હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / પાણી બચાવવા માટે આટલુ કરીએ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પાણી બચાવવા માટે આટલુ કરીએ

પાણી બચાવવા માટે આટલુ કરીએ

વર્તમાન સમયમાં દુષ્કાળને કારણે ઘણા વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ છે. આઝાદીના ૫૦ વર્ષ પછી પણ દેશના ઘણા વિસ્તારોમાં પીવાની તંગી જોવા મળે છે. આઅ સંજોગોમાં જે પાની ઉપલબ્ધ છે તેની કઈ રીતે બચત કરી શકાય તે અંગેના કેટલાક ઉપાયો આ લેખમાં દર્શાવ્યા છે:

પાણીની ટાંકી અને નળની મરામત :

દરેકના ઘરમાં પાણીના સંગ્રહ માટે ની ટાંકી હોય છે. જો ટાંકી માં તિરાસડ પડી હોય અને પાણી નો બગાડ થતો હોય તો ઘર ના બધા નળ બંધ કરી ટાંકી પાણી થી ભરીને ચેક કરવું અને પાણી ની સપાટી ઘટતી માલુમ પડે તો ટાંકી ની મરામત કરાવવી. કેટલીક વાર પાણીના નળ માંથી તેનું વાયસર ગયેલ હોય કે નળ લુઝ હોય તો પાણી ધીમે ધીમે ટપકતાં તેનો બગાડ થાય છે. એક અંદાજ મુજબ એક ટપકતાં નળમાંથી ૨૪ કલાક દરમ્યાન ૨૦ લિટર જેટલું પાણી બહાર નીકળી જાય છે. જો એક લાખની વસ્તી વાળા શહેરમાં ફકત ૨૦ ટકા કુટુંબોના રહેઠાણમાં જો આવા બે ટપકતા નળ હોય તો અંદાજે  ૧,૬૦,૦૦૦ લિટર પાણી નો બગાડ થાય છે.

વોશબેઝીનમાં પાણીનો વિવેકપુર્વક ઉપયોગ :

ઘણા લોકો વોશબેઝીન માં હાથ-મોં ધોતી વખતે કે દાતણ કરતી વખતે આળસને લિધે પાણી નો નળ ચાલુ રાખે છે પરિણામે વધારે પાણી વહી જતા તેનો બગાડ થાય છે. આ સંજોગોમાં ઘરના દરેક સભ્યો જરૂર મુજબ નળ ખુલ્લો રાખી પાણી વાપરે તો પાણી ની સારી એવી બચત કરી શકાય છે. એક અંદાજ મુજબ આવા નળ માંથી એક મિનિટમાં ૫ લિટર જેટલુ પાણી નીકળે છે. જો એક લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ફકત ૨૦ ટકા કુટુંબોમાં તેના ૩ સભ્યો ફકત બે વાર ત્રણ-ત્રણ મિનિટ કારણ વિના નળ ખુલ્લો રાખે તો દૈનિક ૩,૬૦,૦૦૦ લિટર પાણી નો બગાડ થાય છે.

સંડાસ અને મુતરડીના ટબનો ઉપયોગ :

ઘરોમાં જુના સમયમાં વપરાતા સંડાસ ના ટબને બદલે નવા નાના ટબ વાપરવામાં આવે તો પાણીની બચત થઈ શકે છે. જો મુતરડી માટે ના ટબની અલગ વ્યવસ્થા રાખવામાં આવે તો પણ પાણી બચાવી શકાય. એક ગણતરી મુજબ એક લાખની વસ્તી વાળા શહેરમાં ફક્ત ૫ ટકા લોકો દિવસમાં ફક્ત એક વાર બિનજરૂરી રીતે ફલશનો ઉપયોગ કરી ૧૦ લિટર જેટલું પાણી વાપરે તો દૈનિક ૫૦,૦૦૦ લિટર જેટલા પાણીનો બગાડ થાય છે.

વાસણો ધોવામાં પાણીનો બગાડ :

પહેલાના સમયમાં કુટુંબ ના બધા સભ્યો એક સાથે બેસીને ચા નાસ્તો કરતા અને જમતા હતા પરિણામે ફકત ત્રણ વખત વાસણો પાણીથી સાફ કરવામાં આવતા હતા. પરંતુ વર્તમાન સમયમાં સમય નો અભાવ, વિવિધ કામો માં વ્યસ્તતા તેમજ ધંધાકીત / નોકરીના અલગ અલગ સમય, મહેમાનો ની અવરજવર વગેરે કારણોસર દિવસમાં ૫-૬ કે વધુ વખત વાસણો ધોવામાં આવે છે. આમ વારંવાર વાસણો ધોવાને કારણે પણ પાણીનો વપરાશ વધે છે. એક અંદાજે મુજબ એક લાખની વસ્તીવાળા શહેરમાં રહેતા ૧૦,૦૦૦ કુટુંબો દૈનિક ફકત ૨૫ લિટર પાણી બચાવે તો ૨,૫૦,૦૦૦ લિટર પાણીની બચત કરી શકાય.

ડિટરજન્ટ પાઉડર અને વોશિંગ મશીનનો ઉપયોગ :

કપડાં ધોવા માટે આજકાલ ડિટરજન્ટ પાઉડર અને વોશિંગ મશીનનો ઉપયોગ વધતો જાય છે કે જેમાં પાણીનો વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. જો ડોલ કે તગારામાં પાણીનો વપરાશ ઘટાડી શકાય. જો ડોલ કે તગારા જેવા બે ત્રણ પાત્ર માં પાણી ભરી કપડાં નિતારવામાં આવે તો પાણીનો વપરાશ ઘટાડી શકાય છે. એક અનુમાન મુજબ એક લાખ વસ્તી ધરાવતા શહેર માં જો ૫૦૦૦ કુટુંબો દ્ધારા દૈનિક ૨૫ લિટર પાણી બચાવે તો ૧,૨૫,૦૦૦ લિટર પાણીની બચત થઈ શકે.

કુલરની યોગ્ય ગોઠવણી :

ઘરોમાં ઠંડક માટે વપરાતા કુલરમાં એક અંદાજ મુજબ કલાકમાં ૫૦ લિટર જેટલું પાણી વપરાય છે. ઉનાળાની ઋતુમાં કુદરતી હવાની અવરજવર દક્ષિણ દિશાએ આવેલ બારીઓમાં વધુ થાય તેને બદલે જો કુલરને ઉતર – પુર્વ દિશામાં બેસાડવામાં આવે તો હવાની અવરજવર ઓછી થાય છે. આમ, હવાની યોગ્ય અવરજવરને ધ્યાને રાખ્યા સિવાત કુલરને બેસાડવામાં આવે તો હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને કેટલીક વાર પંખાનો અવાજ પણ વધારે સંભળાય છે. આવું ઘણા ઘરોમાં જોવા મળે છે. તેથી કુલરને હવાની અવરજવાર વાળી જગ્યાએ બેસાડી તેની વિરૂદ્ધ દિશામાં હવાના નિકાલ માટેની બારીઓ / હવાબારી ગોઠવવા માં આવે તો તે વધુ લાભદાયી નિવડે છે. જો હવાની અવરજવરને ધ્યાને લઈ કુલર બેસાડવામાં આવે તો કુલરની સંખ્યા માં પણ ઘટાડો કરી શકાય છે. એક અંદાજ મુજબ એક લાખની વસ્તીમાં ના શહેર માં ફકત ૨૦૦૦ કુટુંબો ઉપરોકત રીતે કુલર બેસાડે તો દૈનિક ૨૫ લિટર પાણીની બચત થાય અને તે મુજબ દૈનિક ૫૦,૦૦૦ લિટર પાણી બચાવી શકાય છે.

બાગ-બગીચામાં પાણીનો યોગ્ય રીતે ઉપયોગ :

જે ઘરોની આજુબાજુ હરીયાળી ( લોન ) , ફુલછોડ વગેરે ઉગાડેલા છે તેને સુર્યાસ્ત પછી પાણી આપવું જોઈએ જેથી બાષ્પીભવન ઓછુ થાય. ક્યારાની જમીન પર સુકું ઘાસ, નાળીયેરના છોતરા વગેરે પાથરીને પણ જમિનમાંના ભેજનું બાષ્પીભવન ઘટાડી શકાય છે. કયારામાંથી જમીનને ગોડ મારતા તેથી ઉપલી સપાટી ભાગી જતા આપવામાં આવતુ પાણી વનસ્પતિના મુળ સુધી સહેલાઈથી પહોંચ છે અને એ રીતે બાષ્પીભવન ઓછું કરી શકાય છે. આમ કયારાની જમીનમાં ગોડ કાર્ય કરતાં ક્યારો ત્રણ દિવસ સુધી ભેજવાળો રહે છે. જો ગોડ કાર્ય કરવામાં ન આવે તો ક્યારો બીજા જ દિવસે સુકાયેલો જણાય છે. પુરતા પ્રમાણમાં ખાતર અને પાણી આપવાથી ક્યારા માં ભેજનો સંગ્રહ સારો થાય છે. એક અંદાજ મુજબ એક લાખની  વસ્તી ધરાવતા શહેરોમાં ફકત ૧૦૦૦ કુટુંબો ઉપર મુજબનો ઉપયોગ હરિયાળી અને ફુલછોડ ઉછેર માટે અપનાવે તો દૈનિક ૧,૦૦,૦૦૦ લિટર પાણીની બચત કરી શકાય.

બાથરુમ – રસોડાના પાણીનો યોગ્ય રીતે ઉપયોગ :

ઘરનું રસોડુ તેમજ બાથરૂમ દ્ધારા બહાર કાઢવામાં આવતા પાણીમાં નુકશાનકારક જીવાણું હોતા નથી પરિણામે પાણી બાગ – બગીચા માં આપી શકાય છે. આજકાલ ઘરની આજુબાજુ ખુલ્લી જગ્યા માં સિમેન્ટના ઓટલા બનાવી દેવામાં આવે છે જે યોગ્ય નથી. જો થોડી ખુલ્લી જગ્યા રાખી તેમાં પપૈયા , કેળા , લીંબુ, જેવા ફળઝાડ કે દુધ , ગલકાં, તુરીયાના વેલા ઉછેરવામાં આવે તો રસોડા કે બાથરૂમમાંથી નિક્ળતા પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે.

સેફટી ટેંકના પાણીનો ઉપયોગ :

સેફટી ટેંક યોગ્ય રીતે બનાવવામાં આવેલ હોય તો તેમાંથી નીકળતા પાણીમાં દુર્ગંધ આવતી નથી. આવુ પાણી બોગનવેલ જેવી વેલો ઉછેરવા માટે વાપરી શકાય છે.

આમ, એક લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ઉપર મુજબના ઉપાયો યોજવામાં આવે તો દૈનીક અંદાજે ૧૧ લાખ લિટર જેટલું પાણી બચાવી શકાય છે અને તે મુજબ ગણાતાં મહિને ૩૩ લાખ લિટર અને વર્ષે ૪ કરોડ લિટર પાણીની બચત કરી શકાય આમ વર્તમાન સમયમાં પાણીની બચત કરવિ અને અત્યંત આવશ્યક છે.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની

– એગ્રોનોમી વિભાગ , બં, અ. કૃષિ મહાવિદ્યાલય ,

આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

2.97368421053
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top