લીલા પાંદડાવાળા શાકભાજીમાં ખાસ કરીને પાલક, તાંદળજો, મેથી અને ધાણાનો સમાવેશ કરવામાં આવે છે. લીલા પાંદડાવાળા શાકભાજી પાકોને ઠંડુ અને ઓછા ભેજવાળું હવામાન પસંદ હોવાથી આ પાકોની ખેતી શિયાળામાં સારી રીતે કરી શકીએ છીએ. પરંતુ શિયાળામાં આપણને જોઈએ એવા ભાવ મળતા નથી. પરંતુ આ પાકોની જો આપણે ઉનાળામાં ખેતી કરીએ તો શિયાળા કરતા વધુ ભાવ મળે છે. ઉનાળામાં ખુલ્લા ખેતરમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું ઉત્પાદન મળતું નથી. તેથી જો આપણે શેડનેટ હાઉસ બનાવી, તેમાં જો લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે, પાલક, તાંદળજો, મેથી અને ધાણાની ખેતી કરીએ તો સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારો ભાવ મેળવી શકીએ છીએ. શેડનેટ હાઉસમાં (shade net house) આા પાકો ઉગાડવાથી નીચે મુજબ ફાયદા મેળવી શકીએ છીએ.
શેડનેટ હાઉસ બનાવતી વખતે આપણે નેટનો કલર અને શેડ % ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. બજારમાં આપણને લીલો, લાલ, કાળો અને સફેદ કલરની નેટ મળી રહે છે. તેમાથી લીલા કલરની નેટમાં આપણને વધુ ઉત્પાદન મળતું હોવાથી તે વાપરવી યોગ્ય છે. શેડ % ની વાત કરીએ તો શેડ % એટલે, કેટલા % સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપી શકે. દા.ત. ૩૦% શેડનેટ અથતુિ નેટ ૩૦% છાયો આપશે અને ૭૦% સૂર્યપ્રકાશ પસાર થવા દેશે. બજારમાં ૩૦%, ૪૦% , પ૦%, ૭૫%, ૯૦% ની શેડનેટ મળે છે. પરંતુ લીલા પાંદડાવાળા શાકભાજીની વાત કરીએ તો પાલક અને તાંદળજા માટે પ૦% અથવા ૩૦% શેડનેટ વાપરી શકીએ. જયારે ધાણા અને મેથી તાપમાન સામે સંવેદન પાક હોવાથી ઉનાળામાં ૭૫% શેડનેટ વાપરવી યોગ્ય છે.
પાલક, તાદંલજો, ધાણા અને મેથીને બધા જ પ્રકારની જમીન માફક આવે છે, તેમ છતાં સારા નીતરવાળી અને પાણીનો ભરવો ન થાય તેવી ભારે કાળી સિવાયની, રેતાળ ગોરાળું અને બેસર જમીન વધારે માફક આવે છે.
મેથીને શિયાળાનું ઠંડુ અને ભેજરહિત સૂકું હવામાન વધારે માફક આવે છે, પરંતુ શેડનેટ હાઉસમાં ઉનાળામાં પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. પાલક, તાંદળજો, મેથી અને ધાણાને બીજ ઉગવા સમયે વધારે પડતી ઠંડી, ગરમી અને પાણીનો ભરાવો તેમજ સતત વરસાદ અનુકૂળ આવતો નથી.
પાલક, તાંદળજો, મેથી અને ધાણાને ઉનાળામાં સારું ઉત્પાદન અને સારા ભાવ મેળવવા માટે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન વાવણી કરી શકાય છે.
પાલક, તાંદળજાનું વાવેતર ક્યારામાં પુખીને અથવા બે હરોળ વચ્ચે ૨૫-૩૦ સેમી. અંતર રાખી કરવામાં આવે છે, જ્યારે મેથી અને ધાણાનું વાવેતર પણ પુખીને અથવા બે હરોળ વચ્ચે ૨૦-૨૫ સેમી. અંતર રાખી કરવામાં આવે છે. બીજને વાવ્યા પછી ચાસમાં માટીથી ઢાકી દેવા જેથી બીજ હલકા હોવાથી પાણી સાથે તણાઈ ના જાય. ધાણાના બીજને વાવતા પહેલા લાકડાના હલકા પાટીયાથી મસળીને બે ફાડિયાં કરી વાવવા જેથી બીજ સ્કુરણ સારું મળે છે. બીજને વાવતા પહેલા પ૬ કલાક સુધી પાણીમાં ડૂબાડી રાખવા જેથી બીજ સ્કુરણ જલદી અને સારું મળે છે.
બિયારણનો દર પ્રતિ હેક્ટર પાલક માટે ૧૨-૧૫ કિલો, તાંદળજા માટે ૪૫ કિલો, મેથી માટે ૨૫-૩૦ કિલો અને ધાણા માટે ૧૦-૧૨ કિલો.
વાવણી પછી હળવું પિયત આપવું. ઉનાળામાં ૬-૭ દિવસના ગાળે પિયત આપવું. શિયાળામાં ૧૨-૧૫ દિવસના ગાળે પિયત આપવું.
સ્ત્રોત :સફળ કિસાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020