অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજીની ખેતીમાં ગ્રીનહાઉસની ઉપયોગીતા

પ્રતિકૂળ વાતાવરણમાં અને ખાસ કરીને ઓફ–સીઝન પાક લેવા માટે ગ્રીન હાઉસમાં પાક લેવામાં આવે છે.  ગ્રીન હાઉસમાં વાતાવરણ ઉપર નિયંત્રણ રાખી શકાતુ હોવાથી વર્ષમાં અનેક પાક લઈ શકાય છે, તથા સામાન્ય ખેતી પધ્ધતિ કરતાં અંદાજીત ૩૦ થી ૩પ ટકા વધુ ઉત્પાદન પણ મેળવી શકાય છે.  ભારતમાં ૭પ૦ લાખ હેકટર જેટલો જમીન વિસ્તાર બિન ઉપજાઉ એટલેકે, બિનખેતી લાયક વિસ્તાર છે.  આવા વિસ્તારમાં ગ્રીન હાઉસથી ખેતી થાય તો ત્યાં વસતા લોકોને મહત્તમ આવક થઈ શકે તેમ છે.  હાલમાં ભારતમાં લગભગ ૧પ૦ થી ર૦૦ હેકટર જમીનમાં જ ગ્રીન હાઉસ પધ્ધતિથી ખેતી થાય છે.  જયારે જાપાન (૪ર,૦૦૦ હે.), સ્પેન (ર૩,૮પ૦ હે.), ઈટાલી (ર૦,૦૦૦ હે.) હોલેન્ડ (૧૦,૦૦૦ હે.), ઈઝરાયલ (૧રપ૦ હે.) વગેરે દેશોમાં ગ્રીનહાઉસનો ઉપયોગ કરી વધારે ખેતી થાય છે.

બિન ઉપજાઉ જમીનમાં ગ્રીનહાઉસ ન બનાવી શકાય તેમ હોય તો મોટા શહેરોની નજીકમાં ગ્રીનહાઉસનાં વિશાળ સંકુલો બનાવીને તેમાં ઓફ સીઝન શાકભાજી અને ઉચ્ચ ગુણવત્તાવાળા તથા વધારે મૂલ્યવાળા શાકભાજીનું વાવેતર કરવાથી વધારે આવક મેળવી શકાય છે.  આ ઉપરાંત નિકાસલક્ષી શાકભાજી પાકોની ખેતી કરીને વધુ વિદેશી હૂંડિયામણ પણ કમાઈ શકાય તેમ છે.

સામાન્ય રીતે ટનેલ ટાઈપ, ગ્રાઉન્ડ–ટુ–ગ્રાઉન્ડ ટાઈપ, ઈવન સ્પાન અથવા ગેબલ ટાઈપ, કયુઓન સેટ, ટાઈપ અને રીઝ અને ફરો ટાઈપ કક્ષાના સાદા, મધ્યમ કક્ષા અને ઉચ્ચ કક્ષાનાં ગ્રીનહાઉસ જોવા મળે છે.  આ પ્રકારનાં પ૦૦ ચોમી વિસ્તાર માટે  ગ્રીનહાઉસ બનાવવા અંદાજીત રૂા.૧ લાખથી રૂા.૭ લાખ સુધીનો ખર્ચ થાય છે.

શાકભાજી પાકોમાં ધરૂ તૈયાર કરીને ફેરરોપણી કરવાનાં પાકો જેવા કે ટામેટા, ડુંગળી, મરચા, રીંગણ, કોબીજ વગેરે પાકોનું ધરૂ ગ્રીન હાઉસમાં તૈયાર કરવાથી તંદુરસ્ત છોડ મળી રહે છે.  આવા રોગ–જીવાત મુકત ધરૂની ફેર રોપણી કરવામાં આવે તો રોપણી બાદ ખાલા ઓછા પડે છે તેમજ પાકની શરૂઆતની અવસ્થામાં રોગ અને જીવાતનાં નિયંત્રણ પાછળ થતો ખર્ચ ઘટાડી શકાય છે.

ગ્રીન હાઉસમાં શાકભાજીની ખેતી માટે અગત્યનાં મુદૃાઓ.

પાકની પસંદગી : ગ્રીન હાઉસની અંદરની બધી જ જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ અતિ આવશ્યક છે.  તેથી ગ્રીન હાઉસમાં ઉગાડવાનાં પાકો આર્થિક રીતે અને ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે સારા હોય તે ખુબ જ જરૂરી છે.  ગ્રીન હાઉસમાં સામાન્ય રીતે નીચે જણાવેલ પાકો ધ્વારા વધારે આર્થિક વળતર મેળવી શકાય.

ઉષ્ણ કટિબંધનાં પાકો

શીત કટિબંધનાં પાકો

ટામેટા, કાકડી, લેટયુસ, ગરકીન્સ, ડુંગળી, કોબી, બટાટા, મરચા, કેપ્સીકમ, મૂળા, ધાણા, મેથી, પાલક, મશરૂમ વગેરે

બ્રોકોલી, સેલારી, પર્સલી, બ્રુસેલ્સ સ્પાઉટ, લીક, ઝુકીની, ચાઈનીઝ કેબેજ, કલોવ, થાયમ વગેરે

ગ્રીન હાઉસમાં વાતાવરણની જાળવણી :

વધુ ઉત્પાદન તેમજ સારી ગુણવત્તા મેળવવા માટે યોગ્ય ઉષ્ણતામાન અને સૂર્ય પ્રકાશની યોગ્ય તીવ્રતા, કિરણોની લંબાઈ અને નિશ્ચિત સમય ખાસ મહત્વનો છે.  બીજને ઉગવા, ફુલ બેસવા, પરાગનયન થવા, ફળ બેસવા, ફળની ગુણવત્તા અને સારી વૃધ્ધિ માટે પાકની અવસ્થા પ્રમાણે તાપમાન ભેજ અને પ્રકાશની આવશ્યકતા જુદી જુદી હોય છે,  તે પ્રમાણે ગ્રીન હાઉસમાં વાતાવરણનું નિયમન કરવુ ખુબ જ જરૂરી છે.

પિયત અને ખાતર :

પિયત અને ખાતરનું યોગ્ય પ્રમાણ જાળવીને છોડનાં સુક્ષ્મ વાતાવરણનુ નિયમન કરવુ ખુબ જ અગત્યનું છે.  પિયત ધ્વારા ભેજનું પ્રમાણ વધી જાયતો રોગ અને જીવાતનો ઉપદ્રવ વધારે થવાની શકયતા રહે છે, તેથી ટપક પધ્ધતિથી પિયત આપવુ અને ખાતર પણ યોગ્ય માત્રામાં અને ગૌણ તત્વો પાકની અવસ્થા મુજબ ટપક પિયત પધ્ધતિથી જ આપવા જોઈએ.

પાક સંરક્ષણ :

ગ્રીન હાઉસમાં પાકની વૃધ્ધિ અને ગુણવત્તા માટે સુરક્ષિત વાતાવરણ મળી રહે તે મુુખ્ય આશય હોય છે.  શાકભાજીનાં છોડ ઉગાડવા માટેના માધ્યમને રોગ અને જીવાત મુકત કરવા જોઈએ,  તેમજ બીજને વાવતા પહેલા ફુગનાશક દવાનો પટ આપવો જોઈએ.  ગ્રીન હાઉસની અંદરની જગ્યાને  સંપૂર્ણ સ્વચ્છ અને નિરોગી રાખવી જોઈએ.  જેથી રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ ટાળીને દવાનાં અવશેષ મૂકત સારી ગુણવત્તાવાળું શાકભાજી ઉત્પાદીત કરી શકાય.

બજાર વ્યવસ્થા અને ગુણવત્તા :

ઉત્પન્ન થનાર શાકભાજી સ્થાનિક બજારમાં વેચાણ અર્થે મૂકવાનુ છે કે બહારનાં દેશમાં મોકલવાનું છે તે ધ્યાને રાખીને ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતીમાં પાકની પસંદગી કરવી જોઈએ.  ઉત્પન્ન થનાર શાકભાજીની આવક અને તેની પાછળ થનાર ખર્ચની ગણતરી ધ્યાનમાં રાખવી જોઈએ.  સામાન્ય શાકભાજી કરતા ઉંચો ભાવ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી ખાસ જરૂરી છે.  ગ્રીન હાઉસમાં શાકભાજીનાં બધા જ પાકો આર્થિક રીતે પોષણક્ષમ નથી, તેથી આયોજન કરતા પહેલા કયા શાકભાજીનાં પાકો થઈ શકશે તે પ્રમાણે ડીઝાઈન અને અન્ય સગવડતાઓ ઉભી કરવી જોઈએ.

ગ્રીન હાઉસની કાળજી :

ગ્રીન હાઉસમાં પાક લેતા પહેલા એક અઠવાડિયા સુધી વનસ્પતિ મુકત રાખવુ.  આ રીતે ખાલી રાખી કુદરતી તાપમાં તપવા દેવુ.  ગ્રીન હઉસમાં છોડ કે બીજને વાવતા પહેલા તેને અલગ રાખી સંપૂર્ણ રોગ–જીવાત મુકત કરીને જ અંદર દાખલ કરવા અને જરૂરીયાત મુજબ દવાનો છંટકાવ કરવો.  ગ્રીનહાઉસમાં દાખલ થતા કોઈપણ વ્યકિતને પીળા રંગનાં કપડા પહેલી દાખલ થતા અટકાવવા.  ગ્રીનહાઉસમાં સ્વચ્છતા જાળવણી માટે અંદર પડેલ કચરો, વણવપરાયેલ સેન્દ્રિય ખાતર કે અન્ય ચીજ વસ્તુઓ સમયાંતરે સાફ કરતા રહેવું.  જૈવિક નિયંત્રણ અને વનસ્પતિજન્ય જંતુનાશકોનો ઉપયોગ કરીને   પાક સંરક્ષણ પગલા લેવા.

ગ્રીનહાઉસનાં ફાયદા :

  1. તંદુરસ્ત સારી ગુણવત્તાવાળા, નિકાસ કરવા લાયક છોડ પેદા કરી શકાય છે.
  2. વર્ષ દરમ્યાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે.
  3. કોઈપણ પ્રકારનાં છોડ કોઈપણ સ્થળે ઉગાડી શકાય છે.
  4. રોગ–જીવાત સામે રક્ષણ આપવુ સહેલુ બને છે.
  5. છોડ ઉછેર સરળ બને છે.
  6. નર્સરી વ્યવસ્થાપન સરળતાથી થઈ શકે છે.
  7. શરૂઆતમાં વધુ ખર્ચ રહે છે, પરંતુ લાંબાગાળે સારો ફાયદો આપે છે.
  8. ઓછી જમીનમાં વધુ આવક મેળવી શકાય છે.
  9. બીનઉપજાઉ જમીનમાં પણ એકમ વિસ્તાર દીઠ વધારે ઉત્પાદન શકય બને છે.
  10. બિન પરંપરાગત શીતકટીબંધનાં શાકભાજી પણ ઉગાડી શકાય છે.
  11. રોજગારીની તકો વધારી શકાય છે.
  12. ઉત્પન્ન થયેલ પાકો વધુ ટકાઉ શકિતવાળા હોય છે.
  13. મકાનનાં ધાબા પર ગ્રીન હાઉસ બનાવી દૈનિક જરૂરીયાતનું શાકભાજી મેળવી શકાય છે.

સ્ત્રોત શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ(શાકભાજી સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર  દાંતીવાડા  કૃષિ યુનિવર્સિટી,જગુદણ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate