অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વરસાદી પાણીનો સંગ્રહ - જળ સંરક્ષણ માટેનો શ્રેષ્ઠ ઉપાય

આજની પરિસ્થિતીને જોતાં જીવસૃષ્ટિમાં બદલાવને લીધે દિવસે દિવસે આબોહવાકીય પરિસ્થિતીમાં બદલાવ આવતો જાય છે, જેને કારણે દરરોજના તાપમાનમાં ખુબજ બદલાવ થતો રહે છે. બધી જ ઋતુઓનો સમયગાળો પણ બદલાતો જાય છે. ચોમાસુ અને શિયાળાની ઋતુનો સમયાગાળો ઘટતો જાય છે જ્યારે ઉનાળાની ઋતુનો સમયગાળો વધતો જાય છે. વરસાદ ઓછો પડે છે જેથી જમીનમાં પાણીનો સંગ્રહ થતો નથી તેમજ નદી, જલાશય, તળાવ, કુવા, બોરવેલ વગેરે જેવા પાણીના સ્ત્રોતોમાં પણ પાણી સુકાઈ જાય છે. જેને લીધે લોકોને જીવન નિર્વાહ કરવા માટે પાણી મેળવવું મુશ્કેલ બની ગયું છે ત્યાં પાકના વાવેતરનું તો પુછવું જ શું? ટુકમાં કહીએ તો પાણીની ખુબ જ અછત સર્જાઈ રહી છે. આ પાણીની અછતની સમસ્યાને નિવારવા માટે સરકાર પણ દર વર્ષે ઘણા રૂપિયા ખર્ચે છે. આવી પરિસ્થિતીમાં પાણીના અછતની સમસ્યાનું સમાધાન કરવા માટે “વરસાદી પાણીનો સંગ્રહ” એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.જેનો ઉપયોગ ગરગથ્થું વપરાશ, પશુઓની સરસંભાળ તેમજ ખેતીમાં ખાસ કરીને પાકની કટોકટી અવસ્થાએ જીવન બચાવ પિયત આપી શકાય છે. આમ,સંગ્રહ કરેલ વરસાદી પાણી ખેત ઉત્પાદન વધારવામાં મહત્વનુ યોગદાન આપી શકે છે.
ભારતમાં શરેરાશ વાર્ષિક વરસાદ ૧૧૯૦ મિલિમિટર જેટલો પડે છે. ગુજરાતનો વિસ્તાર શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશમાં આવે છે જ્યારે ગુજરાતનો શરેરાશ વાર્ષિક વરસાદ આશરે ૬૦૦ - ૮૦૦ મિલિમિટર છે. મોટા ભાગનું વરસાદી પાણી નદી-નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે અને થોડું પાણી કુદરતી રીતે અને માનવસર્જિત સંગ્રહસ્થાનોમાંથી જમીનમાં ઉતરે છે. જેનાથી પાણીના સ્તર ઊંચા આવે છે. ભારતમાં જ્યાં વધારે વરસાદ પડે છે તેવી જગ્યા દાત. આસામમાં પણ વરસાદ અમુક સમય બાદ પાણીની અછત વર્તાય છે તો આપના ગુજરાતમાં વરસતા વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવો જ રહ્યો. આમ વરસાદ સિવાયના સમયગાળા દરમ્યાન જો ખેત પેદાશનું ઉત્પાદન કરવું  હોય તો ઓછી ખર્ચાળ તકનીકો દ્વારા પાણીનો સંગ્રહ કરવો અતિ આવશ્યક છે. જે નીચે મુજબ છે:
  1. ચેક ડેમ (બોરી બંધ, બ્રસ વુડ ચેક ડેમ, પથ્થરથી બનાવેલ ચેક ડેમ)
  2. છતના પાણીનો સંગ્રહ
  3. ખેત તલાવડી

ચેક ડેમ

ઝરણાં દ્વારા વહી જતાં પાણીને અટકાવી અને તે જ પાણીને એકત્ર કરવા માટે બનાવવામાં આવતા બંધને ચેકડેમ કહે છે. ચેકડેમ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે જે આ પ્રમાણે છે: (૧) કાયમી ચેકડેમ, (૨) મધ્યમગાળાના ચેકડેમ અને (૩) કામચલાઉ ચેકડેમ. ખેડૂતોને ઉપયોગી નીવડે અને ઓછા ખર્ચે જાતે જ બનાવી શકાય તેવા જુદા જુદા પ્રકારના ચેકડેમ નીચે પ્રમાણે છે.

બોરી બંધ

ઝરણામાં વહી જતાં પાણીની ગતિ ઓછી કરવા માટે સિમેન્ટની કે તેના જેવી અન્ય ખાલી થેલીઓમાં રેતી અથવા કાળી માટી ભરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝરણાંમાં ગોઠવવામાં આવે છે. આ બંધ ઝરણામાં એવી જગ્યાએ બનાવવો જોઈએ કે જ્યાં જરૂરિયાત મુજબની રેતી અને કાળી માટી સરળતાથી મળી શકે અને મહતમ પાણી એકત્ર કરી શકાય.

(ખ) બ્રશ-વુડડેમ: આ પ્રકારના બંધમાં ઝરણામાં એકાદ ફૂટ જેટલું ખોદકામ કરીને પાણીની સપાટીથી આશરે બે થી ત્રણ ફૂટ ઉપર રહે તેટલી ઊંચાઈના થાંભલા જેવા લાકડા કાપીને થોડા થોડા અંતરે એક જ હારમાં પાણીને અવરોધે તે રીતે ખોદકામ કરેલી જગ્યામાં ગોઠવવા. આ લગાવેલ લાકડાઓની વચ્ચે નજીકના વિસ્તારમાથી મળતા ઝાળી-ઝાખરાને લાકડાઓની વચ્ચે એવી રીતે ગોઠવવા કે જેથી પાણીના પ્રવાહની ગતિ ઓછી કરી શકાય. સમય જતા વહેણમાં આવતો કચરો, પાંદડા અને નાના- નાના લાકડાના ટુકડાઓ બંધમાં ફસાઈને એક મજબૂત બંધ જેવુ જ કામ આપે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બંધમાં લાકડાની બે હાર બનાવવામાં આવે તો આ બ્રશવુડ ચેકડેમ વધારે મજબુત બનવાની સાથે સાથે પાણીનું એકત્રીકરણ પણ વધારે કરી શકે છે. વધુમાં,આ ડેમમાં એક જ હારમાં લગાવેલ લાકડાની સાથે વાયરની જાળી અથવા કાથાના કે સુતરના દોરડાથી બાંધવામાં આવે તો ડેમની મજબૂતાઈમાં વધારો થાય છે.

ઝરણાના પ્રવાહને અટકાવવા અને પાણીને એકત્રીત કરવા માટે પથ્થરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવીને આ પ્રકારનો ચેકડેમ બનાવી શકાય છે. આ પ્રકારનો ચેકડેમ ઝરણાની એવી જગ્યાએ બનાવવો જોઈએ કે જેને બનાવવા માટે વપરાતા પથ્થર સરળતાથી અને નજીકના વિસ્તારમાથી મળી શકે. આ પ્રકારના ચેકડેમને વાયરની જાળીનુ આવરણ આપવામાં આવે તો ચેકડેમની મજબુતાઈમાં વધારો થાય છે અને વધારે પાણી એકત્ર કરી શકાય છે.

ચેકડેમના ફાયદાઓ

  1. પાણીનો સંગ્રહ કરવાથી લાંબા સમય સુધી ખેતી માટે, ઘરગથ્થુ વપરાશ માટે, પશુઓની સારસંભાળ માટે તેમજ અન્ય વપરાશ કરી શકાય છે.
  2. સંગ્રહિત પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરવાથી ભૂગર્ભજળના સ્તરમાં વધારો થાય છે જેથી ચેકડેમની નજીકના વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવે છે.
  3. ચોમાસા દરમ્યાન ચેકડેમના ઉપરવાસમા આવેલ જુદા જુદા વિસ્તારોની ફળદ્રુપ જમીનનું ધોવાણ થઈને પાણીના પ્રવાહ દ્વારા ચેકડેમ પાસે જમા થાય છે. આ ફળદ્રુપ માટીને ફરીથી ખેતીમાં ઉપયોગ કરીને પાકના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

છતના પાણીનો સંગ્રહ

આજની પરિસ્થિતિને જોતા એવુ લાગે છે કે દિવસે ને દિવસે મોટી મોટી ઇમારતો, કારખાનાઓ, રસ્તાઓ  અને મકાનોનું બાંધકામ ખુબ જ વધતું જાય છે. આવા મોટા મોટા બાંધકામો ને લીધે જમીન પર સખત પડ બને છે જેના કારણે જમીનમાં પાણી શોષાતુ નથી. આમ,ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને છતમા પડેલ વરસાદનું પાણી જમીનમાં શોષયા વગર નદી નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે. આ છતના પાણીએ એકત્ર કરવામાં આવે તો પાણીની અછતને નિવારવા માટે સારું એવું યોગદાન મળી શકે છે. છતના પાણીને સંગ્રહ કરવાની તકનીક નીચે પ્રમાણે છે.

આકૃતિમા દર્શાવ્યા પ્રમાણે છત ઉપર વરસતા વરસાદના પાણીને પાઇપ ફીટીંગ દ્વારા ટાંકીમાં સંગ્રહ કરી શકાય છે. આ પાણી સાથે આવતી વિશુધ્ધિઓ જેવી કે નાના નાના પાંદડા, કચરો વગેરેને રોકવા માટે યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ પાણીનો સંગ્રહ કરીને ઘરગથ્થુ વપરાશ, પશુઓની સરસંભાળ,  ઘરની બાજુમાં નાનું તળાવ બનાવી મત્સ્ય ઉછેર કરી શકાય છે. તેમજ ઘરની નજીકના વિસ્તારમા છતના પાણીનો સંગ્રહ પશુઓના જૈવિક ખાતર અને સંગ્રહ કરેલ પાણીના ઉપયોગથી સ્વાસ્થ્ય વર્ધક શાકભાજી પણ ઉગાડી શકાય છે.

ખેત તલાવડી

ખેતરના ઊંચાઈવાળા વિસ્તારમાંથી વહી જતાં વરસાદના પાણીનો કોઈ એક જ્ગ્યા આ સંગ્રહ કરવા માટે બનાવેલ નાના તળાવ કે સંગ્રહ સ્થાનને ખેત તલાવડી કહે છે.

ખેત તલાવડી માટે સ્થળની પસંદગી

  • ખેત તલાવડી પોતાના ખેતરના ૧૦ % વિસ્તારમાં કરવાથી ખેતરના વિસ્તાર મુજબ સંગ્રહાયેલ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
  • ખોદકામ કરીને બનાવતી ખેત તલાવડી ખેતરની એવી જગ્યાએ બનાવવી કે જ્યાં ખેતરના બધા જ પાણીનો સંગ્રહ કરી શકાય અને ઓછા ખર્ચે ખેતરમાં બધે જ પાણી પહોચાડી કાર્યક્ષમ ઉપયોગ પણ કરી શકાય.
  • પાળો અથવા બંધ બાંધીને બનાવતી  ખેત તલાવડી માટે એક જ વિસ્તાર ના ખેડૂતો મળીને ખેતરની નજીકના યોગ્ય કુદરતી નીચાણવાળા ભાગની પસંદગી કરવી જોઇએ જેથી પાળો ઊંચો બનાવવાની જરૂરિયાત ન પડે.
  • ખેત તલાવડીનું સ્થળ પાણીની ઉપયોગીતાની નજીક અથવા લઘુત્તમ અંતર હોય તેવું સ્થળ પસંદ  કરવું જોઈએ જેથી પાણીનો વ્યય ઓછો થાય.
  • ખેત તલાવડી ભરાઈ ગયા પછી વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
  • ભૌગોલિક રીતે કુદરતી આદર્શરૂપ હોય તેવા વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવાથી પાણીની ઉપરની સપાટીનો વિસ્તાર ઓછો રહે આથી બાષ્પીભવનથી થતો પાણીનો વ્યય અટકાવી શકાય.
  • ગટર કે કારખાનામાંથી રસાયણ યુક્ત, અશુધ્ધ આવતા હોય ત્યાં ખેત તલાવડીના સ્થળની પસંદગી કરવી જોઈએ નહીં.

પાણીનો વ્યય અટકાવવાના ઉપાયો

  • બાષ્પીભવન દ્વારા થતાં પાણીનો વ્યય અટકાવવા માટે ખેત તલાવડીની આજુ-બાજુ વૃક્ષો વાવીને છાંયડો કરીને અથવા પાણીની સપાટી ઉપર મીથાઈલ આલ્કોહોલ કે ફેટી આલ્કોહોલ જેવા રસાયણો યોગ્ય માત્રામાં પાથરી શકાય છે.
  • ઝમણ દ્વારા થતો પાણીનો વ્યય અટકાવવા માટે ખેત તલાવડીના તળિયે રેતી, છાણ, અને ઘાસનું ૭:૨:૧ પ્રમાણમાં ૧૫ સેંટીમીટર જાડું સ્તર બનાવીને અથવા પોલિથિલીન શીટ ઉપર ૧૫ સેંટીમીટર જાડું માટીનો થર બનાવી શકાય છે.  તે ઉપરાંત સિમેન્ટ, રેતી, ઈંટ અને કપચીનો ઉપયોગ કરીને ચણતરથી પળ ઘણું અસરકારક અને કાયમી હોય છે પરંતુ ઘણું ખર્ચાળ હોય છે.

ખેત તલાવડીના ફાયદાઓ

  • ચોમાસામાં કે બીજી ઋતુમાં પાકની કટોકટી અવસ્થાએ જ્યારે વરસાદ કે પિયત માટેનું પાણી વધુ ખેંચાય ત્યારે આ એકત્ર કરેલા પાણી દ્વારા જીવન બચાઉ પિયત આપીને પાકને બચાવી શકાય છે.
  • રવિ ઋતુના પાકો જેવા કે ઘઉં, ચણા, રાયડો વગેરેને વાવણી સમયે પિયત આપીને સારો ઉગાવો હાંસલ કરી શકાય છે.
  • શુષ્ક વિસ્તારમાં સંગ્રહિત પાણી પશુઓને પીવા તેમજ અન્ય ઘરઘથ્થું વપરાશમાં પણ લઈ શકાય છે.
  • ખેત તલાવડીમાં મત્સ્ય ઉછેર અને બાયોફર્ટિલાયઝર પણ ઉત્પન્ન કરી શકાય છે.
  • ખેત તલાવડી બનાવવાથી વહી ગયેલ ખેતરની ફળદ્રુપ માટી ખેત તલાવડી  સુકાયા બાદ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.
  • ઘરનું પાણી ઘરમાં અને ખેતરનું પાણી ખેતરમાં

લેખક: શ્રી એસ. બી. સુર્યવંશી, શ્રી જે. જે. ચાવડા, ડો. એમ. કે. તિવારી,  કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સીટી,ગોધરા-૩૮૯૦૦૧

પ્રકાશન:કૃષિગોવિદ્યા,જાન્યુઆરી-૧૫,વર્ષ-૬૮,અંક-૧૨,પેજ નં.:૨૨-૨૫

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate