હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / શિયાળુ પાકમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિયાળુ પાકમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ

શિયાળુ પાકમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી છે

irrigation


આ વિડીઓમાં શિયાળુ પાકો ની તૈયારી વખતે શું કાળજી વિશેની માહિતી છે

શિયાળુ પાકમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ (Winter Crop Irrigation)

પાકના તંદુરસ્ત વિકાસ માટે તેમજ જમીનની જાળવણી માટે પાકને જરૂરિયાત મુજબનું પિયત આધુનિક પિયત પદ્ધતિ જેવીકે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિથી આપવું જોઈએ જેથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય. પાકની પાણીની જરૂરિયાત જમીનનો પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. પાકની જરૂરિયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય પદ્ધતિથી પિયત આપવામાં આવે તો મર્યાદિત પાણીથી મહત્તમ પાક ઉત્પાદન મેળવી શકાય છે.
યોગ્ય પધ્ધતિથી પિયત આપવા માટે ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવામાં આવેલ છે જેવી કે જમીનમાં ભેજનું પ્રમાણ માપીને છોડનો વિકાસ, દેખાવ, છોડના પાકનું ઉષ્ણતામાન, સ્ટોમેટલ રેજીસ્ટન્સ, ઓપન પાન ઈવેપોરીમીટર, સોઈલ – કમ – સેન્ડ મીનીપ્લોટ ટેકનીક, ઘનિષ્ટ છોડ સંખ્યા, કેન ઈવેપોરીમીટર અને પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થા, આ બધી પદ્ધતિઓ પૈકી પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થા ખેડૂતો માટે સરળ અને બિનખર્ચાળ પદ્ધતિ છે તેથી તેનો આધાર લઈ પાકને પિયત આપવું જોઈએ. પાકની વૃદ્ધિના અમુક તબ્બકાએ પાકને પાણીની ખુબજ જરૂરત રહે છે. આ તબકે પાકને પાણી પુરૂ પાડવામાં આવે તો પાકનો સંપૂર્ણ વિકાસ થાય છે અને પુરતુ ઉત્પાદન મળે છે અને જો આ તબ્બકાએ પાણી પુરૂ પાડવામાં ન આવે તો ઉત્પાદનમાં નોંધ પાત્ર ઘટાડો થાય છે. આ અવસ્થાને પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થા કહેવામાં આવે છે. પાકનું પુરતું ઉત્પાદન મેળવવા માટે પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થાએ અવશ્ય પિયત આપવું જોઈએ. વધુ પિયતથી ખર્ચ વધે છે, જમીન બગડે છે, રોગ-જીવાત તેમજ નીંદણનો પણ ઉપદ્રવ વધે છે. શિયાળુ ઋતુમાં ખાસ કરીને ઘઉં, જીરૂ, તુવેર, ચણા, કપાસ, દિવેલા, ઈસબગુલ, અજમા, સુવા, ધાણા, મેથી, અસાળિયો, મકાઈ, રાજગરો, સુર્યમૂખી સરસવ, કસુંબી, રાઈ, વરિયાળી વગેરે પાકનું વાવેતર થાય છે. દરેક પાકને પોતાની આગવી પાણીની જરૂરિયાત હોય છે.

પિયત પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

 • જમીનને સમતળ કરી યોગ્ય ઢાળ આપવો.
 • જમીનના પ્રકાર અને ઢાળને ધ્યાનમાં રાખી યોગ્ય માપના કયારા બનાવી પિયત આપવું.
 • ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકો જેવાકે જીરૂ, ધાણા, સુવા, ચણા રાયડો જેવા પાકોની પસંદગી કરવી.
 • પાણીના વહન માટે પ્લાસ્ટિક કે અન્ય પાઈપ લાઈનનો ઉપયોગ કરવો.
 • સેન્દ્રિય પદાર્થ અથવા પ્લાસ્ટિકનું આવરણનો ઉપયોગથી જમીનમાંથી થતું બાષ્પીભવન અટકાવી, બે પિયત વચ્ચેનો ગાળો વધારી, પિયતની સંખ્યા ઘટાડી શકાય છે.
 • કાળી જમીનમાં તિરાડો પડે છે. જમીનમાંથી પાણી ઊંડી ઉતરી જાય છે તેથી પિયત આપતા પહેલા છીછરી આાંતરખેડ કરી તિરાડો પુરવી જરૂરી છે.
 • પાકની કટોકટીની અવસ્થાએ પિયત આપવું. કયારા, ધોરીયા છલકાવા ન દો.
 • પાણીની તંગીની પરિસ્થિતિમાં એકાંતર ચાસે કે પાટલે પિયત આપવું. ખાસ કરીને કપાસ, એરંડા, તુવેર જેવા પાકો જેથી ૩૯% પાણીનો બચાવ થાય છે.
 • યોગ્ય પિયત પદ્ધતિની પસંદગી કરવી જેમકે ટપક પિયત પદ્ધતિ દ્વારા પિયત આપવાથી ૯૫% સુધી કાર્યક્ષમતા વધારી શકાય છે. ફુવારા, મીનીસિપ્રેકલર પદ્ધતિથી રપ થી ૩૦% પાણીનો બચાવ થાય છે.
 • મર્યાદિત પિયતની પરિસ્થિતિમાં શેરડી, કપાસ, રીંગણી, ટામેટી જેવા પાકોમાં નીકપાળા અપનાવી વાવેતર કરવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પાક લઈ શકાય છે.
 • સમયસર નીંદણ નિયંત્રણ કરવું.
 • દરેક પાક માટે સંશોધન આધારિત થયેલ ભલામણ પ્રમાણેજ પિયત આપવું.

શિયાળું પાકોના વાવેતર પછી પ્રથમ કોરવાણ પિયત આપ્યા બાદ બેથી ત્રણ દિવસ બાદ બીજુ પિયત આપવું જેથી પાકનો ઉગાવો બરાબર થશે. પાકના ઉગાવા બાદ જમીનનો પ્રકાર, હવામાન અને પાકની વૃદ્ધિની અવસ્થા ધ્યાને લઈ યોગ્ય સમયે પિયત આપવું.

મુખ્ય શિયાળું પાકોની સંશોધન આધારીત પાણીની જરૂરિયાત

ઘંઉ

ઘઉં ખુબજ અગત્યનો પાક છે અને મનુષ્યના ખોરાકમાં ઘઉંનો મોટો ફાળો છે તેથી મર્યાદિત પાણીથી વધુમાં વધુ ઉત્પાદન મેળવવા પિયત માટે નકકી થયેલ પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થાએ અવશ્ય પિયત આપવું જોઈએ. પાકના ઉગાવા બાદ મુખ્ય કટોકટીની અવસ્થાએ પિયત આપવા. હલકી અને રેતાળ જમીન હોય ત્યાં કુલ ૮ થી ૧૦ પિયત આપવાની જરૂર રહે છે. જયારે ભારે કાળી જમીનમાં ૭ થી ૮ પિયતથી પાક સારો થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારની ઓછી ઊંડાઈ વાળી જમીનમાં કુલ ૧૦ પિયત આપવાની જરૂર રહે છે. ઘઉંના પાકમાં પોંક અવસ્થા બાદ પિયત આપવું નહી. આ અવસ્થા બાદ પિયત આપવાથી દાણામાં પોટીયાપણુ આવી જાય છે અને દાણાનો ચળકાટ ઘટી જાય છે જેથી ગુણવત્તા ઘટે છે અને બજારભાવ પણ ઓછો મળે છે. ઘઉંના પાકને નીચે મુજબ કટોકટીની અવસ્થાએ અવશ્ય પિયત આપવું :

 • મુકુટ મૂળ અવસ્થા : વાવતેર બાદ ૧૮-૨૧ દિવસે
 • ફુટ અવસ્થા : વાવતેર બાદ ૩પ-૪૦ દિવસે
 • ગાભ અવસ્થા : વાવતેર બાદ ૪૦-૫૦ દિવસે
 • ફૂલ અવસ્થા : વાવતેર બાદ ૬૦-૬૫ દિવસે
 • દુધિયા દાણા અવસ્થા : વાવતેર બાદ ૭૫-૮૦ દિવસે
 • પોંક અવસ્થા : વાવતેર બાદ ૯૦-૯૫ દિવસે

જીરૂ

જીરૂ પિયત માટે ખુબજ સંવેદનશીલ પાક છે આા પાકને જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ. વધારે પિયતથી ચરમીનો રોગ ઝડપથી ફેલાય છે. અને પાકને ખુબજ નુકસાન કરે છે. ઘણી વખત પાક સંપૂર્ણ નાશ પામે છે. તેથી જીરાના પાકની સફળતાનો આધાર પિયત વ્યવસ્થા ઉપર રહેલ છે. જીરાનો પાક વાવેતર બાદ યોગ્ય સમયે ત્રણથી ચાર પિયત થી સફળતાપૂર્વક લઈ શકાય છે. વાતાવરણમાં ખુબજ ભેજ હોય અને વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ. વાવેતર બાદ જમીનના પ્રકાર અને ઢાળ મુજબ યોગ્ય માપના કયારા બનાવવા અને કયારા સમતલ કરવા અને પ્રથમ પિયત આપવું. ત્યારબાદ ચાર થી પાંચ દિવસ બાદ બીજુ પિયત આપવું. આમ બે પિયત થી પાકનો સંપૂર્ણ ઉગાવો જોઈ જશે. ઉગાવા બાદ જરૂરિયાત મુજબ પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થાએ નીચે મુજબ પિયત આપવા. પિયત આપવાના સમયે ગાળો લંબાવવો અને ચોખ્યું વાતાવરણ થયા બાદ પિયત આપવું.

 • પાકના ઉગાવા બાદ : વાવેતર બાદ ૧૫-૨૦ દિવસે
 • ડાળી અવસ્થાએ : વાવેતર બાદ ૩૦-૩પ દિવસે
 • ફૂલ અવસ્થાએ : વાવેતર બાદ પ૦-૬૦ દિવસે
 • દાણા ભરાવાની અવસ્થાને : વાવેતર બાદ ૭૦-૭૫ દિવસે

ચણા

ચણાનો પાક પિયત અને બિનપિયત એમ બન્ને પરિસ્થિતિમાં લઈ શકાય છે. પિયતની સગવડતા હોય ત્યાં વધુ ઉત્પાદન આપતી ચણાની જાત ગુ. ચણા-૧ નું વાવેતર કરી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. પાકના વાવેતર બાદ તુરતજ પિયત આપવું અને ઉગાવા બાદ મુખ્ય કટોકટીની વૃદ્ધિ અવસ્થાએ નીચે મુજબ ચાર પિયત આપવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.

ડાળી અવસ્થાએ : વાવેતર બાદ રપ-૩૦ દિવસે

 • ફૂલ અવસ્થાએ : વાવેતર બાદ ૪૦-૪૫ દિવસે
 • પોપટો બેસવાની અવસ્થાને : વાવેતર બાદ પ૦-૬૦ દિવસે
 • દાણા ભરાવાની અવસ્થાને : વાવેતર બાદ ૬૦-૭૦ દિવસે

જો પાણીની અછત હોય તો ઉગાવા બાદ ફકત બે પિયતથી પણ ચણાનો પાક થઈ શકે છે. આવા સંજોગોમાં પ્રથમ પિયત વાવેતર બાદ ૪૦-૪૫ દિવસે (ફૂલ અવસ્થાએ) અને બીજુ પિયત વાવેતર બાદ પ૦-૬૦ દિવસે (પોપટો બેસવાની અવસ્થાએ) આપવું.

ભાલ અને ઘેડ વિસ્તારમાં મોટે ભાગે બિન પિયત તરીકે ચણાનું વાવેતર થાય છે. આ વિસ્તાર માટે ગુજરાત ચણા–ર જાતનું વાવેતર કરવું. જો મીઠા પાણીની સગવડ હોય તો આ બિનપિયત જાતની નીકપાળા પદ્ધતિથી બે પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. વધુ પિયતથી સુકારાનો રોગ લાગે છે અને ઉત્પાદન ઘટે છે.

તુવેર

તુવેર કઠોળ વર્ગનો ખુબજ અગત્યનો પાક છે. તુવેરનું વાવેતર એકલા, આંતરપાક તરીકે તેમજ રીલે પાક તરીકે થાય છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળીતુવેર રીલે પાક પદ્ધતિથી વાવેતર થાય છે. વાવેતર મુખ્યત્વે ઓગષ્ટ માસમાં મગફળીના ઊભા પાકમાં બે હાર વચ્ચે કરવામાં આવે છે. પાકની શરૂઆતની અવસ્થા દરમ્યાન ચોમાસુ ઋતુમાં પિયત આપવાની જરૂર રહેતી નથી. ચોમાસા બાદ મગફળી કાઢી લીધા પછી પાળા ચઢાવી પિયત આપવાનું આયોજન કરવું. તુવેરનો પાક મર્યાદિત પાણીથી ખુબજ સારો થઈ શકે છે. આ પાકને ફકત ત્રણ પિયતની જરૂર રહે છે જે નીચે મુજબ આપવા:

 • ફૂલ અવસ્થાએ : વાવેતર બાદ ૮૦-૯૦ દિવસે
 • શિંગો બેસવાની અવસ્થાએ : વાવેતર બાદ ૧૦૦-૧૧૦ દિવસે
 • દાણા ભરાવા તથા વિકાસ અવસ્થાએ : વાવેતર બાદ ૧૩૦-૧૪૦ દિવસે

વધુ સંપર્ક

 • સફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો
 • તમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.
 • તમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.
2.97959183673
નાનજીભાઈ ભાભોર Jul 14, 2019 05:16 PM

પાણી ની સહુવિધ કરી આપશો સાહેબ

શૈલેષ પટૅલ Dec 08, 2018 09:54 PM

મરચા મા કુતરીમ ખાતર કયુ નાખવુ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top