অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દાડમની જીવાતો અને તેનું વ્યવસ્થાપન

દાડમનું પતંગિયું/ ફળ કોરી ખાનાર ઈયળ ઓળખ :

આ જીવાતની ઈયળ મજબૂત બાંધાની, ઘટા, ભૂખરા રંગની અને શરીરે ટૂંકાવાળ અને સફેદ  ટપકાં ધરાવે છે. પતંગિયું મધ્યમ કદનું, ચળકતા ભૂખરાથી કથ્થાઈ રંગની આગળની પાંખો તથા તેની ઉપર નારંગી રંગના ટપકાં હોય છે.

નુકશાન : આ જીવાત દાડમના પાકને ખૂબ જ નુકશાન કરે છે. ઈંડામાંથી નીકળેલી ઈયળ ફળમાં કાણું પાડીને અંદર દાખલ થાય છે અને વિકાસ પામતા  દાણા ખાય છે. આવા નુકશાન પામેલ દાડમમાં ફૂગ અને જીવાણુનું આક્રમણ થતા ફળ કોહવાય જાય છે અને તેમાંથી ખરાબ વાસ આવે છે. ફળની  ગુણવત્તા બગડતા ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ જીવાતનું નુક્સાન ચોમાસાની ૠતુમાં વધારે જોવા મળે છે.

થડ અને ડાળીની છાલ કોરનાર ઈયળ :

આ જીવાતની ઈયળ મેલા બદામી રંગની અને કાળા માથાવાળી હોય તેના પુખ્તની આગળની પાંખો આછા કથ્થાઈ રંગની તથા ટપકાંવાળી હોય છે.

નુકસાન : આ જીવાતની ઈયળો છોડની છાલ તથા લાકડાને કોરી તેનો મૂકો અને હંગારમાંથી જાળુ બનાવી તેમાં રહીને છાલ ખાય છે. ઈયળ થડ અને  ડાળીના સાંધા ઉપર કાંણાં પાડે છે. સામાન્ય રીતે જૂના ઝાડમાં તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. વધુ ઉપદ્રવિત ભાગ ઘણી વખત સુકાઈ જાય છે.

ચીકટો (મીલીબગ) ઓળખ :

આ જીવાતની માદા પાંખો વગરની અંડાકાર અને તેનું શરીર મીણયુક્ત તંતુઓથી ઢંકાયેલું હોય છે. તેના પાછળના ભાગે બે સફેદ પૂંછડી જેવા ભાગો આવેલા હોય છે. જ્યારે નર ખૂબ જ નાના, લાંબા શરીરવાળા તથા એક જોડ પાંખો ધરાવે છે.

નુકશાન : આ જીવાતના બચ્ચાં તથા પુખ્તના શરીર પર મીણ જેવું આવરણ બનાવે છે. તેથી ફળ ઉપર ફૂગ લાગેલ હોય તેવું જણાય છે. બચ્ચાં તથા પુખ્ત ફળમાંથી રસ ચૂસી તેની ગુણવત્તા બગડતા બજાર કિંમતમાં ઘટાડો થાય છે.

ફળમાંથી રસ ચૂસનાર ફૂદુ :

ઓળખ : આ જીવાતના ફૂંદા મોટા કદના અને નારંગી બદામી રંગના શરીરવાળાં હોય છે . આગળની પાંખો ઘાટી ભૂખરી અને લીલા ડાઘાવાળી તેમજ  સફેદ લાઈનોવાળી હોય છે જ્યારે પાછલી પાંખો નારંગી અને બીજના ચાંદ જેવા કાળાં તેમજ સફેદ ટપકાંવાળી હોય છે.

નુકસાન : આ જીવાતથી દાડમના પાકમાં અંદાજે ૫૭ ટકા જેટલું નુકશાન નોંધાયેલ છે અને વધુમાં વધુ એક ફળમાં નવ કાણા જોવા મળેલ છે. તેનો  સમાવેશ રોમપક્ષ શ્રેણીના કીટકોમાં થતો હોવા છતાં અપવાદ રૂપ કિસ્સામાં પુખ્ત અવસ્થા (ફંદુ) દાડમના ફળમાં નુકશાન કરે છે. તેની ઈયળો કોઈપણ  ખેતીમાં પાકમાં નુકશાન કરતી નથી. ફંદુ સંધ્યાકાળે વધુ સક્રિય હોય છે. ફૂદાને જ્યાં સુધી ફળ ઉપર યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી ફળ ઉપર જુદી જુદી  જગ્યાએ પોતાના મજબૂત મુખાંગોની મદદથી કાણાં પાડે છે અને અંતે ફળની છાલમાં પોતાની સૂંઢ ખોસી ફળમાંથી રસ ચૂસે છે પરિણામે ફળની  આજુબાજુનો ભાગ પોચો પડે છે, જેના લીધે ફૂગ અને અન્ય જીવાણુઓ આ કાણાંમાંથી દાખલ થાય છે અને કાણાંની આજુબાજુનો ભાગ ભૂખરા રંગનો  બને છે. ફળના અંદરના મૃતપાય ભાગ પર નભતી જીવાતોનો ઉપદ્રવ પણ શરુ થાય છે અને અંતે ફળમાં કોહવારો લાગુ પડે છે. આ ફૂંદાથી થતુ નુકશાન  ફળ પર પડેલા પંચર (કાણાં)ની મદદથી સહેલાઈથી ઓળખી શકાય છે.

થ્રીપ્સ :

નુકશાન : આ જીવાત ઘણી નાની હોવાથી નરી આંખો જોવા મુશ્કેલ પડે છે. તેના બચ્ચાં અને પુખ્ત પાન, ફૂલ અને નાના ફળની સપાટી પર ઘસરકા કરી  તેમાંથી નીકળતો રસ ચૂસે છે. પરીણામે ફળ ઉપર સફેદ પટ્ટીઓ જોવા મળે  છે. ઉપદ્રવથી ફળના વિકાસ પર માઠી અસર થાય છે.

મોલો તથા સફદમાખી

નુકશાન : લીલા રંગની મોલો અને સફેદમાખી કુમળી ડાળીઓ, પાન, ફળ, ફૂલ વગેરેમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે.

પોપટ અને ખિસકોલી

નુકશાન : પોપટ (હુડા) અને ખિસકોલી દાડમના ફળ ખાઈ જઇને અથવા કાણાં પાડીને નુકશાન કરે છે. આવા નુક્શાન પામેલ ફળોમાં સડો થતા ફળ ખરી પડે છે. વાડીની નજીકમાં મોટા ઝાડ ન હોય તેવી  જગ્યા વાવેતર માટે પસંદ કરવી.

સંકલિત જીવાત વ્યવસ્થાપન

  • દાડમના પતંગિયાથી ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઈ ઈયળ સહિત નાશ કરવો.
  • નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી ફળ કોરનાર ઈયળ, રસ ચૂસનાર ફુંદું, ખિસકોલી અને પક્ષીઓથી નુકશાન ઓછું થાય છે.
  • જીવાતોનાં ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તેયાર દવા ર૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૫ મિ.લિ. અથવા કાર્બારિલ ૫૦ વેપા ૪૦ ગ્રામ અથવા ક્વિનાલફોસ રપ ઈસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ફળ કોરનાર ઈયળનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
  • થડ અને ડાળીની છાલ કોરનાર ઈયળના નિયંત્રણ માટે સુકાયેલી ડાળીઓ કાળજીપૂર્વક કાપી લઈ (છાંટણી) નાશ કરવો. ઈયળે પાડેલા કાણા સાફ કરી  ૧૦ લિટર પાણીમાં ૭ મિ.લિ. ડાયક્લોરવોશ ૭૬ ઈસીનું મિશ્રણ દવા બનાવી આ પ્રવાહી કાણામાં નાખી તેને ભીની માટી કે છાણથી બંધ કરી ઈયળનો નાશ કરવો. આજ દ્રાવણ થડ પરથી ભૂંગળીઓ સાફ કરી તેના પર છંટકાવ કરવાથી છાલ કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ મેળવી શકાય છે.
  • માદા ચિક્ટો (મિલીબગ) જમીનમાં ઈંડા મૂકતી હોય છે. તેથી ખામણામાં ઊંડો ગોડ કરી ઝાડની ફરતે ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી ૧૦૦ થી ૧૫૦ ગ્રામ પ્રતિ ઝાડ મુજબ જમીનમાં ભેળવવી. આ જીવાતના વધુ ઉપદ્રવ વખતે ઝાડ પર ટ્રાયઝોફોસ ૪૦ ઈસી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર  પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • મિલીબગના ઉપદ્રવની શરૂઆત હોય તો એકાદ ભારે પિયત આપવું.
  • થડપરએકાદફૂટપહોળો પ્લાસ્ટિકનો પટ્ટો લગાવવો અને તેની બશ્ઞે ધારો પર ગ્રીસ લગાડવાથી ચિક્ટોના બચ્ચાંને ઝાડ પર ચડતા રોકી શકાય.
  • ફળમાંથી રસ ચૃસનારા ફૂંદાના ઉપદ્રવને ધ્યાનમાં રાખી સંધ્યાકાળથી મધ્યરાત્રી દરમ્યાન કોટક પકડવાની જાળી અને બેટરીનો ઉપયોગ કરી આવા ફૂંદા  પકડી તેનો નાશ કરવો આ કાર્ય સામૂહિક ધોરણે કરવાથી વધુ અસરકારકતા મેળવી શકાય.
  • રસ ચૂસનાર ફૂંદાની ઈયળો શેઢા પાળા પરના વેલા (ગળો અને વેવડી) પર નભતી હોવાથી આ યજમાન વેલાઓનો નાશ કરવો.
  • રસ ચૂસનાર ફૂંદા રાત્રી દરમ્યાન નુકશાન કરતા હોવાથી સંધ્યાકાળે દામડના બગીચાની આજુબાજુ ધુમાડો કરવો.
  • શક્ય હોય ત્યાં રાત્રી દરમ્યાન પ્રકાશપિજરનો ઉપયોગ કરવાથી રસ ચૂસનાર ફૂંદાને આકર્ષી નાશ કરી શકાય છે.
  • વિષપ્રલોભિકા (ર૦૦ગ્રામગોળ 4 વિનેગારઅથવા ફળનો રસ ૧૨ મિ.લિ. 4- ૨૦ મિ.લિ. મેલાથીયોન ૫૦ ઈસી 4- ર લિટર પાણી) નો ૫૦૦ મિ.લિ. જથ્થો એક પાત્રમાં લઈ ૧૦ ઝાડ દીઠ મૂકવાથી રસ ચૂસનાર ફૂંદાને આકર્ષી નાશ કરી શકાય.
  • દ્વિપ્સનો ઉપદ્રવ વધારે જણાય તો મિથાઈલ-ઓ-ડીમેટોન રપ ઈસી અથવા ડામિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૫ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩  ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી મોલો તથા સફેદમાખી કાબૂમાં રહે છે.
  • મોલોમશી તથા સફેદમાખી વિષાણુંથી થતા રોગોનો ફેલાવો કરે છે જેથી વાડીમાં જો વિષાણુંથી થતા રોગની શરૂઆત માલુમ પડે તો ઉપર દર્શાવેલ દવાનો જરૂર મુજબ ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો.
  • વિસ્તારને ધ્યાનમાં રાખી પક્ષીને રોકવાની જાળી (બર્ડનેટ) નો ઉપયોગ કરવાથી પક્ષીઓ અને ખિસકોલીને અંદર આવતા રોકી શકાય.
  • પક્ષીઓને રોકવા પરાવર્તિત રીબનનો ઉપયોગ કરવો.

ફળઝાડના પાકોમાં મોનોક્રોટોફોસ પ્રતિબંધિત છે

ખેડૂતો જોગ સંદેશ

ગુજરાત રાજ્યના ખેડૂતોએ ચાલુ ખરીફ ૠતુ દરમ્યાન રાસાયણિક ખાતરોનો સપ્રમાણ અને કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે પોતાની જમીનના માટીના  નમૂનાઓનું પૃથક્કરણ કરાવવું જોઈએ અને તેના આધારે સોઈલ હેલ્થ કાર્ડ મુજબ સૂચવેલ ભલામણો પ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો  જોઈએ.

ખેતી નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

ભારતમાં દાડમની ખેતી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ તથા રાજસ્થાનમાં થાય છે. હાલ દેશમાં દાડમનું વાવેતર ૮૮,૬૦૦ હેક્ટર  વિસ્તારમાં થાય છે જેમાંથી ૫,૧૮,૭૦૦ ટન ઉત્પાદન મળે છે. તેમાંથી ૮પ ટકા ઉત્પાદન એકલા મહારાષ્ટ્રમાંથી મળે છે. દાડમના પાકને સુકુ હવામાન  અનુકૂળ આવે છે. ગુજરાતમાં દાડમની ખેતી ખાસ કરીને ભાવનગર, અમદાવાદ, ધોળકા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં જોવા મળે છે.  આવા અગત્યના ફળપાકમાં અંદાજે ૫૦ જેટલી જીવાતોથી નુકસાન થાય છે તે પૈકી ગુજરાતમાં દાડમનું પતંગિયું, થડ અને ડાળીની છાલ કોરનાર ઈયળ, ચીક્ટો, (મીલીબગ) , ફળમાંથી રસ ચૂસનાર ફંદુ, મોલો તથા સફેદમાખી અને હાલમાં ખાસ કરીને થ્રિપ્સનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તેને ધ્યાને લઈ  જીવાત વ્યવસ્થાપનની માહિતી આ લેખમાં દર્શાવેલ છે.

સ્ત્રોત: . આર. કે. દુમર, શ્રી એચ. કે. ચોધરી, શ્રી સિધ્ધવ જે. ચોધરી, ડૉ. પી.કે. બોરડ, કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦,

ફોનઃ (૦૨૯૯૨) ૨૨૫૭૧૩

કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate