অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સેન્દ્રીય ખેતી

સેન્દ્રીય ખેતી

 

સેંદ્રીય ખેતીના સિદ્ધાંતો

ધી ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઓર્ગેનિક એગ્રીકલ્ચર મુવમેન્ટ (આઈએફઓએએમ)ની સેન્દ્રીય ખેતીની વ્યાખ્યા નીચેના સિદ્ધાંતો પર આધારીત છે:

આરોગ્યનો સિદ્ધાંત

સેન્દ્રીય ખેતી દ્વારા જમીન, વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય અને પૃથ્વીનું આરોગ્ય એક અને અખંડ રીતે જળવવાવું જોઇએ અને વધવું જોઇએ.

પર્યાવરણના સિદ્ધાંતો

સેન્દ્રીય ખેતી પર્યાવરણીય પ્રણાલીઓ અને ચક્રોના આધારે હોવી જોઇએ અને તેમની સાથે કાર્ય કરતી હોવી જોઇએ, તેમને અનુસરતી હોવી જોઇએ અને તેમને ટકાવવામાં મદદ કરતી હોવી જોઇએ.

ઔચિત્યનો સિદ્ધાંત

સેન્દ્રીય ખેતી એવા સંબંધો આધારીત હોવી જોઇએ, જે સંબંધો સામાન્ય પર્યાવરણ અને જીવનની તકોના સંદર્ભમાં ઔચિત્યની ખાત્રી પૂરી પાડે.

સંભાળનો સિદ્ધાંત

સેંદ્રીય ખેતી વર્તમાન અને ભાવિ પેઢીઓ તેમજ વાતાવરણનું આરોગ્ય અને સુખાકારીનું રક્ષણ કરવા અગમચેતીપૂર્ણ અને જવાબદાર રીતે સંચાલિત થવી જોઇએ. આ સિદ્ધાંતોનો સમગ્રપણે ઉપયોગ કરવાનો છે.

સેન્દ્રીય ખેતીના ચાવીરૂપ લક્ષણો

  • પ્રાથમિકપણે સ્થાનિક, પુન:પ્રાપ્ય સંસાધનો પર નિર્ભર છે
  • સૌર ઉર્જા તથા જૈવિક પ્રણાલીઓની ઉત્પાદન ક્ષમતાનો અસરકારક ઉપયોગ કરે છે.
  • જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે
  • વનસ્પતિ પોષક તત્વો અને સેન્દ્રીય ચીજોનું મહત્તમ રીસાયક્લિંગ કરે છે
  • કુદરત માટે અજાણ્યા (જેવા કે જીએમઓ, રાસાયણિક ખાતર કે કીટનાશકો) જીવાણુ કે પદાર્થોનો ઉપયોગ કરતી નથી.
  • ઉત્પાદન પ્રણાલી તેમજ કૃષિ લેન્ડસ્કેપનું વૈવિધ્ય જાળવે છે
  • ખેતરના પ્રાણીઓને તેમની પર્યારણીય ભૂમિકા પ્રમાણે જીવન પરિસ્થિતિઓ પૂરી પાડે છે અને તેમને કુદરતી વર્તન માટે મોકળાશ આપે છે.

સેન્દ્રીય ખેતી એક ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ ઉત્પાદન પદ્ધતિ પણ છે, જે નાના ખેડુતો માટે ચોક્કસ ફાયદા ધરાવે છે. સેન્દ્રીય ખેતી નિમ્નલિખિત ઘણા લક્ષણો દ્વારા ગરીબી નિર્મૂલન અને અન્ન સુરક્ષામાં ફાળો આપે છે:

  • ઓછા ઇનપુટવાળા ક્ષેત્રોમાં નીપજ વધારીને
  • ખેતરમાં અને આસપાસના વિસ્તારોમાં જૈવિક વૈવિધ્ય અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરીને
  • આવક વધારીને અને/અથવા ખર્ચ ઘટાડીને
  • સલામત અને વૈવિધ્યપૂર્ણ અનાજ ઉગાડીને
  • લાંબાગાળે ટકાઉ બનીને

સેન્દ્રીય સંચાલન એક સુગ્રથિત અભિગમ

તત્વજ્ઞાન

  • સેન્દ્રીય ખેતીનું પેકેજ એ એક સુગ્રથિત અભિગમ છે, જેમાં ખેતી પ્રણાલીના તમામ પાસા એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા માટે કામ કરે છે.
  • એક તંદુરસ્ત, જૈવિક રીતે સક્રિય જમીન પાકના પોષણનો સ્રોત છે, ખેતરનું જૈવિક વૈવિધ્ય કીટકોને અંકુશમાં રાખે છે, પાક રોટેશન અને બહુ-પાક પદ્ધતિ પ્રણાલીની તંદુરસ્તી અને ખેતરના સંસાધન પ્રબંધને જાળવે છે અને પશુધનનું સુગ્રથન ઉત્પાદકતા અને ટકાઉપણાની ખાત્રી પૂરી પાડે છે.
  • સેન્દ્રીય સંચાલન ભાવિ પેઢી માટેના સંસાધનોના ભોગે સંસાધનોનાં વધારે પડતા શોષણ અને મહત્તમ ઉત્પાકતાના બદલે ઉચિત પ્રમાણમાં સંસાધનોના ઉપયોગ અને ઉત્પાદકતા પર ભાર મુકે છે.

મહત્વના પગલાં

  • જમીનની ફળદ્રુપતા
  • તાપમાન પ્રબંધ
  • વરસાદના પાણીનો સંગ્રહ
  • સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ
  • કાચા માલસામાનમાં આત્મનિર્ભરતા
  • કુદરતી ચક્રો અને જીવન સ્વરૂપોની જાળવણી
  • પશુઓનું સુગ્રથન
  • પુન:પ્રાપ્ય ઉર્જા સ્રોતો, જેવા કે પ્રાણી શક્તિ પર મહત્તમ નિર્ભરતા

કઈ રીતે પ્રાપ્ત કરવું

  1. જમીનની ફળદ્રુપતા – રસાયણોનો ઉપયોગ છોડો, સેન્દ્રીય અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરો, ક્રોપ રોટેશન અને બહુ-પાક પદ્ધતિ અપનાવો, વધારે પડતું ખેડાણ ટાળો અને જમીનને લીલા આવરણ કે જૈવિક આચ્છાદનથી આવરી લો.
  2. તાપમાનનો પ્રબંધ - જમીનને આચ્છાદિત રાખો, સેઢા પર વૃક્ષો અને ઝાડીઝાંખરા વાવો
  3. ભૂમિ અને વરસાદના પાણીની જાળવણી – સ્રવણ ટાંકા ખોદો, ઢાળવાળી જમીનમાં સમોચ્ચ પાળા જાળવો અને સમોચ્ચ હાર વાવેતર અપનાવો, ખેત તલાવડીઓ ખોદો, પાળા પર નીચી ઊંચાઈનું વાવેતર જાળવો.
  4. સૌર ઉર્જા પ્રાપ્ત કરવી – વિવિધ પાકો અને વાવેતર સમયપત્રકના મિશ્રણ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન લીલોતરી જાળવો
  5. કાચા માલસામાનમાં આત્મ-નિર્ભરતા – તમારા પોતાના બીજ વિકસાવો, ખેતરમાં કમ્પોસ્ટ, વર્મિકમ્પોસ્ટ, વર્મિવોશ, પ્રવાહી ખાતર અને વાનસ્પતિક અર્કોનું ઉત્પાદન કરો.
  6. જીવન સ્વરૂપોની જાળવણી – જીવન સ્વરૂપોની જાળવણી
  7. પશુઓની સુગ્રથન – પ્રાણીઓ સેન્દ્રીય પ્રબંધના મહત્વના ઘટકો છે અને તેઓ પ્રાણીજ પેદાશો પૂરી પાડવા ઉપરાંત પૂરતા પ્રમાણમાં છાણ અને મૂત્ર પૂરા પાડે છે, જે જમીન માટે ઉપયોગી છે.
  8. પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ – સૌર ઉર્જા, જૈવ-વાયુ અને બળદોથી ચાલતા પમ્પો, જનરેટર અને અન્ય યંત્રોનો ઉપયોગ કરો.

સેન્દ્રીય ખેતરનો વિકસાવો

સેન્દ્રીય પ્રબંધ એક સુગ્રથિત અભિગમ હોવાથી, એક કે બે પગલાં ભરવા માત્રથી નોંધપાત્ર પરીણામો હાંસલ ના પણ થાય. યોગ્ય ઉત્પાદકતા હાંસલ કરવા માટે તમામ આવશ્યક ઘટકો વ્યવસ્થિત રીતે વિકસાવવા જોઇએ. આ પગલાઓ આ પ્રમાણે છે: (1) પશુ નિવાસ વિકાસ, (2) કાચા માલસામાનના ઉત્પાદન માટે ખેતર પર જ સવલતો, (3) પાકોનો ક્રમ અને મિશ્રણનું આયોજન, (4) 3-4 વર્ષનો રોટેશન પ્લાન, (5) ક્ષેત્ર, જમીન અને આબોહવા પ્રમાણે પાકો ઉગાડવા.

ખેતરમાં સવલતો અને પશુ નિવાસનો વિકાસ

આંતરમાળખું

  • પશુધન માટેની જગ્યાઓ, વર્મિકમ્પોસ્ટ બેડ, કમ્પોસ્ટ ટેન્ક, વર્મિવોશ/કમ્પોસ્ટ ટી યુનિટ વગેરે જેવી યુટિલિટીઝ માટે 3-5 ટકા જગ્યા સંરક્ષિત રાખો. આવા તમામ યુટિલિટી માળખાંઓને છાંયડાની જરૂર હોવાથી માત્ર 3-4 વૃક્ષો જ આવી જગ્યાએ વાવવા જોઇએ.
  • ઢાળ અને પાણીના પ્રવાહ પ્રમાણે યોગ્ય સ્થળોએ વરસાદના પાણીની જાળવણી માટે પ્રતિ હેક્ટરે એક એવા કેટલાક સ્રવણ ટાંકા (7x3x3mt) ખોદો.
  • વીસ બાય દસ મીટરની ખેત તલાવડી બની શકે તો વિકસાવો.
  • પ્રવાહી ખાતર બનાવવા પ્રતિ એકરે થોડાક 200 લિટરના ટાંકા અને વાનસ્પતિક પદાર્થો માટે કેટલાક કન્ટેનરો બનાવો.
  • પાંચ એકરના ફાર્મ માટે 1-3 વર્મિકમ્પોસ્ટ બેડ્સ, એક એનએડીઇપી ટેન્ક, 2-3 કમ્પોસ્ટ ટી/વર્મિવોશ યુનિટ્સ વિકસાવો.
  • આ યુટિલિટી ક્ષેત્રમાં સિંચાઈ કુવા, પમ્પિંગ માળખું પણ હોઈ શકે છે.

પશુ નિવાસ

  • જૈવિક નાઇટ્રોજન પ્રાપ્ત કરવા પાળાઓ (1.5 મીટર પહોળા, પાંચ એકર માટે ઓછામાં ઓછા 800-100 મીટર) પર ગ્લાઇરિસિડીયા, પેરેન્નીયલ સેસ્બેનીયા, લ્યુકેનીયા લ્યુકોસીફેલા, કુંવાડીયો (કેસીયા ટોરા) વગેરે વાવો.
  • યોગ્ય સ્થળોએ કેટલાક વૃક્ષો, છોડવા વાવો, જેમ કે લીમડો (એઝેડિરેક્ટા ઇન્ડિકા)ના 3-4 વૃક્ષો, આમલી (ટેમેરિન્ડસ ઇન્ડિકા)નું એક, ગુલાર (ફાઇકસ ગ્લુમેરાટા)ના 1-2, બોર (ઝિઝીફસ સ્પીસીઝ)ના 8-10, એનોલા (એમ્બિલિકા ઓફીસીયાનેલિસ)ના 1-2, સરગવો, સીતાફળ 2-3 અને 2-3 ફળોના વૃક્ષો.
  • ગ્લાઇરિસિડીયાની હારોની વચ્ચે અરડુસી (આધાટોડા વસિકા), નગોડ (વાઇટેક્સ નિગુન્ડો), આકડો (કેલોટ્રોપિસ), ધતૂરા આલ્બા, ઇપોમીયા (બેશારામ) વગેરે જેવા જંતુનાશક મૂલ્ય ધરાવતા વૃક્ષો વાવો.
  • તમામ મુખ્ય પાળા તેમજ ખેતરની ચારેબાજુ નજીક નજીક ગ્લાઇરિસિડીયા વાવવા. તેઓ જૈવિક વાડનું કાર્ય કરવા ઉપરાંત જમીનને જૈવિક રીતે નાઇટ્રોજન પૂરો પાડશે.
  • 400 મીટર લાંબો ગ્લાઇરિસિડીયાનો પટો ત્રીજા વર્ષથી દર વર્ષે પ્રતિ હેક્ટર 22.5 કિગ્રા અને સાતમા વર્ષથી વરસાદની પરિસ્થિતિઓમાં પ્રતિ હેક્ટર 77 કિલો નાઇટ્રોજન પૂરો પાડે છે. સિંચાઈની પરિસ્થિતિમાં તેનું પ્રમાણ 75-100 ટકા જેટલું ઊંચુ હોઈ શકે છે. પિયતની સ્થિતિમાં ત્રણથી ચાર લણણી અને બિન-પિયતની સ્થિતિમાં બે લણણી લઈ શકાય. છાંયડાની અસર ટાળવા તેમની 5.5 ફુટથી વધુ વૃદ્ધિ થવા દેવી નહીં. શાખા કર્તનનો લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેમની લણણી કરો અને જમીનમાં ભળી જવા દો અથવા આચ્છાદન તરીકે ઉપયોગ કરો.

દસ એકરના સેન્દ્રીય ખેતરનું યોજનાકીય મોડેલ

જમીનનું સેન્દ્રીયકરણ

a. ઓછા કાચા માલસામાનનો વિકલ્પ

  • પ્રથમ વર્ષે 60 દિવસની પહેલા, 90-120 દિવસની બીજી અને 120 કરતા વધારે દિવસની ત્રીજી, એમ ત્રણ અલગ પ્રકારની શીંગી વનસ્પતિ એકસાથે સ્ટ્રિપમાં વાવો. માત્ર દાણા અથવા લીલી શીંગો જ કાઢો, બાકીનો પાકનો સમગ્ર ભાગ મૂળ કાઢેલા નિંદામણ સાથે આચ્છાદન તરીકે વાપરો.
  • બીજી સીઝનમાં કમ્પોસ્ટ ખાતર પ્રતિ હેક્ટર 2.5 ટન વાપરો અને અનાજ સાથે સીંગોવાળી વનસ્પતિ વાવો. લણણી પછી શીંગી વનસ્પતિનો સમગ્ર હિસ્સો અને અનાજના અવશેષો આચ્છાદન તરીકે વાપરો.
  • પિયતની સગવડ હોય તો, કેટલીક શાકભાજી સાથે ઉનાળુ શીંગો વાવો. સમગ્ર અવશેષનો આચ્છાદન તરીકે ઉપયોગ કરો.
  • દરેક પાક વખતે જમીન માટે પ્રવાહી ખાતર 3-4 વખત વાપરો

b. વધુ કાચા માલસામાનનો વિકલ્પ

  • જમીનમાં 2.5 ટન કમ્પોસ્ટ/વર્મિકમ્પોસ્ટ, 500 કિલો પીલેલો ખોળ, 500 કિલો રોક ફોસ્ફેટ, 100 કિલો લીમડાનો ખોળ, 5 કિલો જૈવિક ખાતર નાંખો.
  • 2-3 પ્રકારના પાકો સ્ટ્રિપમાં વાવો. 40 ટકા હિસ્સો શીંગી પાકનો હોવો જોઇએ. લણણી પછી સમગ્ર અવશેષ જમીનમાં ભળવા દો અથવા બીજા પાકને વાવ્યા પછી આચ્છાદન તરીકે તેનો ઉપયોગ કરો. બીજા પાક માટે એટલા જ પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરો.
  • પિયતના પાણી સાથે પાકની સીઝન દરમિયાન 3-4 વખત પ્રતિ એકરે 200 લિટર પ્રવાહી ખાતર વાપરો.
12-18 મહિના પછી જમીન કોઇપણ પાક મિશ્રણના સેન્દ્રીય વાવેતર માટે તૈયાર હશે. પછીના બે-ત્રણ વર્ષ માટે કોઇપણ પાક સાથે શીંગી વનસ્પતિ વાવો. પાકના અવશેષમાં શીંગીનો ઓછામાં ઓછો 30 ટકા અવશેષ હોવો જોઇએ. પાકના અવશેષોને જમીનમાં નાંખતા પહેલા પ્રવાહી ખાતરથી ટ્રીટ કરો અથવા તેનો આચ્
છાદન તરીકે ઉપયોગ કરો.

 

બહુવિધ પાક પદ્ધતિ અને પાક રોટેશન

  • સેન્દ્રીય ખેતીમાં એકલ પાક માટે કોઈ જગ્યા નથી.
  • સમગ્ર ખેતરમાં તમામ સમયે ઓછામાં ઓછા 8-10 પ્રકારના પાકો હોવા જોઇએ.
  • દરેક પ્લોટ અથવા ફીલ્ડમાં ઓછામાં ઓછા 2-4 પ્રકારના પાકો હોવા જોઇએ, જેમાં એક શીંગી વનસ્પતિ હોય.
  • જો કોઈ પ્લોટમાં માત્ર એક જ પાક લેવાયો હોય તો, બાજુના પ્લોટમાં વિવિધ પાકો હોવા જોઇએ.
  • 3-4 વર્ષની રોટેશન યોજના અનુસરો
  • ઊંચા પોષક તત્વો પર આધારીત તમામ પાકો શીંગોનું પ્રભુત્વ ધરાવતા મિશ્રણને અનુસરવા જોઇએ.
  • વૈવિધ્ય જાળવવા અને કીટક અંકુશ માટે ઘર વપરાશ માટેની શાકભાજીના 50થી 150 રોપા પ્રતિ એકરે ગમે ત્યાં વાવો અને તમામ ક્રોપ ફીલ્ડ્સમાં હજારીના 100 રોપા પ્રતિ એકરે વાવો.

શેરડી જેવો અત્યંત ઊંચા પોષક તત્વોની જરૂરિયાત ધરાવતો પાક પણ વિવિધ શીંગી વનસ્પતિઓ અને શાકભાજીના યોગ્ય મિશ્રણ સાથે ઉચિત ઉત્પાદકતા સાથે ઉગાડી શકાય.

સમૃદ્ધ અને જીવંત જમીનની સ્થિતિ

  • ફળદ્રુપ અને જીવંત જમીનમાં આદર્શરૂપે સેંન્દ્રીય કાર્બન 0.8થી 1.5 ટકા હોવો જોઇએ.
  • લઘુ વનસ્પતિજગત માટે કોઇપણ સમયે તેમાં પૂરતા પ્રમાણમાં સૂકી, અડધી સડેલી અને પૂરેપુરી સડેલી સેન્દ્રીય ચીજો હોવી જોઇએ.
  • જમીનમાં પ્રતિ ગ્રામે કુલ માઇક્રોબીયલ લોડ (બેક્ટેરીયા, ફુગ, એક્ટિનોમાઇસેટીસ) 1 x 108થી વધારે હોવો જોઇએ.
  • જમીનના પ્રતિ ચોરસ ફુટે ઓછામાં ઓછા 3થી 5 અળસીયા હોવા જોઇએ.
  • કીડી જેવા નાના જીવન સ્વરૂપો અને જંતુઓ પૂરતા પ્રમાણમાં હોવા જોઇએ.

જમીનમાં ખાતર અને ફળદ્રુપતા

  • પાળાઓ પર ઉગાડવામાં આવતી ગ્લાઇરિસિડીયા અને અન્ય વનસ્પતિઓનું શાખા કર્તન, ખેતર પર તૈયાર કરાતા કમ્પોસ્ટ અને વર્મિકમ્પોસ્ટ, પ્રાણીજ છાણ અને મૂત્ર અને પાક અવશેષોમાંથી જમીનને મહદ અંશે પોષણ મળવું જોઇએ.
  • જૈવિક ખાતર તથા પીલેલા ખોળ, પોલ્ટ્રી ખાતર, શાકભાજી માર્કેટના સડેલા અવશેષો અને જૈવ ગતિશીલ સંયોજનો ઇએમ ઉત્પાદિત કમ્પોસ્ટ્સ વગેરેનું યોગ્ય મિશ્રણ પણ યોગ્ય પ્રમાણમાં વાપરી શકાય.
  • વધુ પ્રમાણમાં ખાતરનો ઉપયોગ ટાળવો જોઇએ.
  • પાક રોટેશન પદ્ધતિ અને બહુવિધ પાકો સંસાધનોના બહેતર ઉપયોગની ખાત્રી પૂરી પાડે છે.
  • પાકના પ્રકાર તથા વિવિધ પાકો માટે પોષક તત્વોની જરૂરિયાતના આધારે બાહ્ય કાચા માલ સામાનનો પ્રમાણ નક્કી થાય છે.
  • સૂક્ષ્મ જીવાણુઓ અને અન્ય જીવન સ્વરૂપોની પ્રવૃત્તિ જાળવી રાખવા પ્રવાહી ખાતર વાપરવું જરૂરી છે. તમામ પ્રકારના પાકો માટે 3-4 વખત પ્રવાહી ખાતર નાંખવું જોઇએ.
  • વર્મિવોશ, કમ્પોસ્ટ ટી અને ગાય મૂત્રનો જ્યારે પાંદડા પર સ્પ્રે તરીકે ઉપયોગ થાય છે ત્યારે તેઓ ઉત્કૃષ્ટ વૃદ્ધિ પ્રેરે છે. વાવણી પછીના 25-30 દિવસે 3-5 સ્પ્રે સારી ઉત્પાદકતાની ખાત્રી પૂરી પાડે છે.
  • સેન્દ્રીય પ્રબંધ એક સંકુલ સુગ્રથિત પ્રક્રિયા છે, જેમાં તમામ ઘટકો એકબીજા સાથે જોડાયેલા અને એકબીજાથી સ્વાયત્ત હોય છે અને કોઇપણ સમયે કોઇ એક જ પાક ઉગાડવામાં આવતો નથી, તેથી કોઇ એક જ પાક માટે એક પેકેજ વિકસાવવું અત્યંત મુશ્કેલ છે. પોષક તત્વોના પ્રબંધનું એક ઉદાહરણ નીચે આપેલું છે. (માત્ર એક ઉદાહરણ તરીકે):

અનાજ શીંગી મિશ્રણ

ખરીફ સીઝનમાં જુવાર, બાજરી કે મકાઈ (કપાસ પણ) શીંગી વનસ્પતિ સાથે ઉગાડી શકાય. મુખ્ય અનાજ પાકને કુલ જગ્યાનો 60 ટકા હિસ્સો મળવો જોઇએ, જ્યારે શીંગી વનસ્પતિના બે પાક બાકીની જગ્યામાં સ્ટ્રિપમાં ઉગાડવા જોઇએ. 1.5થી 2.0 ટન કમ્પોસ્ટ, 500 કિલો વર્મિકમ્પોસ્ટ 100 કિલો રોક ફોસ્ફેટ સાથે મિશ્રિત કરીને બેઝલ ડોઝ તરીકે વાપરવા જોઇએ. જૈવિક ખાતર બીજ અને જમીનની ટ્રીટમેન્ટ માટે વપરાય છે. અગાઉના પાકના અવશેષો પ્રવાહી ખાતરથી ટ્રીટ કરીને વાવણી પછી તૂરત જ જમીનની સપાટી પર પાથરી દેવામાં આવે છે. નિંદામણ હાથોથી થાય છે અને તેનો બાયોમાસ આચ્છાદન તરીકે વપરાય છે. પ્રતિ એકરે 200 લિટર ખાતરનો ત્રણ-ચાર વખત ઉપયોગ આવશ્યક છે અને પિયત સાથે તેનો ઉપયોગ થાય છે અથવા તો વરસાદમાં એક એકર જમીન પર સમાન ધોરણે છાંટવામાં આવે છે. જૈવ ગતિશીલ સંયોજનો, કાવ પેટ પિટ અથવા ઇએમ ફોર્મ્યુલેશન્સ કમ્પોસ્ટ સાથે અથવા તેની જગ્યાએ વાપરી શકાય. વર્મિવોશ અથવા ગૌમૂત્રના અથવા બંનેનો સરખા પ્રમાણમાં 2-3 વખત પાંદડા પર સ્પ્રે સારી ઉત્પાદકતાની ખાત્રી પૂરી પાડે છે.

રવિ સીઝનમાં પાલક કે ટ્રિગોનેલા જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનો ઝડપી પાક લઈ લો અને પછી ઘઉં વાવો. ઘઉંના બદલે, શીંગી વનસ્પતિ સાથે શાકભાજી પણ ઉગાડી શકાય. જો ઘઉં ઉગાડવાના હોય તો, સરખા પ્રમાણમાં ખાતર વાપરી શકાય. શાકભાજી માટે કમ્પોસ્ટમાં પ્રતિ એકર 500 કિલો પીલેલો ખોળ, 100 કિલો લીમડાનો ખોળ અને 50 કિલો રોક ફોસ્ફેટ ઉમેરો. જમીન સુધરતી જાય તેમ તેમ સેંન્દ્રીય પ્રબંધની શરૂઆતના 3-4 વર્ષ પછી કમ્પોસ્ટ્સનો ઉપયોગ ઘટાડીને 50 ટકા કરી શકાય.

બીજ ટ્રીટમેન્ટ

સેન્દ્રીય ખેતીમાં સમસ્યારૂપ સ્થિતિમાં જ સુરક્ષાના પગલાં ભરવામાં આવે છે. રોગમુક્ત બીજ, પશુધન અને રોગપ્રતિકારક જાતોનો ઉપયોગ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજના સમયે આ કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલેસન અથવા ટ્રીટમેન્ટ પદ્ધતિશાસ્ત્ર ઉપલબ્ધ નથી, પરંતુ ખેડુતો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. બીજ ઉપચારના આવા કેટલાક સર્જનાત્મક ફોર્મ્યુલેશન્સ આ પ્રમાણે છે:

  • 20-30 મિનીટ માટે 530 ડીગ્રી સેન્ટીગ્રેટ તાપમાને ગરમ પાણીથી ટ્રીટમેન્ટ
  • ગૌમૂત્ર અથવા ગૌમૂત્ર-ઉધઈના રાફડાની માટીની પેસ્ટ
  • બીજામૃત (50 ગ્રામ ગોબર, 50 મિલિ ગૌમુત્ર, 10 મિલિ દૂધ, 2-3 ગ્રામ ચૂનાને રાત્રે એક લિટર પાણીમાં મિશ્રિત કરો)
  • 10 કિલો બીજ માટે એક લિટર પાણીમાં 250 ગ્રામ હિંગ
  • ગૌમુત્ર સાથે મિશ્રિત ટર્મેરિક રાઇઝોમ પાવડર
  • પંચગવ્ય અર્ક
  • દાસપર્ણી અર્ક
  • ટ્રાયકોડર્મા વિરિડી (4 ગ્રામ પ્રતિ કિલો બીયારણે) અથવા સ્યુડોમોનાસ  ફ્લુરોસેન્સ (પ્રતિ કિલો બીયારણે 10 ગ્રામ)
  • જૈવિક ખાતર (રાઇઝોબીયમ/એઝોબેક્ટર + પીએસબી)

પ્રવાહી ખાતરની બનાવટ

વિવિધ રાજ્યના ખેડુતો પ્રવાહી ખાતરના ઘણા પ્રકારોનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંના કેટલાક મહત્વના અત્યંત વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલેશન્સ નીચે પ્રમાણે છે.

  • સંજીવક – 500 લિટરના બંધ ડ્રમમાં 100 કિલો ગોબર, 100 લિટર ગૌમુત્ર, 500 ગ્રામ ગોળ 300 લિટર પાણીમાં મિક્સ કરો. 10 દિવસ સુધી આથો થવા દો. ત્યારબાદ તેને વીસગણા પાણીથી મંદ કરો અને જમીન સ્પ્રે તરીકે અથવા પિયતના પાણી સાથે એક એકરમાં છાંટો.
  • જીવામૃત – 200 લિટર પાણીમાં 10 કિલો ગોબર, 10 લિટર ગૌમુત્ર, 2 કિલો ગોળ, કોઇપણ કઠોળનો લોટ 2 કિલો અને જીવંત માટી 1 કિલો મિક્સ કરો અને 5-7 દિવસ માટે આથો આવવા દો. રોજ દિવસમાં ત્રણવાર નિયમિતપણે સોલ્યુશન હલાવો. પિયતના પાણી સાથે એક એકરમાં તેનો ઉપયોગ કરો.
  • પંચગવ્ય – ગૌબર સ્લરી 4 કિલો, તાજુ ગોબર 1 કિલો, ગૌમુત્ર 3 લિટર, ગાયનું દૂધ 2 લિટર, દહીં 2 લિટર, ગાયના દૂધની છાશ 1 કિલો મિક્સ કરો અને 7 દિવસ માટે આથો આવવા દો. રોજ દિવસમાં બેવાર હલાવો. 3 લિટર પંચગવ્ય 100 લિટર પાણીમાં મંદ કરો અને જમીન પર સ્પ્રે કરો. એક એકરની જમીન માટે 20 લિટર પંચગવ્ય પિયતના પાણી સાથે જરૂરી છે.
  • સમૃદ્ધ પંચગવ્ય – 1 કિલો ગોબર, ગાયનું દૂધ 2 લિટર, દહીં 2 લિટર, ગાયનું દેશી ઘી 1 કિલો, શેરડીનો રસ 3 લિટર, નાળીયેરનું પાણી 3 લિટર, 12 કેળાનો ગરભ મિક્સ કરો અને સાત દિવસ માટે આથો આવવા દો. પંચગવ્યમાં દર્શાવેલી રીત પ્રમાણે તેનો ઉપયોગ કરો.

કીટક પ્રબંધ

સેન્દ્રીય ખેતી સંચાલનમાં કૃત્રિમ રસાયણો પ્રતિબંધિત હોવાથી કીટક પ્રબંધ (1) સાંસ્કૃતિક અથવા કૃષિવિજ્ઞાનની રીતે, (2) યાંત્રિક રીતે, (3) જૈવિક રીતે અથવા (4) સેન્દ્રીય રીતે સ્વીકૃત રસાયણિક વિકલ્પો દ્વારા થાય છે.

  • સાંસ્કૃતિક વિકલ્પો

સેન્દ્રીય કીટક પ્રબંધમાં રોગમુક્ત બીજ અથવા પશુધન અને રોગપ્રતિકારક જાતોનો ઉપયોગ શ્રેષ્ઠ નિવારક પ્રણાલી છે. જૈવિક વૈવિધ્યની જાળવણી, અસરકારક ક્રોપ રોટેશન, બહુવિધ પાક પદ્ધતિ, પશુ નિવાસની વ્યવસ્થા અને ટ્રેપ ક્રોપનો ઉપયોગ પણ અસરકારક પદ્ધતિઓ છે, જે કીટકનું પ્રમાણ આર્થિક સીમા મર્યાદા (ઇકોનોમિકલ થ્રેસોલ્ડ લિમિટ – ઇટીએલ)ની નીચે રહે છે.

  • યાંત્રિક વિકલ્પ

રોગગ્રસ્ત છોડ અને તેના ભાગો દૂર કરવા, ઇંડા અને ડિમ્ભ એકત્રીત કરીને તેમનો નાશ કરવો, પક્ષીઓને બેસવા માટેના વાંસ, લાઇટ ટ્રેપ્સ, ચીકણી રંગીન પ્લેટો અને ફેરોમોન ટ્રેપ્સ લગાવવા. તે કીટક અંકુશની સૌથી અસરકરાક યાંત્રિક પદ્ધતિઓ છે.

  • જૈવિક વિકલ્પો Biological alternative

કીટક-ભક્ષીઓ અને પેથોજન્સનો ઉપયોગ પણ કીટક સમસ્યાને ઇટીએલની નીચે રાખવામાં અસરકારક સાબિત થયા છે. વાવણીના પંદર દિવસ પછી પ્રતિ હેક્ટરે ટ્રાઇકોગ્રેમ્મા જાતિના 40,000થી 50,000 ઇંડા , કેલોનસ બ્લેકબર્નીના 15,000થી 20,000 ઇંડા, એપેન્ટેલીસ જાતિના 15,000થી 20,000 ઇંડા અને ક્રીસોપર્લા જાતિના 5,000 ઇંડા પાણી સાથે છોડવા અને ત્રીસ દિવસ પછી અન્ય પરોપજીવીઓ અને કીટ-ભક્ષીઓ છોડવા. સેન્દ્રીય ખેતીમાં કીટક સમસ્યાના અંકુશ માટે આ પણ અસરકારક પદ્ધતિઓ છે.

  • જૈવિક કીટનાશકોનો ઉપયોગ

ટ્રાઇકોડર્મા વિરિડી અથવા ટી. હેરેઝીયનમ અથવા સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ ફોર્મ્મુલેશન પ્રતિ કિલો બીયારણે 4 ગ્રામ એકલા અથવા મિશ્રણમાં વાપરવાથી મોટાભાગના બીજને લગતા કે જમીનજન્ય રોગોનો પ્રબંધ થઈ શકે છે. અન્ય ફોર્મ્યુલેશન્સ જેવા કે બુવેરીયા બેસીયાના, મેટારીઝીયમ એનિસોપીલી, નુમેરીયા રિલેયી, વર્ટિસિલમ સ્પીસીઝ બજારમાં ઉપલબ્ધ છે ને તેમના ચોક્કસ યજમાન કીટકનો પ્રબંધ કરી શકે છે. બેસિલ થુરેન્જેન્સિસ (બીટી) સ્ટેનેબ્રીયોનિસ અને બી. ટી. સેન્ડિગો એ કોલીયોપ્ટેરાન્સ તેમજ અન્ય કેટલીક કીટક જાતિઓ સામે અસરકારક છે. ક્રુસિફર્સ અને શાકભાજીમાં પડતી ડાયમંડ બેક મોથના પ્રબંધ માટે બીટી પ્રતિ હેક્ટર 0.5થી 1 કિલો ફોર્મ્યુલેશનમાં વપરાય છે.
બેક્યુલોવાયરસ જૂથના વાઇરલ કીટનાશકો જેવા કે ગ્રેન્યુલોસિસ વાઇરસીસ (જીવી) અને ન્યુક્લીયર પોલીહેડ્રોસીસ વાઇરસીસ છોડ સુરક્ષા માટે અત્યંત ઉપયોગી છે. હેલિકોવર્પા આર્મિજેરા (એચ) અથવા સ્પોડોપ્ટેરા લિટુરા (એસ)ના ન્યુક્લીયર પોલીહેડ્રોસિસ વાયરસીસ (એનપીવી)નો 250 ડિમ્ભ સમતુલ્ય સ્પ્રે હેલિકોવર્પા સ્પીસીઝ અથવા સ્પોડોપ્ટેરા સ્પીસીઝનો અનુક્રમે પ્રબંધ કરવાના અત્યંત અસરકારક સાધનો છે.

  • વાનસ્પતિક કીટનાશકો

ઘણી વનસ્પતિઓ કીટનાશક લક્ષણો ધરાવે છે અને આવી વનસ્પતિઓના અર્ક અથવા તેમના પરિષ્કૃત સ્વરૂપો કીટક પ્રબંધમાં ઉપયોગી થઈ શકે છે. આ હેતુ માટે અલગ તારવાયેલી વિવિધ વનસ્પતિઓમાં લીમડો સૌથી વધુ અસરકારક જણાયો છે.

  • લીમડો (એઝેડિરેક્ટા ઇન્ડિકા) –લગભગ 200 જેટલા જંતુઓ, કીટકો અને નીમેડોટ્સના પ્રબંધમાં લીમડો અસરકારક જણાયો છે. લીમડો તીડ, લીફ હોપર્સ, પ્લાન્ટ હોપર્સ, મધુયૂકા (એફિડ), જેસિડ અને મોથ કેટરપિલર સામે અત્યંત અસરકારક છે. લીમડાનો રસ પણ બીટલ લાર્વા, બટરફ્લાય, મોથ અને કેટરપિલર જેવી કે મેક્સિકન બીન બીટલ, કોલોરાડો પોટેટો બીટલ અને ડાયમંડબેક મોથ સામે અત્યંત અસરકારક છે. લીમડો તીડ, લીફ માઇનોર અને લીફ હોપર જેવા કે બહુવર્ણી તીડો, ગ્રીન રાઇસ લીફ હોપર અને કોટન જેસિડ સામે અત્યંત અસરકારક છે. લીમડો બીટલ, એફિડ અને વ્હાઇટ ફ્લાઇ, મીલી બગ, સ્કેલ ઇન્સેક્ટ, એડલ્ટ બગ, ફ્રુટ મેગોટ અને સ્પાઇડર માઇટના પ્રબંધમાં યોગ્ય પરીણામો આપે છે.
  • અન્ય કેટલાક કીટનાશક ફોર્મ્યુલેશન્સ

સેન્દ્રીય ખેતી કરતા ઘણા ખેડુતો અને એનજીઓએ ઘણા બધા સર્જનાત્મક ફોર્મ્યુલેશન્સ વિકસાવ્યા છે, જે વિવિધ કીટનાશકોના અંકુશ માટે અસરકારકપણે વપરાય છે. આમાંના કોઇપણ ફોર્મ્યુલેશન્સની વૈજ્ઞાનિક પરખ થઈ નથી, તેમ છતાં ખેડુતો દ્વારા તેમની વ્યાપક સ્વીકૃતિ તેમની ઉપયોગિતા ઉજાગર કરે છે. ખેડુતો આ ફોર્મ્યુલેશન્સની અજમાયશ કરી શકે છે, કેમ કે તેઓ તેમના પોતાના ખેતરમાં કોઇપણ ખર્ચ કર્યા વિના પોતાની મેળે તૈયાર કરી શકે છે. આમાંના કેટલાક ફોર્મ્યુલેશન્સ નીચે પ્રમાણે છે:

ગૌમુત્ર – પાણી સાથે 1: 20ના અનુપાતમાં મંદ કરેલું ગૌમુત્ર પાંદડા પર છાંટવામાં આવે તો માત્ર પેથોજન્સ અને જંતુઓના પ્રબંધમાં જ અસરકારક નથી, પરંતુ પાકના અસરકારક વૃદ્ધિ પ્રોત્સાહક તરીકે પણ કામ કરે છે.

આથો ચડાવેલી છાશ – – મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વ્હાઇટ ફ્લાય, જેસિડ, એફિડ વગેરેના પ્રબંધ માટે આથો ચડાવેલી છાશનો પણ ઉપયોગ થાય છે.

દાસપર્ણી અર્ક – લીમડાના 5 કિલો પાંદડા, નગોડના 2 કિલો પાંદડા, બતકવેલના પાંદડા 2 કિલો, પપૈયા 2 કિલો, ગળોના પાંદડા 2 કિલો, સીતાફળના પાંદડા 2 કિલો, કરંજના પાંદડા 2 કિલો, એરંડાના પાંદડા 2 કિલો, લાલ કરેણ 2 કિલો અને આકડાના પાંદડા 2 કિલો લઇને કુટો તેમાં મરચાની પેસ્ટ 2 કિલો, લસણની પેસ્ટ 250 ગ્રામ, ગોબર 3 કિલો, ગૌમુત્ર 5 લિટર ભેળવી 200 લિટર પાણીમાં એક મહિના માટે આથો. રોજ દિવસમાં ત્રણવાર હલાવો. તેનું પીલાણ કરીને અને ગાળીને તેનો અર્ક કાઢો. આ અર્ક છ મહિના સુધી સંગ્રહી શકાય છે અને એક એકર જમીન માટે પૂરતો છે.

નીમાસ્ત્ર - 5 કિલો લીમડાના પાંદડા પાણીમાં પીલો, તેમાં 5 લિટર ગૌમુત્ર ભેળવો, 24 કલાક આથો ચડાવી વચ્ચેના સમયમાં હલાવો. નીચોવી, ગાળીને તેનો અર્ક કાઢો અને 100 લિટર પાણીમાં મંદ કરો. એક એકર જમીન પર તેને પાંદડા પર છાંટો. તે સકિંગ પેસ્ટ્સ અને મીલી બગ્સ સામે ઉપયોગી છે.

બ્રહ્માસ્ત્ર - 10 લિટર ગૌમુત્રમાં લીમડાના 3 કિલો પાંદડા પીલો અને તેમાં સીતાફળના 2 કિલો પાંદડા, પપૈયાના 2 કિલો પાંદડા, તડબૂચના 2 કિલો પાંદડા, જામફળના 2 કિલો પાંદડા પાણીમાં પીલીને ભેળવો. થોડા થોડા અંતરાલે તેમને પાંચવાર ઉકાળો, અડધો ભાગ બળે ત્યાં સુધી. 24 કલાક રાખી મુકો, પછી નીચોવી, ગાળી અર્ક કાઢો. આ અર્ક છ મહિના માટે બાટલીમાં ભરી શકાય. તેને 2થી 2.5 લિટર પાણીમાં મંદ કરીને એક એકર જમીનમાં વાપરી શકાય. સકિંગ પેસ્ટ્સ, શીંગી કે ફળના બોરર સામે ઉપયોગી.

અગ્ન્યાસ્ત્ર - 10 લિટર ગૌમુત્રમાં નારવેલનાં 1 કિલો પાંદડા, તીખુ મરચુ 500 ગ્રામ, લસણ 500 ગ્રામ અને લીમડાના પાંદડા 5 કિલો કુટો. મિશ્રણ અડધું થાય ત્યાં સુધી 5 વખત ઉકાળો. તેને નીચોવી, ગાળીને તેનો અર્ક કાઢો. કાચની કે પ્લાસ્ટિકની બાટલીમાં સંગ્રહો. 2-3 લિટર અર્ક 100 લિટર પાણીમાં મંદ કરીને એક એકર માટે વાપરો. લીફ રોલર, થડ/ફળ/શીંગના બોરર સામે ઉપયોગી છે.

સ્રોત: નેશનલ સેન્ટર ઑફ ઓર્ગેનિક ફાર્મિંગ, ગાઝીયાબાદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate