অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈંડા આપતી મરઘીઓની માવજત

ઈંડા આપતી મરઘીઓની માવજત

નફાકારક અને નિયત કરેલ માત્રામાં ઇંડા ઉત્પાદન મેળવવા માટે બચ્ચા તથા ઉછરતાં પક્ષીઓની ખુબ કાળજી લઈ તે જતનપુર્વક ખંતથી ઉછેરીએ ત્યારે તે આપણને નિયત સમયમાં, મોટા તેમજ નિર્ધારિત સમયમાં વધુને વધુ ઇંડા આપે તેવી સૌની અપેક્ષા હોય છે. હાલની આધુનિક મરઘીઓની ઇંડા આપવાની ક્ષમતા ૩૦૦ થી ૩૨૦  ઇંડા જેટલી છે. એટલે તેના અનુવાંશિક ગુણો માટેની શંકા તો રહી જ નથી. પરંતુ મરઘીઓને સતત ઈંડા પેદા કરવા માટે તેને જરૂરી વાતાવરણ, ખોરાક, પાણી અને સમયસરની માવજત આયોજન અને સમયબધ્ધ મળી રહે તો જ ધારી સફળતા મેળવી શકાય. ઇંડા મુકતી મરઘીઓને વૈજ્ઞાનિક અભિગમથી માવજત અને દેખરેખ હેઠળ ઉછેરવા માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

સારા મરઘાં ઘરનું આયોજન (લેયર હાઉસ-ઈંડા આપતી મરઘીઓનું ઘર)

ઇંડા મુકતી મરઘીઓ માટેના મરઘાં ઘરમાં મરઘીઓ આરામથી હરી ફરી શકે એટલે કે પુરતી જગ્યા મળે, ગરમી-ઠંડીથી રક્ષણ થાય, હવાની અવર જવર પુરતી રહે, પુરતા પ્રમાણમાં પ્રકાશ મળે, બીજા ભક્ષક જાનવરોથી રક્ષણ મળે અને પક્ષી દીઠ ખોરાક-પાણીના પુરતા સાઘનો મળવા જોઈએ. ઈંડા આપતી મરઘીઓનું આવાસ બચ્ચા ઉછેર માટેના બ્રુડર ઘરથી ૩૦ મીટર દુર અને પવનની દિશાથી  વિરુધ્ધ હોવું જોઈએ. જેથી પરસ્પર ફેલાતા રોગો અટકાવી શકાય. ઉનાળામાં ગરમીથી રક્ષણ મળે તે માટે મરધા ઘરની આસપાસ ઘટાદાર વૃક્ષો ઉગાડવા જોઈએ. અને શક્ય હોય તો આજુબાજુ ઘાસની લોન/બગીચા પ્રકાર ઉગાડવું, જેથી સૂર્ય પ્રકાશ પરાવર્તિત થઈને મરઘાં ઘરમાં તાપમાન વધારે નહિ અને અંદર તાપમાન ઘટી શકે.

ઉછરતી મરઘીઓ ને લેયર હાઉસમાં મુકતાં પહેલા લેયર હાઉસની સાફ સફાઈ-જંતુરહિત કરવી. જેમાં  તેની દિવાલો, છત, ભોંયતળિયુ ચોખ્ખા પાણીથી બે-ત્રણ વખત ઘસીને ધોઈ નાંખી પછી તેને ધોવાના સોડાના સંતૃપ્ત દ્રાવણથી ધોઈ ૩-૪ કલાક સુકાવા દઈને, ગરમ પાણી વડે ઘોઇ નાખ્યા બાદ કળી-ચુનાથી ધોળી નાંખવું. ખોરાક-પાણીના સાઘનોને ધોવાના સોડાવાળા પાણીથી ધોયીને, હુંફાળા-ગરમ પાણીથી સાફ કરવા અને છેલ્લે જંતુનાશક દવાવાળા પાણીથી ઘોઈ અને તેને સૂર્યપ્રકાશમાં બરાબર તપાવી-સુકાવીને પછી મરધા ઘરમાં મુકવા.

મરઘાં ઘર ની લાઈટો-પંખા વ્યવસ્થિત ચાલશે કે નહીં તે તપાસી લેવું. જો મરઘીઓને જમીન ઉપર-લીટર ઉપર રાખવાની હોય તો મરઘાં ઘરમાં ચોખ્ખી સુકી ભેજ વગરની આરામદાયક પથારી/લીટરની વસ્તુઓ (લાકડાનો વેર/શેરડીના ડૂચા/મકાઈના ડોડાનો ભૂકો/ડાંગરની ફોતરી વિગેરે) માંથી જે સસ્તી મળતી હોય તે પસંદ કરી ૩ થી ૪ ઈંચ ની પથારી તૈયાર કરવી.

ઉછરતી મરઘીઓને નિયમિત સમયાંતરે કૃમિનાશક દવાઓ આપતા જ હોઈએ છીએ તેમ છતાં લેયર આવાસમાં તબદીલ કરવામાં આવે ત્યારે તે પહેલા કૃમિનાશક દવા આપી દેવી જોઇએ. આ ઉપરાંત ઘરમાં આવતા પહેલા રાનીખેતની રસી તથા ૧૨-૧૫ અઠવાડિયે બીજીવારની ચાંચ કાપવાનું કાર્ય પૂર્ણ કરી દેવું જોઈએ.

પક્ષીઓ ૧૭ અઠવાડિયાના થાય એટલે પક્ષી દીઠ ઓછામાં ઓછી બે ચોરસ ફૂટ જગ્યા મળી રહે તે રીતે મરઘાં ઘરમાં પક્ષીઓ વહેલી સવારે આવાસમાં તબદીલ કરવા અને આ અઠવાડિયે તેમને નવા વાતાવરણને અનુકૂળ થવાનો સમય આપો. ખોરાક પાણીની ખેંચ ન પડે તે માટે ખાસ તકેદારી રાખો અને પાણી સાથે તાણ વિરોઘી દવાઓ આપો. પાંજરા પદ્ધતિમાં લેયર પક્ષી દીઠ ૦.૭૫ ચો. ફૂટ જગ્યા આપવી.

ખોરાકનું આયોજન

મરઘાંપાલન કે પશુપાલનમાં ખોરાકનું મહત્વ અનેક ગણું છે. તેમના થકી થતા થતા ઉત્પાદ (ઈંડા/માંસ/દૂઘ વિગેરે)ના ખર્ચમાં ૭૦% થી વધુ ખર્ચ ખોરાકનો રહેલો છે.  મરઘીઓ લેયર ઘરમાં આવી જાય એટલે તેમને ૧૭-૧૯ અઠવાડિયા દરમ્યાન લેયર મેશ (પ્રી-લેયર મેશ) આપવાનું શરૂ કરો. જેમાં ૨૬૮૦ કિલો-કેલરી શક્તિ, ૧૬ થી ૧૭ % પ્રોટીન અને ૨.૫% જેટલું કેલ્સીયમ હોય છે. આ અવસ્થા દરમિયાન પક્ષી દીઠ ૭૦-૮૦ ગ્રામ ખોરાક વપરાશ રહેવો જોઈએ. જ્યારે ખોરાકનો પ્રકાર બદલાય ત્યારે બદલવાનો થતો ખોરાક અચાનક નહિ બદલાતા ચડતા ક્રમમાં વધારવો. ઈંડા મૂકવાની શરૂઆતની અવસ્થામાં મરઘીનું વજન વધુ પડતું વધે નહીં તેની ખાસ કાળજી રાખવી. કેલ્સિયમ કાર્બોનેટની ગ્રીટ આપવી જેથી તેના પ્રથમ અમાશય (પેટ-ગીઝાર્ડ) નો વિકાસ થાય.

૧૮-૧૯ થી ૫૨ અઠવાડીયા દરમ્યાન લેયર મેશ (ફેજ-૧) ખોરાક આપવો જેમાં ૨૬૦૦ કિલો-કેલરી શક્તિ, ૧૬% પ્રોટીન અને ૩.૬ થી ૪% જેટલું કેલ્સીયમ હોય છે. આ અવસ્થા દરમિયાન પક્ષી દીઠ ૧૦૦-૧૨૦ ગ્રામ ખોરાક વપરાશ રહેવો જોઈએ. જેમાં સરેરાશ ૧.૪ – ૧.૫ કિલો ગ્રામ પક્ષી દીઠ વજન હોવું જોઈએ.

૪૧ અઠવાડીયા બાદ લેયર મેશ (ફેજ-૨) ખોરાક આપવો જેમાં ૨૪૦૦-૨૬૦૦ કિલો-કેલરી શક્તિ, ૧૨ થી ૧૫% પ્રોટીન અને ૪ થી ૫% જેટલું કેલ્સીયમ હોય છે. આ અવસ્થા દરમિયાન પક્ષી દીઠ ૧૦૦-૧૨૦ ગ્રામ ખોરાક વપરાશ રહેવો જોઈએ. જેમાં સરેરાશ ૧.૫ -૧.૬ કિલો ગ્રામ પક્ષી દીઠ વજન હોવું જોઈએ.

મરઘાં ઘરમાં પૂરતાં સાઘનો ની ગોઠવણી

ઈંડા મૂકતી મરઘીઓને જરૂરી ખોરાક અને પાણી મળી શકે તે માટે મરઘાં ઘરમાં પૂરતી સંખ્યામાં ખોરાક અને પાણીના સાઘનોની વ્યવસ્થા કરવી જોઈએ. લેયર પક્ષી દીઠ ખોરાકની ૮-૧૦ સેમી જગ્યા આપવી જોઈએ. સામાન્ય રીતે ૧૮ ઇંચ વ્યાસ વાળું ગોળાકાર ખોરાકનું સાઘન ૨૦-૨૫ લેયર પક્ષીઓ માટે પુરતું છે. આથી ૧૦૦ પક્ષી દીઢ આવા ૪-૫ સાઘનો ગોઠવવા અને ભોયતળીયેથી ૮ થી ૧૦ ઈંચ ઊંચા રહે તે રીતે લટકાવવા. પક્ષીને ખોરાક માટે ૧૦ થી ૧૨ ફૂટ કરતા વધુ ફરવું ન પડે તે રીતે સાઘનની ગોઠવણી કરવી. જો ખોરાકના સાઘનો સીધા અને લબાઈવાળા હોય તો પક્ષી દીઠ ૫ થી ૬ ઈચ જગ્યા મળે તેવું આયોજન કરવું.

પાણી માટેના વાસણો એલ્યુમિનિયમ, ગેલ્વેનાઈઝ કે પ્લાસ્ટિકના બનેલા તગારા જેવા આકારના હોય છે. સામાન્ય રીતે ૧૮ ઇંચ વ્યાસ વાળું ગોળાકાર પાણીનું સાઘન ૫૦ લેયર પક્ષીઓ માટે પુરતું છે. આથી ૧૦૦ પક્ષી દીઢ આવા ૨ સાઘનો ગોઠવવા અને ભોયતળીયેથી ૮ થી ૧૦ ઈંચ ઊંચા રહે તે રીતે લટકાવવા. જેથી પક્ષીઓ પાણી પી શકે પરંતુ તેની અંદર પડી ગંદુ ન કરી  શકે. મરધાઘરમાં ઘણીવાર પાણીની કેનાલ બનાવેલી હોય છે જે દરેક ઓરડામાંથી પસાર થાય છે.અને આ કેનાલ ભોયતળીયેથી આઠ થી દસ ઇંચ ઊંચી દિવાલો સાથે જ જોડેલી હોય છે.

પક્ષીઓને ઉનાળા દરમિયાન તાજુ ચોખ્ખું અને સહેજ ઠંડું પાણી અને શિયાળામાં ઠંડી દરમિયાન સહેજ હૂંફાળું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઇએ. પાણીના વાસણો અથવા કેનાલ દરરોજ સાફ કરવા જોઈએ. પક્ષી તેના ખોરાક વપરાશથી અઢી ગણું પાણી પીવે છે, એ હિસાબે પક્ષીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી. એવું કહેવાય છે કે ખોરાક વગર જીવી શકાય પણ પાણી વગર ન ચાલે. માટે, પાણી સ્વચ્છ, તાજું અને જંતુરહિત હોવું જોઈએ.

ડીપ લિટર પદ્ધતિથી જ્યારે પક્ષીઓ રાખીએ ત્યારે ઈંડા મુકવાના માળા પુરતી સંખ્યામાં મુકવા જોઈએ.

લીટર/પથારી ની જાળવણી

ડીપ લિટર પદ્ધતિથી જ્યારે પક્ષીઓ રાખીએ ત્યારે પથારી/લીટરની માવજત ખૂબ જ અગત્યની છે. ઉનાળામાં પથારી ૨ થી ૩ ઇંચ જયારે શિયાળામાં ૬ થી ૮ ઇંચ સુઘીની રાખવી જોઈએ. પથારીમાં ભેજની માત્રા ન જળવાય તો તેના કારણે રોગ પેદા થાય છે. આથી લીટરમાં ૨૦ થી ૨૫ % જેટલો જ ભેજ જળવાઈ રહેવો જોઈએ. ઓછા ભેજના પ્રમાણથી લીટર દૂધિયું બને છે જેના કારણે તેમાંથી રજકણો ઉડવાથી શ્વસનતંત્ર અને ચામડીના રોગ થવાની શક્યતા રહે છે. વધુ પડતા ભેજવાળું લીટર ભીનું લાગે છે અને તેના કારણે જીવજંતુઓ અને ફૂગ જન્ય રોગો થવાની શક્યતા વધુ છે. અને ખાસ કરીને કોક્સીડીયોસીસ નામનો રોગચાળો થઇ શકે છે. જેમાં મરણ પ્રમાણ વધુ રહે છે. મરઘાં ઘરની પથારી સારી સ્થિતિમાં અને આરામદાયક રહે તે માટે નીચેના મુદ્દાઓ ધ્યાને રાખવા.

  • સમયાંતરે પથારીને પંજેથીથી હલાવવું જેથી વધારાનો ભેજ ઉડી જાય.
  • ક્ષમતા કરતાં વધારે પક્ષીઓનો ન રાખવા.
  • પાણીના સાઘનો ગળતા હોય તો કાઢી સરખા કરાવવા કાં તો નવા મૂકવા.
  • ભીનું, પોપડા બાજી ગયેલું લીટર રોજેરોજ કાઢી લેવું.
  • પથારી ભીની જણાય તો નવું લીટર, ફર્ટિલાઇઝર કક્ષાનો સુપર ફોસ્ફેટની સાથે ૪:૧ ની માત્રામાં ૫ કિલો જથ્થામાં ૨૦ ચોરસ મીટર જગ્યામાં ઉમેરવું, જેથી વધારાનો ભેજ શોષાઈ જાય.
  • મરઘાં ઘરમાં હવાની અવરજવર થાય તેની તકેદારી રાખવી.
  • કળી ચૂનો નાખવાથી લીટર મટેરિયલ નું પીએચ વઘી જાય છે જે ઈ  કોલાય નામના બેક્ટેરિયા ના વિકાસને વેગ આપે છે.

મરઘાં ઘરમાં અને આજુબાજુનું હવામાન નિયમન

ઈંડા મૂકતી મરઘીઓની માવજત અને દેખભાળમાં મરઘાં ઘરની અંદરનું તાપમાન જાળવવું અગત્યનું છે. ૬૫ થી ૭૦℉ (ફેરનહીટ) તાપમાને સારામાં સારુ ઉત્પાદન મેળવી શકાય છે. ખૂબ ઊંચું કે ખૂબ નીચું તાપમાન મરઘાં ને જરા પણ માફક આવતું નથી. ઉનાળામાં વધુ  તાપમાન (૯૦ ℉ કે તેથી વધુ) મરઘીઓમાં મુખ્યત્વે ઈંડા ઉત્પાદન ઘટે છે. પાતળા કોચલાવાળા ઈંડા વધે છે અને પક્ષી ચાંચ પહોળી કરીને શ્વાસ લે છે. અને મરઘાંઓમાં મૃત્યુનું પ્રમાણ વધે છે. ઉનાળામાં ગરમીથી રક્ષણ મળે તે માટે મરધાઘરની આસપાસ ઘટાદાર વૃક્ષા ઉગાડવા જોઈએ. અને શક્ય હોય તો આજુબાજુ ઘાસની લોન/બગીચા પ્રકાર ઉગાડવું, જેથી સૂર્ય પ્રકાશ પરાવર્તિત થઈને મરઘાં ઘરમાં તાપમાન વધારે નહિ અને અંદર તાપમાન ઘટી શકે. મરઘાં ઘરનું તાપમાન જરૂરિયાત પ્રમાણે જળવાઇ રહે તે માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકાય.

  • મરઘાં ઘરના છાપરાનું છજુ દીવાલથી વધુ બે થી ચાર ફૂટ રાખવા.
  • છાપરા મોનીટર  કે સેમી મોનિટર પ્રકારના બનાવી જેથી મધ્ય ભાગમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય.
  • મરઘાં ઘરનું બાંઘકામ પૂર્વ થી પશ્ચિમની લંબાઈ રહે અને પહોળાઈ ૩૦ ફૂટ જેટલું બનાવવું. તેની લંબાઈ ગમે તેટલી રહી શકે તેમ છતાં પહોળાઈથી તેની લંબાઈ ૧.૫ ગણી હોવી જરૂરી છે.
  • મરઘાં ઘરથી ૧૦થી ૧૫ મીટર દૂર વૃક્ષો ની હરોળ  બનાવવી જેથી બપોર પછીના તાપથી રક્ષણ આપી શકાય.
  • મરઘાં ઘરની ઉપરના ભાગે સતત પાણીનો છંટકાવ થાય તે માટે  ફુવારા મુકી શકાય છે અથવા છતની ઉપરની બાજુને સફેદ ઓઈલ પેઈન્ટ મારી શકાય અથવા દર વર્ષે ચૂનો મારી શકાય જેથી છત ઉપર પડતા સૂર્ય પ્રકાશને પરાવર્તિત કરીને છતને  મહદઅંશે ગરમ થતા અટકાવી શકાય છે.

સ્વાસ્થ્ય રક્ષણ

ઉચ્ચ ગુણવત્તાવાળા બચ્ચા અને મરઘાં આહાર ખરીદવો જોઈએ. પક્ષીઓને પુરતી ભોયતળીયાની, ખોરાકની અને પાણીની જગ્યા આપવી. પથારી વધુ પડતી ભીની (ભેજ વાળી) કે પછી વધુ પડતી સુકી ન હોવી જોઈએ. જેના માટે સમયાંતરે પંજેથીથી લીટર ઉથલાવતા રહેવું જેથી વધુ પડતો ભેજ ઉડી જાય. ચેપી રોગો ઉપરાંત  કોકસીડીયોસીસ અને કૃમિના રોગો ખાસ કરીને ડીપ લિટર પદ્ધતિમાં સામાન્ય રીતે થતા જ હોય છે એટલે  રોગો અટકાવવા કોક્સીડીયા અને કૃમિનાશક દવાઓ કાર્યક્રમ મુજબ આપવી. મરઘીમાં પરોપજીવીઓ જેવા કે ચાંચડ, જુ, કે ઈતરડીનો ઉપદ્રવ હોય તો તજજ્ઞની સલાહ મુજબ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. મૃત પક્ષીનો સમયસર યોગ્ય પધ્ધતિથી નિકાલ કરવો. લીટર નો ફાર્મ નજીક નિકાલ ન કરવો. માનવ વસાહત થી દુર મરઘાં ફાર્મ રાખવું જોઈએ. અને ખાસ મરઘાંમાં રોગ ન આવે તે માટે તેના ઉછેર દરમિયાન પ્રચલિત રોગ ની રસી સમયપત્રક મુજબ આપી દેવી જોઇએ.

લેયર પક્ષી માં રસીકરણનો કાર્યક્રમ

દિવસ / અઠવાડિયે

રસી

આપવાની રીત

પ્રથમ દિવસ

મરેકસની રસી

ચામડીના નીચે

૭ દિવસે

રાનીખેત (એફ-૧/B-૧)

નાકમાં /આંખમાં ટીપા રુપે

૨ અઠવાડિયે

ગમ્બોરો ઇન્ટરમીડીયટ લાઈવ રસી

પીવાના પાણીમાં

૩ અઠવાડિયે

ગમ્બોરો ઇન્ટરમીડીયટ પ્લસ રસી

પીવાના પાણીમાં

૪ અઠવાડિયે

ગમ્બોરો ઇન્ટરમીડીયટ રસી

પીવાના પાણીમાં

૫ અઠવાડિયે

આઈબી અને લાસોટા કમ્બાઈન રસી

પીવાના પાણીમાં

૯ અઠવાડિયે

ઇન્ફેકશીયશ કોરાયઝા રસી

ચામડીના નીચે

૧૦ અઠવાડિયે

ફાઉલ પોક્ષ અને આરટુબી  રસી

પગના સ્નાયુમાં ઈન્જેકસન દવારા

૧૫ અઠવાડિયે

રાનીખેત (આર.બી૨ સ્ટેઈન)

પગના સ્નાયુમાં ઈન્જેકસન દવારા

૧૯ અઠવાડિયે

લાસોટા રસી

પીવાના પાણીમાં

૩૪ અઠવાડિયે

એન ડી કીલ્ડ રસી

પગના સ્નાયુમાં ઈન્જેકસન દવારા

દર ૧૦ અઠવાડિયે

લાસોટા રસી

પીવાના પાણીમાં

મરઘાં ઘરની સ્વચ્છતા

કહેવાય છે કે રોગ આવે અને સારવાર કરવી તેના કરતા રોગ ન આવે તેવા પ્રતિબંઘક ઉપાયો કરવા જોઈએ. જે માટે સ્વચ્છતા જ કામ લાગે છે અને મોખરાનું સ્થાન ઘરાવે છે. નફાકારક મરઘાંપાલન, રોગ અટકાવવા અને મૃત્યુ પ્રમાણ ઘટાડવવા સ્વચ્છતા એ એક પ્રાથમિક જરૂરિયાત છે. આ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

  • પાણીના સાઘનો ચોખ્ખા પાણીથી સાફ કરવા અને દરરોજ સાફ કરવા.
  • ઓરડામાં જાળીઓમાં બાવા ઝાળા બાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.
  • દર અઠવાડિયે એક વાર મરઘાં ઘરની વચ્ચેની હરવા ફરવાની જગ્યા ફીનાઈલના પાણીથી ધોઈ સાફ કરો, ઓરડાના પ્રવેશ આગળ ફૂટપાથ રાખો અને તેમાં ફિનાઈલનું દ્રાવણ રાખો.
  • ઈંડા મૂકવા માટેના  માળા અઠવાડિયે સાફ કરી તેમાં જૂની પથારી કાઢી નાખી નવી પથારી/લીટર બનાવો.
  • વીજળીના  બધા જ બલ્બ અઠવાડિએ કાઢી સાફ કરી, ધોઈ લૂછી ફરીથી ફિટ કરો જેથી પક્ષીઓને પ્રકાશ મળશે અને ઇંડા ઉત્પાદન જળવાય.
  • અન્ય મરઘાં ફાર્મના કર્મચારીઓ કે મજુરો કે વાહન ને પ્રવેશવા દેવા નહિ.
  • અન્ય મરઘાં ફાર્મના ખોરાક કે અન્ય સાઘનોની આપલે કરવી નહિ.
  • ફાર્મના કર્મચારી કે મજુરો રોગમુક્ત હોય તે જરૂરી છે.

ઈંડા ભેગા કરવા

ડીપ લિટર પદ્ધતિમાં સ્વચ્છ અને ચોખ્ખા ઈંડા ઉત્પાદન માટે માળા રાખવાની જરૂરિયાત રહે છે. વ્યક્તિગત માળા  રાખવાના હોય ત્યારે ૨૦ પક્ષી દીઠ પાંચ માળા રાખવા. માળા પૂરતા પ્રમાણમાં અંધારું આવે તેવા ઠંડા અને આરામદાયક હોવા જોઈએ. તેના તળિયે ૨ થી ૩ ઇંચની સારા લીટરની પથારી રાખવી જોઈએ. ઘણીવાર  માળામાં જગ્યા ન હોવાથી બહાર મરઘીઓ બહાર ઇંડા મૂકે છે. જેથી ગંદા થાય છે.બીજાપક્ષી ઈંડા તોડી નાખે છે અને ઘણીવાર ઇંડા ખાઇ જવાની કુટેવ પડે છે દિવસમાં પાંચ (૫) વખત ભેગા કરવા જોઈએ જેથી મરઘીઓને ઈંડા ઉપર બેસવાની કુટેવ ન પડે. પાંજરા પદ્ધતિમાં બે (૨) વાર ઈંડા ભેગા કરવા જોઈએ.

કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા

ઇંડા આપતી મરઘીઓને ખોરાક અને પાણી સાથે કુત્રિમ પ્રકાશની જરૂરીયાત એક અગત્યનો મુદ્દો છે.  મરઘીઓને જ્યારે ૧૮ અઠવાડિયે લેયર ઘરમાં મૂકીએ ત્યારે ૧૨ કલાકના ગાળાની પ્રકાશની શરૂઆત કરવી. જો દિવસ ૧૧ કલાકનો હોય તો અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે વીજળીના બલ્બ મારફતે વધારાનો પ્રકાશ આપવો. પછી દર અઠવાડીએ પંદર થી વીસ મિનિટ જેટલો ચડતા ક્રમમાં વધારો કરવો જેથી ઈંડા આપવાના સમય દરમ્યાન કુલ પ્રકાશ ૧૬ કલાક/દિવસ જેટલો થાય. ઈંડા મુકતી મરઘીઓને જરૂરી પ્રકાશ મળી રહે તે માટે ૨૦૦ ચોરસ ફૂટના વિસ્તારના ઓરડામાં ૪૦ વોલ્ટના એક બલ્બ ની વ્યવસ્થા કરવી. પક્ષીઓને પૂરતો પ્રકાશ મળી રહે તે માટે બલ્બ ભોયતળિયેથી ૭ થી ૮ ફૂટ ઊંચો રાખવો અને બે વચ્ચેનું અંતર ૧૨ફૂટનું રાખવું જોઈએ.

નબળા બિન ઉત્પાદક પક્ષીઓની સમયસરની છટણી

મરઘીઓ ઈંડા મૂકવાનું શરૂ કરે પછી એકાદ મહીના માટે રાહ જોવી કે કઈ કઈ મરઘી ઈંડા આપતી નથી. નબળા, લુલા, લંગડા પક્ષીઓને પહેલેથી જ બરાબર ચકાસીને નિકાલ કરવો. બિન ઉત્પાદક પક્ષીઓ નફામાં ઘટાડો કરે છે આથી બિન-ઉત્પાદક  મરઘીને ઓળખવી ખૂબ જ જરૂરી છે. જે પક્ષીઓમાં કલગી, ઝાલર અને ચામડી ફીક્કા હોય, ચીમળાયેલા હોય, પીંછા ખરવાનું વહેલું શરૂ થઈ જાય તે પક્ષી બિન ઉત્પાદક અને નકામા છે. બિન ઉત્પાદક પક્ષીના વેન્ટના ભાગ સુકો અને ખરબચડો હોય છે જે સારા પક્ષીમાં હમેશા ભીનો અને ગોળ હોય છે. વેન્ટની તેની આસપાસના બે હાડકા વચ્ચેનું અંતર  બે આંગળીઓથી ઓછું હોય તો તે મરઘી બિનઉત્પાદક છે. જો ત્રણથી ચાર આંગળી જેટલું અંતર ઓછું  હોય તો તે મરઘી અવશ્ય ઇંડા મૂકતી મરઘી છે.

સ્ત્રોત :ડો.જીગર વી. પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate