આંધ્ર પ્રદેશના મહબૂબનગર જિલ્લાનું મેંતાપલ્લી અર્ધશુષ્ક ભારતના અન્ય ગામડા જેવું જ છે. અહીં 650 મિ.મી વરસાદ પડે છે, જે જૂનથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે અનિશ્ચિત રૂપે પડે છે. મુખ્યત્વે, આ ગામમાં નાના અને સીમાંત ખેડૂતો રહે છે, તેઓ સૂકા ખેતરમાં એક જ મોસમમાં પાક ઉગાડે છે. દુકાળના સમયે તેઓ રોજગાર માટે દૂરદૂરના વિસ્તારોમાં જાય છે.
તુવેર આ વિસ્તારનો મુખ્ય પાક છે, તેની સાથે જુવાર તથા મકાઈની પણ ખેતી થાય છે. તુવેરમાં જીવાણુજન્ય સૂકારો જમીન સાથે સંકળાયેલો રોગ છે, જેનાથી પાકને ગંભીર નુકશાન થાય છે. અર્ધ-શૂષ્ક ઉષ્ણકટિબંધ માટે આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંસ્થા ઇક્રિસેટ (ICRISAT -International Crops Research Institute for the Semi-Arid Tropics)ના આજીવિકા પ્રાપ્તિ કાર્યક્રમથી હવે ખેડૂત તુવેરની મુરઝાઇ ન જનારી જાત 'આશા'ની ખેતી કરી શકે છે. તે જીવાણુજન્ય રોગ તરફ ખાસી પ્રતિકારશક્તિ ધરાવે છે, સાથે સ્થાનિક પ્રજાતિ કરતા 20થી 30 ટકા વધારે ઉપજ આપે છે.
તુવેરને લણ્યા પછી તેમાંથી દાળ બનાવવા હાથેથી ચાલતી ઘંટીમાં નાખવાની પરંપર હતી. આ કામ મુખ્યત્વે પુરૂષો કરતા હતા, પરંતુ ગામના પુરૂષોના સ્થળાંતર પછી આ પ્રથા લગભગ બંધ પડી ગઈ. તુવેરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા આ નાનકડા ગામે બજારમાં રૂ.12થી 14 પ્રતિ કિલોના નગણ્ય મૂલ્યે વેચવાનું અને ઘર વપરાશ માટે રૂ.22 પ્રતિ કિલોની ઊંચી કિંમતે ખરીદવાનું શરૂ કર્યું હતું.
ઇક્રિસેટની જળસંરક્ષણ ટીમે મેંતાપલ્લીમાં આ 'સસ્તા વેચાણ' અને 'મોંઘી ખરીદી'ની પ્રથાને ખતમ કરવાનો નિર્ણય કર્યો અને ગામવાળા સાથે આ વિશે ચર્ચા કરી. ગામના લોકો ગામમાં જ પૂરતા પ્રમાણમાં અને કમ સે કમ સ્થાનિક વપરાશ માટે તુવેરના પ્રોસેસિંગની દરખાસ્ત સાથે સંમત થયા. મેંતાપલ્લીમાં જળસંગ્રહ કાર્યક્રમ ચલાવતી એક એનજીઓ સોસાયટી ફોર ડેવલપમેન્ટ ઑફ ડ્રાટ પ્રોન એરીયા – એસડીડીપીએ (SDDPA)એ મહિલાઓના સ્વ-સહાય જૂથને પ્રેરીત કરીને સંગઠીત કર્યું. આમ, ગામમાં દાળની એક નાનકડી મિલની સ્થાપના થઈ. મિલ સ્થાપ્યા પછી ખેડૂતોને મશીન ચલાવતા શીખવાડવામાં આવ્યું.
વીજળીનું બિલ ચૂકવવા માટે સ્વ-સહાયતા જૂથે રૂપિયા ભેગા કર્યા. જૂથે એક કિલો દાળ બનાવવાનો ભાવ નક્કી કર્યો. આ રીતે ગ્રામજનો તેમની તુવેરમાંથી વાજબી કિંમતે દાળ બનાવવા લાગ્યા, સાથેસાથે તેમને પોષણયુક્ત ચારા માટે કુસકી મળવા માંડી. ગામડાની તુવેર દાળમાં ચમક અને રંગ ઓછો હોવાને કારણે તેની બજાર કિંમત ઓછી મળે છે. એટલે આ દાળનો ઉપયોગ ઘર વપરાશ માટે જ થવા લાગ્યો. જોકે, 'આશા' સારી રીતે ચડી જતી હોવાથી મહિલાઓ ભોજનમાં તેનો ઉપયોગ કરવાનું પંસદ કરે છે.
અત્યારે આ જ મિલ મોટાપાયે તુવેરના દાણામાંથી દાળ (90 ટકા પ્રાપ્તિ સાથે) બનાવી રહી છે. અને હવે ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત આવી ચુક્યું છે. મહિલાઓ ખુશ છે કેમ કે, પોતાના પાકમાંથી તેમને સ્વાદિષ્ટ દાળ જમવા માટે મળે છે. સાથે ઓછી કિંમતમાં પોષણયુક્ત દાળ ઉપલબ્ધ થાય છે. કેમ કે, દાળ પ્રોટીનનો સસ્તો સ્રોત છે.દાળ મિલની સફળતા માટે ત્રણ પરિબળો જવાબદાર હતા. પહેલુ, મિલનું સંચાલન ઘણું સરળ હતું અને તે ગામમાં જોવા મળતી ઘંટી જેવી જ હતી. બીજું, તુવેરના દાણા તોડવાની વિધિ ગામલોકો માટે સરળ હતી, જેમાં રાત્રે તુવેરને પાણીમાં પલાળીને 2-3 દિવસ સુધી તડકામાં સૂકવવી પડતી અને પછી મિલમાં નાંખી જતા. અને ત્રીજી વાત એ છે કે, આ દાળ મિલ સિંગલ-ફેજ પાવર સપ્લાઈથી ચાલે છે, જે મેંતાપલ્લી માટે અનુકૂળ છે કેમ કે, અહીં વીજળીના ત્રણ ફેજ નથી.
આ દાળ મિલની સફળતાની વાતો આજુબાજુના ગામો સુધી ફેલાઈ ગઈ. આજુબાજુના ગામડાના લોકો આ મિલમાં દાળ બનાવવા તુવેર લઈ જાય છે.
હવે સ્વ-સહાયતા જૂથે મેંતાપલ્લી ગામ માટે એક મિલ બનાવવા માટે યોજના ઘડી છે કેમ કે, પહેલાથી સ્થાપિત દાળ મિલને હવે અન્ય ગામમાં ખસેડવામાં આવશે. મેંતાપલ્લીમાં મળી સફળતાથી ઉત્સાહિત થઇને હવે આ યોજનાને કુરનૂલ જિલ્લાના એવા વિસ્તારોમાં પણ ઘડવાનો વિચાર છે. જ્યાં તુવેરની ખેતી વધારે થાય છે.
શ્રીનાથ દીક્ષિત
ક્રીડા ( સેન્ટ્રલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર- CRIDA ), હૈદરાબાદ, ભારત. એસપી.વાની તથા સીએચ રવિંદર રેડ્ડી
ઇક્રિસેટ (ICRISAT), પટેનચેરુ, આંધ્રપ્રદેશ, ભારત
સ્રોત : LEISA India, Vol 6-3
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024