મહિલાઓની આધુનિક ખેતીની આ પહેલ અને તેની સફળતા જોઈને રાજ્ય સરકારની પણ આંખ ખૂલી છે અને તેણે રસ લેવાનું શરૂ કર્યું છે.
જો કે, એકવીસમી સદીની આધુનિક દુનિયામાં આજે કંઈ પણ થઈ શકે છે : રાજસ્થાનમાં એમબીએ ભણેલ છબિ રાજપૂત નાનકડા ગામની સરપંચ બની ગામડાંની સકલ સૂરત બદલી શકે છે તો ગુજરાતમાં પણ સમરસ યોજના અંતર્ગત હીનલ પટેલ જેવી એજ્યુકેટેડ યુવતીઓ સરપંચ પદ સંભાળીને ગ્રામ્યજનોને એક નવી જ રાહ દેખાડે છે
સફળતાની કેડી કંડારનારાઓ માટે કોઈ રાહ કઠિન હોતો નથી કે કોઈ કામ નાનું હોતું નથી અને વળી જેને કામ જ કરવું છે કે આગવો ઈતિહાસ જ રચવો છે તે કોઈપણ ક્ષેત્રમાં કેડ બાંધીને મચી પડે છે. જો કે, એકવીસમી સદીએ આજે કામનો પ્રકાર અને કામની પરિભાષા બદલી નાખી છે. ટેક્નોલોજીના આ યુગમાં તમને કોમ્પ્યુટર કે નેટનો ઉપયોગ ન આવડે તો તમે ગમારની વ્યાખ્યામાં આવી જાઓ તેવો માહોલ ઊભો થયો છે. કહેવાનો આશય છે કે, આજે સ્ત્રીઓ પાસે પણ ઘરના કામો સિવાયના અનેક કામો છે, પરંતુ તેઓ હાયર એજ્યુકેશન મેળવીને મોટાભાગે મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઝંપલાવવાનું જ પસંદ કરતી હોય છે. જો કે, મેનેજમેન્ટની કલા તે સ્ત્રીઓમાં જન્મજાત હોય છે. તેથી જ તેઓ અત્યાર સુધી તેમના ઘરના વહીવટની બાગડોર બખૂબી સંભાળતી અને હવે આજે ઘરની સાથે સાથે ઓફિસના મોરચે પણ તેમનામાં રહેલ મેનેજમેન્ટ કૌશલ્ય અદ્ભુતપણે દાખવીને કોર્પોરેટ ઓફિસોમાં તેમનો દબદબો ઊભો કરી રહી છે અને તેમાં તેનું ગૌરવ પણ જોઈ રહી છે. ત્યારે સવાલ તે પણ ઊઠે છે કે, સ્ત્રીઓ આજે આર્મીથી લઈને બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં પણ જોડાઈ રહી છે ત્યારે શું હજુ તેવાં ક્ષેત્રો બાકી છે કે, જ્યાં તેઓ તેનું કૌશલ્ય દાખવીને લોકોને એક નવી જ રાહ દેખાડે.
મુદ્દાની વાત કરીએ તો, ભારતીય સંસ્કૃતિ પણ ખૂબ ઝડપથી વેસ્ટર્ન બીબાંઢાળમાં ઢળી રહી છે જેને પગલે ભારતીય ઘરોમાં પણ ડબલ ઇન્કમ કોન્સેપ્ટ પ્રચલિત બન્યો છે. વળી મહિલાઓ પોતે પણ હાઉસવાઈફ બની ઘરની ચાર દીવાલો વચ્ચે કેદ થઈ તેમની જિંદગી પૂરી કરવામાં તેમની અવમાનના માની રહી છે ત્યારે તેઓ પણ ઘર પરિવારની સંભાળ સાથે સાથે તેમના બુદ્ધિ કૌશલ્ય બતાવવા પુરૂષોની બરાબરીના દરેક ક્ષેત્રમાં ઝંપલાવી રહી છે. જો કે, આપણે આજે દૃઢપણે તેવું માનીએ છીએ કે, સ્ત્રીઓ છેલ્લા બેએક દાયકાથી જ ઘરકામ સિવાયના અન્ય કામો કરી રહી છે, પરંતુ તે વાતમાં માલ નથી, કેમ કે તમે આજે પણ તમારી આસપાસનાં ગામડાંઓમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે, સ્ત્રીઓ તો પુરૂષની લગોલગ કમર કસીને ક્યારની કામ કરી જ રહી છે. તે વાત બે નંબરે આવે છે કે, આ કામનો પ્રકાર અલગ હોય છે એટલે કે વર્ષોથી તેઓ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં પતિ સાથે મળીને ખાસ્સી મહેનત માગી લે તેવા કામો કરતી આવી છે અને આજે પણ ગ્રામ્ય જીવનમાં આ જ રીતે સ્ત્રીઓ કામ કરી શહેરની મહિલાઓની જેમ જ કામ કરે છે, પરંતુ કમનસીબીએ તેની નોંધ લેવામાં આવતી નથી.
એમાંય જો કોઈ સંપન્ન પરિવારની મહિલા તનતોડ મહેનત માગી લેતા આ વ્યવસાય તરફ ઢળે તો લોકોને ચોક્કસ નવાઈ લાગે. જો કે, એકવીસમી સદીની આધુનિક દુનિયામાં આજે કંઈ પણ થઈ શકે છે. રાજસ્થાનમાં એમબીએ ભણેલ છબિ રાજપૂત નાનકડા ગામની સરપંચ બની ગામડાંની સકલ સૂરત બદલી શકે છે તો ગુજરાતમાં પણ સમરસ યોજના અંતર્ગત હીનલ પટેલ જેવી એજ્યુકેટેડ યુવતીઓ સરપંચ પદ સંભાળીને ગ્રામ્યજનોને એક નવો જ રાહ દેખાડે છે.
અને કંઈક આ જ પ્રકારની એક નોખી ગાથામાં બિહારના વૈશાલી જિલ્લાના પંચદમીયા ગામની મમતાસિંહ દોહરાવી રહી છે. જમીનદાર પરિવારની મમતાસિંહે ખેતી સુધારવાનું બીડું ઝડપી એક આગવો જ ઇતિહાસ રચ્યો છે. તેણે પહેલાં બંજર જમીનને મહેનતથી ધ્યાન આપીને ઉપજાઉ બનાવી અને આ જ નકામી જમીનમાં જ્યારે લીલો કંજાર પાક લહેરાવવા લાગ્યો ત્યારે આખા ગામની મહિલાઓને જ નહીં, પરંતુ પુરૂષોને પણ પ્રેરણા મળી અને આજે મમતાસિંહની રાહ પર ચાલવા અનેક મહિલાઓ તૈયાર થઈ ચૂકી છે. ત્યારે મમતાસિંહે પણ તેના ગામની મહિલાઓનો ઉત્સાહ અને લગન જોઈને કિસાન ક્લબ સ્થાપીને ગામની મહિલાઓને ખેતી અંગેનું યોગ્ય પ્રશિક્ષણ આપવાનું શરૂ કરી દીધું છે અને હવે મમતાસિંહ ગામની મહિલાઓને એક સફળ ખેડૂત બનાવવાના આગવા કામમાં લાગી ગઈ છે. થોડા સમય અગાઉ જ ઊભી કરવામાં આવેલ ક્લબ પાસે આજે ટૂંકા ગાળામાં જ તેનું પોતાનું પાવર વ્હિલર, ટ્રેક્ટર તથા અન્ય આધુનિક કૃષિયંત્રો પણ છે તેમ જ ક્લબ પાસે બેંકમાં પૈસા પણ છે.
જો કે, આ માટે તેણે ઘણી મહેનત કરી છે. આ ક્લબ ઊભી કર્યા અગાઉ મમતાસિંહે લોકોમાં ખેતી અંગે જાગૃતિ આવે અને તે કઈ રીતે તે કયા પ્રકારથી કરાય તે સમજાવવા તેના ગામના ખૂણે ખૂણે ફરી તેમ જ સાપ્તાહિક બેઠકો યોજીને તેણે મહિલાઓનું એક સંગઠન બનાવ્યું અને આજથી થોડા સમય અગાઉ તેણીએ મહિલા કિસાન ક્લબ બનાવીને પુરૂષોને સંદેશો પાઠવ્યો કે, અન્ય ક્ષેત્રોની જેમ ખેતી પર પણ ફક્ત પુરૂષોનું જ વર્ચસ્વ નથી. ક્લબના ગઠનના બે મહિનામાં જ મહિલાઓની સંખ્યા બસ્સો સુધી પહોંચી ગઈ. વધુમાં તેણે મહિલાઓને યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી અંગેનું જ્ઞાન આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ વિશેષજ્ઞા તેમ જ વૈજ્ઞાનિકોને ગામમાં બોલાવીને મહિલા ખેડૂતોને જરૂરી પ્રશિક્ષણ પણ પૂરૂ પાડયું છે તેમ જ તે સાથે જ કૃષિ ગોષ્ઠિ અને કૃષિ મેળાનું આયોજન કરીને મહિલા ખેડૂતોને નવી વિકસિત ટેક્નિકોની માહિતી આપવામાં આવે છે. જેને કારણે તેની ક્લબમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે.
અને તેનાથી પણ એક સ્ટેપ આગળ તો આ ક્લબની ડઝનો જેટલી મહિલા ખેડૂતોએ કૃષિ સલાહકારના રૂપમાં કામ કરીને તેની આસપાસના ગામડાંઓમાં બીજા ગામની મહિલાઓને પણ સફળ રીતે ખેતી કરાવી છે અને મમતાસિંહે તે સિવાય, આ મહિલાઓ દ્વારા ઉગાડવામાં આવતાં શાકભાજી કે અન્ય ખેત ઉત્પાદનોને દરરોજ ક્લબમાં જમા કરાવવાની અને ત્યારબાદ વેચાણ માટે બજારમાં મોકલી તેના જે પૈસા આવે તે ઉત્પાદનના વજન પ્રમાણે ગણીને વહેંચી આપવાનું કામ પણ કર્યું છે. મમતાસિંહની અને હવે અન્ય મહિલા ખેડૂતોની મહેનતના કારણે આજે પંચદમીયા અને તેની આસપાસનાં ગામડાંઓમાં લીલી ક્રાંતિ સર્જાઈ છે. મહિલાઓ દ્વારા ઉત્પાદિત કારેલા, ભીંડા કે ગવાર જેવા કેટલાય શાકો આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કોલકાતા સુધી પહોંચી રહ્યા છે. મમતાસિંહે સ્થાપેલ ક્લબના કારણે આ મહિલાઓને હવે ખેતીનો સીધો લાભ થઈ રહ્યો છે અને આ મહિલાઓની વધેલ કોઠાસૂઝ જોઈને વચેટિયાઓ આ ગામમાંથી તેમ જ આજુબાજુના ગામડાંઓમાંથી પણ બોરિયા બિસ્તરાં ભરીને રવાના થઈ ચૂક્યા છે.
મહિલાઓની આધુનિક ખેતીની આ પહેલ અને તેની સફળતા જોઈને રાજ્ય સરકારની પણ આંખ ખૂલી છે અને તેણે રસ લેવાનું શરૂ કર્યું છે. સરકારના પ્રયાસોથી આજે ગામમાં કૃષિ સલાહકાર અને વૈજ્ઞાનિકોની ટીમોની ગામમાં ચહેલપહેલ વધી છે. જો કે, સરકારે હજુ સુધી મમતા કિસાન ક્લબને કોઈ નાણાકીય મદદ કરી નથી, પરંતુ ક્લબની વધેલ પ્રતિષ્ઠાને કારણે મમતાસિંહને દિલ્હીમાં આયોજિત કિસાન સંઘ પરિષદના છઠ્ઠા રાષ્ટ્રીય અધિવેશનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં દેશભરના ખેડૂતોની સાથે સાથે વિદેશમાંથી પણ ઘણા લોકોએ ભાગ લીધો હતો અને અનેક મંત્રીઓ પણ હાજર હતા. આ અધિવેશનમાં મમતા કિસાન ક્લબ દ્વારા કૃષિમાં મહિલાઓની ભાગીદારી નામના પુસ્તકનું વિમોચન પણ કર્યું.
અને હવે મમતાસિંહ સરકારી સમિતિઓમાં મહિલા ખેડૂતોને પ્રતિનિધિત્વ આપવાની તેમ જ વિધાન પરિષદ અને રાજ્યસભામાં મહિલા કિસાન પ્રતિનિધિ મોકલવાની માગણી કરી રહ્યા છે. પોતાની આ સફળતા અંગે મમતા જણાવી રહ્યાં છે કે, તેઓ નાનપણથી જ તેમના પિતાને ખેતીમાં મદદ કરતા હતા અને લગ્ન પછી સાસરામાં જ્યારે મિલકતના ભાગલા થયા ત્યારે તેના હિસ્સે બંજર જમીન આવી. ત્યારે જ મમતાએ નિર્ણય કરી લીધો હતો કે, આ પડતર જમીનને તે ઉપજાઉ જમીન બનાવી તેમાં ખેતી કરશે. જો કે શરૂઆતમાં મમતાના પ્રયાસોની લોકો મજાક ઉડાવતા, પરંતુ આજે આ જ લોકો મમતાની કિસાન ક્લબની પ્રશંસા કરે છે. આ છે એક સફળ મહિલાની એક તેવી ગાથા કે, જેણે દેશની સ્ત્રીઓને જ નહીં, પરંતુ પુરૂષોને પણ એક આગવી રાહ ચીંધ્યો છે. આજે બેરોજગારી અને મોંઘવારીએ લોકોનું જીવવું હરામ કર્યું છે. કેટલાક રાજ્યોમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. હાયર એજ્યુકેટેડ યુવાનો દિશાવિહીન થઈ ભટકી રહ્યા છે ત્યારે મમતાની કહાની તે કહી જાય છે કે, કોણે કહ્યું કે, તમારી પાસે કામ નથી કે તમે બેરોજગાર છો. રોજગારી તમે ગમે ત્યાંથી મેળવી શકો છો.
ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને આજે પણ ભારતની ૬૫ ટકા જેટલી વસતી ગામડાંઓમાં વસી રહી છે તેમ જ ખેતી કે પશુપાલન કરી તેમનું જીવન ગબડાવી લે છે, પરંતુ તેની સામેની સચ્ચાઈ તે પણ છે કે, સરકારની ખેતી પ્રત્યેની ઉદાસીન નીતિને પગલે લોકો હવે શહેરો તરફ વળતા જાય છે તેમ જ ખેતીને તિલાંજલિ આપી નાનાં-મોટાં કામો કરી તેમનો જીવનનિર્વાહ ચલાવતા નજરે ચડે છે.
જો કે, તેની પાછળના અનેક કારણો છે અને તેમાંનું એક કારણ તે પણ છે કે, ખેતીમાં તનતોડ મહેનત કરવી પડે છે અને તેની સામે તેમને પૂરતા પ્રમાણમાં વળતર મળતું નથી, પરંતુ ખેતીની ઓછી આવકના કારણે આપણે મોંઘવારીમાં પણ પીસાઈએ છીએ ત્યારે લોકોએ છાંયડે ઠંડકમાં બેસીને કામ કરવાની લાલચને ત્યજીને ખેતી જેવા સ્વનિર્ભર ક્ષેત્રમાં તેમના જ્ઞાનને કામે લગાડવું જોઈએ. એજ્યુકેટેડ વર્ગ પણ જો તેનું નોલેજ ખેતી તરફ વાળે તો ખેત ઉત્પાદનોમાં વધારો થઈ શકે, તેમ જ રોજગારીની નવી દિશાઓ પણ ખૂલી શકે. માની લેવામાં આવે કે, સરકારનો રસ ઉદ્યોગ ધંધાઓમાં જ છે અને તેથી જ તે લોકો એ વાત ભૂલી જાય છે કે, લોકોને કાર, એ.સી. અને અન્ય લક્ઝુરિયસ આઈટમ વિના ચાલશે, પરંતુ દરેકનો જઠરાગ્નિ ઠારવા પૂરતા પ્રમાણમાં અનાજ જ જોઈશે. ટૂંકમાં બિહારનાં મમતાસિંહે આ અંગેનું એક નોખું આંદોલન છેડયું છે ત્યારે તેમાં સ્ત્રીઓએ તો જોડાવું જ જોઈએ, પરંતુ યુવાનોએ પણ તેમાંથી પ્રેરણા અવશ્ય લેવી જોઈએ.
સ્ત્રોત: સંદેશ કોલમિસ્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
મહિલા કિસાન વિષે ની માહિતી