অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કપાસની ગુણવત્તા, પ્રોસેસીંગ અને બજાર વ્યવસ્થા

સફેદ સોનું ગણાતો કપાસ પાક એક અગત્યનો રોકડીયો પાક  છે. લગભગ ચાર હજાર વર્ષ પહેલા શોધાયેલ કપાસ પાક દેશની આર્થિક તેમજ સામાજીક વ્યવસ્થામાં અગત્યનો ભાગ ભજવે છે. દુનિયામાં વધારેમાં વધારે વેપાર (ટ્રેડ) થતો હોય તો તે એક માત્ર કપાસ છે. કપાસ ઉત્પન્ન કરનારા ૬૦ ઉપરાંત દેશો છે. જેમાં ચીન, ભારત, અને અમેરીકા વગેરે દેશોનો મોટો ફાળો રહેલો છે. કપાસનાં કુલ ઉત્પાદનમાં દુનિયામાં ચીન પછી ભારત બીજા નંબરે આવે છે. કપાસ પકવતા રાજયોમાં મુખ્યત્વે ગુજરાત (૩૮ %), મહારાષ્ટ્ર (૧૯ %) અને આંધ્રપ્રદેશ (૧૩ %) મુખ્ય છે.

આપણા દેશમાં કપાસની ઉત્પાદકતા લગભગ પર૧ કિગ્રા / હેકટર જેટલી છે. અંદાજે ૯૧.પ૮ લાખ હેકટર જેટલા વિસ્તારમાં આ પાક ઉગાડવામાં આવે છે. વર્ષ  ર૦૦૬–૦૭ નાં એક અંદાજ મુજબ કપાસનું ઉત્પાદન ર૮૦ લાખ બેલ નું આપણાં દેશમાં થયેલ છે. સમગ્ર માનવજાતને ૪૦ % ઉપરાંત સેલ્યુલોઝ યુકત કુદરતી રેસા (ફાઈબર / રૂ) તેનાં વિવિધ ઉપયોગ માટે એક માત્ર કપાસ પાક થકી પુરા પડે છે. ટેકસટાઈલ ઉદ્યોગમાં આ રેસા મહત્વની કાચી સામગ્રી છે.

કપાસનાં બીજ માં લગભગ ૧પ થી ર૦ % જેટલું તેલ હોય છે. તેમાંથી સારી ગુણવત્તા વાળું ખાદ્યતેલ નિકળે છે. એક અંદાજ મુજબ કુલ ખાદ્યતેલનાં હિસ્સામાં દશમાં ભાગનો હિસ્સો કપાસ તેલનો છે.

    કપાસનાં વિવિધ ભાગ :–

કપાસનો પાક ખેતરમાં તૈયાર થયા બાદ કપાસને હાથથી અથવા પીકર મશીન ધ્યારા તેના કાલામાંથી વીણી કરી એકઠો કરવામાં આવે છે. બીજ, લીન્ટર્સ અને રેસા (ફાઈબર, રૂ) મુખ્ય તેનાં ભાગ છે. કપાસને જીનરન મશીન થકી રેસા અને લીન્ટર્સ યુકત બીજ એમ બે ભાગમાં જુદા પાડવામાં આવે છે. બીજ ઉપર નાના નાના સેલ્યુલોઝ યુકત રેસા જે જીનરનમાં રહી ગયેલ હોય છે, તેને લીન્ટર્સ અથવા ફઝ કહે છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ પ્રોસેસીંગ ઉદ્યોગ આ લીન્ટર્સ અથવા ફઝનો  સેલ્યુલોઝ અને અન્ય સામગ્રી બનાવવા વપરાશ કરે છે. બીજ ને આગળની પ્રોસેસમાં જવા દેતા પહેલા આ લીન્ટર્સને દૂર કરવા અતિ આવશ્યક હોય છે.

2. કપાસની ગુણવત્તા અને વર્ગીકરણઃ–

કપાસ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય બજારમાં વેપાર (ટ્રેડ) થતો પાક હોવાંથી તેની ચોકકસ ગુણવત્તા અને વર્ગીકરણ નાં ધારા ધોરણો સમય સમય પ્રમાણે અપનાવવામાં આવે છે. ગુણવત્તા માટે ખાસ કરીને કપાસમાં રહેલા ભેજ, નુકશાની, ટ્રેશ મટીરીયલ, ચોખ્ખાઈ, સ્ટે્રન્થ, માઈક્રોનેર વેલ્યુ, લીસ્ટ કાઉન્ટ તથા કલર વગેરેને પ્રાધાન્ય આપવામાં  આવતું હોય છે, જયારે વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે.

(૧)   સ્ટેપલ ગ્રૃપ મુજબઃ–

કપાસનાં રેસાની (તાર) લંબાઈ મુજબ તેને જુદાજુદા સ્ટેપલ ગ્રુપમાં નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ છે.

અ.નં.

સ્ટેપલ ગ્રૃપ

લંબાઈ

નાનું

ર૦ એમ એમ કરતા નાની

મધ્યમ

ર૦.પ થી રપ.પ એમ એમ

મધ્ય– મોટુ

ર૬ થી ર૭.પ એમ એમ

મોટુ

ર૮ થી ૩૩.પ એમ એમ

વધારે મોટુ

૩૪ એમ એમ થી ઉપર

ઉપરનાં ગ્રુપમાં ભેજનું પ્રમાણ ૮.પ % ત્ર ૧ નું રહેવું જોઈએ.   (સોર્સ :– કોટન એડવાઈઝરી બોર્ડ)

(ર)     મીલીંગ કવોલીટી મુજબઃ–

કપાસનાં બીજને ઓઈલ મીલીંગ માટે આઈ એસઃ ૪૬ર૦૧૯૬૮ મુજબ ગ્રેડ, ગ્રેડ

તેમજ ગ્રેડ૩ માં વર્ગીકૃત કરવમાં આવેલ છે. આ વર્ગીકરણમાં બીજમાંનાં ભેજ, તેલની ટકાવારી ઉપરોકત અન્ય બીજા ચારથી પાંચ પાસાને આવરી લેવામાં આવેલ છે. જે બીજમાં ભેજનું પ્રમાણ ૮ % અને તેલનું પ્રમણ ર૦ % હોય તેને ગ્રેડ૧ માં, ૧૦ % ભેજ અને ૧૮ % તેલ હોય તે  બીજને ગ્રેડરમાં અને ૧ર % ભેજ અને ૧પ % તેલ હોય તે બીજ ને ગ્રેડ૩ માં વર્ગીકૃત કરવામાં આવેલ છે.

(૩)    ડીલીંન્ટીંગ કટ મુજબઃ–

લીન્ટર્સને આઈ એસ : ૩પ૧૭૧૯૭૯ મુજબ તેની ડીલીન્ટીંગ કટ મુજબ પ્રથમ કટ, બીજી કટ અને મીલરન વગેરે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે જે લીન્ટર્સની લંબાઈ ૬ થી ૧ર એમ એમ જેટલી હોય તેમજ પ્રથમ મશીન કટ માંજ મળતી હોય તેને પ્રથમ કટમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. બીજી કટમાં લીન્ટર્સની લંબાઈ ર થી ૬ એમ એમ નકકી કરવામાં આવેલ છે. ત્રીજુ જે વર્ગીકરણ કરવામાં આવેલ છે તે  લીન્ટર્સની લંબાઈ ર થી ૧ર એમ એમ હોય અને પ્રથમ  અથવા બીજા કટ થકી મળતી હોય તેને મીલરન કહે છે

ઉપર મુજબ  વર્ગીકૃત થયેલ લીન્ટર્સમાં ભેજનું પ્રમાણ ૭ % હેાવું જોઈએ.

    કપાસનું પ્રોસેસીંગઃ–

કૃષિ પાકોમાં ઘણાં બધા પાકો એવા છે કે જેના એક એક ભાગને (દા.ત. ,પાન, ડાળી, મૂળ, ફળ, ફૂલ વિગેરે) નકામાં વેડફવાને બદલે તેનું યોગ્ય પ્રોસેસીંગ કરી, મુલ્યવર્ધક વસ્તુ બનાવી વધારાની આવક મેળવી શકાય છે. કપાસનો પાક પણ આવો જ એક પાક છે. જેનાં એકે–એક ભાગનું નીચે મુજબ ચાર્ટમાં દર્શાવ્યા મુજબ પ્રોસેસીંગ કરી શકાય છે.

કપાસ પાક પ્રોસેસીંગ ફલો ચાર્ટ

કપાસની કેટલીક અગત્યની પ્રોસેસ પ્રક્રીયા નીચે મુજબ આપવામાં આવેલી છે.

જીનીંગ :–

આ પ્રોસેસમાં વીણી/ પીકીંગ કરેલ કપાસને જીનરન મશીન ધ્યારા તેનાં રેસા એટલે કે રૂ અને બીજ એમ બે ભાગમાં અલગ કરવામાં આવે છે. જીનરન મશીન મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે.

(૧) રોલર જીન :–

રોલર જીન મશીનમાં રોલર તેની ધરી ઉપર ફરતો હોય છે. રોલરની સપાટીને સામાન્ય રીતે ખરબચડી લાકડાની પટૃી/ રબર અથવા લેધરથી મઢવામાં આવે છે. રોલરને ચોકકસ ગતી આપવામાં આવે છે, જેથી ફીડ કરેલ કપાસ ખેચાયને રોલરની ખરબચડી સપાટી સાથે ચોટીં જાય છે. આ મશીનમાં ફરતા રોલરની લંબાઈ મુજબ સ્થાનિક બ્લેડને ચોકકસગેપ રાખી ફીટ કરવામાં આવેલી હોય છે. કપાસ જયારે બ્લેડ પાસે આવે ત્યારે ટીયરીંગ એકશનથી કપાસ બીજ અને રેસા/ રૂ અલગ પડે છે. કપાસ બીજ એક અલગ કંપન યુકત જાળી થકી પસાર થઈ એક છેડે બહાર નીકળે છે, જયારે રેસા / રૂ બીજી બાજુ એર સકશન / બ્રશ થકી જુદા થઈ એકઠા થાય છે.

(ર) સો જીન :–

આ પ્રકારનાં જીન મશીનમાં હલર, પીકર, રોલર, સ્ટીલરીબ્સ, સો, સીડ પાન વગેરે જેવા ભાગો હોય છે. જીન સો ૦.૮ એમ એમ જાડી સ્ટીલ પ્લેટથી બનાવવામાં આવે છે.  બે જીન સો વચ્ચેનું અંતર ૩ એમ એમ જેટલુ રાખવામાં આવે છે. જીન સો નો વ્યાસ ર૪ થી ૩૦ સેમી જેટલો હોય છે. જીન સો ૬પ૦ થી ૭૩૦ પ્રતી મીનીટની ગતીથી બે સ્ટીલ રીબ/ ગેપવાળી જાળી વચ્ચે ફરતો હોય છે. જીન સો ના પરીઘ ઉપર એક સેમીમાં ૯ જેટલાં વી આકારનાં ખાંચા/દાંતા હોય છે. ફીડર કરાયેલો  કપાસ સો જીનનાં આ દાંતા ધ્વારા ખેંચાય છે. અને સ્ક્રીન જાળી આગળ રબીંગ થવાથી કપાસ બીજ ઉપરની જાળીમાં અને રેસા/ રૂ નીચેથી એકઠા કરવામાં આવે છે. આ પ્રકારનાં જીનમાં થી નિકળેલ રેસા/ રૂ ને સાફ સફાઈ અને પ્રેસીંગ સેકશનમાં મોકલવામાં આવે છે. આ પ્રકારનાં એક જીન મશીનમાં ર થી ૮ સ્ટેન્ડ હોય છે. દરેક સ્ટેન્ડમાં ૮૦ જેટલાં સો જીન હોય છે. એક સો જીનની જીનીંગ કેપેસીટી ૪ થી પ કિગ્રા પ્રતિ કલાક ની હોય છે.

ઉપરોકત બંને જીનમાં પ્રોસેસીંગ વખતે યોગ્ય કાળજી ન રાખતા ટીયરીંગ અને રબીંગ એકશન થકી રેસા/ રૂ ની કવોલીટી તેમજ કવોન્ટીટીમાં ફરક પડે છે.

ડી લીન્ટીંગ :

જીનરન મશીનમાં રેસા/ રૂ અને કપાસ બીજ અલગ થયા બાદ કપાસ બીજ ઉપર નાની રૂવાટી જેવા રેસા હોય છે, જેને લીન્ટર્સ અથવા ફઝ કહે છે. આ લીન્ટર્સ નો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલ પ્રોસેસીંગ યુનીટમાં રેસા, સેલ્યુલોઝ તેમજ ડસ્ટ જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. તેમાંથી અલગ થયેલ કપાસ બીજને બિયારણ તેમજ મીલીંગ હેતુસર અલગ તારવવામાં આવે છે.

ડીલીન્ટીંગ પ્રોસેસ બે પ્રકારે થાય છે.

  1. યાંત્રિક ડીલીન્ટીંગ :– જીનરન બાદનાં બીજ ઉપર સ્ટાન્ડર્ડ મશીનરી ધ્વારા પ્રથમકટ, બીજીકટ અને મીલરન પ્રોસેસ હાથ ધરવામાં આવે છે. આ પ્રકારની મશીનરી થકી લીન્ટર્સનો બગાડ થતો અટકાવી ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાય છે.
  2. રાસાયણિક ડીલીન્ટીંગઃ– ખાસ કરીને બિયારણનાં હેતુસર આ પધ્ધતિ અપનાવવામાં આવે છે. જે ને એસીડ ડીલીન્ટીંગ પધ્ધિતિ કહેવામાં આવે છે. કોમર્શીયલ ગ્રેડના કોન્સનટ્રેટેડ સલ્ફયુરીક એસીડ (૯૮.૪ %) સાથે બીજને તેની જાત પ્રમાણે ચોકકસ સમય માટે મિક્ષ કરવમાં આવે છે. આ મિશ્રણને ત્યારબાદ પાણીથી ધોઈ ચુનાનાં પાણીની ર થી ૩ મીનીટ માવજત આપી ફરી બીજને પાણીમાં ડુબાડવામાં આવે છે. સારા બીજ ભારે હોવાથી પાણીમાં તળીયે બેસે છે. જેને અલગ તારવી સુકવણી કરી બિયારણ અને અન્ય ઉપયોગમાં લેવામાં આવે છે. હલકા, અપરીપકવ બીજ પાણી ની સપાટી ઉપર તરે છે, જે ને દુર કરવામાં આવે છે.

 

મીલીંગ :

ડીલીન્ટીંગ બાદ તૈયાર થયેલ કપાસ બીજનું મીલીંગ કરવામાં આવે છે. મીલીંગ પ્રોસેસ થકી મુખ્ય ખાદ્યતેલ અને ખોળ પ્રાપ્ત થાય છે. જેમાં આગળની પ્રોસેસ કરતા નીચે આપેલા ચાર્ટ મુજબ ઘણી આડપેદાશો મળે છે.

કપાસ બીજ મીલીંગ ફલો ચાર્ટ

બજાર વ્યવસ્થાઃ–

કપાસ પાકની સીઝન રાજય પ્રમાણે અલગ અલગ હોવાંથી તેનું માર્કેટીંગ લગભગ ચોમાસાની સીઝન સીવાય થતું રહે છે. કપાસનાં પાકની વીણી કર્યા બાદ ખેડૂતો સામાન્ય રીતે પ્રાયમરી માર્કેટમાં કપાસને મણ (ર૦ કિગ્રા) ભાવનાં હિસાબે સ્થાનિક વેપારીઓને વેંચી દેતા હોય છે. જથ્થામાં કપાસ ઉગાડનારા ખેડૂતો તેમનો કપાસ સેકન્ડરી માર્કેટમાં દલાલો / વચેટીયાઓ ધ્વારા સીધોજ જીન મીલને વેચી દેતા હોય છે. કોઓપરેટીવ મંડળી તેમજ ટર્મીનલ માર્કેટ ધ્વારા ખેડૂતોનો કપાસ ખરીદાતો હોય છે. બજારમાં જયારે ખૂબજ ઉત્પાદન થયેલ હોય ત્યારે લઘુત્તમ ટેકાનાં ભાવે નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયા) અને સીસીઆઈ (કોટન કોર્પાોરેશન એાફ ઈન્ડીયા) જેવી સંસ્થાઓ કપાસની ખરીદી સીધીજ ખેડૂતો પાસેથી અથવા માર્કેટ થકી કરે છે. આ ઉપરાંત આપણાં દેશમાં લગભગ પ૬૦ જેટલા કપાસ ટ્રેડ માટે રેગ્યુલેટેડ માર્કેટ આવેલા છે. આ માર્કેટ થકી આંતર રાજય વેપાર સારી રીતે થઈ શકે છે. આંતર રાષ્ટ્રીય સ્તરે પણ કપાસનું એકસપોર્ટ/ ઈમ્પોર્ટ સરકારશ્રીનાં વખતોવખતના ધારા ધોરણ મુજબ થાય છે.

છેલ્લા થોડા સમયથી ઓન લાઈન ધ્વારા કપાસનું માર્કેટીંગ થઈ રહયુ છે. આ માટે  એમસી એકસ  (મલ્ટી કોમોડીટી એકચેંજ ઓફ ઈન્ડીંયા) અને એનસીડીઈએકસ (નેશનલ કોમોડીટી એન્ડ ડેટીવેટીઝ એકચેજ લીમીટેડ) જેવી સંસ્થાઓ કાર્યરત છે. આ માટે નકકી કરેલ જગ્યા એથી માલ ની ડીલીવરી/ ઉપાડ તેનાં ધારાધોરણ મુજબ કરવાની હોય છે.

લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate