অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બહુસ્તરીય તળાવ દ્વારા વરસાદના પાણીનો સંચય

સમુદાયની પહેલ મારફતે બહુસ્તરીય તળાવ દ્વારા વરસાદના પાણીનો સંચય

સમસ્યા

છોટાનાગપુરની પહાડીઓ પશ્ચિમ બંગાળની પશ્ચિમ બાજુ સુધી વિસ્તરેલી છે. અહીં ભુપૃષ્ઠ ઉબડખાબડ છે. ટેકરીઓની ટોચ કોઇપણ પ્રકારની વનસ્પતિ વિના સંપૂર્ણપણે ઉજ્જડ છે. અહીંની જમીન ખડકાળ છિદ્રાળુ છે, જેની પાણી જાળવવાની ક્ષમતા અત્યંત ઓછી છે. વાર્ષિક વરસાદ 1200થી 1400 મીમીની વચ્ચે રહે છે, પરંતુ સમગ્ર વરસાદ વર્ષના બે મહિનાના ગાળામાં પડી જાય છે. બાકીનું વર્ષ સંપુર્ણપણે કોરુંધાકોર રહે છે, જેનાથી એક પ્રકારની દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. સમગ્ર અર્ધ-શુષ્ક વિસ્તારમાં માત્ર એક જ પાક લેવાય છે, જે સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર હોય છે. પાણીના અભાવને કારણે બાકીના 8-9 મહિનામાં કોઈ પાક ઉગાડી શકાતો નથી. વરસાદ પર આધારીત એકમાત્ર પાકમાં પણ હવામાનના આત્યંતિક ફેરફારોને કારણે નુકસાન થાય છે.

મોટાભાગની જમીન લાંબા ગાળા માટે વણવપરાયેલી પડી રહે છે. અન્નની અછત પુખ્ત સ્ત્રીઓ અને પુરુષોને કામની શોધમાં નજીકના સંસાધનવાળા જિલ્લાઓમાં સ્થળાંતર કરવાની ફરજ પાડે છે.

લગભગ અભેદ્ય ખડકોને કારણે તળાવો ખોદવા મુશ્કેલ અને ખર્ચાળ છે. આથી તળાવો સામાન્યપણે અત્યંત છીછરા હોય છે અને ઉનાળા સુધી ચાલે તેટલું પૂરતું પાણી તેમાં જળવાતું નથી. કુવા પણ સૂકાઈ જાય છે. કેટલીક નદીઓમાં 10-12 મહિના સુધી પાણી હોય છે, પરંતુ ગરીબ આદિવાસીઓ પાસે સૂકા મહિનાઓમાં સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરવાના સંસાધનો અને જ્ઞાન હોતા નથી.

હસ્તક્ષેપ

  • નાના અને સીમાંત ખેડુતોને જૂથોમાં સંગઠીત કરવામાં આવે છે અને નવા તળાવો ખોદવા અને જુનાનો જિર્ણોદ્ધાર કરવા પ્રેરવામાં આવે છે. તળાવો ત્રણથી ચાર સ્તરોની ડીઝાઇન ધરાવે છે. તળાવની મધ્યમાં પહોંચવા માટે તેની ચારેબાજુ ત્રણથી ચાર પહોળા પગથીયા બનાવવામાં આવે છે. વરસાદ દરમિયાન આ પગથીયા પાણીમાં ડુબેલા રહે છે. તળાવમાં સીધા પડતા વરસાદના પાણી ઉપરાંત, તળાવની નજીકના પ્લોટોમાંથી વહેતું પાણી તળાવમાં પડે તે માટે નહેરો બનાવવામાં આવી છે. તળાવની ચારેબાજુ કિનારાઓ પર તળાવ પર ઝુકતી ટ્રેલિસ બનાવવામાં આવી છે, જે કોળું, દૂધી, કારેલા જેવી વેલવાળી વનસ્પતિઓને ટેકો આપે છે. સૂકા મહિનાઓમાં જ્યારે તળાવમાં પાણીનું સ્તર ઘટી જાય છે ત્યારે તળાના પહોળા પગથીયા પર શાકભાજી ઉગાડવામાં આવે છે. તળાવના કિનારાનો ઉપયોગ વિવિધ પ્રકારની શાકભાજી, તુવેર જેવા કઠોળ પાકો અને મોસમી, અર્ધ-બહુવર્ષાયુ, બહુવર્ષાયુ અને બહુહેતુક વૃક્ષો વાવવામાં આવે છે. વધારાના આવક માટે તળાવમાં માછલીઓ ઉછેરવામાં આવે છે. તળાવમાં સંઘરેલું પાણી તળાવની બંને બાજુ રહેલી પડતર જમીનને પાણી પૂરું પાડવા વપરાય છે, જેથી વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડી શકાય. તળાવના પગથીયા, કિનારા અને ખેતરોમાં વાવેતર સેન્દ્રીય પદ્ધતિથી થાય છે. જૂથની સંપૂર્ણ જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યા પછી તળાવ, તળાવ કિનારો અને નવી વાવેતરવાળી પડતર જમીનની નીપજ જૂથના સભ્યો વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવે છે. બાકીના પાકનો હિસ્સો જૂથની બહારના ગ્રામજનો વચ્ચે વહેંચવામાં આવે છે. ત્યાર બાદ વધેલી નીપજને બજારમાં વેચવામાં આવે છે અને વેચાણની આવક જૂથના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.
  • વરસાદ આધારીત એક જ પાક લેતો જમીન માલીક તેની મોસમી પડતર જમીન નાના અને સીમાંત ખેડુતોના જૂથને સૂકા દિવસોમાં ખેડવા માટે આપે તેવી ગોઠવણ કરવામાં આવે છે. નદીમાંથી પીયત માટે પાણી ખેંચવા સસ્તુ મોડેલ વિકસાવવામાં આવ્યું છે.
  • તળાવનું કદ 1.3 એકર છે. 180 ફુટ X 160 ફુટ X 10 ફુટ
  • જ્યાં તળાવ ખોદવામાં આવ્યું તે જમીન પાંચ લોકોની છે, જેઓ 30 ખેડુતોને જમીન ભાડાપટ્ટે આપવા માટે સંમત થયા છે. તળાવના ભાડાપટ્ટાની સમયમર્યાદા પૂરી થાય પછી જમીન તેના માલીકને પાછી સોંપી દેવામાં આવશે, પરંતુ પાણીનો ઉપયોગ ખેડુતોનું જૂથ કરી શકશે.

અસર

  • અત્યાર સુધીમાં વણવપરાયેલા કુદરતી સંસાધનો (પડતર જમીનો) અનાજ, ચારો, બળતણ ઉગાડવા માટે ઉપયોગ થઈ શક્યો.
  • ઘણા માનવદિનો સર્જી શકાયા, જેના પરીણામે મોસમી સ્થળાંતરની તરાહ ઘટાડી શકાઈ. તળાવના ખોદાણ માટે 2979 માનવદિનો અને પડતર જમીનમાં મિશ્ર પાક પદ્ધતિ માટે 831 માનવદિનો સર્જી શકાયા.
  • જમીનની ફળદ્રુપતામાં વધારો થઈ શક્યો.
  • સમગ્ર વર્ષ દરમિયાન કુટુંબ માટે અન્ન અને પોષણ નિશ્ચિત કરી શકાયું. તળાવના કિનારે વાવેતર ઉપરાંત તળાવના પાણીથી 10 એકર પડતર જમીનને પીયતની પણ સંભાવના છે. 2006માં મિશ્ર પાક પદ્ધતિથી 40 પ્રકારના શાકભાજી વાવવામાં આવ્યા.
  • ઘરેલુ વપરાશ બાદ વધારાની નીપજના વેચાણમાંથી આવક પેદા કરવાની સંભાવના પણ ઉભી થઈ.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate