অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મસાલાના પાકોનો ઘરગથ્થુ ઔષધિય ઉપયોગ

વૃદ્ધિ

મસાલાના પાકોનો લગભગ દરેક ઘરમાં રસોઈ બનાવવામાં વત્તા–ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ દરેક મસાલાનો આયુર્વેદીક દ્રષ્ટિએ જ ઉપયોગ થતો હોય છે તેવું ગૃહીણીઓ કે ઘરના બધાં જ વ્યકિતઓ જાણતા હોતા નથી. આવા ઘરગથ્થું નિર્દોષ અને સ્વાવલંબી ઔષધોનો ઉપયોગ કરવાથી સમય, શકિત અને સંપત્તિની બચતની સાથે રાસાયણિક દવાઓની આડ અસરથી પણ છુટકારો મેળવી શકાય છે. અગત્યના મસાલાના પાકોના કેટલાક ઔષધીય ઉપયોગની માહિતી નીચે મુજબ છે.

સુવા

સુવા પાકનું ઔષધીય રીતે મુલ્ય ઉંચું છે. સુવા વાતનાશક છે. સુવાનું પાણી બજારમાં ‘‘ગ્રાઈપ વોટર’’નામે ઉપલબ્ધ છે. જે બાળકોના પેટના દર્દો માટે ઉત્તમ ઔષધ પુરવાર થયેલ છે. સુવામાં ‘‘કારવોન’’ નામનું તત્વ હોય છે જેના કારણે પ્રસુતિ પછી સ્ત્રીઓને સુવાનું પાણી પાવાથી ધાવણમાં વધારો થાય છે. દેશના ઘણા ભાગોમાં પશુઓને વિયાણ પછી સુવા ખવડાવવામાં આવે છે. સુવા મુખવાસ તરીકે તેમજ સુપ, શરબતો તથા દવાની બનાવટમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે.

મરચાં

મરચાં ગુણમાં લુખા, હળવા અને ગરમ છે. તેનામાં ભુખ લગાડવાનો, પાચન કરવાનો, મોંની ચીકાશ દૂર કરવાનો તેમજ લોહી વધારનારનો ગુણ છે. મરચાં કફનો અને વાયુનો નાશ કરતા હોવાથી કફના ર૦% અને વાયુના ૮૦% ઉપચારમાં ઉપયોગ થાય છે. ગામડામાં ગરીબ લોકો પેટના દુખાવામાં ગરમ પાણી સાથે મરચાંના બી ગળતા હોય છે. દારુડિયા લોકોને ચકકર આવે ત્યારે મરચું ઉકાળી એક એક ચમચી બે ત્રણ વખત પાવાથી ફાયદો થાય છે. હડકાયાનું વિષ અટકાવવા મરચું પીસીને ધી સાથે ઘા ઉપર પાટો બાંધવાથી ફાયદો થાય છે. બેભાન વ્યકિતને ભાનમાં લાવવા મરચાનો ધૂપ આપવાથી ફાયદો થાય છે. કોલેરાના રોગમાં પણ એક ચમચી મરચું અને એક ચમચી મીઠું ભેળવીને ઉકાળો કરી દર્દીને પાવાથી ફાયદો થાય છે.

મેથી

મેથી ગુણમાં ગરમ અને ચીકણી હોવાથી વાયુને ખાસ મટાડે છે. તેમાં તે આમ પાચક હોવાથી આમવાતને તો ખાસ મટાડે છે. કેડ, ઢીંચણ, પગની એડી, કોણી, ખભા કે માથામાં આમ અને વાયુ સંચિત થવાથી આમવાતનો દુઃખાવો અને સોજો આવે છે. તેમાં મેથીનુ સેવન માફક આવે છે. મેથી ગરમ અને ભૂખ લગાડનારી હોવાથી અરૂચિને દૂર કરે છે. આમ પાચક અને કડવી હોવાથી જીર્ણજવર, વિષમઝવર કે જીર્ણવાત–જવર મટાડે છે. ગ્રાહી ગુણ હોવાથી ઝાડાને મટાડે છે. આમ પડતો હોય કે જૂનો મરડો હોય તેમાં ફાયદો કરે છે. દહીં કે છાશ સાથે શેકેલી મેથી ઝાડા કે મરડામાં આપવાની આપણે ત્યાં પરંપરા છે. મેથી હદયને બળ આપનારી હોવાથી હદય રોગ સામે રક્ષણ મેળવવા કે હદય રોગથી બચવા મેથીનો છૂટથી ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. પ્રસુતાને મેથી ખવડાવાથી કટીશૂળ, પ્રદર, અશકિત, વજન ઘટવું, લોહી ઘટવું, ભૂખ ઓછી લાગવી, ઉંઘ ઓછી આવવી, ચકકર આવવા, શરીર દુખવું વગેરે ફરીયાદો દૂર થાય છે. મેથી ખાવાથી ધાવણ પણ વધે છે. મેથીનો ઉકાળો કફ, વાયુ કે આમ જન્ય કોઈપણ રોગમાં લઈ શકાય છે.

અજમો

રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આપણે ત્યાં સુપરિચિત છે. શૂળ, ચૂંક, વેદના, પેઈન,પીડા દર્દ વગેરે શબ્દો જયાં જયાં વપરાય ત્યાં ત્યાં આંતર કે બાહયરૂપે અજમાનો ઉપયોગ થાય છે. માથાના દુખાવામાં વપરાતા મોટાભાગના પેઈન બામમાં આ અજમાના અર્કનો જ ઉપયોગ થતો હોય છે. નાના બાળકોને શરદીમાં અજમાની નાની પોટલી ગળે બાંધી રાખવાથી અજમાના ઉડૃનશીલ તેલની અસર નાકને થતી શરદી રહેવાથી રાહતથાય છે. બાળકને શરદી જામ થઈ ગઈ હોય તેમાં અજમાનો નાહ ખૂબ અસરકારક બને છે. અજમો, તીખો, કડવો અને કફદન હોવાથી કૃમિમાં પણ કામવાત છે. પેટના દુખાવામાં તો મીઠું ભેળવીને અજમો ફાકવાની પ્રથા આપણે ત્યાં ધણી જ જાણીતી છે. રૂડકીમાં અજમો ચાવવાથી કે તેની પોટલી બનાવીને નાકેથી સુંઘવાથી ફાયદો થાય છે.

આદુ

આદુ તીખું, ગરમ, પાચન, દીપન રૂચિકર વગેરે ગુણવાળુ હોવાથી આંતરડાનો રોગ માટે તે મહત્વનો આહાર અને ઔષધ બને છે. વાયુના એંસી પ્રકારના રોગોમાં પક્ષઘાત, સંધિવાત, માથાનો દુખાવો, આમવાત, છાતીમાં કે પેટમાં દુખવું વગેરે રોગ થાય છે. આ રોગોને મટાડવામાં આાદુ ખૂબ જ મદદરુપ થાય છે.
શરદી, શ્વાસ, ઉધરસ, સ્વરભેદ, તાવ, પડખાનો દુઃખાવો વગેરેમાં આદુ ચુસીને તેનો રસ પેટમાં ઉતારવો અથવા આદુનો રસ કાઢી તેમાં ચોખ્ખું મધ મેળવી પીવાથી રાહત થાય છે. તાવના દર્દીને આદુ અને તુલસીનો રસ ભેળવીને આપવાથી ફાયદો થાય છે.

સૂંઠ

સૂંઠ સ્વાદમાં તીખી છે. પચે છે ત્યારે મધુરતા પરીણામે છે. સૂંઠ પચાવવામાં હળવી હોવાથી અજીર્ણમાં ત્વરીત પાચન કરાવી પેટની ગરબડ થતી અટકાવે છે. તે ચીકાશવાળી હોવાથી વાયુને મટાડે છે, બળ આપે છે અને શરીરને પૃષ્ટિ પણ આપે છે. ગરમ હોવાથી તે શરદી, ઉધરસ, શ્વાસ ઠંડીથી થયેલ રોગોને પણ દૂર કરે છે. સુંઠ કફના તમામ રોગોને તેમજ વાયુના તમામ રોગોનો નાશ કરે છે.

સૂંઠ ઉલટી, દમ, શૂળ, ઉધરસ, હદયરોગ, હાથીપગું, સોજો, મસા, આફરો તેમજ પેટના તથા વાયુના દરદો મટાડે છે. ખાસ કરીને તો ઝાડા અને આમવાતનું સર્વોત્તમ ઔષધ આ સૂંઠ ગણાય છે. જેમ ઝાડા, આમવાત, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, પેઈન, હેડકી, અશકિત કે લૅા બી.પી. વગેરે રોગોમાં સૂંઠનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગી થાય છે.

ઝાડા

કોઈપણ પ્રકારના ઝાડામાં સૂંઠ જેવુ એકેય ઔષધ નથી. લોહીના ઝાડા હોય તો સુંઠને બકરીના દૂધમાં  અથવા  દાડમના રસમાં આપવાથી ફાયદો થાય છે.

આમવાત

આમવાતમાં તથા કોઈપણ જાતના વાયુના રોગમાં સૂંઠમાં ઉકાળામાં દિવસે સતત આપવામાં આવે તો રોગ મૂળમાંથી પણ મટી શકે છે.

પેઈન

કોઈપણ જાણના દુખાવા ઉપર સૂંઠનો લેપ કરવો અથવા સૂંઠનું બારીક ચૂર્ણ ઘસવાથી ફાયદો થાય છે

હાથીપગું

ગૌ મુત્ર સાથે સૂંઠ આપવી.

અશકિત

સૂંઠની રાબ અથવા સુંઠીયાનું સેવન કરવુ્

શરદી

સૂંઠને મધમાં ચાટવી.

ધાણા

ધાણા વાવવાથી કોથમરી તૈયાર  થાય છે અને તેમાંથી ધાણા બને છે. આયુર્વેદિક દ્રષ્ટિએ કોથમરીમાં કેટલાક ગુણ રહેલા છે. તે વાયુ, પિત અને કફ એમ ત્રણેય દોષોનું શમન કરતી હોવાથી દરેક વ્યકિત કોઈપણ સ્થળે અને ૠતુમાં તેમજ રોગી કે નીરોગી સ્થિતિમાં છૂટથી લઈ શકે છે. કોથમીર પિત્તશામક અને ઠંડી હોવાથી ગરમીની ૠતુમાં વધુ ગુણકારી છે. રસમાં તે મધુર, તુરી અને કડવી હોવાથી સદા પથ્ય બને છે. પચવામાં તે હળવી છે. ગ્રાહી હોવાથી તે મળને બાંધે છે અને મુત્રલ હોવાથી મુત્રમાર્ગની ગરમીને બહાર ફેંકે છે. આંખોમાં ટીંપા પાડવાથી આંખોનુ્રં તેજ વધે છે.

કોથમરી સ્વાદિષ્ટ અને પથ્ય હોવાથી આહારમાં ભૂખ લગાડવાનો અને પચવાનો ગુણ પુરો પાડે છે. કોથમીરમાં વિટામીન ‘એ’ પુષ્કળ પ્રમાણમાં હોવાથી આંખો માટે ખૂબ જ ગુણકારી છે.

ધાણા તુરા અને ઠંડા હોવાથી પિત્તનું શમન કરે છે. તેમાં રહેલ થોડો તીખો રસ અને લઘુગુણ કફનો નાશ કરે છે. ધાણા ગ્રાહી ગુણવાળા હોવાથી ઝાડાને મટાડે છે. છાશ સાથે ધાણા જીરૂ ભેળવીને આપી શકાય છે. ધાણા હરસ–મસામાં છાશ સાથે આપવાથી ફાયદો થાય છે તેમજ વાતરકતમાં જીરા અને શાહજીરા સાથે ધાણાનો ઉકાળો આપવાથી ફાયદો થાય છે. ધાણામાં વિટામીન ‘એ’ હોવાથી આંખોના રોગોમાં તે ખૂબ જ હિતાવહ  છે.

વરિયાળી

વરિયાળી સ્વાદમાં મધુર ઉપરાંત તેમાં તીખો અને કડવો રસ પણ છે. તેથી તે મોં ચોખ્ખું કરી મોંના રોગ મટાડે છે. દીપન ગુણવાળા એટલે કે ભૂખ લગાડનાર તમામ દ્રવ્યોમાં વરિયાળી સર્વ શ્રેષ્ઠ છે. વીરયાળી પિતકર, વાયુ, કફનાશક છે. તાવ, શૂળ, દાહ, આંખોના રોગો, તરસ, ઉલટી, બરોળ વધવી, કૃમિ, લુ  લાગવી વગેરેમાં વરીયાળ  ઘરગથ્થું નિર્દોષ ઔષધ તરીકે સારુ પરિણામ આપે છે.

વરિયાળીનું તેલ વાતદન, શૂલદન અને દુર્ગંધનાશક હોવાથી ઘણી દવામાં વપરાય છે. બાળકોનો આફરો, અજીર્ણ, ઉલટીમાં વરિયાળીના અર્કના ટીંપા આપી શકાય. ‘‘એનેસી’’ નામની ર્ડાકટરી દવામાં વીરયાળી હોય છે.

હળદર

આપણા એક એક ઘરમાં હંમેશા હળદરનો પાવડર હોય છે. હળદર વહેતા લોહીને તરત જ અટકાવી દે છે. ઘા ઉપર હળદરનો પાવડર દબાવવાથી લોહી તુરત બંધ થઈ જાય છે. મૂઢમારના કારણે કે કરડવાને કારણે સોજો આવી ગયો હોય અને દુખાવો થતો હોય તેના ઉપર ગરમ કરીને હળદર લગાવી દેવાથી પીડા દૂર થાય છે. શરદી, કફ અને શ્વાસના રોગમાં હળદર નાખેલું દૂધ પીવાથી, હળદરના ટુકડા ચુસવાથી, હળદરનો નાસ કે તેની ધુમાડી લેવાથી અને ખોરાકમાં તેનો શકય તેટલો વધુ ઉપયોગ કરવાથી તે રોગોમાં રાહત મળે છે. ચામડીના રોગોમાં પણ ઉપયોગી છે. શીતળા જેવા રોગ કે ઓરી, અછબડાના વા ચાલતા હોય ત્યારે પ્રત્યેક માતાએ પોતાના બાળકને રોજ સવારે જેઠીમધ અને હળદરનું સમાન ભાગે ચૂર્ણ મેળવી મધ સાથે આપવાથી આ પ્રયોગ રોગ પ્રતિકારક બની શકે છે.

ડાયાબીટીસઃ આજનો સર્વ વ્યાપી અને સર્વ સામાન્ય ગણાતો અસાધ્ય રોગ ડાયાબીટીસ એટલે મધુપ્રમેહ રોગ હળદરનું વધુ સેવન કરનારને થતો જ નથી. આથી આવા દરદીઓની દરરોજ આપવાના ચૂર્ણ સાથે કે પછી ચોખ્ખા મધ સાથે કે પાણી સાથે ચમચી હળદરનું ચૂર્ણ લેતા રહેવું અને લીલી હળદર હંમેશાં વધુ ખાવાથી ફાયદો થાય છે.

મુઢમાળમાં અકસીર ઉપાયઃ કંઈક વાગવાથી આવેલા સોજામાં આજે પણ હળદર, મીઠુ્રં અને તેલ ગરમ કરીને લગાડવામાં આવે છે અને ફાયદો થાય છે.

જીરૂ

  1. ઝાડાઃ જીરુ શેકીને છાસ કે દહી સાથે બે બે કલાકે લેવાથી ફાયદો થશે.
  2. વીંછી વિષઃ જીરાની બીડી બનાવીને  બંને કાનમાં ફૂંક મારવી.
  3. બરો મૂતરી જવોઃ જીરાને પાણીમાં પીંસી તાવ બાદ કે હોઠ પર બરો મૂતર્યો  હોય તો તેના ઉપર ચોપડી દેવું
  4. શ્વેતપ્રદરઃ ૩ ગ્રામ જીરામાં તેટલી સાકર મેળવી પીલી ચોખાના ઓસામણમાં સવારે સાંજે પીવાથી સ્ત્રીઓને શરીર ધોવાતું હોય તેમાં ફાયદો થાય છે.
  5. રતાંધળાપણું: જીરુ,આમળા,અને કપાસના પાન સરખે ભાગે મેળવી પીસી,સાંજે પાણી સાથે પીસી,માથે લેપ કરી પાટો બાંધી રાતભર રાખી સવારે ધોઈ નાખવું. આમ ર૧ દિવસ કરવાથી ફાયદો થાય છે.

સ્ત્રોત :ર્ડા. ડી. બી. પ્રજાપતિ અને ર્ડા. એ.યુ. અમીન, શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ. જગુદણ–૩૮ર૭૧૦

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate