অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાગનું ઝાડ

સાગનું ઝાડ

સર્જનહારે અદ્દભુત વનરાજી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઘણી વખત આશ્ચર્ય પણ થાય કે વૃક્ષોમાં કુદરતે આટલી બધી વિવિધતા ક્યાંથી ભરી હશે ! રોજ સવારથી માંડીને સાંજ સુધીમાં, વાડામાં, બગીચામાં રસ્તાની આજુબાજુ કે જંગલોમાં દેખાતાં વૃક્ષો વિશે આપણે ઘણું બધું જાણતા થયા છીએ, પરંતુ ઈશ્વર ક્યારેક સર્જન કરવા બેસે ત્યારે માણસની જેમ જ ચિત્ર-વિચિત્ર સર્જન પણ કરી બેસતો હોય છે ! વિશ્વમાં એવાં અસંખ્ય વૃક્ષો છે જેના વિશે જાણીએ તો આપણી આંખો આશ્ચર્યથી વિસ્ફરિત થઈ જાય. પ્રસ્તુત લેખમાં આવા જ કેટલાંક ચિત્ર-વિચિત્ર વૃક્ષો વિશે માહિતી આપવાનો પ્રયાસ થયો છે.

મિત્રો, સાગનું ઝાડ તો તમે જોયું જ હશે. સાગ ખરેખર સાઠ વર્ષની વયે પુખ્ત બને છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય તેમ તેમ તેનું લાકડું વધુ સારું ગણાય. સો ફૂટ ઊંચા સાગ ઉત્તમ સાગ ગણાય છે. પરંતુ ‘સિકવેઈયા’ અને ‘યુકેલીપ્ટસ’નાં વૃક્ષોની વાત જરા જુદી છે. ચીડ વૃક્ષની ઊંચાઈ 300 ફૂટ જેટલી પણ જોવા મળી છે. હિમાલયમાં આવાં વૃક્ષો અચૂક જોવા મળે છે. સામાન્ય રીતે ચીડ વૃક્ષની ઊંચાઈ 100 ફૂટની અંદર હોય છે પરંતુ અમેરિકાનું એક ચીડ વૃક્ષ 324 ફૂટ જેટલું ઊંચુ છે. વળી સિકવેઈયા (રેડવૃક્ષ) જે હાલ કેલિફોર્નિયાના હમ્બોલ્ટ સ્ટેટ નેશનલ પાર્કમાં છે તેની ઊંચાઈ 347 ફૂટ છે. નર્મદાના મુખ પાસે જાણીતું કબીર વડ અતિ વિશાળ છે. આ વડ એટલો બધો વિસ્તરેલો છે કે તેનું મુખ્ય મૂળ ક્યું હશે તે શોધવું મુશ્કેલ છે.

ગ્રીસના સમુદ્રમાં હોસ ટાપુ પરનું એક વૃક્ષ 2000 વર્ષ જૂનું છે અને હજુ પણ જીવિત છે. વયની વાત કરીએ તો આ વિરાટ વૃક્ષની વય હજાર વર્ષ વડે મપાય છે. જો માણસ તેને કાપી ન નાખે અને હવા, પ્રકાશ, પાણીનો અવરોધ ન થાય તો આ વૃક્ષો દસ હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે. તમે એક મોટા વૃક્ષના બધા મૂળ કાપીને સીધી લીટીમાં મૂકો તો સેંકડો માઈલ દૂર સુધી લંબાય. આવા દેખાતા નાજૂક મૂળમાં ખડકને પણ આરપાર વીંધી નાખવાની શક્તિ રહેલી છે. કેટલાંક વૃક્ષોનું લાકડું પાણી કરતાં પણ વજનમાં ભારે હોય છે. અમેરિકાના ઈલડ આર્યનવુડનું વજન 65 રતલ અને પરનોટીકોમાં થતા લિગ્મે લબરીનામના વૃક્ષના લાકડાનું વજન દર ઘન ફૂટે 85 રતલ થાય છે. ઑકવૃક્ષ વિશે તો તમે કદાચ જાણતા હશો. સામાન્ય રીતે આ ઝાડ ક્યારેક સફેદ તો ક્યારેક કાળા હોય છે. અમેરિકામાં એવું પણ ઑક છે જે સંયુક્ત જાતનું ઝાડ છે. જેનો ઉપરનો ભાગ કાળો અને નીચેનો ભાગ સફેદ હોય છે. આ વૃક્ષ ઉત્ક્રાંતિ માટે જોડતી કડીરૂપ પુરવાર થાય છે. પ્રાચીન ગ્રીસનો વૈદ્ય ટીમાર્કસ ઈન્ડવન સમુદ્રમાં કોસ ટાપુ ઉપર જે વૃક્ષ નીચે બે હજાર વર્ષ ઉપર વૈદકશાસ્ત્ર શીખવતો હતો તે વૃક્ષ આજે પણ હયાત છે.

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે વૃક્ષો ગીત ગણગણે ! તમને કદાચ હસવું પણ આવે. પણ આ વાત હસવા જેવી નથી. અમેરિકાનાં જંગલોમાં ગાતા વૃક્ષો છે. આવાં વૃક્ષો પવન આવે ત્યારે તેમના પાંદડા હાલવા લાગે અને તેમાંથી મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે. ખૂબ પવન આવે ત્યારે જાણે સમગ્ર વાતાવરણ સંગીતમય હોય એવું લાગે. આવી જ રીતે સુદાન અને વેસ્ટ ઈન્ડિઝમાં એક એવું વૃક્ષ થાય છે જેમાંથી અદ્દભુત પ્રકારનો ધ્વનિ સંચાર થાય છે. રાતના સમયે વૃક્ષોમાંથી રડવાનો અવાજ પણ સંભળાય છે.

દુનિયામાં સૌથી વધુ પ્રચંડ વૃક્ષો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં થાય છે. નગ્નબીજનામે ઓળખાતી આયુષ્ય વનસ્પતિમાં સેકોઈયાનામના વૃક્ષની બે જાતો છે. આ વૃક્ષો 3000 વર્ષ સુધી જીવે છે ! તેનું વજન 1000 થી 1500 ટન જેટલું હોય છે. જનરલ શરમનનામના વૃક્ષની ઊંચાઈ 300 ફૂટ છે. એના થડના નીચેના ભાગનો વ્યાસ 37.04 ફૂટ છે. બીજું એક પ્રચંડ વૃક્ષ લૂઈ અગા મિસુછે. જેની ઊંચાઈ સરાસરી 20માળના મકાન જેવી હોય છે ! ઓસ્ટ્રેલિયાના વૃક્ષ 300થી 400 ફૂટ ઊંચાઈ ધરાવતા હોય છે. તેમના થડ 35થી 50 ફૂટ પહોળા હોય છે. આ થડમાંથી બોગદા પાડીને રસ્તા બનાવવામાં આવે છે. મેક્સિકોમાં થતાં એક પ્રચંડ વૃક્ષોના થડનો ઘેરાવો 154 ફૂટનો હોય છે. હેમવર્ડ ટાપુમાં થતા એક પ્રચંડ વૃક્ષની વય 9000 વર્ષની છે !

આફ્રિકાના દક્ષિણમાં છીંક ખવડાવતાં વિચિત્ર વૃક્ષો પણ જોવા મળે છે. જ્યારે એની ડાળીઓ તોડવામાં આવે ત્યારે એટલી બધી છીંક આવે કે આપણાથી રોકવી મુશ્કેલ થઈ પડે. તમને એવો સવાલ જરૂર થયો હશે કે આવું કેમ થાય છે ? ડાળી તોડતી વખતે તેમાંથી ઝરતો વિચિત્ર રસ હવા દ્વારા શ્વાસમાં જાય છે અને શરીરના તંતુઓને ઉત્તેજિત કરે છે જેથી છીંક આવે છે. તો બીજી તરફ પાગલ કરી મૂકતાં વૃક્ષો પણ આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. વાંચીને કદાચ તમને હસવું આવી જશે પરંતુ અરબસ્તાનમાં કેટલીક જગ્યાએ વિચિત્ર વૃક્ષો જોવા મળ્યા છે. તેના બીજ વાટીને જો કોઈ ખાઈ જાય તો તે વ્યક્તિ કલાકો સુધી પાગલોની જેમ હસવા માંડે, ગાવા માંડે, નાચવા માંડે અને છેલ્લે સૂઈ પણ જાય. પૈસાનું ઝાડ ઊગે તો કદાચ પૈસાનો વરસાદ વરસે એવું કોઈ તમને કહે તો તેને આપણે પાગલ કહીએ. પેરૂ પ્રદેશમાં આવું જ વિચિત્ર પ્રકારનું ઝાડ થાય છે જેનાં પાંદડામાંથી દરરોજ લગભગ 10 થી 15 ગેલન પાણી ટપક્યાં જ કરે છે. વાદળામાંથી પાણી વરસે તેવી જ રીતે આ વૃક્ષનાં પાંદડાં પાણી વરસાવે છે. વળી કેટલાંક વૃક્ષો એવા છે કે તેમાં છેદ પાડવામાં આવે તો પાણી (રસ)ની ધાર વહેવા લાગે છે. આપણે ત્યાં તાડ, નાળિયેર અને ખજૂરીનાં વૃક્ષો જાણીતાં છે. એમાંથી નીકળતા નીરાનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ.

જંગલમાં દવ લાગ્યો હોય ત્યારે વૃક્ષો સળગવા લાગે એવું તમને કહેવામાં આવે તો તમને સામાન્ય લાગે. પરંતુ કેટલાક વૃક્ષો એવા પણ છે જે જ્વાળા ઉત્પન્ન કરે છે. આવાં વૃક્ષો સતત એવો ગેસ ઉત્પન્ન કરે છે જેને કારણે જો તમે તેની આગળ દીવાસળી ધરો તો મોટો ભડકો થઈ ઊઠે. આ પ્રકારનાં વૃક્ષો યુરોપના દક્ષિણ ભાગમાં કિહનીમાં થાય છે. આ ગેસ ક્યા પ્રકારનો છે તે વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે, છતાં નીકળતો આ વાયુ બળતણવાયુની ગરજ સારે છે તે તો ચોક્કસ છે. તમને જાણીને વધુ નવાઈ લાગશે કે દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ પ્રદેશમાં વૃક્ષો આગિયાની માફક પ્રકાશ આપે છે. વૃક્ષ જાણે સેલ વગરની બેટરી ! તેનો પ્રકાશ અડધા માઈલ સુધી વિસ્તરતો હોય છે. ઉપરાંત ચીનમાં થતાં વૃક્ષોના રસમાંથી લોકો મીણબત્તી બનાવીને સળગાવે છે. હિમાલયમાં પણ આવાં વૃક્ષો થાય છે. વૃક્ષોની વૈવિધ્યસભર દુનિયામાં કૈલાસપતિનામનું એક વિસ્મયકારી વૃક્ષ છે જે વરસમાં ચારેક વખત પોતાના પાંદડા ખેરવી નાંખે છે. અઠવાડિયામાં નવા ચમકતા સુંદર લીલા પાન પણ પાછાં ફૂટી નીકળે છે. કૈલાસપતિનું મૂળ વતન દક્ષિણ અમેરિકાનો ગરમ પ્રદેશ છે. મોટા, ગુલાબી, ધોળા અને બહારથી પીળા ફૂલોની વચ્ચે મહાદેવનું લિંગ હોય અને ઉપર નાગની ફેણ હોય તેવી તેની રચનાથી તેનું નામ કૈલાસપતિપડ્યું છે.

જ્યારે આપણે ઘરના અથવા તો બગીચામાં ઊગેલા ફૂલ-છોડ અને વૃક્ષો જોઈએ છીએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. તેના છાયડામાં બેસવાનું, ફૂલ લેવાનું આપણને કેટલું ગમે છે, પરંતુ જો આપણને એમ કહેવામાં આવે કે કેટલાય છોડ એવા છે જે કીટકભક્ષી છે અને અમુક તો માણસોને પણ પોતાના શિકારમાંથી છોડતા નથી, તો એ વાત સાંભળીને કેવું લાગે ? આ છોડ માણસોનું, કીટકોનું, પતંગિયાનું લોહી ચૂસી લેતા હોય છે. આપણી સૃષ્ટિ ઘણી બધી અજાયબીઓથી ભરેલી છે, માટે આવી બાબતોની આપણને નવાઈ ન લાગવી જોઈએ. વૈજ્ઞાનિકોએ આવા કેટલાક ફૂલ-છોડ અને વૃક્ષો શોધી કાઢ્યા છે, જે અન્ય જીવોનું ભક્ષણ કરે છે. જેમ કે ફલાયટ્રેપ એ એક પ્રકારનો કીટકભક્ષી છોડ છે, જેના અણીદાર પાંદડા પર ઝીણાં કાંટા હોય છે. જ્યારે કોઈ જંતુ કે પક્ષી તેના પર બેસે અથવા નજીક જાય તો તે કાંટાવાળાં પાંદડાંમાં ફસાઈ જાય છે. ફસાવાના કારણે છોડને કીટકનો સ્પર્શ થતા તે સમજી જાય છે કે શિકાર તેની જાળમાં ફસાઈ ગયો છે. આથી તેનાં પાંદડાં ચોતરફથી કીટકને ઘેરી લઈ મારી નાખે છે.

આવું જ કીટકભક્ષી પિચલ પ્લાન્ટ છે, જેને તુમ્બીલતાઅને ઘટપર્ણના નામે પણ ઓળખવામાં આવે છે. ઘટપર્ણ તરીકે એટલા માટે ઓળખાય છે કારણ કે તેના પાંદડાની આગળનો ભાગ એક ઘડા જેવો જ દેખાતો હોય છે અને તેમાંથી એક ખાસ પ્રકારનો ચીકણો પદાર્થ નીકળે છે. જેવું કોઈ જંતુ તેના પર બેસે કે તે લપસીને આ ઘડા જેવા પાંદડામાં જતું રહે છે. પછી એ ચીકણા પ્રવાહીમાંથી છટકીને બહાર આવવું તેના માટે શક્ય હોતું નથી. બસ પછી થોડી જ વારમાં એ છોડ આ કીટકને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે ! સનડ્યૂનામનો કીટકભક્ષી છોડ પતંગિયા અને ઝીણા જંતુઓનો શિકાર કરે છે. તેના પાંદડા ઉપર પણ રસાદાર અને ચિકણો પદાર્થ જોવા મળે છે એટલે જ પતંગિયા તથા જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. તે જેવા નજીક આવે છે કે તુરત જ તેની આ વિશિષ્ટ રચનામાં ફસાઈ જાય છે અને મરી જાય છે. બ્લેડરવર્ટનામના છોડ કાદવ કે કળણવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. કારણ કે આ પ્રકારની જમીનમાં નાઈટ્રોજનની ઊણપ હોય છે એટલે જ આવી જગ્યાએ ઊછરતાં જંગલી છોડ કીટકોનું ભક્ષણ કરે છે.

આ તો થઈ આવા નાના મોટા જીવજંતુઓ ખાતા છોડની વાત પરંતુ આપણી સૃષ્ટિમાં એવાં પણ વૃક્ષો છે જે મોટા અને મહાકાય માણસોને પણ ખાઈ જાય છે. આફ્રિકાના ગાઢ જંગલોમાં આ પ્રકારના માંસાહારી વૃક્ષો થાય છે. તેની ડાળીઓ પર એવા મોટા ફૂલ થાય છે જેના કિનારે બે ફૂટના મોટા કાંટા હોય છે. કોઈ મનુષ્ય અથવા પ્રાણી જો ભૂલથી પણ નજીકથી પસાર થયું તો આ વૃક્ષ પોતાની કંટકોવાળી ડાળીઓ ફેલાવીને મનુષ્યના શરીરનું બધું લોહી ચૂસી લે છે. આ ઉપરાંત આર્જેન્ટિનાના જંગલોમાં તમને દગો આપતા એવા ચાલાક વૃક્ષો ઊગે છે કે જે રાહદારીઓ અને પશુપક્ષીઓને પોતાના તરફ આકર્ષે છે. માણસ કે પશુ-પક્ષી નજીક આવે એટલે તેને ઊંઘ આવવા લાગે છે. જેવો આ શિકાર ઘેરી નિદ્રામાં જાય કે તરત આ વૃક્ષ તેમનું કામ તમામ કરી દે છે. હકીકતમાં આ વૃક્ષ એવું છે જેની નજીકમાં કોઈ પશુ પક્ષી કે માણસ આવે તો તેને વિશાળ છાંયડો મળે છે અને વૃક્ષનાં પાંદડાંમાંથી સરસ મજાનો અવાજ આવે છે. આ મધુર વાંસળી જેવાં અવાજને કારણે વ્યક્તિને ઊંઘ આવે એટલે વૃક્ષ તેના અણીદાર કાંટા વડે તેનું લોહી ચૂસી તેને મારી નાંખે છે. ખરેખર ડ્રેક્યુલા જેવાં વૃક્ષો પણ હોય છે ખરાં ! જ્યારે એમેઝોનનાં જંગલોમાં તો એક ઝાડ એવું ઊગે છે જેના ફળમાંથી નીકળતો જલદ પાવડર જો શરીરના કોઈ ભાગ પર પડી જાય તો એ ભાગ જ ઓગળી જાય. વૈજ્ઞાનિકો એટલું શોધી શક્યા છે કે મંચનીલનામના વૃક્ષ પર આવતાં લાલ રંગના આકર્ષક ફળો તો રીતસર મોતનો સામાન હોય છે. તેના રંગથી આકર્ષાઈને જે આ ફળ ખાવા જાય તો તેમાંથી ઝરતો પીળા રંગનો પાવડર તે વ્યક્તિના શરીર પર પડતા તે ભાગને ઓગાળી દે છે.

આ તો થઈ વિચિત્ર વૃક્ષોની વિચિત્ર વાતો. આટલું જાણ્યા પછી આ વૃક્ષો વિશે વિગતે અભ્યાસ કરવો એ પણ એક નવો વિષય છે. આવાં વૃક્ષો આટલું લાંબુ આયુષ્ય કેમ ભોગવતા હશે ? એમ કહેવાય છે કે વૃક્ષોને પવન, તોફાન, દાવાનળ, પ્રકાશ, પાણીની કોઈ અસર ન થાય તો વૃક્ષ દસ હજાર વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે. આપણને તો માત્ર બે જ ફેફસાં હોય છે. જ્યારે વૃક્ષોને લાખો ફેફસાં (પાંદડાં) હોય છે. આજે આપણે ત્યાં આડેધડ વૃક્ષો કપાતા હોય છે. વનસ્પતિ સૃષ્ટિનો નાશ થઈ રહ્યો છે ત્યારે આવાં વિચિત્ર વૃક્ષો તો આંગળીના વેઢે ગણાય એટલી જૂજ સંખ્યામાં છે. ત્યારે તો આપણે એનું જતન કરવું જ રહ્યું. બાકી જે વ્યક્તિ ચાર વૃક્ષો વાવીને ઉછેરી શકવાની ક્ષમતા ધરાવતી નથી તે વ્યક્તિને એક પણ વૃક્ષ કાપવાનો અધિકાર નથી.

સ્ત્રોત:  રહસ્યમય વૃક્ષો – દીપક જગતાપ, રીડગુજરાતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/25/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate