે જ થતો હશે તેવા ગામમાં ચંદ્રાન્નાની ઘટના સાબિત કરે છે કે, ઊંડી રૂચિ અને પોતાની જાત ઉપર ભરોસો ખેતીને આવકનું એક વિશ્વાસપાત્ર સાધન બનાવી શકે છે. કેમ કે, આ કોઈ રાતોરાત મળનારી સફળતાની વાત નથી, પરન્તુ ગામના ખેડૂતોને ઘણી બધી એજન્સીઓએ આપેલી તકોનો ઉપયોગ કરવાની વાત છે. એક ગરીબ ખેડૂત પરિવારના ચંદ્રાન્નાને વિરાસતમાં 3 એકર સૂકી જમીન મળી હતી, જેનો એક ભાગ ખેતી યોગ્ય નથી. એટલે, આજીવિકા માટે 2 એકર જમીન ઉપર ખેતી કરવા કરતા મજૂરી કરવી એ પરિવાર માટે અત્યંત મહત્વનો સ્રોત હતો. તેના માતા-પિતા પોતાના એકમાત્ર છોકરાના ભણાવવા માગતા હતા. પરન્તુ સ્નાતક થવું ગરીબીના લીધે શક્ય નહોતું. પાછા આવીને માતા-પિતા સાથે ખેતી કરવા માટે તેઓ મજબૂર હતા. કર્ણાટક વૉટરશેડ ડેવલપમેન્ટ (KAWAD) પરિયોજનામાં એએમઈ ફાઉંડેશન એક સંસાધન એજન્સી હતી. તેમાં ચંદ્રાન્ના સ્વ-સહાય જૂથમાં જોડાઈ ગયા
ચંદ્રાન્નાએ વર્ષ 2000માં તિપ્તુરની બૈફ ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ, કર્ણાટક (BIRDK) આયોજિત નર્સરી ઉગાડવાની તાલીમમાં ભાગ લીધો. પરન્તુ તેમને વર્મિકમ્પોસ્ટિંગ વિશે જાણવાની વધારે જિજ્ઞાસા હતી, જેના વિશે તે વખતે ખેડૂતોના અન્ય જૂથો માટે તે સ્થળે એક અન્ય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જ્યારે પણ મોકો મળે ત્યારે ચંદ્રાન્ના તે જૂથમાં જોડાઈ જતા. તેમને અળાસિયા પેદા કરવાની અને વર્મીકમ્પોસ્ટ તેયાર કરવાની રીતમાં અત્યંત રસ પડ્યો.
નર્સરી તાલીમ પછી તેમના જૂથને 15,000 રોપાની નર્સરીની કામગીરી આપવામાં આવી. આ કાર્યની જવાબદારી ચંદ્રાન્નાને આપવામાં આવી. વર્ષ 2000થી લગાતાર ત્રણ વર્ષ સુધી તેમણે નર્સરીનું કામ કર્યું. 2003માં વૉટરશેડ પ્રોજેક્ટમાં તેમની નર્સરીને શ્રેષ્ઠ ગણવામાં આવી અને ચંદ્રાન્ના 'નર્સરી ચંદ્રાન્ના'ના નામે પ્રસિદ્ધ થઈ ગયા.
એક વિનમ્ર શરૂઆત અને તેના પછી આશ્ચર્યકારક પ્રગતિ. વર્મીકમ્પોસ્ટીંગના વિષયમાં જાણવાની તેમની ધગશ ચાલુ જ રહી. તાલીમ સમય તેમણે જે કંઈ થોડું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેના આધારે તેમણે નારિયેળની કાછલીઓમાં ભરીને અળસીયાની સ્થાનિક પ્રજાતિની વૃદ્ધિ કરવાનો પ્રયાસ કર્યો. પરન્તું તેઓ જીવ્યા નહીં.
વર્ષ 2003માં ચંદ્રાન્નાએ કવાડ (KAWAD) પ્રોજેક્ટની મદદથી 6 X 3 X 3 ક્યૂસેક ફુટનું માપ ધરાવતા ચાર વર્મિકમ્પોસ્ટ ખાડા કર્યા. અલબત્ત, તેમને આ ખાડાનો ઉપયોગ કરવાની રીત ખબર નહોતી. ગાર્ડ (GUARD)ના સ્ટાફના એક સભ્યએ 2 કિલોગ્રામ અળસીયા લાવી આપ્યા, જેના ચંદ્રાન્નાએ 300 રૂપિયા આપ્યા. 2 કિલોગ્રામ અળસીયામાંથી તેમણે 2 ક્વિંટલ વર્મિકમ્પોસ્ટ તેયાર કર્યું. જેને ઉપયોગ તેમણે જુવારના પાક માટે 2 એકર જમીનમાં કર્યો. તુમ્કર્લાહલ્લીમાં જુવાર ઉગાડવી એ એક નવો પ્રયોગ હતો. કેમ કે, આની પહેલા કોઈએ પણ આ ગામમાં આ રીતનો પ્રયોગ કર્યેા નહોતો. બે એકરમાંથી તેમને 14 ક્વિંટલ પાક મળ્યો.
વર્ષ 2004માં તેમને 6 ક્વિંટલ સારી ગુણવત્તાળા વર્મીકમ્પોસ્ટના 6 ક્વિન્ટલ તથા ડીએપીના એક થેલા સાથે 2 ટ્રેક્ટર એફ.વાઈ.એમ. (2 ટન)નો ઉપયોગ કર્યો હતો. આ વખતે તેમણે મગફળી ઉગાડી. તેમાંથી તેમને 20 થેલાની ઉપજ મળી, જેનું વજન 9 ક્વિંટલ હતું. વૃક્ષ-આધારીત ખેતીના સ્થળો પર જઇને તેમજ જે ખેડૂતો કમ્પોસ્ટિંગ અને વર્મીકમ્પોસ્ટીંગમાં સફળ થયા હતા તેમની સાથે વાતચીત કરીને ચંદ્રાન્નાએ લાંબાગાળાની કૃષિના વિષયમાં જાણકારી મેળવી. તેમણે નજીકના ગામના પ્રગતિશીલ ખેડૂત બી. જી. કેરે પાસેથી વર્મીકમ્પોસ્ટ વિશે વધારાની જાણકારી મેળવી.
વર્ષ 2005માં ચંદ્રાન્નાએ પીટીડી પ્લોટના એક એકરમાં 6 ક્વિંટલ વર્મીકમ્પોસ્ટ નાંખ્યુ અને તેની સાથે ઉનાળુ ખેડાણ, બીજનો જૈવિક ઉપચાર (રાઈઝોબીયમ અને ટ્રાઇકોડર્મા), જીપ્સમ (50 કિલો)નો ઉપયોગ, બીજના પ્રમાણમાં વધારો (45 કિલો), એકાંતરા પાક અને સેઢાના પાક જેવી અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. પરીણામે એક એકરે 13 ગુણો ઉપજ થઈ, જેમાં તેમને 6.5 ક્વિન્ટલ મગફળી મળી. આ વિસ્તારમાં એ.એમ.ઈ. ફાઉંડેશનના ચાર વર્ષના સમયગાળાના કાર્યક્રમમાં કોઈ ખેડૂતે પ્રાપ્ત કરેલી આ ઉચ્ચતમ ઉપજ હતી. સૌથી વધારે મહત્વની વાત એ હતી કે, દરેક ગુણનું વજન લગભગ 50થી 60 કિલો જેટલું હતું. જ્યારે ચંદ્રાન્નાની ગુણનું વજન 13 ક્વિંટલ હતું. તેમના પડોસી ટિપ્પેસ્વામીની 40 ગુણોઓનું વજન માત્ર 13 ક્વિંટલ હતું.
ઉપજ ખરીદનાર વેપારીઓને આ વાતમાં વિશ્વાસ પડતો નહોતો. ગુણમાં કદાચ પથ્થર તો નથી એવું માનીને વેપારીઓએ ચંદ્રાન્નાને ગુણ ખાલી કરવા માટે કહ્યું. પરન્તુ એ વિસ્મયકારક બાબત હતી કે મગફળીની એક ગુણનું વજન 50 કિલોથી વધારે હતું. એકસરખો પાકેલો દાણો અને યોગ્ય રીતે ભરવાની પ્રક્રિયાએ મગફળીની ગુણવત્તા વધારી દીધી.
એક નફાકારક ઉદ્યોગચંદ્રાન્નાએ વર્મીકમ્પોસ્ટનું ઉત્પાદન કરીને તેનો ઉપયોગ માત્ર પોતાની 2 એકર જમીન સુધી જ સીમિત રાખ્યો નહી. વર્ષ 2004થી તેમણે અળસીયા તથા વર્મીકમ્પોસ્ટ બંને વેચવાનું ચાલુ કર્યુ. વર્ષ 2004માં તેમણે 124 કિલોગ્રામ અળસીયા રૂ.150 કિલોગ્રામના ભાવથી વેચીને રૂ.18,600ની આવક મેળવી. આ સિવાય તેમણે 15 ક્વિંટલ વર્મીકમ્પોસ્ટ 500 રૂપિયા ક્વિંટલના ભાવે વેચીને બીજી રૂ. 7500ની આવક મેળવી. આ રીતે તેમણે લગભગ 26,100 રૂપિયા મેળવ્યા. મગફળીમાં મળતી આવક કરતા વધારે આવકથી પ્રેરાઇને તેમણે 2005માં અળસીયા અને કમ્પોસ્ટનું ઉત્પાદન વધારી દીધું. આ પ્રયોગ કરતા એમને થોડીક નિષ્ફળતા મળી, પરન્તુ સાથે કઇંક શીખવાનું પણ મળ્યું. એક વખત તેમણે માટી સાથે 30 કિલો અળસીયા વેચવા માટે પેક કરી દીધા, પરન્તુ સોદો થાય એ પહેલા અળસીયા મરી ગયા. આના પછી તેમણે અળસીયાને છાણા સાથે પેક કરીને વેચવાનું શરૂ કરી દીધું. વોટરશેડના પ્રોજેક્ટના અંતિમ વર્ષમાં મોટી સંખ્યામાં ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ ખાડાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો, ત્યારે અળસીયાની માંગ પણ વધી ગઈ. તેમણે 275 કિલો અળસીયાના વેચાણથી (150 રૂપિયા/કિલોના ભાવે) રૂ.41,700 મેળવ્યા અને રૂ.500ના ભાવથી 23 ક્વિંટલ વેચીને રૂ. 11,500 મેળવ્યા. વર્ષ 2005માં તેમણે કુલ રૂ. 53,200ની આવક મેળવી. ત્યાર બાદ તેમણે વર્મીકમ્પોસ્ટના ખાડાની સંખ્યા વધારી દીધી. તેમણે પાકના અવશિષ્ટ ભાગો અને કૃષિ સંબંધિત નકામી ચીજોની શોધ આરંભી. તેમના ખેતરમાં પોંજેમિઆના ચાર ઝાડ, નહેરના કિનારે ઉગેલા વૃક્ષોનો બાયોમાસ અને નીલગીરીના સૂકા પાંદડાએ વર્મીકમ્પોસ્ટના ખાડા માટે કાચા માલનું કામ કર્યુ. વર્મીકમ્પોસ્ટ માટે ગાયના છાણાની જરૂર લાગતા તેમણે એક જોડી બળદ, એક ગાય અને 20 મરઘીઓ પાળી. આવક વધતી રહી. છેલ્લા પચાસ વર્ષમાં ક્યારેય ના પડ્યો હોય તેવો દુકાળ 2006માં પડયો. છતાં ચંદ્રાન્નાએ 285 કિલો અળસીયા તથા 32 ક્વિંટલ વર્મીકમ્પોસ્ટ વેચીને રૂ. 58,750ની કમાણી કરી લીધી. 2003માં તેમની આવક રૂ. 1,38,050 થઈ ગઈ. વાસ્તવિક આવક આનાથી વધારે પણ હોઈ શકે છે. તેમણે રૂ. 1.40 લાખની કમાણી કરી, જેનો પુરાવો તેમના રેકોર્ડમાં નોંધાયેલી તેમની રસીદો છે. તેમના 'ગ્રાહકો'માં મુખ્યત્વે સ્વ-સહાય જૂથ તથા બેલ્લારી, ચિત્રદુર્ગ, બગલકોટ અને બીજાપુર જિલ્લાના બિન-સરકારી સંગઠનના ખેડૂતો છે, જેઓ બિલ વિના કમ્પોસ્ટિ અથવા અળસીયા ખરીદે છે, તેથી તેમની સાથે થયેલા વ્યવહારનો કોઈ રેકોર્ડ સચવાયો નથી. હવે તેઓ સ્વ-સહાય જૂથને 100 રૂ. પ્રતિ કિલોના અલગ ભાવથી વેચે છે. જ્યારે અન્ય માટે 150 રૂ. પ્રતિ કિલો છે. નજીકના ગ્રાહકોને ચંદ્રાન્ના સાથે વેપાર સિવાય સેવા પણ વધારામાં મળે છે. ચંદ્રાન્ના પોતાના ગ્રાહકો જોડે તેમના ખેતરોમાં જાય છે અને અળસીયા સંતોષકારક સંખ્યામાં જીવિત ના હોય તો તેઓ મફતમાં થોડાંક વધારે અળસિયા આપી દે છે.
તેમનું લોકપ્રિય નામ 'નર્સરી ચંદ્રાન્ના' બદલાઇને હવે 'વર્મીક્પોસ્ટ ચંદ્રાન્ના' થઈ ગયું છે. એક નાનકડાં માટીનાં ઘરનો હવે સિમેન્ટની પાકી દીવાલોથી વિસ્તાર થઈ રહ્યો છે અને સાથે ઘરની પાછળ વર્મીકમ્પોસ્ટિંગના ખાડાઓની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી તેમણે પોતાના ગામના અસંખ્ય ખેડૂતોને વૈકલ્પિક ખેતીની પદ્ધતિ અપનાવવા તથા ખાસ કરીને વર્મીકમ્પોસ્ટિંગ અજમાવવા પ્રેરણા આપી છે. બિન-સરકારી સંસ્થાઓ નાની સફળતાઓને જન આંદોલનમાં બદલવા જરૂરી એવા ઉત્પ્રેરકના રૂપમાં ચંદ્રાન્ના જેવા સ્વપ્રેરિત ખેડૂતોની શોધમાં હોય છે. આ એકદમ ઉચિત પ્રકારની પ્રવૃત્તિ છે, જેના દ્વારા ઓછા સંસાધનો ધરાવતા ગરીબ ખેડૂતો વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024