অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિચન ગાર્ડન માટેના સફળ ઉપાયો

કિચન ગાર્ડન માટેના સફળ ઉપાયો

આહાર  અને પોષણ સાથે સંકળાયેલા તબીબોની ભલામણ મુજબ શરીરની તંદુરસ્તી માટે પુખ્ત ઉંમર ના વ્યક્તિએ દરરોજ પોતાનાં ખોરાકમાં 300 ગ્રામ તાજા અને સારી ગુણવત્તા વાળા લીલા શાકભાજી લેવા જોઇએ . હાલમાં બજારમાં મળતા ખેડૂતોએ પકવેલા મોટા ભાગના શાકભાજી માં રસાયણયુકત ખાતરો , ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાથી શકયતાઓ રહેલ છે. જેને લઇને આવા દૂષિત શાકભાજી ખાવાથી આપણા શરીરની તંદુરસ્તી ને લાંબે ગાળે વિપરીત અસર થાય છે જેથી આપણે આપણા ઘર આંગણે શાકભાજી ઉછેરવા જોઇએ .

 

ઘરાઆંગણે શાકભાજી ઉગાડવાના ફાયદાઓ :

 1. તાજા અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર ગમે ત્યારે મેળવી શકાય છે .
 2. બજારમાં મળતા મોંઘા શાકભાજીનો ખર્ચ ઘટાડી શકાય છે .
 3. ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષ સિવાય ના અને કુદરતી સેંન્દ્રિય ખાતરોના ઉપયોગવાળા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકાય છે .
 4. આપણા ફાજલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી શરીર તંદુરસ્ત રાખી શકાય છે .
 5. ઘર આંગણા ના બગીચા માં વિવિધ પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે / સ્વચ્છતા જળવાય છે .
 6. ઘર આંગણે બાળકો વિવિધ ફૂલ , છોડ , પાકની ઓળખ , ખેતી પધ્ધ્તી અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ નિહાળી / મેલવી શકે છે .
 7. ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદઉપયોગ થતાં પ્રદુષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે .
 8. ઘણી વ્યકિતોની ફરિયાદ હોય છે કે ઘણી મહેનત કરવા છતાં ઘર આંગણે શાકભાજી કે ફુલછોડ બરાબર ઉછરતા નથી જે અગે ઘણા કારણો હોઇ શકે , તે પૈકી જમીન અગત્યનો મુદો છે તેમજ જે તે શાકભાજી પાકોની ખેતી પધ્ધતિ અંગે પુરતી માહિતી ન  હોય તો પણ સફળતા મળતી નથી . આ માટે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા અતિ આવશ્યક છે.

ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદાઓ :

 • હવામાન , ઋતુ અને વિસ્તાર પ્રમાણેના શાકભાજી પાકના વાવેતર માટેની પસંદગી કરવી .
 • ઘર આંગણાની જગ્યાએ દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે .
 • શાકભાજી પાક માટે ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ , રવી અને ઉનાળુ પાકની પસંદગી કરવી હિતાવહ છે .
 • રીંગણી , મરચી , ટામેટી , કોબીજ , ફલાવર , ડુંગળી જેવા પાકોનું ધરુઉછેર કરી કયારામાં રોપણી કરવી જોઇએ .
 • ટીંડોળા ( ઘીલોડા ) ,પરવળ જેવા પાક માટે આંગણાના ખૂણાંમા મંડપ બનાવી એકાદ બે થાણામાં રોપણી કરી ઉછેર કરવો .
 • વેલાવાળા શાકભાજી (દૂધી , ગલકા , તુરીયા ) પાકોને ઝાડ પર , અગાશી કે ફેન્શીંગની ધારે જરૂરિયાત મુજબ રોપણી કરી ઉછેરવા .
 • છાંયાયુકત જગ્યામાં અળવી , ધાણા , મેથી , ફૂદીનો , પાલક , આદુ જેવા પાક લેવા જોઇએ .
 • કચરાનું આયોજન એવી રીતે કરવું જેથી ખરીફ ઋતુ ના પાક પુરા થયા બાદ રવી ઋતુના પાકની વાવણી કરી શકાય .
 • ઘર આંગણાના બાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ ( ખાતર માટેનો ખાડો ) બનાવવો , જેથી બાગનું કચરુ , ઘાસ અને પાંદડા તેમાં નાખી ખાતર બનાવી શકાય .
 • આ ઉપરાંત વધુ જગ્યા હોય તો ગાર્ડનમાં પપૈયા , મીઠી લીમડી , સરગવો , લીંબુ , કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઇ શકે છે .
 • જરુરિયાત મુજબ ખેડ , ખાતર , પાણી અને પાક સંરક્ષણ ના પગલાં લેવા જરૂરી છે .
 • બગીચામાં ખેતીકાર્ય માટે ઉપયોગી નાના સાધનો જેવાકે કોદાળી , દાતરડા , ખુરપી , પાવડો ,પંજેઠી , દવા છાંટવાનો પંપ વગેરે  રાખવા ખાસ આવશ્યક છે .

“ ઘરની આજુબાજુ થોડી પણ જમીન ઉપલબ્ધ હોય ત્યારે તેનો સુંદર અને મહત્ત્મ ઉપયોગ થાય તેવી દરેકની ઇચ્છા હોય છે . કોઇ ઘર આંગણે સુંદર બગીચો બનાવવાનું આયોજન કરે છે તો કોઇ રોજબરોજ ની જરુરીયાત સંતોષે તેવા શાકભાજી નું વાવેતર કરે છે. આમ મકાનની આજુબાજુ ફાજલ જમીન , અગાશી , છત કે બાલકનીમાં ફળ  , ફૂલ કે શાકભાજીનું વાવેતર કરે / ફૂલછોડ ઉગાડે તેને કિચન ગાર્ડન કહે છે. “

કિચન ગાર્ડનમાં શાકભાજીના પાકોની ટૂંકી ખેતી પધ્ધ્તિ

અ.નં

પાક

વાવણી સમય

વાવેતર્ની રીત

વાવેતર અંતર (સે.મી.)

1

રીંગણી

ત્રણે ઋતુમાં

ધરુ કરી ફેરરોપણી

90* 75,75 * 60

2

મરચાં

ચોમાસુ – શિયાળો

ધરુ કરી ફેરરોપણી

75 *60 , 60 *60

3

ટામેટા

ચોમાસુ – શિયાળો

ધરુ કરી ફેરરોપણી

90 * 75 , 75 * 60 , 60 * 45

4

કોબીજ

શિયાળો

ધરુ કરી ફેરરોપણી

45 * 30 , 30 * 30

5

ફલાવર

મોડું ચોમાસુ , શિયાળો

ધરુ કરી ફેરરોપણી

45 * 30 , 30 * 30

6

ડુંગળી

ચોમાસુ , શિયાળો

ધરુ કરી ફેરરોપણી

15 * 10 , 10 *10

7

બટાટા

શિયાળો

કંદ થી

45 * 15

8

અળવી

ચોમાસુ

કંદ થી

30 * 30

9

દૂધી

ચોમાસુ – ઉનાળો

બીજ થી

2મી * 1 મી

10

કાકડી

ચોમાસુ – શિયાળો

બીજ થી

2મી * 1 મી

11

કારેલા

ચોમાસુ – ઉનાળો

બીજ થી

1મી.* 1 મી.

12

પાપડી વાલોર

મોડું ચોમાસુ

બીજ થી

120 * 75

13

કોળું

ચોમાસુ

બીજ થી

2 મી * 1 મી

14

ગલકાં

ચોમાસુ – ઉનાળો

બીજ થી

1મી.* 1 મી.

15

તુરીયા

ચોમાસુ – ઉનાળો

બીજ થી

1મી .  * 1 મી.

16

ગુવાર

ચોમાસુ – ઉનાળો

બીજ થી

60 * 20, 45 * 40

17

ભીંડા

ચોમાસુ – ઉનાળો

બીજ થી

60 * 20, 45 * 40

18

ચોળી

ચોમાસુ – ઉનાળો

બીજ થી

60 * 45,60 * 30

19

પાલક

ત્રણે ઋતુમાં

બીજ થી

પૂંખીને

20

મુળા

શિયાળો , ઉનાળો

બીજ થી

પૂંખીને

21

ગાજર

શિયાળો

બીજ થી

પૂંખીને

22

બીટ

શિયાળો

બીજ થી

પૂંખીને

23

તાંદળજો

શિયાળો

બીજ થી

પૂંખીને

24

મેથી

શિયાળો

બીજ થી

પૂંખીને

25

ધાણા

શિયાળો

બીજ થી

પૂંખીને

26

સુવાની ભાજી

શિયાળો

બીજ થી

પૂંખીને

27

પરવળ

ચોમાસુ , ઉનાળો

ટુકડા

2 * 1 મી

28

ટીંડોળા (ઘીલોડા)

ચોમાસુ , ઉનાળો

ટુકડા

2 * 1 મી

29

લસણ

શિયાળો

કળીથી

15 * 10

ધરુઉછેર :

સામાન્ય રીતે રીંગણી , મરચા , ટામેટા , કોબીજ , ફૂલકોબીજ , તથા ડુંગળી જેવા નાના બીજવાળા શાકભાજીનું ધરુઉછેરીને કચરામાં ફેરરોપણી કરવામાં આવે છે . જેના માટે પ્રથમ શાકભાજીનું સારી સુધારેલ જાતનું બીજ મેળવવું જોઇએ . ધરુ ઉછેર માટે કિચન ગાર્ડનમાં યોગ્ય જગ્યા પસંદ કરીને જરૂરી માપના ગાદી કચરા બનાવી આ કચરાઓમાં કોહવાયેલું છાણિયું ખાતર નાખી જમીનમાં ભેળવવું . ત્યારબાદ કચરામાં 8 થી 10 સે.મી. અંતરે  1.0 થી 2.0 સે.મી. ઊંડાઇની લાઇનો કાઢવી અને તેમાં જે તે શાકભાજીના બીજની વાવણી કરી માટીથી ઢાંકી દેવું અને તુરત જ ઝારાથી કચરામાં પાણી આપ્યા બાદ ડાંગરનું પરાળ ઢાંકવું , ધરૂ 3 થી 4 અઠવાડીયામાં રોપણી લાયક થાય ત્યારે તૈયાર કરેલ કચરાઓમાં ધરુની ફેરરોપણી કરવી .

આ ઉપરાંત બજારમાં મળતા ચા ના પ્લાસ્ટિક  કપમાં કે પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં પણ ધરુ ઉછેરી શકાય અથવા તો ઘણી જગ્યાએ વિવિધ શાકભાજીના ધરૂના છોડ મળતા હોય છે તે લાવીને શાકભાજી ઉછેરી શકાય.

જમીનની તૈયારી :

શાકભાજીના ઉછેર માટે જમીન ખુબ જ મહત્વની ગણાય છે. ઘરની આજુબાજુની જમીન સારી ન હોય તો બહારથી સારી ફળદ્રુપ માટી લાવી (ઊધઇ તથા નીંદણના બીજથી મુકત ) કચરામાં એક્થી દોઢ ફૂટ ઊંડાઇ સુધી ભરવી . જમીનને કોદાળીથી 20 થી 30 સે.મી. ઊંડી ખોદીને સેન્દ્રિય ખાતરો (સારુ કોહવાયેલ છણિયું ખાતર , દિવેલીનો ખોળ તથા વર્મિકમ્પોસ્ટ )નાખીને કચારા સમલત કરી સરખા કરવા . બહારથી સેન્દ્રિય ખાતરો ખરીદવા ન હોય તો કચરામાં શણનો લીલો પડવાશ કરવા માટે કચરામાં શણના બી પૂંખી પિયત આપી પાક ફૂલ આવવાની શરુઆત થાય કે તુરત જ શણ ને જમીનમાં દાટી દેવું . આમ કરવાથી મહત્તમ માવો અને સેંન્દ્રિય પદાર્થ મળે છે. ત્યારબાદ એક બે અઠવાડીયા પછી જે તે પાકની વાવણી/ રોપણી કરી શકાય છે.

ઘરઆંગણે જગ્યા ન હોય અને ફલેટ માં રહેતાં હોઇએ તો ટેરેસ ગાર્ડન / કૂંડામાં કે ટ્રેમાં શાકભાજીના છોડ ઉછેરીને આંગણવાડીના શાકભાજીનો આનંદ લઇ શકાય છે. જેના માટે ગેલેરીની જગ્યા અથવા ધાબા ઉપરની ખુલ્લી જગ્યા કે જયાં સીધો સૂર્યપ્રકાશ મળતો હોય તેનો ઉપયોગ કરી શકાય છે . મોટા કૂંડામાં રીંગણ , મરચાં , ટામેટા , દૂધી , ગલકાં ,કાકડી જેવા પાકો અને છીછરા કૂંડામાં /ટ્રેમાં મેથી , ધાણા , પાલક જેવા ભાજીપાલાના પાકો સફળતા પૂર્વક લઇ શકાય છે . આ અંગે

વધુ માહિતી / માર્ગદર્શનની જરુરિયાત ઊભી થાય તો કૃષિ વૈજ્ઞાનિક્નો સંપર્ક કરવો . કૂંડામાં અડધી સારી માટી + છાણીયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ અથવા દિવેલી ખોળ અથવા લીમડા ખોળ નું મિશ્ર્ણ બનાવી કૂંડા ભરવા .

બીજ માવજત :

શાકભાજીના ધરૂઉછેર માટે બિયારણનો દર વધી જાય તો છોડ પાતળા , ઊંચા તથ નબળા થઇ જાય છે અને ધરુનો કોહવારો આવવાની શકયતા વધી જાય છે . ધરુવાડીયામાં નાના છોડને ઊધઇ , લાલ કીડીઓ , કૃમિ તથા ચૂસિયા પ્રકારની જીવાતોથી ખુબ જ નુકશાન થતુ હોય છે . બીજજન્ય રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા પારાયુકત દવાઓ જેવી કે થાયરમ અથવા સેરેશાન 1 કિ.ગ્રા. બીજ માં 3 ગ્રામ  પ્રમાણે  બીજ વાવવાના સમયે પટ આપવો અને સુકારા અને કોહવારાના રોગના નિયંત્રણ માટે જૈવિક ફૂગ ટ્રાયકોડર્માનો પણ પટ આપી શકાય અને ટ્રાયકોડર્મા જમીનમાં પણ આપી શકાય . તેમજ રાસાયણિક ખાતરો ઓછા વાપરવા પડે તે માટે પ્રવાહી જૈવિક ખાતરો જેવાકે એઝોટોબેકટર અને ફોસ્ફેટકલ્ચરનો ઉપયોગ પણ કરી શકાય .

 • બીજના કદ પ્રમાણે 3 થી 5 મિ.લી. કલ્ચર લઇ તેને જોઇતા પ્રમાણમાં  પાણીમાં ભેળવી 1 કિ.ગ્રા. બિયારણને પટ આપવો . પટ આપેલ બિયારણને ઠંડી જગ્યામાં સૂકવો અને ભરભરુ થયા બાદ વાવવામાં ઉપયોગ કરો .
 • 3 થી 5 મિ . લિ . પ્રવાહી જૈવિક ખાતર પ્રતિ લિટર ચોખ્ખા પાણીમાં ભેળવી જે તે પાકના ધરુને 15 થી 20 મિનિટ બોળી રાખી હંમેશા મુજબ રોપણી કરો .
 • 250 મિ.લિ. કલ્ચરને 15 થી 20 કિ.ગ્રા. કંમ્પોસ્ટ / ખેતરની માટી સાથે ભેળવી ને કચરામાં પૂંખી દેવા .
 • 3 – 5 મિ.લિ. પ્રવાહી જૈવિક ખાતર / લિટર ચોખ્ખા પાણીમાં ભેળવીને છોડના પાન ઉપર છંટકાવ વહેલી સવારે અથવા મોડી સાંજે કરવો .
 • એઝોટોબેકટર તેમજ ફોસ્ફેટ કલ્ચર બંને અલગ તેમજ ભેગા કરીને ધાન્ય , શાકભાજી , ફળ – ફુલ , બાગાયતી પાક વગેરે તમામમાં વાપરી શકાય . બિયારણને ફૂગનાશક કે જંતુનાશક દવાનો પટ આપ્યો હોય તો કલ્ચર નો પટ સૌથી છેલ્લે આપીને વાવણી કરવી .

રોપણી /વાવણી :

આગળ જણાવેલ કોઠાની માહિતી મુજબ જે તે પાકોની ખેતી બીજથી થાય છે તેના બી લાવી ક્યારામાં જણાવેલ અંતર મુજબ લાઇનો કરી વાવવા . કંદથી થતા પાકોના કંદને દવાની માવજત આપી રોપવા અને ધરુ ઉછેરી/મેળવી રોપણી કરવી .

પિયત :

શાકભાજીના પાકોમાં ઉનાળામાં 8 થી 10 દિવસે અને શિયાળામાં 12 થી 15 દિવસના ગાળે પિયત આપવા .

ખાતર :

સેંન્દ્રિય ખાતરોનો મહત્ત્મ ઉપયોગ કરેલ હોય તો રાસાયણિક ખાતર વાપરવાની જરુરિયાત ઊભી થાય તો ડીએપી અને યુરિયા ખાતરનો થોડા પ્રમાણમાં ઉપયોગ કરવો .

કિચન ગાર્ડનમાં જીવાતોનું નિયંત્રણ :

ઘર આંગણે ઉગાડવામાં આવતા શાકભાજીના પાકોમાં શરુઆત માં જીવાતનો ઉપદ્રવ  છોડ ના અમુક ભાગો ( ડૂંખ ,કળી , ફૂલ , ફ્ળ )પર જોવા મળૅતો હોય છે . તેથી શરુઆતમાં આવા ઉપ્દ્રવિત ભાગોને તોડી લઇ તેનો યોગ્ય નિકાલ કરવો . જીવાતની વિવિધ અવસ્થાઓ (ઇડાના સમુહ , મોટી ઇયળો અને કોશેટા ) છોડ પરથી વીણી લઇ તેનો નાશ કરવો . સમયાંતરે છોડની આજુબાજુ જમીનમાં ગોડ કરવાથી અમુક જીવાતની જમીનમાં રહેતી અવસ્થાઓ નાશ કરી શકાય છે . વધારે પડતું પિયત ન આપવું . સેંન્દ્રિય ખાતરો (છણિયું ખાતર , ખોળ , વર્મિકમ્પોસ્ટ ,પ્રેસમડ વગેરે ) અને જૈવિક ખાતરો (બાયોફર્ટિલાઇઝર્સ ) નો બહોળો ઉપયોગ કરવાથી ઉધઇનો ઉપદ્રવ નિવારી શકાય છે .  લીમડાનો ખોળ અને મરઘા – બતકાની હગાર્નું ખાતર (પોલ્ટ્રી મેન્યુર ) વાપરવાથી કૃમિ સામે પાકને રક્ષણ પુરુ પાડે છે .

કેટલીક સ્થાનિક વનસ્પતિઓ ( લીમડો , કરંજ , મહૂડો , અરડૂસો , મત્સ્યગંધાતી , પીળી કરેણ , ધતુરો , ફૂદીનો , સીતાફળી , બોગનવેલ ) ના પાનનો અર્ક શાકભાજીના પાકોમાં છાંટવાથી જીવાતો સામે રક્ષણ પૂરુ પાડે છે . આ બધી જ વનસ્પતીઓ પૈકી જીવાત નિયંત્રણ માટે લીમડો ખુબ જ મહત્વનો પૂરવાર થયેલ છે. લીમડાના તાજા પાન ( 10% ) અને લીમડાની મીંજ વસ્તી ઘટાડવામાં અસરકારક માલૂમ પડેલ છે . આવી વનસ્પતિજન્ય બનાવટનો ઉપયોગ કરવાથી તે જીવાતને ઇંડા મુકતી અટકાવે છે અને છંટકાવ કરેલ ભાગ ખાઇ ન શકતા જીવાત ધીરે ધીરે મરણ પામે છે .

આ ઉપરાંત ફેરોમોન ટ્રેપ , પીળા હજારી ગોટાનું વાવેતર , સ્ટ્રીકી ટ્રેપનો ઉપયોગ કરી જીવાતોનું દવાઓ સિવાય નિયંત્રણ કરી શકાય છે . તેમ છતાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરુરિયાત ઊભી થાય તો આડેધડ ઉપયોગ ન કરતાં નિષ્ણાંત પાસેથી માહિતી મેળવી ઉપયોગ કરવો .

કિચન ગાર્ડનમાં રોગોનું નિયંત્રણ :

 1. ધરુનો કહોવારો : ધરુના કોહવારા માટે ધરુવઢ વાડીયામાં ભલામણ મુજબ સપ્રમાણ બીજનો ઉપયોગ કરવો ( વધારે બીજ વાપરવું નહી ) . ધરુકાળ દરમ્યાન વાદળ વાળુ વાતાવરણ રહે તથા વરસાદની હેલી હોય ત્યારે 0.6 ટકાનું બોર્ડો મિશ્ર્ણ ( 600 ગ્રામ મોરથુથુ , 600 ગ્રામ ચૂનો , 100 લિટર પાણીમાં બોર્ડોમિશ્ર્ણ બનઢ વિવાની રીત જાણી ઉપયોગ કરવો ) અથવા મેટાલેકસીલ એમ ઝેડ – 72 દવા 15 ગ્રામ પ્રતિ 100 લિટર પાણીમાં ઓગાળી દર ચોરસ મીટરે 3 લિટર પ્રમાણે જમીનમાં ઝારા વડે આપવું .
 2. પાનનાં ટપકાંનો રોગ : દરેક શાકભાજીમાં અલગ અલગ જાતિના જીવાણું ઓથી ટપકાંનો રોગ જોવા મળે છે . રોગની શરુઆત થતાં ઊભા પાકમાં મેન્કોઝેબ 75% વે.પા. દવા 30 ગ્રામ , 10 લિટર પાણીમાં અથવા કાર્બેન્ડાન્ઝીમ 50% વે.પા. 10 ગ્રામ , 10 લિટર પાણીમાં દ્રાવણ બનાવી 10 થી 15 દિવસના ગાળો છંટકાવ કરવો .
 3. સફેદ ભૂકી છારાનો રોગ : આ રોગના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર 10 લિટર પાણીમાં 25 ગ્રામ પ્રમાણે મેળવી છંટકાવ કરવો .
 4. સુકારો અને કોહવારો : આ રોગના નિયંત્રણ માટે જૈવિક ફૂગ ટ્રાયકોડર્માને જમીનમાં ભલામણ મુજબ આપવી .

વીણી :

શાકભાજી ના ફળો મોટા થઇ ન જાય તે રીતે મધ્યમ સાઇઝ ના નાના ફળો ઉતારવા /ઉપયોગ કરવો .

શાકભાજીને વાપરવાની કળા :

 • શાકભાજી ના ઉપયોગમાં ખ્યાલ રાખવો જોઇએ કે શાકભાજી સ્વાદ અને શોખ માટે જ ખાવાના નથી એટલે ખરીદવા , રાંધવા તથા વાપરવાની કળા અને વિજ્ઞાન પણ જાણી લેવા જોઇએ .
 • શાકભાજીને બને ત્યાં સુધી તાજા જ વાપરવા અને વહેતા પાણીમાં બરાબર ધોઇને લૂછીને પછી જ સમારવા કારણકે રાસાયણિક જંતુનાશકોથી થતી અસર નિવારી શકાય .
 • છાલ સાથે ખાઇ શકાય તેવા શાકભાજીનો છાલ સાથે જ ઉપયોગ કરવો . મોટાભાગ ના મહત્ત્વ ના પોષક તત્વો શાકભાજીની છાલના નીચેના લીલાશ પડતા ભાગમાં હોય છે જે કંચન જેવી છાલને આપણે કચરાપેટીમા નાખી દઇએ છીએ અને રેસાવાળો ( સેલ્યુલોઝ ) કચરો પેટમાં નાંખીએ છીએ .
 • શાકભાજી ને સમારવા લોખંડના ચપ્પા નો ઉપયોગ કરવાથી તેમાંનું લોહતત્વ જાળવી શકાય છે .
 • શાક્ભાજી ગરમ પાણીમાં રાંધવાથી પોષક તત્વોનો બચાવ થાય છે .
 • શાકભાજીને ખટાશ નાખી રાંધવાની પધ્ધ્તિ છે. તે ઉત્ત્મ છે . તેનાથી વિટામીન – સી નો બચાવ કરી શકાય છે .
 • ઘર આંગણે શાકભાજીની સાથે ફળપાકો , ઔષધિય પાકો અને સુશોભિત ફૂલછોડ પણ વાવી શકાય છે .

ફળપાકો

ઘર ની આજુ બાજુ એકાદ બે છોડ ફળપાકના જેવા કે પપૈયા , કેળ , સરગવો , આમળા , લીંબુ , ફાલસા , જામફળ , સીતાફળ ઘર આંગણે સહેલાઇથી વાવી શકાય છે . ફળોમાંથી ભરપુર પ્રોટીન , ખનીજો અને વિટામીનો મળે છે જે આપણા શરીર માટે ખુબ જ લાભદાયક અને ઉપયોગી છે . ફળપાકના છોડ માટે ઉનાળામાં 2 ફૂટ * 2 ફૂટ *2 ફૂટ નો ખાડો કરી જમીનને તપવા દેવી . ચોમાસામાં છોડ રોપતા પહેલા ખાડાની અડધી માટી તથા તેટલું સેંન્દ્રિય ખાતર ઉમેરી ખાડો પુરી છોડ ની રોપણી કરવી .

ઔષધિય પાકો :

કૂંડામાં તેમજ જમીન મા6 ઔષધિય પાકો જેવા કે કુંવર્પાઠું , તુલસી , અરડૂસી , અજમો , મીઠી લીમડી , બ્રાહમી , લીડીપીપર , શતાવરી , અશ્વ્ગંધા , જેઠીમધ ઘર આંગણે ઉગાડી શકાય છે અને સ્વસ્થ જીવન જીવી શકાય છે .

શોભાના છોડ : શોભાના છોડ જેવા કે ક્રોટોન , ડ્રેસિના , એરિકાપાન , ડાઇફનબેકીયા , મેરાન્ટા ,ડ્યુરાન્ટા જેવા અને રંગબેરંગી પાનવાળા સુશોભિત રોપા જે ઘરની શોભા વધારે છે અને ગુલાબ , ગલગોટા , બારમાસી , સેવંતી , ગેબી , કેના , ગુલદાઉદી , ગજાનીયા જેવા અનેક ફૂલો ઘરના વાતાવરણ ને મહેંકાવી નાખે છે જે કૂંડામાં સારી રીતે ઉછેરી શકાય છે . કૂંડામાં આગળ જણાવ્યા મુજબ માટી અને સેંન્દ્રિય ખાતરો  ભરવા .

ઇન્ડોર ગાર્ડનિંગ : શોભાના છોડ જેવા કે ક્રોટોન , ડ્રેસિના , એરિકાપામ , ડાઇફનબેકીયા ,મેરાન્ટા , ડ્યુરાન્ટા જેવા અને રંગબેરંગી પાનવાળા સુશોભિત રોપા જે ઘરની શોભા વધારે છે અને ગુલાબ , ગલગોટા , બારમાસી , સેવંતી , ગેબી , કેના , ગુલદાઉદી , ગજાનીયા જેવા અનેક ફૂલો ઘરના વાતાવરણ ને મહેંકાવી નાખે છે જે કૂંડામાં સારી રીતે ઉછેરી શકાય છે . કૂંડામાં આગળ જણાવ્યા મુજબ માટી અને સેંન્દ્રિય ખાતરો ભરવા .

ઇન્ડોર ગાર્ડનિંગ : બારી – બારણાની છાજલી વગેરે ઉપર રાખી શકાય છે . દા.ત. પોચ્ર્યુલેકા , વર્બેના , મનીપ્લાન્ટ , એગ્લોનીમા , વિવિધ પામ , ફિલોંન્ડ્રોન , કેકટસ ,  ઇગ્લીંશ ગુલાબ , ફૂલછોડ વગેરે .

ઘર આંગણે કમ્પોસ્ટ ખાતર :

પાયામાં સેંન્દ્રિય ખાતરો આપેલ હોય , જમીન ફળદ્રુપ હોય અને છોડનો વિકાસ સારો હોય તો રાસાયણિક ખાતરો આપવાની જરુરિયાત રહેશે નહી , તેમ છંતા જરુરિયાત જણાય તો યુરિયા , એમોનિયમ સલ્ફેટ , એનપીકે , જેવા ખાતરો માર્ગદર્શન મેળવી આપવા અથવા તો થોડી માત્રા માં જ આપવા .

ઘર આંગણે ઉગાડવામાં આવતા શાકભાજી માટે બજારમાંથી જો છૂટક ખાતર ખરીદવામાં આવે તો ઘણું જ મોઘું પડે તેમજ તેમાંથી જરુરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા ન હોઇ છોડનો વિકાસ બરાબર થતો નથી . આ માટે સેંન્દ્રિય ખાતરનો ઉપયોગ ખુબ જ જરુરી છે . જે આપણે ઘરઆંગણે કમ્પોસ્ટ ખાતર બનાવી આપણી જરુરીયાત પુરી કરી શકીએ .

કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે શાકભાજીના છોડ તથા કચરો , ચાના કૂચા , નીંદામણ નો કચરો , ઝાડના પાન , નકામા કાગળ જેવો કોઇપણ સડી જાય તેવા સેંન્દ્રિય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ ખતર બનાવી શકાય . શણ નો લીલો પડવાશ પણ કરી શકાય .

શાકભાજીની વિશિષ્ટ લાક્ષણિકતાઓ

કાકડી અને દૂધી

કમળો, કબજીયાત મટાડવામાં અને વાળ માટે લાભદાયી છે

કારેલા અને ગલકા

ડાયાબીટીસ , દાઝેલા ઘા રુઝવવામાં ઉપયોગી છે.

કોબીજ અને બ્રોકોલી

કેન્સર , કફ ,તાવ સામે પ્રતિકારક કેળવે છે

ગલકા અને તૂરિયા

રેચક પ્રકારના હોઇ અપચો દૂર કરે છે .

કોલીફલાવર

સ્ક્ર્વી તથા રુધિરાભિસરણ માં ઉપયોગી છે .

ટામેટા

લોહીના શુધ્ધિકરણ માં ઉપયોગી છે .

મૂળા

લીવર અને ગળાની સમસ્યા હલ કરે છે.

ગાજર

આંખોનું તેજ વધારે , મોતીયા સામે રક્ષણ આપે છે.

જીવંતીકા-ડોડી

આંખોના દર્દો મટાડે છે .

મેથી

અપચો , બરોળ , લીવરના રોગ સામે રક્ષણ આપે છે .

ડુંગળી

રુધિરમાં શર્કરાનું પ્ર્માણ ઘટાડે છે .

લસણ

રોગ સામે રક્ષણ આપે છે .

સ્ત્રોત :-ડૉ.આર . આર .આચાર્ય , ડૉ .બી . એચ . પટેલ , ડૉ .વી.આઇ. જોષી મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર,આણંદ કૃષિ યુનિવર્સિટી , આણંદ – 388110

માર્ચ-2016 વર્ષ : 68 અંક : 11 સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate