অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફૂલ પાકોની ખેતીમાં લેવાની કાળજી

ફૂલ પાકોની ખેતીમાં લેવાની કાળજી

ગુજરાતમાં વિવિધ ફૂલોની ખેતીનો વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે. ખેડૂતો ગ્રીનહાઉસમાં વિવિધ ફૂલોની ખેતી મોટા પાયે કરે છે. ગુજરાતમાં ગુલાબ, હજારીગલ જેવા દેશી ફૂલો ઉપરાંત વિવિધ પ્રકારના વિદેશી ફૂલોની ખેતી થાય છે. ફૂલોના ઉપયોગ સ્ટેજ સજાવટ, હારતોરા, રોજીંદી ફૂલદાનીની સજાવટ, બૂકે વગેરેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. ફૂલોમાંથી નિસ્પંદિત તેલ બનાવી તેના કોમેટીક વસ્તુઓમાં ઉપયોગ વધતા તેની માંગમાં સતત વધારો થતો રહ્યો છે.

ગ્રીનહાઉસમાં ફૂલોની ખેતીમાં ખાસ કરીને ઊંચી આવક આપતા કટ ફલાવર્સ જેવા કે ઈંગલીશ ગુલાબ, કાર્નેશન, જર્બોરા, ગ્લેડીઓલસ, સેવંતી, ટ્યુબરોઝ વગેરે જાતો ઉગાડી શકાય છે. ગ્રીનહાઉસના ફૂલોની ગુણવત્તા ખુલ્લા ખેતરોમાં વાવેતર કરેલ ફૂલો કરતા ઘણી જ સારી જોવા મળે છે જેના પરિણામે તેના ભાવો પણ વધારે ઊંચા મળે છે. આ ઉપરાંત સારી ગુણવત્તાના કટ ફલાવર્સની નિકાસ કરી વધુ ભાવ તેમજ દેશને ઉપયોગ હૂંડિયામણ પણ કમાઈ શકાય છે.

ફૂલોની વૈજ્ઞાનિક રીતે ખેતી કરવી આવશ્યક છે તેના માટે નીચેના મુદ્દાઓ ઉપર વિશેષ ધ્યાન રાખી ફૂલોની ખેતી કરવામાં આવે તો સારી ગુણવત્તાના ફૂલોનું મહત્મ ઉત્પાદન મેળવી વધારે નફો મેળવી શકાય છે.

  1. આબોહવા તેમજ જમીનને અનુરૂપ યોગ્ય ફૂલાપાકની પસંદગી કરવી તેમજ પસંદ કરેલ પાકની વિસ્તારને અનુરૂપ અને માર્કેટને ધ્યાનમાં રાખીને જાત પસંદ કરવી. નવા પાક જાતોની દેખાદેખી કરવી નહી.
  2. જે ફૂલપાકની ખેતી કરવાની હોય તે પાકો વિષેની સંપૂર્ણ માહિતી આગોતરી મેળવી લેવી જેથી રોગજીવાતની સમસ્યા કે અન્ય સમસ્યા આવે ત્યારે તક્લીફ ન પડે.
  3. વિશ્વાસપાત્ર નર્સરી/વિક્રેતા પાસેથી બીજ કંદ ધરૂ મેળવવાનો ખાસ આગ્રહ રાખવો અથવા જે ફૂલો ધરૂ દ્વારા રોપવાના હોય તેનું ધરૂ સમયસર તૈયાર કરવું.
  4. ફૂલપાકને તેના જીવનકાળ દરમ્યાન તેની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પોષક તત્વોની સતત જરૂરિયાત રહે છે તેથી જમીનમાં ભલામણ મુજબ સારૂ કોહવાયેલ છાણિયું ખાતર આપી બરાબર જમીનમાં ભેળવી દેવું જેથી સારી ગુણવત્તાના ફૂલોનું વધારે ઉત્પાદન મેળવી શકાય. આ ઉપરાંત પાકને જરૂરી પોષકતત્ત્વ સતત મળી રહે તે માટે ભલામણ કરેલ રાસાયણિક ખાતરો બે થી ત્રણ હપ્તામાં આપવા.
  5. જે તે ફૂલપાકની ભલામણ કરેલ નિયત અંતરે રોપણી કરવી જેથી એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા જળવાય રહે.
  6. પિયતની કટોકટીની અવસ્થા અગાઉથી જ તપાસી તેમજ જરૂરિયાત મુજબ શિયાળામાં ૧૦ દિવસે અને ઉનાળામાં પ થી ૭ દિવસના અંતરે જમીનના પ્રકાર અને ફૂલપાકની જરૂરિયાત મુજબ પિયત આપવું. વધારે પડતુ પિયત આપવું હિતાવહ નથી. ફૂલછોડની વૃદ્ધિની અવસ્થાઓ તથા ફૂલો ખુલવાની અવસ્થાએ ભેજની ખેંચ ન રહે તેની ખાસ કાળજી લેવી. આ સમયે જો ભેજની ખેંચ રહે તો ફૂલોની ગુણવત્તા પર નોંધપાત્ર અસર જોવા મળે છે.
  7. ફૂલપાકમાં ખૂંટણી અથવા છંટણી કરવાથી વધુ ડાળી અને ફૂલ મળે તેવા છોડની ભલામણ કરેલા સમયે ખૂંટણી છંટણી કરવી.
  8. પહોળા પાટલે વાવેતર કરેલ ફૂલપાકોમાં જરૂરિયાત મુજબ આંતરખેડ નીંદામણ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે જેના લીધે ફૂલપાકોની વૃદ્ધિ સારી થાય છે.
  9. ફૂલોની ગુણવત્તા તથા નિયત ઉત્પાદન જાળવી રાખવા માટે છોડને જરૂરિયાત મુજબ ટેકા આધાર આપવા જેથી ફૂલોના વજનને લીધે ડાળી નમી બટકી ન જાય.
  10. રોગ-જીવાતને તાત્કાલિક ઓળખી તેના નિયંત્રણ માટેના જરૂરી પગલા સમયસર લેવા.
  11. ફૂલ ઉતારવાની અવસ્થા ધ્યાનમાં લઈ ફૂલો ઉતારવા દા.ત. અર્ધ ખીલેલ અવસ્થા ગુલાબ, સેવંતી-કળી અવસ્થા, સ્પાઈડર લીલી-પૂર્ણ ખીલેલી જયારે ગલગોટા, ગેલાર્ડીયા ફૂલોની કાપણી અવસ્થા જાત પ્રમાણે પણ નક્કી થાય છે. બજારની માંગ અને ખેતરની બજાર અથવા નિકાસ બજાર અંતર પ્રમાણે કાપણી નક્કી થાય છે. કાપણી બાદ ફૂલ ગ્રાહક પાસે પહોંચે ત્યારે બરાબર ખીલેલું હોવું જોઈએ. જો ફૂલની કળી ખાટી અવસ્થાએ કાપવામાં આવે તો ફૂલદાની, કલગી, હારમાં તે બરાબર ખીલતી નથી. વહેલી સવારમાં ફૂલો ઉતારવા જોઈએ. વીણીની સંખ્યાનો આધાર તાપમાન અને ફુલોની જાત પર રહેલો છે.
  12. ફૂલોનું વર્ગીકરણ ફૂલની જાત, દાંડીની લંબાઈ તથા ફૂલની ગુણવત્તા પ્રમાણે કરવું જેથી તેનો દેખાવ જળવાઈ રહે અને મહત્ન બજારભાવ મળી શકે.
  13. ફૂલોની જરૂરિયાત મુજબ અને બજારના અંતરને ધ્યાનમાં રાખી કોરૂગેટેડ બોક્ષમાં પેકિંગ કરવું.

આમ વૈજ્ઞાનિક ઢબે ફૂલોની ખેતી કરવામાં આવે તો મહત્તમ નફો મેળવી શકાય છે.

વિકસતા જતા વિશ્વમાં અનાજ-ફળશાકભાજીની જરૂરિયાતની સાથોસાથ સુશોભન અને વિવિધ ઉપયોગ માટે ફૂલોની માંગમાં પણ ધરખમ વધારો થતો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં ફૂલ ઉછેર માટે ગુલાબ ,ગલગોટા, સેવંતી,મોગરો, ચમેલી, ગૈલોર્ડીયા વગેરે ફૂલપાકોની વિશાળ તક રહેલી છે. આ ઉપરાંત ક્ટફલાવર્સ માટે ગુલાબ,રજનીગંધા,ચાઈના એસ્ટર તથા કાર્નેશન વગેરેની પરદેશમાં નિકાસની તકો રહેલી છે. આથી તેના ઉછેર માટે વૈજ્ઞાનિક સૂઝબૂઝ અને આધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવે તો ઉત્પાદનમાં ધરખમ - વધારો કરી શકાય છે.

સ્ત્રોત: ડો. સંજય પંડય, ડો. કલ્પેશ ઠાકર, ડો. કે. એસ. પટેલ,સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર જિ. બનાસકાંઠા ,સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર જિ. બનાસકાંઠા

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate