પશ્ચિમ બંગાળના બિરભુમ રાજનગર બ્લોકનું ગામ નારાયણપુર, જ્યાં છાંયડા હેઠળ આરામ લેવા માટે એક વૃક્ષ પણ નથી તેવી બંજર સૂકી જમીનને કારણે ઉનાળામાં લાંબા અંતરનો પ્રવાસ ખેડવા કુતરાઓ પણ તૈયાર નથી. જાન્યુઆરી, 2008માં નારાયણપુર શિશુ સમિતિ (એનએસએસ)ની રચના થઈ. વાવેતર માટે કાયમી ધોરણે રદ થયેલી લાલ પથરાળ જમીન ધરાવતી પડતર ભૂમિના 40 એકરનો સંસ્થાએ કબજો લીધો. તે પહેલાં તેનો ઉપયોગ ગૌચર માટે થતો હતો.
એનએસએસે 12 ભૂમિહીન અને 4 સીમાંત ખેડુતોના બનેલા એક જૂથની રચના કરી. તેમાં મોટાભાગના આદિવાસી હતા. પડતર જમીનનું ગામની કાયમી અસ્કામત તરીકે પુન: સર્જન કરવાના પ્રયાસરૂપે તેમણે ફળો, ઘાસ, જલાઉ વૃક્ષો વાવ્યા અને ઇન્ટરક્રોપ તરીકે ટુંકા ગાળામાં ઉગી જતા મોસમી પાક ઉગાડ્યા. આ જમીનના માલિક સાથે તેમણે એક કરાર કર્યો હતો. પુખ્ત વૃક્ષોના વેચાણની આવકના 50 ટકા માલિકને મળશે અને બાકીની રકમ સંરક્ષક જુથને ફાળે જશે. ઇન્ટરક્રોપ જૂથના સભ્યો વચ્ચે સરખા ભાગે વહેંચાશે. જૂથે નર્સરીમાં રોપા ઉછેરીને એપ્રિલ 2008માં તેમના કાર્યની શરૂઆત કરી. સામાજિક વિશ્લેષણ વ્યવસ્થા (એસએએસ) નામના સહયોગી માધ્યમનો ઉપયોગ કરીને 36 વૃક્ષ જાતિઓ પસંદ કરવામાં આવી. કુલ 26,000 રોપાઓ પૈકીના 19150 રોપા વાવવામાં આવ્યા, 4000 વેચાયા અને બાકીના સ્થાનિક લોકોમાં વહેંચવામાં આવ્યા.
વરસાદની બીજી મોસમ સુધીમાં જમીન જળ સંરક્ષણની આ પહેલથી જમીનમાં ઘણો સુધારો થયો. ઘાસ અને નિંદામણ કુદરતી રીતે ઉગવા લાગ્યા. પ્લોટની આસપાસ 4 ઢાળીયા 50 અર્ધ-વર્તુળાકાર પાળા અને 5 પથ્થરના પાળા સાથે ખાઈઓ બનાવવામાં આવી. આ કામમાં 1342 માનવદિન વપરાયા. મકાઈ, દૂધી, રાજમા જેવા વચગાળાના પાકો તેમજ તુવેર, સબાઈ ઘાસ, રોઝેલી જેવા લાંબા ગાળાના પાકોના વાવેતર સાથે કામ શરૂ કરવામાં આવ્યું. તળાવનો કાંપ, કમ્પોસ્ટ અને લીમડાના ખોળનો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. રક્ષણ માટે પામ, ખજુર, તુવેર, રોઝેલી વગેરે ઉગાડીને જીવંત વાડ રચવામાં આવી. જૂથના સભ્યોએ વારાફરતી સામાજિક રક્ષણ આપવાનું પણ નક્કી કર્યું. ખરીફ સીઝનના અંતે 150 કિલો શાકભાજી, 15 કિલો મકાઈ, 200 કિલો રોઝેલી અને 250 કિલો ચારો પેદા થયો. જેનો મોટેભાગે ઘરેલુ ઉપયોગ કરવામાં આવ્યો. નિંદામણ અને ઘાસમાંથી હસ્તકલાની ચીજો અને દવાઓ બનતા તેમાંથી પણ વધારાની આવક થઈ હતી
પ્રારંભિક રોકાણ લગભગ રૂ. 2.5 લાખ હતું, જેમાં 30 ટકા સ્થાનિક ફાળો મજુરી કામનો હતો. 16 કુટુંબોએ સરેરાશ 155 દિવસ કામ મેળવ્યું. મોસમી પાકોએ કુટુંબોની શાકભાજીની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી હતી. ઘાસચારો સારા પ્રમાણમાં પેદા થયો હતો. નાશ થવાની અણી પર રહેલા વૃક્ષો ફરી નવપલ્લવિત થયા, જેનાથી જૈવિક વૈવિધ્યમાં વધારો થયો. ઝાડુ, રોઝેલી જામ બનાવીને આવક નિર્માણની સંભાવનાઓ પણ વધી. પડોશના 3-4 ગામોના લોકોએ તેમના ગામોમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરાય તેમાં રસ દાખવ્યો હતો.આ કામગીરીને ક્રિશ્ચિયન એઇડની મદદ મળી હતી.સ્રોત : ડીઆરસીએસસી ન્યૂઝ, અંક 3
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024