દરેક ખેતપેદાશના રોજેરોજના વિવિધ મર્કેટના જથ્થાબંધ તથા છૂટક ભાવોની માહિતીની નિયમિત રીતે નોંધ કરી વિવિધ માધ્યમો જેવા કે રેડિયો, ટેલિવિઝન, સમાચારપત્રો, મેગેઝીનો, ન્યુઝલેટર વગેરે દ્રારા ખેડૂતમિત્રો, સરકારી અધિકારીઓ, ટ્રેડર્સ, વેપારીઓ, નીતિ ઘડવૈયાઓ તથા ઉપભોક્તાઓ વપરાશકારોને પૂરી પાડવી જોઈએ. માહિતીની જાણકારી કોઈપણ બજારના સંચાલન અને ભાવોની વધ-ઘટ માટે અગત્યની છે. બજાર અંગેની આધુનિક વ્યવસ્થામાં નિર્ણયો લેવા માટે તથા કેટલાક પ્રશ્નો હલ કરવા માટે માહિતી એક સાધન છે. ટુંકમાં બજાર માહિતીની પદ્ધતિ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં બજાર વિષયક માહિતીનું એકત્રીકરણ કરી તેનો સારા નિર્ણયો લેવામાં ઉપયોગ કરી, તેના પર પ્રક્રિયા કરી, સંગ્રહ કરી, નિર્ણયો લેવામાં ઉપયોગ કરી બજાર સુધારણા કરી શકાય છે.
ખેડૂતો બજાર વિષયક માહિતી જાણી પાકમાં કાપણી બાદ માલ ક્યારે બજારમાં પહોંચાડવો તે નક્કી કરી શકે છે. વિવિધ સ્થળોના બજારભાવોનો તફાવત જાણી ખેતીનો માલ ક્યાં વેચાણ કરવો તે નક્કી કરી શકે છે. એપીએમસી દ્વારા ખેડૂત પોતાની ખેતપેદાશ વેચે તો તેમાં તેનું જોખમ ઘટે છે જયારે ખાનગી વેપારીઓના માલ વેચતાં નાણાં અંગેનું જોખમ ઊભું રહે છે. બજાર વિષયક માહિતીની જાણકારી ખેડૂતને ન હોય તો તેને તેની ખેતપેદાશ વેચાણ ડરતાં પુરતા ભાવો મળતા નથી કે ઓછા ભાવે માલ વેચવો પડે છે. આ જોતાં સ્થાનિક, વિભાગીય, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે તે ખેતપેદાશના બજારનું સંકલન હોવું જરૂરી છે તો જ દરેકને અક્નની સલામતી પુરી પાડી શકાય.
સામાન્ય રીતે રેડિયો, ટેલિવિઝન, સમાચારપત્રો અને માકટ યાર્ડમાં મુકવામાં આવતા બ્લેકબોર્ડ ઉપરના ભાવોથી ખેડૂતોને બજાર વિષયક માહિતીની જાણકારી મળતી હોય છે. આ માહિતી બધા ખેડૂતો જાણી શકતા નથી પરિણામે પોતાની ખેતપેદાશના ભાવો નક્કી કરવામાં મુશ્કેલી રહે છે. બજાર અંગેની માહિતીની અજ્ઞાનતાને કારણે ખેડૂતોને નીચા ભાવે કે ઓછા ભાવે પોતાની ખેતપેદશનું વેચાણ કરવું પડે છે. આ જોતાં બજાર વિષયક માહિતીનું વિવિધ માધ્યમો મારફતે યોગ્ય રીતે પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. આ માટે ઈન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનાલોજી (આઈસીટી)નો ઉપયોગ કરવો જોઈએ કે જેથી ટુંકા સમયમાં સચોટ માહિતી ખેડૂત/ ગ્રાહક/વેપારી સુધી પહોંચાડી શકાય.
એગમાર્કનેટ (એગ્રિકલ્ચરલ માકૅટેંગ ઈન્ફોર્મેશન સીસ્ટમ નેટવર્ક ) દ્વારા ખેડૂતોને (ઉત્પાદનકત), ટ્રેડર્સને (વેપારીઓ) અને ગ્રાહકોને (વપરાશકારો)ને બજાર વિષયક માહિતી પુરી પાડવામાં આવે છે. દરેક એપીએમસી, હોલસેલ માર્કેટ, સ્ટેટ એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડ અને સ્ટેટ ડાયરેકટોરેટ ઓફ માર્કેટિંગ અને ઈન્સ્પેશકન (ડીએમઆઈ) અને મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર વગેરેને યોગ્ય રીતે જોડાણ કરવામાં આવે તો બજાર વિષયક માહિતીનો અસરકારક રીતે પ્રચાર-પ્રસાર શક્ય બને. એગમાર્કનેટ દ્રારા વિવિધ સ્થળોના બજારભાવો એકત્રિત કરી તેને સર્વને સભ્ય બને તેવા પ્રયાસો કરવામાં આવે છે.
ખેડૂતમિત્રો ઈન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઈન્ટરનેટ મારફતે રોજબરોજના બજારના ભાવોની માહિતી મેળવી શકે છે. વિવિધ વેબસાઈટ ઉપર જે તે ખેતીની પેદાશના બજારભાવો મુકવામાં આવતા હોય છે. ટુંકમાં ઈન્ટરનેટ દ્વારા વિશ્વના, દેશના, રાજ્યના ભાવો જાણી તેનો તુલનાત્મક અભ્યાસ કરી ખેતપેદાશ વેચાણ અંગે યોગ્ય નિર્ણય લઈ જે તે બજારમાં માલ મોકલી આર્થિક રીતે ફાયદો મેળવી શકાય છે. મોબાઈલ મારફતે પણ ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા રોજે રોજના ભાવો જાણી શકાય છે.
ટુંકમાં ખેડૂતોને કૃષિપેદાશના વિવિધ સ્થળોના બજારભાવો અંગેની સંપૂર્ણ માહિતી સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે કે જેથી ખેડૂતો પોતાની ખેતપેદાશ યોગ્ય ભાવે જે તે બજારના સ્થળે વેચાણ કરી શકે તેમજ વપરાશકારોની જરૂરિયાત મુજબની ખેતપેદાશ પણ ઉત્પાદન કરવાનું આયોજન કરી શકે. આજના માહિતીના યુગમાં બજાર વિષયક માહિતીથી દરેક ખેડૂત માહિતગાર થાય તે અતિ જરૂરી છે.
બજાર વિષયક માહિતી ખેતપેદાશના વેચાણ અંગેનો નિર્ણય લેવામાં અને બજારભાવની હરિફાઈ જાણી બજાર અંગેની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. બજાર માહિતી બજાર પદ્ધતિ અને ખેતપેદાશના ભાવોમાં વધ-ઘટ ઉપર અસર કરે છે. ખેડૂતે ક્યો પાક ઉગાડવો ? ક્યારે પાકની કાપણી કરવી ? ક્યારે ખેતપેદાશ બજારમાં વેચાણ માટે મોકલવી ? < ખેતપેદાશનો સંગ્રહ કરવો કે નહી? વગેરે નિર્ણયો લેવામાં બજાર વિષયક માહિતી અસર કરે છે. બજારમાં ખેતપેદાશી માલનો ભરાવો અને ખેતીપેદાશી માલની અછત બજારભાવ નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો ખેતપેદાશી માલ મોટા જથ્થામાં બજારમાં એક સાથે વેચાણ માટે આવે તો તે ખેતપેદાશાના ભાવો ઘટે છે. ટુંકમાં બજારમાં માંગ અને પૂરવઠાને આધારે બરજારભાવ નક્કી થતા હોય છે. ખેતપેદાશની સાંકળ (વેલ્યૂ ચેઈન) જેટલી મજબૂત તેટલો વેપાર સારો થાય છે. ખેડૂતો સ્થાનિક બજાર કે એપીએમસી દ્રારા પોતાનો માલ વેચે છે. કેટલીક વખત ભાવ સારા ન મળે તો કોલ્ડ સ્ટોરેજમાં માલ મૂકી ઓફ સીઝનમાં માલ વેચી જોઈતો ભાવ મળે ત્યારે ખેડૂતો માલ વેચતા હોય છે.
સ્ત્રોત: ડો. એન.વી. સોની, ડો. જે. કે. પટેલ, ડો. કે. સી. કમાણી
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, યુનિવર્સિટી ભવન
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ -૩૮૮ ૧૧૦
ફોનઃ (૦૨૯૯૨) ૨૯૧૯૨૧
કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020