অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામ્ય મરઘાં પાલન

ગ્રામ્ય મરઘાં પાલન

છેલ્લા ચાર દાયકા દરમિયાન ભારતમાં મરઘાંપાલન વ્યવસાયે ઉત્તરોત્તર પ્રગતિ કરી એક મોટા ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં મુખ્યત્વે શહેરી વિસ્તારમાં મરઘાં પાલનનો વ્યાપ્ત ખૂબ જ વધવા પામ્યો છે. જયારે ગ્રામ્ય સ્તરે મરઘાં પાલન ક્ષેત્રે ઓછો વિકાસ થયો છે જેના મુખ્ય કારણોમાં મરઘાં પેદાશોની ઊંચી કિંમત, ખરીદ શક્તિનો અભાવ, મરઘાં પેદાશોના પોષક મૂલ્યો વિષે જાગરૂકતાનો અભાવ, વિકસિત બજાર વ્યવસ્થાનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. વ્યક્તિ દિઠ વાર્ષિક ૧૮૨ ઈંડા અને ૧૨ કિ.ગ્રા. માંસની જરૂરિયાતની સામે શહેરી વિસ્તારમાં ૧૦૦ ઈંડા અને ૨.૮ કિ.ગ્રા. માંસ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ ઈંડા અને ૦.૧૫ કિ.ગ્રામ માંસની ઉપલબ્ધિ છે. ભારતની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે તેમ છતાં મરઘાં પેદાશો જેવી કે ઈંડા અને માંસની પ્રાપ્યતા શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઓછી છે. આમ ગ્રામ્ય મરઘાં પાલન ક્ષેત્રે વિકાસની ઉજ્જવળ તકો રહેલી છે.

ગ્રામ્ય મરઘાં પાલનની અગત્યતા

ગ્રામ્ય મરઘાં પાલન સ્વતંત્ર કે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉછેર વગેરે વ્યવસાયની સાથે પૂરક વ્યવસાય તરીકે પણ શરૂ કરી શકાય છે. અન્ય પશુધનની સરખામણીએ ગ્રામ્ય મરઘાં પાલન ઓછી જમીન અને નહિવત અથવા ઓછી મૂડીથી શરૂ કરી શકાય છે. વાડામાં ઉછેરેલા મરઘાંઓમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે તેમજ મરઘાંમાં વનસ્પતિજન્ય પ્રોટીનનું પ્રાણીજ પ્રોટીનમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા અન્ય પ્રાણીઓ કરતા સારી છે. ગ્રામ્ય મરઘાં પાલનથી મળતા ઈંડા તથા માંસની કિંમત વિદેશી જાતોમાંથી મળતા ઈંડા તથા માંસની સરખામણીએ વધુ મળે છે. ગ્રામ્ય મરઘાં પાલનથી ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તો પોષણક્ષમ આહાર મળતાં કુપોષણની સમસ્યા નિવારી શકાય છે તથા ગ્રામ્યસ્તરે સ્વરોજગારીની તકો વધે છે અને મરઘાં પાલકની રોજીંદી આવકમાં વધારો થતાં તેનું જીવનધોરણ ઊંચુ આવે છે. વધતી જતી વસ્તીને ધ્યાને લઈ મરઘાં પાલન ધ્વારા ઈંડા અને માંસ ઉત્પાદનમાંથી આવક અને સ્વરોજગાર પણ મળી રહે છે. ગ્રામ્ય મરઘાંપાલન કરવાથી આડપેદાશ રૂપે મળતું ખાતર અન્ય ખાતરની સરખામણીમાં ચઢિયાતું હોય છે.

ગ્રામ્ય મરઘાં પાલન માટેના પક્ષીઓની લાક્ષણિકતાઓ :

  • આ પક્ષીઓ રંગબેરંગી પીંછા ધરાવતા હોવા જોઈએ.
  • પક્ષીઓની ઉત્પાદન ક્ષમતા તથા રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારના વાતાવરણને અનૂકુળ થવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.
  • પરભક્ષી પ્રાણીઓની સામે રક્ષણ મેળવવા માટે લાંબા પગ હોવા જરૂરી છે.
  • જાતે ખોરાક ચણી લેવાની આદત ધરાવતા હોવા જોઈએ.
  • ખડકપણું તથા માતૃત્વનું લક્ષણ ધરાવતા હોવા જોઈએ.
  • સારી જીવાદોરી ધરાવતા હોવા જોઈએ.

ગ્રામ્ય મરઘાં પાલન માટેના મરઘાંના પ્રકારો

  • માંસ તથા ઈંડા ઉત્પાદન માટેની દ્વિઅર્થી સુધારેલી જાતો.
  • દેશી સુધારેલી જાતો
  • બતક, ગીની મરઘી, ટર્કી, કબૂતર, હંસ વગેરેનો સમાવેશ થાય છે.

પક્ષીઓની પસંદગી

ગ્રામ્ય મરઘાં પાલન માટે રાખવામાં આવતા દેશી પક્ષીઓની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે આથી મરઘાંપાલકોએ મરઘાંની સુધારેલી દેશી જાતો ઉછેરવી જોઈએ. વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે વિસ્તારને અનુરૂપ ગ્રામ્ય મરઘાં પાલન માટેની જુદી જુદી જાતો વિકસાવવમાં આવી છે.

આ જાતો દેખાવે ગ્રામ્ય વિસ્તારની દેશી જાતો જેવી રંગબેરંગી હોય છે. આ જાતો વહેલું ઉત્પાદન શરૂ કરે છે તથા વધુ ઉત્પાદન આપે છે. તે ખડતલ તથા ગ્રામીણ વાતાવરણમાં અનુકુળ થઈ શકે તેવી તથા સામાન્ય રોગો સામે લડવાની રોગપ્રતિકારકતા ધરાવતી હોય છે. આ જાતો ખોરાકનું ઈંડા અને માંસમાં રૂપાંતરણ કરવાની ક્ષમતા ધરાવે છે.

જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિકસાવેલી ગ્રામ્ય મરઘાંપાલન માટેની જાતો

જાતો

ઉપયોગિતા

સંસ્થા

હિતકારી

ઈંડાં

સેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)

ઉપકારી

ઈંડાં

સેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)

ગ્રામપ્રિયા

ઈંડાં

ડાયરેકટોરેટ ઓફ પોસ્ટ્રી રિસર્ચ હૈદરાબાદ

ગ્રામલક્ષ્મી

ઈંડાં

કેરાલા વેટરનરી એન્ડ એનિમલ સાયન્સીસ યુનિવર્સિટી, મનુથી (કેરાલા)

ગ્રામશ્રી

ઈંડાં

કેરાલા વેટરનરી એન્ડ એનિમલ સાયન્સીસ યુનિવર્સિટી, મનુથી (કેરાલા)

સ્વર્ણધારા

ઈંડાં

કર્ણાટકા વેટરનરી, એનિમલ એન્ડ ફીશરીઝ સાયન્સીસ યુનિવર્સિટી, હેબ્બલ, બેંગ્લોર

નંદનમ

માંસ

તામિલનાડુ યુનિવર્સિટી ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સીસ, ચેન્નઈ

ગીરીરાજા

માંસ

કર્ણાટકા વેટરનરી, એનિમલ એન્ડ ફીશરીઝ સાયન્સીસ યુનિવર્સિટી, હેબ્બલ, બેંગ્લોર

વનરાજા

ઈંડા અને માંસ

ડાયરેકટર ઓફ પોસ્ટ્રી રિસર્ચ, હૈદરાબાદ

નીકોરોક

ઈંડા અને માંસ

સેન્ટ્રલ આઈલેન્ડ એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પોર્ટબ્લેર

ઝાસિમ

ઈંડા અને માંસ

બિરસા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, રાંચી

પ્રતાપધન

ઈંડા અને માંસ

એ.આઈ.સી.આર.પી. ઓન પોસ્ટ્રી બ્રિડીંગ, વેટરનરી કોલેજ, ઉદેપુર

કામરૂપા

ઈંડા અને માંસ

એ.આઈ.સી.આર.પી. ઓન પોસ્ટ્રી બ્રિડીંગ, આસામ

કેરીનિર્ભીક

ઈંડા અને માંસ

સેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)

કેરીશ્યામા

ઈંડા અને માંસ

સેન્ટ્રલ એવિયન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, ઈજ્જતનગર (ઉત્તરપ્રદેશ)

પક્ષીઓનો વાડામાં ઉછેર અને માવજત

ગ્રામીણ વિસ્તારોમાં નાના પાયે ૨૦-૨૫ ની સંખ્યામાં પક્ષીઓને વાડામાં રાખી ઉછેર કરવામાં આવે છે.

પક્ષીઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે મરઘાંપાલકે ધ્યાનમાં રાખવના મુદ્દાઓ :

રહેઠાણ વ્યવસ્થા

પક્ષીઓને રહેઠાણ પુરૂ પાડવાનો મુખ્ય હેતુ તેમને બિનઅનુકુળ વાતાવરણ સામે રક્ષણ અચપી વધારે ઉત્પાદન મેળવવાનો છે. પક્ષીઓને રાત્રી દરમ્યાન રહેઠાણની વધુ જરૂર પડતી હોય છે. પરભક્ષી પ્રાણીઓથી. પક્ષીઓ બચી શકે અને તેમની જાતે જ રહેઠાણમાં પ્રવેશી શકે તેવી રીતે રહેઠાણ બનાવવું જોઈએ. રહેઠાણ લાકડા, ધાતુ કે માટી તથા ઈંટનું બનાવેલું તેમજ પૂરતી હવા ઉજાસવાળુ અને તેમાં હંમેશા સૂકી રહે તેવી પથારી પૂરી પાડવી જોઈએ. રહેઠાણની નિયમિત સફાઈ થવી જોઈએ.

પક્ષીઓમાં રાત્રી દરમિયાન ઊંચી જગ્યાએ બેસવાની ટેવ હોય છે તેથી માંચાની (પચજ) વ્યવસ્થા પણ કરવી જોઈએ. માંચાઓ મુખ્યત્વે લાકડાના બનેલા હોય છે જે જમીનથી એક મીટર જેટલા ઊંચા હોવા જોઈએ. બે માંચા વચ્ચેનું અંતર પક્ષીઓ આરામથી અને ખુલ્લી રીતે બેસી શકે તે પ્રમાણેનું હોવું જોઈએ. ઈંડાં યોગ્ય જગ્યાએ મૂકે તે માટે માળાની વ્યવસ્થા કરવી જોઈએ.

ઈંડાં મૂકવા માટે માળાની વ્યવસ્થા

મરઘીઓ ૨૦-૨૨ અઠવાડિયાની ઉંમરની થાય ત્યારે ઈંડાં મૂકવા માટેના માળા તૈયાર રાખવા જોઈએ. આ માળા ખોખા અથવા લાકડામાંથી બનાવવા જોઈએ અથવા પતરાના ડબ્બા, માટીના કૂંડા કે વાંસની ટોપલીનો પણ માળા તરીકે ઉપયોગ કરી શકાય. તદઉપરાંત દિવાલમાં ચણીને પણ માળા બનાવી શકાય. મરઘીને માળા સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવું પડે અને દર પાંચ મરઘીએ એક માળાની વ્યવસ્થા હોવી જોઈએ. માળા શાંત વાતાવરણમાં, જમીનથી ઉંચે અને ઓછો પ્રકાશ આવે તેવી જગ્યાએ મૂકવા જોઈએ. માળામાં લીટર સૂકું અને પ્રમાણસરનું રહે તે ધ્યાન રાખવું જોઈએ.

ખોરાક વ્યવસ્થા

વાડામાં રાખી ઉછેર કરવામાં આવતા પક્ષીઓ ખોરાક તરીકે ઘાસ, પાંદડાં, કુમળા છોડ, બીજ, રેતીકાંકરી તથા જીવજંતુઓનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, ઘરમાં શાકભાજીના વધેલા પાંદડા તથા અન્ય ભાગ,

રસોડાનો એંઠવાડ વગેરે પણ ખોરાક તરીકે આપી શકાય. આથી ગ્રામ્ય મરઘાં પાલનમાં ખોરાકનો ખર્ચ ઓછામાં ઓછો ગણવામાં આવે છે. આ પક્ષીઓ જીવજંતુ, કીડીમકોડા, અળસિયા વગેરેમાંથી પ્રોટીન મેળવે છે અને લીલા પાંદડા તથા કૂમળા છોડમાંથી વિટામિન તેમજ રેતી-કાંકરીમાંથી ખનીજક્ષારો મેળવે છે. પરંતુ પક્ષીઓને શક્તિ મળે તે હેતુસર ધાન્ય વર્ગના અનાજ જેવા કે મકાઈ, જુવાર, બાજરી કે ઘઉંને ભરડીને આપવા જોઈએ. વરસાદની ઋતુ દરમિયાન મરઘાંના ખોરાકમાં ફૂગ ના લાગે તે માટે ખોરાકનો સંગ્રહ ઓછા સમય માટે કરવો.

પાણી વ્યવસ્થા :

પક્ષીઓને પીવા માટે તાજું અને સ્વચ્છ પાણી સતત મળી રહે તે માટે પાણીની નીક બાંધવી અને પાણીના વાસણોની વ્યવસ્થા કરવી જોઈએ. મરઘાંઓ પુરતા પ્રમાણમાં ખોરાક લઈ શકે તે માટે પાણી પૂરતા પ્રમાણમાં મળવું જરૂરી છે. જો પાણી પૂરતા પ્રમાણમાં ના મળે તો તેની અસર ઈંડાના ઉત્પાદન પર જોવા મળે છે. પાણીના વાસણોને તેમજ નીકને નિયમિત સાફ કરવા જોઈએ. ઉનાળામાં પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

મરઘીઓને ખડગ (બ્રડી) થતી અટકાવવી

સામાન્ય રીતે ગ્રામિણ વિસ્તારોમાં દેશી મરધીઓ ઈંડા આપીને તેનું સેવન જાતે કરે છે અને તેમાંથી બચ્ચાં પેદા કરે છે. આવી મરઘીઓ ૧૦-૧૨ ઈંડાં મૂકીને ઈંડાં સેવવા માટે ઈંડા ઉપર બેસવાનું શરૂ કરી દે છે અને આ સમય દરમિયાન તે ઈંડાં મૂકવાનું બંધ કરે છે તેથી, વર્ષ દરમિયાન ઓછા ઈંડાં મળે છે. આવી મરધીઓને ખડગ(બુડી) મરઘી કહે છે. પરંતુ વધુ ઈંડાં ઉત્પાદન મેળવવા માટે મરઘીને ખડગ (ધ્રુડી) થતી અટકાવવી જરૂરી છે જે માટે દરરોજ વારંવાર ઈંડા ભેગા કરીને તેનું વેચાણ કરવું જોઈએ.

પક્ષીઓનું સ્વાથ્ય

નાના પાયે મરઘાં પાલન કરતાં મરઘાં પાલકો પક્ષીઓના સ્વાચ્ય બાબતે સજાગ હોતા નથી. ‘પાણી

પહેલા પાળ બાંધો” ઉકિત અનુસાર પક્ષીમાં રોગો આવતા અટકાવવા જરૂરી રસીકરણ કરાવવું જોઈએ. પ્રથમ દિવસે મરકસના રોગની રસી, ૫ થી ૭ દિવસે રાનીખેત રોગની એફ-૧ કે લીસોટા રસી આંખ કે નાકમાં ટીપાં દ્વારા આપવી, ૪૯ દિવસે ફાઉલપોક્સના રોગ માટેની રસી પાંખમાં/પગના થાપે આપવી, ૬૩ દિવસે રાની ખેતના રોગ માટે આર ટુ બી ની રસી પગના થાપે આપવી અને ૧૪૦ દિવસ પછી દર બે મહિને રાનીખેતના રોગ માટેની લસોટા સ્ટ્રેઈનની રસી પાણીમાં આપવી. રસીકરણ કાર્યક્રમમાં જે તે વિસ્તારમાં ઉછેર પ્રમાણે તજજ્ઞની સલાહ મુજબ ફેરફાર કરવો. પક્ષીઓમાં કૃમિથી થતા રોગોથી રક્ષણ આપવા મહિનામાં એક વખત કૃમિનાશક દવા આપવી જોઈએ. પક્ષીઓમાં જોવા મળતી બીજા પક્ષીને ચાંચ મારીને ઈજા પહોંચાડવાની કુટેવ અટકાવવા માટે યોગ્ય સમયે પક્ષીઓની ચાંચ કાપવી (ડીબીકીંગ) જોઈએ.

પક્ષીઓમાં છટણી કરવી

બિન ઉત્પાદક અને અથવા બિમાર પક્ષીઓને ઓળખીને તેની છટણી કરવી જોઈએ. ખરબચડી અને ફિક્કી કલગી ધરાવતી, તદન ઓછા વજનવાળી સુસ્ત મરઘીઓનો પણ ત્વરિત નિકાલ કરવો જોઈએ.

પક્ષીઓમાંથી મળતી આવક

દરેક ખેડૂત ખેતીની સાથે થોડી સંખ્યામાં જો પક્ષીઓ રાખે તો ખેતીની આડપેદાશમાંથી પક્ષીઓને પોષણ તથા મરઘાં પાલકોને વધારાની આવક મળી રહે છે. જો મરઘાં પાલકો બજારની માંગને ધ્યાનમાં રાખી મરઘાંની સાથે સાથે ગીની મરઘી, લાવરી અથવા બતક પણ રાખે તો તેમની આવકમાં વધારો થઈ શકે છે.

બજાર વ્યવસ્થા

ગ્રામિણ વિસ્તારમાં ઉછેર કરવામાં આવતા પક્ષીઓના ઈંડાં અને માંસની કિંમત મરઘાં પાલકોને શહેરી વિસ્તારોમાં વિદેશી જાતોની સરખામણીએ વધારે મળી શકે છે. મરઘાં પેદાશોની વધુ કિંમત મેળવવા માટે ગ્રામિણ મરઘાં પાલકો ભેગા મળી સ્વ સહાય જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રુપ) બનાવી મરઘાં પેદાશોનું વેચાણ કરી શકે છે.

સ્ત્રોત : જુન-૨૦૧૮, વર્ષ :૭૧, સળંગ અંક :૮૪૨, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate