તલનો પાક ઉષ્ણ અને સમશીતોષણ હવામાનમાં સારી રીતે થાય છે. આ પાકને સામાન્ય રીતે હૂંફાળુ હવામાન વધુ અનુકૂળ આવે છે. તલના પાકને હિમથી ખૂબ જ માઠી અસર થાય છે તેથી તેને અર્ધશિયાળુ અને ઉનાળુ ઋતુમાં લેવામાં આવે તો પાકનો વિકાસ સારો થાય છે.
તલના પાકને સારી નિતાર શક્તિ ધરાવતી રેતાળથી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. સાધારણ અમ્લીયથી સાધારણ ભાસ્મિક જમીન કે જે જમીનનો અમ્લતાનો આંક (પી.એચ.) ૫.૫ થી ૮.૦ની વચ્ચે હોય તેમાં આ પાક સારી રીતે લઈ શકાય છે. તલ ગોરાડુથી ભારે કાળી જમીનમાં પણ લઈ શકાય છે. જે જમીનમાં પાણી ભરાઈ રહેતુ હોય તેવી જમીન અનુકુળ આવતી નથી.
તલના બીજનું કદ ખૂબ જ નાનું હોવાથી તેનો સારો ઉગાવો થાય તે માટે જમીન ઢેફા રહિત, ભરભરી હોવી જરૂરી છે. જો શિયાળુ પાક લીધા પછી તલનો પાક લેવાનો હોય તો રવી પાકની કાપણી પછી ઓરવણ કરી વરાપ થયે જમીનને સારી રીતે તૈયાર કરવી.
(૧) ગુજરાત તલ-૧: આ જાત મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, અમરેલી દ્વારા સને ૧૯૮૦માં બહાર પાડવામાં આવેલ છે. તે ૮૦થી ૯૦ દિવસમાં પાકી જાય છે. તલના | બીજનો રંગ સફેદ (લાઈટ બ્રાઉન) અને બીજમાં તેલનું પ્રમાણ લગભગ પ૧ % જેટલું હોય છે.
(ર) ગુજરાત તલ-ર: ગુજરાત તલ -૨ જાત, એ ગુજરાત તલ-૧ અને જી.સી. ૨૫ જાત વચ્ચે સંકરણ કરીને બનાવેલ જાત છે. આ જાત મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર, અમરેલી ખાતેથી સને ૧૯૯૪માં બહાર પાડવામાં આવેલ છે. આ જાત સમગ્ર રાજયમાં વાવેતર માટે અનુકૂળ જાત છે. આ જાતની ઉત્પાદન ક્ષમતા ગુજરાત તલ-૧ કરતાં વધુ છે. અને તે ૯૦ થી ૯૫ દિવસમાં પાકી જાય છે. બીજનો રંગ સફેદ છે અને તેમાં તેલનું પ્રમાણ પ૦ % છે. આ જાત ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં પણ લઈ શકાય છે.
(૩) ગુજરાત તલ-૧૦ : ગુજરાત તલ -૧ જાત અને થગુ. તલ-૧૦ કરતાં સાર્થક રીતે વધુ ઉત્પાદન આપે છે જેથી ઉનાળુ ઋતુમાં વાવણી માટે ગુ.તલ-૨ અને ટી.એન. એ. યુ. ૧૭ જાતમાંથી પ્યોર લાઈન સિલેકશનથી મેળવેલ જાત છે. બીજનો રંગ કાળો છે અને ઘાટા એકાંતરે આવે છે.
સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે હાથ ધરાયેલ અખતરાના ઉપરોકત પરિણામો દર્શાવે છે કે ઉનાળુ ઋતુ માટે તલની ત્રણ જાતો ગુ. તલ-૧, ગુ. તલ-૨ અને ગુ. તલ-૧૦ પૈકી ગુ. તલ-૨ જાત એ ગુ.તલ-૧ અને ગુ.તલ ૧૦ કરતાં સાર્થક રીતે વધુ ઉત્પાદન આપે છે જેથી ઉનાળુ ઋતુમાં વાવણી માટે ગુ. તલ-૨ જાતની પસંદગી કરવી.
ટપક પદ્ધતિ દ્વારા તલનું વધુ ઉત્પાદન લેવા માટે તલના પાકની વાવણી જોડિયા હારમાં કરવાની ભલામણ છે. તલના પાકની વાવણી ૩૦ સે.મી. ના ગાળે જોડીયા હારમાં અને બે જોડીયા હાર વચ્ચે ૬૦ સે.મી.નું અંતર રાખી કરવી અને હારમાં બે છોડ વચ્ચેનું અંતર ૧૦૧૫ સે.મી. જાળવવું. પાકની વાવણી હારમાં કરવાથી બે હાર વચ્ચે આંતરખેડ કરી શકાય. તલનું બીજ કદમાં મ્સ બારીક છાણિયા ખાતર સાથે ભેળવીને વાવણી કરવાથી હારમાં બીજની સપ્રમાણ વહેંચણી જાળવી શકાય છે. બીજના સારા ઉગાવા માટે બીજની વાવણી ૨ થી ૩ સે. મી, ઊંડાઈએ કરવી વાવણી સમયે જમીનમાં પુરતો ભેજ હોવો ખાસ જરૂરી છે.
તલના પાકની વાવણી ફેબ્રુઆરી માસના છેલ્લા અઠવાડીયામાં કરવાથી સૌથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. માર્ચ પછી જેટલું વાવેતર મોડુ થાય તેમ ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે અને કાપણીના સમયે વરસાદથી નુકસાન થવાનો ભય રહે છે.
એક હેકટર વિસ્તાર માટે ૨.૫ થી ૩ કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. બિયારણને ફૂગનાશક દવા જેવી કે થાયરમ કે કેપ્ટાન ર થી ૩ ગ્રામ/કિ.ગ્રા. બિયારણ લેખે પટ આપીને વાવણી કરવી જેથી જમીન અને બીજજન્ય રોગો અટકાવી શકાય છે અને બીજનો ઉગાવો સારો થાય છે.
છોડની પારવણી એ ખૂબ જ અગત્યનું ખેતીકાર્ય છે જેથી આ કાર્ય સાવધાનીપૂર્વક સમયસર કે વાવણી બાદ બીજા કે ત્રીજા અઠવાડિયે કારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. જેટલું અંતર રાખી વધારાના નબળા છોડને દૂર કરવા. છોડ વધારે ગીચ હોય તો છોડમાં ડાળીઓની સંખ્યા ઓછી રહે છે અને ઘાટા ઓછા બેસે છે. જો એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા ઓછી હોય તો તલના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. સમયસર પારવણીનું ખેતીકાર્ય પૂર્ણ કરવાથી છોડનું સ્થાપન સારી રીતે થાય છે અને ખાતર તેમજ પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
ટપક પિયત પદ્ધતિમાં ૪ લિ. પ્રતિ કલાકની ક્ષમતાના ડ્રિપર અને ૪૫ સે.મી.ના અંતરવાળી ડિપ લાઈન, બે ડ્રિપ લાઈન વચ્ચે ૯૦ સે.મી.નું અંતર રાખી ટપક પ્રણાલીને ૧.૨ કિ.ગ્રા. સે.મી. ના દબાણે આંતરે દિવસે માર્ચ અને એપ્રિલ મહિનામાં પ૫ મિનિટ જ્યારે મે મહિનામાં ૯૦ મિનિટ ચલાવવાની ભલામણ છે.
ટપક પિયત આપવાથી નીંદણનો પ્રશ્ન બહુ મૂંઝવતો નથી. છતાં પણ વાવણી બાદ ૨૫ દિવસ સુધી પાકને નીંદણમુક્ત રાખવો ખાસ જરૂરી છે. પ્રથમ નીંદામણ ૨૦ થી ૨૫ દિવસે જ્યારે પાકની ઊંચાઈ ૧૫૨૦ સે.મી.) હોય ત્યારે કરવું જોઈએ. બીજુ નીંદામણ ૪૦ થી ૪૫ દિવસે કરવું જોઈએ. તલના પાકમાં ૧ થી ૨ આંતરખેડ કરવી જોઈએ. આ આંતરખેડ નીંદામણ કરતાં પહેલા કરવી અને ત્યાર બાદ નીંદામણ કરવું. આંતરખેડ કરવાથી હવાની અવરજવર વધે છે તથા જમીન પોચી રાખવામાં મદદ કરે છે.
આ રોગ માઈકોપ્લાઝમાથી થાય છે. ફૂલની શરૂઆત થાય ત્યારે ફૂલની જગ્યાએ નાના નાના પર્ણ ગૂચ્છ બની જાય છે અને ફૂલ બેસતાં નથી. લીલા તડતડીયા નામની જીવાત આ રોગનો ફેલાવો કરે છે જેથી રોગને કાબૂમાં લેવા આ જીવાતનું નિયંત્રણ કરવું જરૂરી છે. તે માટે ડાયમીથોએટ (૩૦ ઈસી) ૧૦મિ.લિ. અથવા ફોસ્ફામીડોન (૪૦ ઈસી) ૮ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
આ જીવાતના નિયંત્રણ માટે ક્વિનાલફોસ (૨૫ ઈસી) ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂરિયાત જણાય તો ૮ થી ૧૦ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
છોડના નાના ઘાટા પીળા પડી જાય અને નીચેના પાન ખરી પડે ત્યારે પાકની કાપણી કરવી. આખો છોડ કાપીને તેને નાના પૂળા (બંડલ)માં ભેગાં બાંધવા. બાંધેલ પૂળાને ખળામાં એકદમ સીધા ઊભા કરવા અને એકાદ એઠવાડિયું સૂકવ્યા પછી છોડને ઊંધા કરીને ખંખેરીને દાણા છૂટા પાડવા, ઘાંટામાથી બધા જ દાણા નીકળે ત્યાં સુધી છોડને ખંખેરવા. જો તલની કાપણીમાં મોડું થાય તો ઘાંટા સૂકાઈ જાય છે અને તેમાંથી દાણા ખરી પડે છે તેથી દાણાને ઘાંટામાંથી ખરી પડતા અટકાવવા તલની કાપણી સમયસર હાથ ધરવી જોઈએ.
ઉનાળુ તલનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા. મળે છે.
સ્ત્રોત : ફેબ્રુઆરી-ર૦૧૮ વર્ષ : ૭૦ અંક: ૧૦ સળંગ અંક : ૮૩૮,કૃષિગોવિધા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020