অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટપક પિયત પદ્ધતિની ગોઠવણી

ટપક પિયત પદ્ધતિની ગોઠવણી

કેટલીક અગત્યની સુચનાઓ :

  • ટપક પિયત પદ્ધતિની ગોઠવણી ઘણી મહત્વપુર્ણ છે જે વ્યવસ્થાની કામગીરીને મહદ્ અંશે અસર કરે છે. તેથી ગોઠવણીના કામની શરૂઆત કરતા પહેલાં , નકશા ઉપર દયાનથી નજર નાખી તેનો અભ્યાસ કરવો.
  • નકશો સમજવામાં તમને જો કોઈ મુશ્કેલી લાગતી હોય તો, ઈજનેર કે નિરીક્ષકની મદદ લઈ શંકાનું સમાધાન કરવું.
  • નકશામાં દર્શાવેલા પરિણામો સાથે સ્થળ પરની ઉપલબ્ધ પરિસ્થિતિઓની પૂર્તી થાય છે કે નહીં તેની ચકાસણી કરવી.

ગોઠવણી માટે વપરાતા મહત્વનાં જરૂરી સાધનો :

  1. ગ્રોમેટ-ટેક ઓફ ( જીટીઓ ) માટે ડ્રિલિંગ ટુલ ( ૧૩ મિ.મી X ૧૬ મિ.મી )
  2. જીટીઓ માટે ડ્રિલિંગ ટુલ ( ૧૧.૯ મિ.મી. )
  3. ટેક ઓફ ગ્રોમેટ માતે મલ્ટિપરપઝ ટુલ
  4. પોલીટ્યુબ પ્લાસ્ટિક પંચિગ ટુલ
  5. સિમ્પલ પંચ  ( રેઈનપોર્ટ-મીની ઈમ્પેકટ સ્પ્રિન્કલર માટે )
  6. હેકસો બ્લેડ
  7. માપપટ્ટી

ગોઠવણી શરૂઆત કરતા પહેલાં ચકાસણી કરવાની બાબતો :

  • દર્શાવેલ સ્થળો નકશો કે ડિઝાઈન તૈયાર છે ?
  • ગોઠવણી માટેના બધા સાધનો ઉપલબ્ધ છે ?
  • નકશા અનુસાર અને આવશ્યક નિર્દેશિકાઓ અનુસાર ખાડો તૈયાર છે ?
  • તમામ જરૂરી વસ્તુઓ જોડાણ માટે ઉપલબ્ધ છે ?
  • પંપ સેટ જોડાણ માટે અને હેડ યુનિટ માટે જરૂરી જોડાણોથી પ્રાપ્યતા છે ?

હેડ યુનિટ (મુખ્ય એકમ)ની ગોઠવણીની ચકાસણી :

  • પ્રાથમિક ફિલ્ટર તરીકે ગ્રેવલ / હાઈડ્રોસાયક્લોન વાપરતી વખતે પ્લેટ્ફોર્મ સિમેન્ટ કોંક્રિટનું બાંધવામાં આવ્યું છે ? પ્લેટફોર્મ યોગ્ય માપ અનુસાર બંધાયેલું અને સમતળ છે ચકાસો.
  • હેડ યુનિટમાં વપરાતા વાલ્વ જેવા કે એર રીલિઝ વાલ્વ, નોન-રિટર્ન વાલ્વ, બાગ પાસ વાલ્વ, ઇનલેટ વાલ્વ વગેરે યોગ્ય સ્થાને અને ક્રમબદ્ધ છે ?
  • હેડ યૂનિટ સાથે પંપ જોડાણ યોગ્ય રીતે કરેલું છે ? હેડ યુનિટ ખાતે જી.આઈ.ફીટિંગ્સ ના આંટા ટાઈટ અને જોડાણ ઉપર એમ સીલનું મિશ્રણ લીકેજ ટાળવા લગાડેલ છે ?
  • સેન્ડ ફિલ્ટર્માં રેતી નાંખતાં પહેલા બધા જોડાણ ટાઈટ કરી લેવા. ફિલ્ટરમાં બધે રેતી એકસરખી રહે એ રીતે નાખે છે ? ફિલ્ટરનાં બધાં ભાગો પૂરતી રીતે ઢંકાઈ ગયા છે નહી ? તે ચકાસવું.
  • દબાણ અવલોકનો ચકાસવા માટે જ્યાં પણ સુચવવામાં આવેલ હોય ત્યાં પ્રેશર ગેજ ગોઠવો.

ખાડાઓ ( ટ્રેન્ચિંગ ) :

  • કાર્ય સરળતાથી થાય તે હેતુથી ખાડાઓ પૂરતા પહોળા અને ૪૫ થી ૬૦ સે.મી. ( ૧.૫ થી ફુટ ) ઊંડા હોવા જોઈએ. ખાડાઓનું તળિયું લીસું અને સમતલ તથા પથ્થરો કે મુળીયા જેવી વસ્તુઓથી મુક્ત હોવું જોઈએ. ખોદાણ વખતે પડી શકે અને પાઈપને નુકશાન કરી શકે તેવા મોટા પથ્થરો કે અન્ય કોઇ વસ્તુઓ હોય તો ખાડાની ધારેથી હટાવી લેવી જોઈએ.
  • ખેડુતોએ સમય મર્યાદામાં ટપક પદ્ધતિની ગોઠવણી માટે ખાઈ ખોદવી જોઈએ. ખાઇની પહોળાઈ ૪૫ સે.મી થી ૭૦ સે.મી અને ઊંડાઈ ૭૫ સે.મી અથવા પ્રતિનિધિની સુચના મુજબ રાખવી જોઈએ. ખાઈ સીધી લાઈનમાં ખોદવી જરૂરી છે. મેઈન અને સબમેઈન પાઈપ લાઈનને ખાઈમાં પાથરવાની હોય તો તેની પહોળાઈ ૭૫ સે.મી. રાખવી જોઈએ.

મેઈન (મુખ્ય) અને સબ મેઈન (ગૌણ) પીવીસી પાઈપ લાઈનની ગોઠવણી :

  • પીવીસી પાઈપની ગોઠવણીનું કાર્ય નક્કી કરેલ કદ અને શ્રેણીઓને દયાનમાં રાખીને કરો.
  • દિવસની ગરમ દરમ્યાન પાઈપની ગોઠવતી વખતે ખાસ ખાસ સંભાળ રાખો. (ઉષ્ણતાનમાં ઘટાડાને લીધે થતાં સંકાચનથી પાઈપ જોડાણમાંથી છૂટી પડી શકે)
  • ફિલ્ટરમાંથી થયેલ ચોખ્ખું પાણી મુખ્ય લાઈનમાં આવે છે તે જમીનમાં ૪૫ થી ૬૦ સે.મી. ઊંડાઈએ રાખો. (આંતરખેડ વખતે પાઈપને નુક્શાન ન થાય.)
  • પાઈપનું જોડાણ કરતાં પહેલા કચરો કે બીજા અશુદ્ધિઓ દુર કરવી. પીવીસી પાઈપ લાઈનનું સોલવન્ટ સિમેન્ટ લગાડી જોડાણ કરો. મુખ્ય લાઈનનું જોડાણ પુરૂં થયા પછી ગૌણ લાઈનને જોડી.
  • મુખ્ય અને ગૌણ લાઈનને થોડા અંતરે માટી નાંખી દબાવો જેથી કાણાં પાડતી વખતે પાઈપ ડગે નહિ. સબ મેઈનમાં કાણાં પાડતી વખતે એકસરખો ઊભો દાબ આપવો. ( કાણાં એક્દમ લીસા અને ગોળ બને.) યોગ્ય સાઈઝની ડ્રિલ વડે ગૌણ લાઈન ઉપર કાણાં પાડવા. જો અન્ડરસાઈઝ ડ્રિલ વાપરશો તો ગ્રોમેટ ટેક ઓફ તુટી જશે અને ઓવર સાઈઝ વાપરશો તો લીકેજનો પ્રોબ્લમ થશે. તેથી હંમેશા યોગ્ય સાઈઝ ડ્રિલ વાપરો.

પાઈપનું જોડાણ કરતી વખતે દયાનમાં રાખવાની બાબતો :

  • સોલ્વન્ટ સિમેન્ટ લગાવતાં પહેલાં , પીવીસી પાઈપની ધાર પર કોઇ ખરબચડાપણું હોય તો તેને દુર કરો.
  • પાઈપ અને જોડાણની સપાટી પર સોલ્વન્ટ સિમેન્ટનો પાતળો થર લગાડો. સરખી રીતે પાથરો.
  • થોડીક સેકંડો માટે સખત રીતે પકડી રાખી પાઈપનો એક છેડો બીજા પાઈપના છેડામાં પ્રવેશની નિશાની કરેલી હોય તેટલે ઊંડે સુધી ધકેલો.
  • પીવીસી જોડાણોના બાહ્ય ભાગ પર સોલ્વન્ટ સિમેન્ટ લગાડવું નહીં.
  • સોલ્વન્ટ સિમેન્ટને હંમેશા થંડકવાળી જગ્યાએ રાખો તેમજ આગ અને બાળકોથી દુર રાખો.
  • તીક્ષ્ણ વળાંકો પર એલ્બોને સ્થાને શક્ય હોય ત્યાં સુધી પીવીસી બેન્ડ્નો ઉપયોગ કરવો.
  • સંપૂર્ણ ચકાસણી થઈ ગયા બાદ જ ખાડાઓંને ફરીથી માટીથી પુરવાની કામગીરી હાથ ધરવી. ( પુરણ પથ્થરો અને પાઈપોને નુકશાન કરી શકે તેવી સખત વસ્તુઓને મુક્ત હોવુ જરૂરી છે. )

વાલ્વની ગોઠવણી :

  • કન્ટ્રોલ વાલ્વ / બોલ વાલ્વ અને મુખ્ય લાઈન વચ્ચે લગાડવા.
  • એર રીલીઝ વાલ્વ જમીનની સપાટીથી ૩૦ સે.મી. ઊંચો લગાડવો.
  • ફલશ વાલ્વ ગૌણ લાઈનને છેવાડે લગાડવો.

ડ્રિપ લાઈન / લેટરલની ગોઠવણી :

  • યોગ્ય માપની ડ્રિલ વડે ગૌણ લાઈન ઉપર કાણાં પાડવા.
  • રબરનું ગ્રોમેટ કાણામાં એવી રીતે ફીટ કરવું કે જેથી ગ્રોમેટનાં ગ્રુવ પાઈપની અંદર રહે.
  • ગ્રોમેટ બેસાડતી વખતે તીક્ષણ સાધનનો ઉપયોગ કરવો નહી, ( તીક્ષ્ણ સાધનથી રબર કપાઈ જાય અને ગ્રોમેટ નિષ્ફળ જાય)
  • ગ્રોમેટને પાણીથી પલાળી બેસાડવાથી કાણાંથી સહેલાઈથી બેસી જાય.
  • ગ્રોમેટ ટેક ઓફ બેસાડતી વખતે ટેક ઓફ પંચનો ઉપયોગ કરો.
  • ટેક ઓફ ગ્રોમેટની અંદર બરાબર રીતે બેસી ગયું છે કે નહી તે હાથથી ફેરવી જોઈ લો. ( જો ટેક-ઓફ ઢીલુઢીલું હોય તો ગ્રોમેટ તૂટેલ હશે જે બદલાવી નાખવો. )
  • લેટરલ લાઈન ને ખેતર પર ડિઝાઈનના સ્ક્રેચ પ્રમાણે પાથરો.
  • લેટરલ લાઈનનાં બંડલને સબમેઈલ લાઈનની વિરૂદ્ધ દિશામાં રાખવા જોઈએ.
  • લેટરલ લાઈન પાથરતી વખતે બહું ખેંચવી નહીં કે વધુ પડતી ઢીલી રાખવી નહીં.
  • લેટરલ લાઈન બે છેડા વચ્ચેની લંબાઈ કરતાં ૩% વધારે રાખવી અને છેલ્લા છેડાથી ૯૦ થી ૧૨૦ સે.મી. વધુ લંબાઈ રાખવી.
  • લેટરલ લાઈનની અંદર પાણી પસાર કરો જેથી કાણાં સહેલાઈ થી થઈ શકે.
  • લેટરલ લાઈનમાં પંચ વડે કાણું પાડી ડ્રિપર બેસાડો.
  • ડ્રિપર ડિઝાઈન પ્રમાણે લગાડો, ( ડિઝાઈન ઉદ્દ્ભવસ્થાનમાંથી મળતા પાણીનાં જથ્થાને લક્ષમાં રાખીને બનાવેલી હોય છે. )
  • બધા ડ્રિપર લેટરલની એકજ બાજુએ હોવા જોઈએ.
  • પુરેપુરી લેટરલ લાઈન પંચ થઈ ગયા પછી જ ડ્રિપર લગાડો. ( લેટરલ લાઈન ખસે તો ડ્રિપરની જગ્યા બદલાઈ જાય. )
  • પંચિંગની શરૂઆત ગૌણ લાઈન પાસેથી કરો.
  • ડ્રિપર જોડતી વખતે લેટરલ લાઈનમાં પાણી હોવું જોઈએ તો જ ડ્રિપર સહેલાઈથી બેસાડી શકાય.
  • એન્ડ કેપ વડે લેટરલ લાઈનનો છેડો બંધ કરો.

ચકાસણી :

  1. જયાં સુધી ચોખ્ખું પાણી ન આવે ત્યાં સુધી ફિલ્ટરને બરાબર ધોવા.
  2. બધા વાલ્વ અને ફલશ વાલ્વ ટેસ્ટિંગ પહેલાં ખુલ્લા રાખો.
  3. ગૌણ લાઈન ધોવાયા બાદ ફલશ વાલ્વ બંધ કરી દો અને લેટરલ લાઈન પણ એન્ડ કેપ વડે બંધ કરી દો.
  4. ફિલ્ટરના ઈનલેટ અને આઉટલેટ પરનું દબાણ પ્રેસર ગેજ દ્ધારા દબાણ જાણી લો.
  5. જરૂરીયાત હોય એટલું દબાણ જાળવો, ( બાય પાસ વાલ્વ જ્યાં સુધી જરૂરી દબાણ મળે ત્યાં સુધી ધીમે ધીમે ખોલાવો)
  6. ગૌણ લાઈન પર નું દબાણ પ્રેસર ગેજ દ્ધારા જાણી લો અને રીલીઝ વાલ્વ ચેક કરો.
  7. ચલાવવાના દબાણે ડ્રિપરનો ડિસ્ચાર્જ ઓછામાં ઓછો ત્રણ જગ્યાએ માપો.

ડ્રિપ સિસ્ટમ ચાલુ કરતાં પહેલા રાખવની બાબતો :

  1. જે પ્લોટમાં પાણી આપવાનું હોય તે સબમેઈનનો બોલ વાલ્વ ખોલવો.
  2. ખેતરના અન્ય બોલ વાલ્વ. સબમેઈનના ફલશ વાલ્વ તથા લેટરલના એન્ડ સ્ટૉપ બંધ રાખો. ( જો ખુલ્લા હશે તો પાણીનો વ્યય થશે અને જોઈએ તેટલું દબાણ નહીં મળે. )
  3. જો સેન્ડ ફિલ્ટર હેડ કંટ્રોલમાં હોય તો તેનો ઈનલેટ વાલ્વ અને આઉટલેટ વાલ્વ ખુલ્લા રાખો. બેક ફલશના વાલ્વ બંધ રાખો.
  4. બાયપાસ વાલ્વ તથા હેડ કંટ્રોલ વાલ્વને ખોલો.
  5. પંપના સ્ટાર્ટરનું બટન દબાવીને પંપ ચાલુ કરવો. બાયપાસ વાલ્વને ધીરે ધીરે બંધ કરવો અને પ્રેશર ગેજ પરનો કાંટો જેટલું જોઈએ તેના પર પહોંચે ત્યાં અટકો. બાયપાસ વાલ્વ સંપૂર્ણ બંધ કરવા છતાં જોઈએ તેટલું દબાણ મળતું ન હોય તો શક્ય છે કાએન ખેતરમાં વણજોઈતા વાલ્વ ખુલ્લા હોય અથવા લીકેજ હોય તો તેને ચેક કરો.
  6. પ્રેશર ગેજની મદદથી સિસ્ટમ બરાબર ચાલે છે કે કેમ તે દરરોજ ચકાસત રહો.
  7. પ્રેશર ગેજની મદદથી હેડ કંટ્રોલ, સબમેઈનમાં જરૂરી દબાણ મળે છે કે કેમ તેનું નિયમિત દયાન રાખવું. પ્રેશર ગેજના દબાણના માપથી જ આપણને સિસ્ટમમાં કોઈ લીકેજ, ફિલ્ટર ફલશિંગની જરૂરિયાત, મેઈન-સબમેઈનનાં ફલશિંગની જરૂરિયાત , ડ્રિપર ચોક થયેલ છે કે કેમ તેની જાણ થાય છે. ફિલ્ટર ઈનલેટમાં સેટ કરેલા દબાણથી વધવું અને આઉટલેટમાં દબાણ ઘટવું એટલે ફિલ્ટર ફલશ કરવા જરૂરી છે, તેમ પ્રેશરગેજની મદદથી જાણી નિર્ણય કરી શકાય છે.

અન્ય અગત્યની બાબતો :

ગોઠવણી વખતે અને ટપક પદ્ધતિ ચાલુ કરવાના સમયે જે તે કંપની કે ડિલર્સના પ્રતિનિધિ દ્ધારા લેઆઉટ, સિસ્ટમના અલગ અલગ ભાગો, તેની કામગીરી અને પદ્ધતિ, કેવી રીતે ચલાવવી અને કાળજીપુર્વક સિસ્ટમને સંભળાવી , ખાતરની ટાંકી / વેન્ચુરીનો ઉપયોગ તેમજ ખાતર અને કેમિકલ ટ્રિટમેન્ટ બાબતે યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું.

ઉપરોક્ત દરેક બાબતને ખેડુતોએ કાળજીપુર્વક વ્યવસ્થિત સમજવી અને જાણવી જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં ખેડુતે પોતે આ પદ્ધતિને ચલાવવી પડશે તો જ હાઈ-ટેક પદ્ધતિના ફાયદાઓને લાભ મળશે. ગોઠવણી વખતે ખેડુતોએ તમામ શંકાઓનું સમાધાન કંપનીના પ્રતિનિધિ પાસેથી મેળવી લેવાનું હિતાવહ છે.

ખેડુતે ગોઠ્વણીના રીપોર્ટ ઉપર સહી કરી તે રિપૉર્ટ કંપની કે ડીલરના પ્રતિનિધિને આપવાનો રહેશે. ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ ગોઠવણી પછી ચાલુ કર્યા બાદ સંતોષકારક રીતે કાર્ય કરે ત્યાર પછી પખવાડીક રીપોર્ટ ભરીને કંપની કે ડીલરના પ્રતિનિધિને નિયમિત રીતે મોક્લાવો. આ પ્રતિનિધિ ડ્રિપ અંગે તમારી મુશ્કેલીઓ અને તકલીફો બાબતે યોગ્ય માર્ગદર્શન આપી તમોને મદદ કરશે.

ટપક પધ્ધતિને ખેતરમાં લગાવ્યા બાદ શરૂઆતમાં દયાને લેવા જેવી જરૂરી બાબતો

  • જુદા જુદા ટપકણીયામાંથી નીકળતા પાણીના પ્રવાહનો દર અને નિયત કરેલ દર વચ્ચેનો તફાવત ૧૦ ટકાથી વધુ ન હોવો જોઈએ.
  • પધ્ધતિના જુદા જુદા ભાગોમાં વહેતા પાણીના નિયત દબાણ કરતા તફાવત ૨૦ ટકા થી વધારે ન હોવો જોઈએ.
  • દબાણ માપવાનું સાધન ( પ્રેશર ગેજ ) બરાબર કામ કરતું હોવું જોઈએ.

ટપક પધ્ધતિના કાર્યક્ષમ ઉપયોગ માટે ધ્યાને રાખવાની બાબતો

  • ફીલ્ટરને સંચાલનના અંતે નિયમિત સાફ કરવુ.
  • ભલામણ કરેલા દબાણ મુજબ જ પધ્ધતિ ચલાવવી.
  • દરેક લેટરલ અને સબમેઈનને બે થી ત્રણ અઠવાડીયાના સમયગાળે એન્ડ કેપ ખોલી સાફ કરવી.
  • ટપકણીયા ક્ષમતા મુજબ ચાલે છે કે નહી તેની નિયમિત ચકાસણી કરવી.
  • દ્રાવ્ય રાસાયણીક ખાતરો આપ્યા પછી પધ્ધતિને પુરેપુરી સાફ કરવી જોઈએ.
  • સંપૂર્ણ ઓગળી ન શકે તેવા ખાતરો આ પધ્ધતિ દ્વારા આપવા નહિ.
  • ક્ષાર વડે જામ થયેલ પધ્ધતિને સાફ કરવા માટે પાણીની ગુણવતા આધારીય એસિડની માવજત આપવી.
  • ટપક પધ્ધતિ દ્વારા પાકને જરૂર પુરતું જ પાણી આપવું.

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા, ડૉ. એમ. વી. પટેલ, ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

પ્રકાશક:  વિસ્તરણ શિક્ષણ નિયામક આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ– ૩૮૮૧૧૦

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate