પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. આદિ માનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યે પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્ન કર્યો. તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તે મેળવવાનો મુખ્ય આધાર કૃષિ જ છે. તેથી જ પ્રાચીનકાળથી કૃષિને વિકસાવવાનો સતત પ્રયત્ન થતો રહ્યો છે. આશરે 1૦,૦૦૦ વર્ષો પહેલા થયેલા વિકાસ બાદ કૃષિના ભૌગોલિક વિસ્તાર અને ઉપજોમાં ઘણો વધારો થયો છે. આ વિકાસ દરમ્યાન સમયના વહેણની સાથે અનેક સંશોધનો થકી નવીન તાંત્રિકતાઓ, નવા પાકો, સિંચાઇની સગવડોમાં વધારો, ખાતરો, બિયારણો, જંતુનાશક અને રોગનાશક દવાઓ, આધુનિક ઓજારો સમન્વિત થતા રહ્યા. જેથી, ખેતીના વિકાસને વધુ વેગ મળ્યો. પરંતુ, છેલ્લી સદીમાં તેમાં ખૂબ પ્રગતિ થઇ. કૃષિના ઇતિહાસે માનવ વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છેકેમ કે કૃષિ ક્ષેત્રના વિકાસે વિશ્વભરના સામાજિક-આર્થિક પરિવર્તનોમાં મુખ્ય પરિબળ તરીકે ભૂમિકા ભજવી છે. 18મી સદીની શરૂઆત સુધીમાં કૃષિ તકનીકોનું અમલીકરણ કરવામાં આવ્યું. દાણાના જથ્થા અને વાવેતરના છોડની પસંદગી કરવામાં આવી. જમીનના પ્રત્યેક એકમ પ્રમાણે ઉપજમાં ખાસ્સો વધારો થયો. 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીમાં યાંત્રિકરણમાં અને વિશેષ રૂપે ટ્રેકટરના આગમન સાથે ખેતીનું કામ ખૂબ ઝડપથી કરવાનું શકય બન્યું. જે અગાઉના વર્ષોમાં અશકય હતું. કૃષિની તાંત્રિકતાએ મોટું પરિવર્તન આણ્યું.
પ્રસ્તુત શોધ ર્નિબંધમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતો દ્વારા અપનાવાતી ખેતી પધ્ધતિઓને જાણવા સમજવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સ્વીકાર કરતા થયા છે કે કેમ? વૈજ્ઞાનિક પધ્ધતિઓનો તેમની ખેતીમાં કેટલો સ્વીકાર કર્યો છે ? તેઓ કેવી ખેતી પધ્ધતિઓ અપનાવે છે ? ખેતીમાં કયા પાકોને મહત્વનું સ્થાન આપે છે અને શા માટે ? વિજ્ઞાન અને ટેકનોલૉજીનો સ્વીકાર કરતા થયા છે કે કેમ ? નવી ટેકનોલૉજી અપનાવવામાં કોઇ મુશ્કેલી છે કે કેમ ? તેમની ખેતીના શું પ્રશ્નો છે અને તેના સંભવીત ઉકેલો શું હોઇ શકે ? તેઓ એક બીજા પાસેથી કંઇ શીખે છે ? ખેતીના પ્રશ્રો માટે કોનું માર્ગદર્શન લે છે ? તેનો આ અભ્યાસના સંદર્ભે જાણવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ ખેતીમાં શું કરે છે ? તે કેવી રીતે કરે છે ? તે કેવી રીતે કરી શકાય તેમ છે ? ભવિષ્ય કેવું છે ? સંભવિત ઉકેલો શું હોઇ શકે ? વગેરે.
વર્ષ 2005- 2006ની દશમી ગણતરી મુજબ ભારત, ગુજરાત, નર્મદા જિલ્લો અને દેડિયાપાડા તાલુકાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતોના આંકડાઓ લેવામાં આવ્યા છે.
ખેડૂતોની વિગત |
ખેડૂતોની સંખ્યા |
ટકા |
વિસ્તાર(હેકટર) |
ટકા |
સીમાન્ત |
8,36,94,372 |
64.77 |
૩,2૦,25,970 |
20.13 |
નાના |
2,39,29,627 |
18.52 |
3,31,00,790 |
2૦.91 |
અર્ધ મધ્યમ |
1,41,27,12૦ |
1૦.93 |
3,78,97,692 |
23.94 |
મધ્યમ |
63,75,340 |
04.93 |
3,65,83,400 |
23.11 |
મોટા |
1૦,95,778 |
00.85 |
1,87,15,131 |
11.82 |
કુલ |
12,92,22,237 |
100.00 |
15,83,22,983 |
100.00 |
ખેડૂતોની વિગત |
ખેડૂતોની સંખ્યા |
ટકા |
વિસ્તાર(હેકટર) |
ટકા |
સીમાન્ત |
15,85,042 |
34.01 |
7,92,149 |
07.71 |
નાના |
13,45,348 |
28.86 |
19,59,288 |
19.08 |
અર્ધ મધ્યમ |
10,80,611 |
23.18 |
30,04,213 |
29.25 |
મધ્યમ |
5,82,229 |
12.49 |
33,8૦,443 |
32.92 |
મોટા |
67,784 |
1.45 |
11,33,171 |
11.૦3 |
કુલ |
46,61,૦14 |
100.00 |
1,૦2,69,264 |
100.00 |
ખેડૂતોની વિગત |
ખેડૂતોની સંખ્યા |
ટકા |
વિસ્તાર(હેકટર) |
ટકા |
સીમાન્ત |
12461 |
28.33 |
7194 |
6.49 |
નાના |
13878 |
31.55 |
20079 |
18.12 |
અર્ધ મધ્યમ |
11554 |
26.57 |
31992 |
28.88 |
મધ્યમ |
5357 |
12.18 |
30747 |
27.75 |
મોટા |
737 |
1.68 |
20780 |
18.76 |
કુલ |
43987 |
100 |
11૦792 |
100 |
ખેડૂતોની વિગત |
ખેડૂતોની સંખ્યા |
ટકા |
વિસ્તાર(હેકટર) |
ટકા |
સીમાન્ત |
1,891 |
18.20 |
1,210 |
04.33 |
નાના |
3,422 |
32.93 |
5,૦16 |
17.97 |
અર્ધ મધ્યમ |
3,261 |
31.38 |
8,998 |
32.23 |
મધ્યમ |
1,625 |
15.64 |
9,328 |
33.41 |
મોટા |
192 |
01.85 |
3,366 |
12.૦6 |
કુલ |
1૦,391 |
100.00 |
27,918 |
100.00 |
સ્ત્રોત : એગ્રીકલ્ચર સેન્સસ
પ્રસ્તુત સંશોધનમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુલ 163 ગામોમાંથી 130 ગામો રેવન્યુ હેઠળ આવે છે. જેથી તે મુજબ સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતોના અભ્યાસ માટે તાલુકાના મંડાળા, ગારદા, ભરાડા(ખાબજી), તાબદા, ભાટપુર, અલમાવાડી, નિવાલ્દા, મોટાસૂકાઆંબા, સોલીયા, નવાગામ(ડેડિયાપાડા), માલ, સામોટ, ગંગાપુર, ચીકદા વગેરે ગામોની પસંદગી સાદા યદચ્છ નિદર્શ દ્ધારા કરવામાં આવેલ છે. ડેડિયાપાડા તાલુકાના કુલ 10391 ખેડૂતો પૈકિ પુરૂષ ખેડૂતો-134 અને સ્ત્રી ખેડૂતો-21 એમ કુલ-155 ખેડૂતો પસંદ કરવામાં આવ્યા છે. જે કુલ 10% નમૂનાનું પ્રતિનીધિત્વ કરે છે. અભ્યાસ ર૦૧૩ દરમ્યાન કરવામાં આવ્યો હતો.
પ્રસ્તુત સંશોધનમાં ખેડૂતોના ખેતી અંગેના મુકત અભિપ્રાયોને ખેતી અનુબંઘિત બાબતોને લઇ ને માહિતી નીચે મુજબ તારવવામાં આવી છે.
બધા જ પ્રકારના ખેડૂતો દેશી, સુધારેલા, હાઇબ્રીડ અને બી.ટી. બિયારણો વત્તાઓછા પ્રમાણમાં વાપરે છે. તેઓ બિયારણ ખરીદ-વેચાણ સંઘ-ડેડિયાપાડા, વેપારીઓ પાસેથી, કેટલાક આગાખાન સંસ્થા અને જંગલ ખાતા દ્ધારા મેળવતા માલુમ પડયા છે. બિયારણ અંગે ખાસ મુશ્કેલી નથી. કયારેક ખરાબ બિયારણના પ્રશ્નો રહે છે. પરંતુ, ખાતર સમયસર મળતુ નથી. કયારેક પાકની કટોકટીનો ખરો સમય પૂરો થાય ત્યારે ખાતર મળે છે, જેથી કોઇ અર્થ રહેતો નથી. તેથી બજારમાંથી ઊંચા ભાવે ખરીદવું પડે છે. ઋતુમાં પૈસાની મુશ્કેલી પડે છે. ખાતર મેળવવા માટે કયારેક પૈસા નથી હોતા તો કયારેક ખાતર નથી હોતું. બિયારણ અને ખાતર ઘર સુધી લઇ આવવાની મુશ્કેલી પડે છે. તેનું કારણ કેટલાક ગામોમાં વાહન વ્યવહારનો અભાવ અને ડુંગરાળ વિસ્તાર છે.
સીમાન્ત, નાના ખેડૂતો મોટે ભાગે જાતે કૃષિ કાર્યો કરે છે. તેનું કારણ ટૂંકી જમીન છે. તેઓમાંથી કેટલાક એકબીજાને ત્યાં વારાફરતી ખેતી કર્યો કરે છે, તેને અહીં હાટોલી, વારકયું વગેરે કહે છે. તેથી મજૂરોની જરૂર ભાગ્યે જ પડે છે. પરંતુ, અર્ઘ મઘ્યમ, મઘ્યમ અને મોટા ખેડૂતોને મજૂરોની જરૂરિયાત રહે છે. બદલાયેલી પરિસ્થિતિમાં ખેડૂતોના મજૂરો અંગેના પ્રશ્નો આ પ્રમાણે છે....
કેટલાક ખેડૂતો પાસે બિલકુલ પિયતની સગવડ નથી, કેટલાક પાસે ઓછી છે, બહુ ઓછા ખેડૂતો પાસે પિયતની પૂરતી સગવડ છે. તે સગવડતા વધે તેવું ખેડૂતો ઇચ્છે છે. તે સગવડ વધે તે માટે કરજણ નદી પર બીજો બંધ બાંધવામાં આવે, થ્રી ફેઇઝ લાઇટ મળે, સરકાર બોર અને મોટર આપે તો વધું સારું એવું ખેડૂતો ઇચ્છે છે. આગાખાન સંસ્થા પિયતની વ્યવસ્થા વધારવામાં ભૂતકાળની જેમ ફરી ભાગીદાર બને. જેઓ નદીમાંથી પિયત કરે છે તેમને મોંઘું ડિઝલ અને કેરોસીન વાપરવું પડે છે, સમયસર મળતું નથી અને તે મેળવવા માટે નેત્રંગ અને ડેડિયાપાડા જવું પડે છે, તેથી ખર્ચ વધે છે. નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચે છે તો ૭0 કિ.મી. દૂર ડેડિયાપાડા સુધી કેમ નહિ ? એવો પ્રશ્ન ખેડૂતો ઉઠાવે છે. તેની વ્યવસ્થા થાય એવું કહે છે. ઉનાળામાં પિયત પાણીની મુશ્કેલી મહ્દઅંશે છે. તેથી નહેરના પાણીની જરૂર છે. નર્મદા અને તાપી નદીનું પાણી આવી શકે એમ છે. કેટલાક ખેડૂતોએ સિંચાઇ માટે ડ્રીપ ઇરીગેશનની શરૂઆત કરી છે. તો કેટલાકે તે નોંધાવેલ છે. જેઓ ડ્રીપ ઇરીગેશન દ્વારા સિંચાઇ કરે છે એમનો અનુભવ સારો છે અને તે વધે તેવું તે ઇચ્છે છે. ખેતીમાં પૂરતું પિયત નથી તેથી બહાર મજૂરીએ જવું પડે છે. પિયતની સગવડ થાય તો સ્વતંત્રતાથી જીવી શકાય અને કુટુંબને સારી સગવડ પૂરી પાડી શકાય એવું કેટલાકનું માનવું છે.
અભ્યાસ હેઠળના મોટા ભાગના ખેડૂતો રીલે પાક પધ્ધતિ અપનાવે છે તે અભ્યાસથી જોઇ શકાયું છે. જેમાં ચોમાસું ડાંગર પૂરી થવા આવે ત્યારે શિયાળુ જુવાર, ચણાઅને તુવેરનું વાવેતર કરે છે. કેટલાક ખેડૂતો ચોમાસું જુવાર પૂરી થવા આવે ત્યારે તેમાં વાલ અને તુવેરનું વાવેતર કરે છે, તો કેટલાક કપાસમાં તુવેર અને જુવાર અને તુવેરમાં જુવાર અને ચણાનું વાવેતર કરે છે. તો કેટલાક ખેડૂતો કપાસના પાકમાં વાલ (વાલોળ પાપડી )નું વાવેતર કરે છે. કેટલાક ખેડૂતો કપાસ-તુવેરના આંતર પાકમાં જુવાર, મકાઇ અને ચણાનું વાવેતર કરતા જોઇ શકાયા છે. તો કેટલાક કપાસ-તુવેરના આંતરપાકમાં વાલ,ચણા અને જુવાર કરે છે.ડાંગરમાં જુવાર અને પછી તુવેર કરે છે.માલ અને સામોટમાં રીલે પાક કરતા ખેડૂતો જણાયેલ નથી.
આધુનિક ખેત ઓજારો વિશે ખેડૂતોના જુદાજુદા અભિપ્રાયો સામે આવે છે. બધાજ પ્રકારના મોટાભાગના ખેડૂતો આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરે છે. કેટલાક ખેડૂતોની ઇચ્છા આધુનિક ખેત ઓજારો ખરીદવાની હોવા છતાં આર્થિક ક્ષમતા ન હોવાને કારણે ખરીદી શકતા નથી. સરકારી મદદની અપેક્ષા રાખે છે. ખેતીમાં ટ્રેકટરનો ઉપયોગ માલ અને સામોટ જેવા અંત્યત ડુંગરાળ અને ઢોળાવવાળી જમીન ધરાવતા ગામો સિવાયના બધા જ ખેડૂતો કરે છે. તો કેટલાક ટ્રેકટર સિવાય પરંપરાગત ઓજારોનો ઉપયોગ કરે છે. મોટા sભાગના ખેડૂતો બંને પ્રકારના ઓજારોનો સમન્વય ધરાવે છે. એટલું તો સૌ ખેડૂતો સ્વીકારે છે કે તેનાથી કાર્ય સરળ, ઝડપી અને મજૂરી ઓછી થઇ છે. કેટલાક ટ્રેકટરનો ઉપયોગ માત્ર ખેડવા પૂરતો કરે છે કારણ કે ભાડેથી લાવતા હોઇ ખર્ચ વધારે આવે છે, મોંઘા પડે છે. તેથી, ખેડ સિવાયના બાકીના કામો માટે બળદનો ઉપયોગ કરે છે.
મોટાભાગના ખેડૂતો એવા છે કે જે માને છે કે કિટક નિયંત્રણ માટે સમયસર દવા છાંટવી જોઇએ અને છાંટે પણ છે. પરંતુ, કેટલાકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેમ કરી શકતા નથી. ખેડૂતો કહે છે કે કપાસ, તુવેર, કતારગામ પાપડી વગેરેમાં કિટકોનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. ખેતરમાં ફરતે, કયાંક કયાંક વચ્ચે ગલગોટાનું વાવેતર કરતા ખેડૂતો પણ છે. તેનાથી, જીવાત પર નિયંત્રણ થઇ શકે છે એમ તેઓ માને છે. આંબાસૂકા ગામમાં શાકભાજી કરતા ખેડૂતો વધારે છે તેઓ ચૂસિયા પ્રકારની જીવાતો માટે દવાઓનો ઘણો ઉપયોગ કરે છે.તો કેટલાક ખેડૂતો કિટકની દવાઓ વિશેનો ખ્યાલ ધરાવતા નથી તેવા પણ જોવા મળ્યા છે.
ઘણા ખેડૂતો એવા છે કે જેઓ પાકના રોગ અને દવાઓ વિશે ખ્યાલ ધરાવતા નથી. તેમને મન કિટક એ જ રોગ છે. તેથી, સુચારુ રીતે ઉપાય થતા ન હોવાને કારણે નુકસાન થતું જોવા મળે છે. તો કેટલાક જાણકારી ધરાવતા ખેડૂતો દવાઓ છાંટી ઉપાય કરે છે. તો કેટલાક એવું માને છે કે રોગ આવતા નથી.
ખેડૂતો પોતપોતાને નજીક, અનુકૂળ પડે અને સારા ભાવ મળે તે બજારમાં અને વેપારીઓને માલ પહોંચાડે છે. થવા (બેડાકંપનની), નેત્રંગ, ઝંખવાવ, ડેડિયાપાડા, સુરત, બોડેલી મુખ્ય બજાર અને વેપારી મથક છે. તો કેટલાક વેપારીઓ ઘરબેઠાં માલ લઇ જાય છે. તો કેટલાક ખાસ કરીને શાકભાજી પકવતા ખેડૂતો સ્વયં હાટ બજારમાં જાય છે અને તેઓ માને છે કે તેમને સારુ વળતર મળે છે. કતારગામ પાપડી મોટે ભાગે ખેડૂતો સુરત બજારમાં મોકલાવે છે. તો સોલિયા બાજુના ખેડૂતો તેમનો કપાસ બોડેલી માર્કેટમાં વેચાણ માટે લઇ જાય છે. માલ અને સામોટના ખેડૂતો ભાગ્યે જ માલનું વેચાણ કરે છે તો કેટલાક વેચાણ કરતા જ નથી. એવું બીજા કેટલાક ગામના ખેડૂતો અંગે પણ છે. તો મોટા ભાગના ખેડૂતો શાકભાજી ખપ પૂરતુ જ કરે છે. તો કેટલાક ખેડૂતો ખાવાના ઉપયોગમાં આવે એવા જ પાક કરે છે. સ્થાનિક વેચાણ કરતા ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ અંગેની કોઇ મુશ્કેલી નથી. કેટલાકને મતે ટ્રાન્સપોર્ટ ખર્ચ બરાબર, તો કેટલાકને મતે મધ્યમ, તો કેટલાકને મતે તે વધુ છે. મોટાભાગના ખેડૂતો મળતા ભાવથી સંતુષ્ટ નથી. ભાવની અસ્થિરતા તેમની ચિંતા વધારે છે. કેટલાક ખેડૂતોએ બિયારણ, ખાતર, દવાઓ વેપારી પાસેથી ઉધાર લીધેલ હોય છે તેથી, માલ ઓછા ભાવમાં પણ તે વેપારીને જ આપવો પડે છે. કયારેક વ્યાજ આપવું પડે છે. તો તોલમાપમાં પણ મુશ્કેલી જોવા મળે છે.
ખેતી અંગેના માર્ગદર્શન વિશે મોટા ભાગના ખેડૂતો સંતોષ વ્યકત કરે છે. તો થોડાક સરકારી તંત્રની અનિયમિતતા અને ઊંડાણનો વિસ્તાર હોઇ (માલ અને સામોટ) પૂરતું માર્ગદર્શન મળતું નથી અથવા અપાતું નથી તેવું જણાવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ડેડિયાપાડા અને દરવર્ષે ઉજવાતા કૃષિ મહોત્સવે ખેતીના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી છે એવું મોટાભાગના ખેડૂતો સ્વીકારે છે. ઉપરાંત ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, આગાખાનસંસ્થા, મિત્રો, સંબંધી, પડોશી વગેરેનો ફાળો પણ રહ્યો છે. ટૂંકમાં ફોર્મલ, ઇન ફોર્મલ અને માસ મીડિયાનો મોટો ફાળો અને માર્ગદર્શન ખેતીના વિકાસમાં જોઇ શકાયું છે.
વિજ્ઞાનનું મહત્વનું કાર્ય જે તે ક્ષેત્રના સંશોધનો કરવાનું અને તેને લોકભોગ્ય બનાવી તેમની સુખાકારી વધારવાનું છે. તે લાંબાગાળાના નીતિ વિષયક નિર્ણયો લઇ નીતિ ઘડવામાં ઉપયોગી થતા હોય છે. વધુ અભ્યાસ કરવાના ઉદ્દેશે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સીમાન્ત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતો દ્ધારા ખેતીમાં અપનાવાતી ખેતી પદ્ધતિઓ પર અભ્યાસ કરવાની તક પૂરી પાડી અને તે દ્ધારા આ સંશોધન નીમિત્ત બન્યું. આ અભ્યાસ ગુજરાતના એવા પ્રદેશનો છે જયાં ખેતી અને ખેડૂતોની હંમેશા ઉપેક્ષા થઇ છે. સંશોધનો પણ ઓછા થયા છે. જયારે આપણે કૃષિ પ્રધાન દેશ હોવાનું ગૌરવ લેતા હોઇએ ત્યારે કોઇ પ્રદેશની ખેતીની ઉપેક્ષા થાય તે ન ચાલે. જો કે હમણાં સુધી પરંપરગત ખેતી કરતો અહીંનો ખેડૂત હવે કરવટ બદલી ચૂકયો છે. ખેતીમાં આધુનિકતાને અપનાવતો તથા તેના સુફળ પામતો થયો છે.અહીંનો ખેડૂત ખેતીની નવીન તકો અને પડકારોને અવસરમાં ફેરવવા સમર્થ થતો જાય છે. તેમ કરીને તે પોતાના જીવનને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ કરવા ઇચ્છે છે. એ તેનો અધિકાર છે અને તેને માટે સારી ખેતી તેનો આધાર છે. આપણે આશા રાખીએ કે આવતીકાલની સવારો તેમની કલ્પનાઓ અને સપનાઓને સાકાર કરે. તેમની ખેતી તેમ કરવામાં ઉપયોગી થશે તો તે આનંદદાયક ઘટના હશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024