ખેત તલાવડી માટે સ્થળની પસંદગી એ જમીનનો પ્રકાર, સ્થાનીક ભૂગોળ, જમીનની નિતાર શક્તિ, વરસાદની તીવ્રતા અને વહેંચણી ઉપર આધાર રાખે છે. સ્થળની પસંદગી એ ખેત તલાવડી માટેના આયોજનનું ખૂબ જ અગત્યનું પગથિયું છે. ખેતરમાં સ્થળની પસંદગી માટે ખેતરનો વિસ્તાર કે જેમાં ખેત તલાવડીનું બાંધકામ કરવાનું હોય તેનો સરેરાશ ઢોળાવ કઈ દિશામાં છે તેનું અવલોકન કર્યા બાદ ચિત્રોમાં દર્શાવ્યા મુજબ ઢાળની દિશામાં ચેનલ બનાવી કરવું જોઈએ.
ખેત તલાવડી માટે ઓછો ઝમણ દર ધરાવતી જમીન ખૂબ જ અગત્યની છે કે જેથી ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ લાંબો સમય માટે કરી શકાય. કાળી જમીનમાં ઝમણ દર ખૂબ ઓછો હોવાથી ખેત તલાવડી માટે લાઈનિંગ મટીરિયલની જરૂર પડતી નથી. રેતાળ જમીનમાં પાણીનો ઝમણ દર ખૂબ વધારે હોવાથી લાંબા સમય માટે પાણીનો સંગ્રહ કરવા લાઈનિંગ મટીરિયલની જરૂર પડે છે. જે જમીન ખડકાળ અથવા પથરાળ હોય ત્યાં ખેત તલાવડી બનાવવાનું ટાળવું જોઈએ. ખેત તલાવડી બનાવતા પહેલા જમીનની અંદર આવેલ સ્તરોની ચકાસણી કરવી જરૂરી છે. જે જમીનની ઊંડાઈ ૧ મીટર થી વધારે હોય, પથ્થર ન હોય, પી.એચ., ઈ.સી. અને ભૂગર્ભ જળની સપાટી નીચી હોય તે જગ્યાની પસંદગી ખેત તલાવડી બનાવવા માટે કરવી ન જોઈએ. ૧ મીટર કરતાં વધારે ઊંડાઈવાળી જમીન ખેત તલાવડી બનાવવા માટે ઉત્તમ ગણી શકાય. જેમ જમીનની ઊંડાઈ વધારે તેમ ખેત તલાવડીની ઊંડાઈ પણ વધારે થશે જેને કારણે પાણીનું બાષ્પીભવન ઘટશે.
સ્થાનિક ભૂગોળ એ દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે અને ખેત તલાવડી માટે જમીનની પસંદગી એ રીતે કરવામાં આવે છે કે જેથી જમીનનું ખોદકામ ખૂબ જ ઓછું થાય અને ઓછા ખર્ચે વધોર પાણીનો સંગ્રહ કરી શકાય. ખેત તલાવડીની સંગ્રહ ક્ષમતા મુજબ ઢાળ અને નિકાલ વ્યવસ્થા નક્કી કરવા માટે ખેતરમાં કદ્ર સર્વે કરવામાં આવે છે.
ખેત તલાવડી ભરવા માટે વરસાદના પાણીનો પ્રવાહ કેચમેન્ટ વિસ્તારમાંથી મળતો હોવાથી આયોજન માટે તે ખૂબ જરૂરી છે. ખેત તલાવડી ચોમાસુ ઋતુમાં એક વખત પાણીથી ભરાવી જ જોઈએ જેથી ખેડૂતો પાણીની અછતના સમયમાં પોતાના પાકને પાણી આપી શકે. કેચમેન્ટ વિસ્તારમાંથી મળતા પાણીના વહેણના આધાર તે વિસ્તારનો ઢાળ, ઝમણનો દર, વનસ્પતિનું આવરણ અને તેનો આકાર પર આધાર રાખે છે. જો કેચમેન્ટ વિસ્તાર ખેત તલાવડીની સાપેક્ષમાં ખૂબ ઓછો હશે તો ખેત તલાવડી પૂરી ભરાશે નહિ. ખૂબ વધારે તીવ્રતા વાળા વરસાદથી જમીનનું ધોવાણ થશે અને માટીનો કાંપ ખેત તલાવડીમાં જમા થઈ તેની સંગ્રહ ક્ષમતા ઘટાડશે.
તળાવની ડિઝાઈન બનાવવા માટે કેચમેન્ટ વિસ્તાર, વરસાદ અને પાણીના વહેણની આવક વચ્ચેનો સંબંધ, પાણીની જરૂરિયાત, અનુશ્રવણ અને બાષ્પીભવન વ્યયનો અભ્યાસ કરવો જરૂરી છે. ખેત તલાવડીની ડીઝાઈન માટે નીચેના પરિમાણોની જરૂરી પડે છે.
ખેત તલાવડીની ક્ષમતાનો આધાર પાણીના જરૂરિયાતનો હેતુ અને ઋતુ દરમ્યાન મળી શકતા વરસાદના વહેણ પર તેમજ અનુશ્રવણ અને ઝમણ દર પર પણ આધાર રાખે છે. કેચમેન્ટ વિસ્તારની જમીનના પ્રકાર પ્રમાણે તલાવડીમાં કેટલો કાંપ ઠલવાશે અને આ કાંપ પણ તલાવડીની ક્ષમતામાં ઘટાડો કરી શકે છે. સામાન્ય રીતે એક કે બે પ૦ મિ.મી. કે તેથી ઓછા પાણીની સિંચાઈ આ ખેત તલાવડીમાંથી મેળવી શકાય છે. સામાન્ય રીતે એક અંદાજ પ્રમાણે કાંપને કારણે ખેત તલાવડીની ક્ષમતાનો ઘટાડો પ થી ૧૦ % ગણવામાં આવે છે. રેતાળ અથવા નબળી પ્રત વાળી જમીનનો ઝમણ દર વધારે (૧૦ સે. મી./કલાક થી વધારે હોય છે અને તેમાં પાણીનો વ્યય ૫૦ થી ૬૦ % થાય છે. આ પ્રકારની જમીનમાં ખેત તલાવડીની ક્ષમતાની ડિઝાઈન બનાવતી વખતે ખરેખર પાણીની જરૂરિયાતની સાથે અનુશ્રવણ વ્યય (૪૦-૫૦%) તેમજ બાષ્પિભવન વ્યય (પ %)ને પણ ગણતરીમાં લેવામાં આવે છે.
ખેત તલાવડી સામાન્ય રીતે ત્રણ પ્રકારના આકારની બનાવવામાં આવે છે. (૧) ચોરસ (૨). લંબચોરસ અને (૩) ઊંધા શંકુઆહાર. સામાન્ય રીતે ચોરસ અને લંબચોરસ વધારે અનુકુળ રહે છે. આર્થિક રીતે જોઈએ તો ચોરસ આકારની તલાવડી લંબચોરસ કરતાં વધારે અનુકુળ રહે છે.
ખેત તલાવડીની ઊંડાઈ સામાન્ય રીતે જમીનની ઊંડાઈ પર આધાર રાખે છે. અર્ધ-શુષ્ક પ્રદેશોમાં બાષ્પીભવન વ્યય તળાવની ઊંડાઈ વધારવાથી ઘટાડી શકાય છે. તલાવડીની ઊંડાઈ વધારવાથી અનુશ્રવણ વ્યય પણ વધારે થાય છે. સામાન્ય રીતે ખેત તલાવડીની ઊંડાઈ .૫ થી ૩.૫ મી. તેમજ બાજુઓનો ઢાળ ૧.પ:૧ રાખવામાં આવે છે.
ઈનલેટ ચેનલ એ રીતે બનાવવામાં આવે છે કે જેથી વરસાદને કારણે કેચમેન્ટ વિસ્તારમાંથી જે પાણીનું વહેણ મળે તે તલાવડી સુધી સરળતાથી પહોંચી શકે. ઈનલેટ ચેનલ ઢાળની દિશામાં બનાવવામાં આવે છે. ધોવાણ અટકાવવા માટે ચેનલમાં ઘાસ ઉગાડવામાં આવે છે તેમજ પથ્થર જડવામાં આવે છે જેના કારણે તલાવડીમાં કાંપ જતો અટકાવી શકાય છે તેમજ પાણીના પ્રવાહને નિયંત્રિત કરી તલાવડી પાણીથી ભરી શકાય છે. ખેત તલાવડીના વધારાના પાણીની નિકાલ વ્યવસ્થા (આઉટલેટ/વેસ્ટ વિચર)
જયારે ખેત તલાવડી તેની ક્ષમતા મુજબ પૂર્ણ ભરાય જાય ત્યારે વધારાના પાણીના નિકાલ માટે આઉટ લેટ વેસ્ટ વિયર બનાવવામાં આવે છે. આઉટલેટવેસ્ટ પાણીનો ફલો ધીમો, એકસરખો અને ધોવાણ ન થાય તે રીતનો હોવો જોઈએ. આઉટલેટનું સ્થાન ઈનલેટની ઊંચાઈ કરતાં થોડું નીચું (૧૫ થી ર૦ સે.મી.) હોવું જોઈએ. ચેનલનું ધોવાણ અટકાવવા માટે તેના પર પથ્થર જડવા જોઈએ.
ખેત તલાવડીમાં પાણીનું ઝમણ અને અનુશ્રવણ અટકાવવા માટે તળિયામાં લાઈનિંગ કરવામાં આવે છે જેથી લાંબા સમય માટે પાણીનો સંગ્રહ કરી શકાય અને પાકની કટોકટીની અવસ્થામાં સિંચાઈ આપી શકાય. હલકુ પ્રત ધરાવતી જમીનમાં માટીની સરખામણીમાં રેતીનો ભાગ વધારે હોવાથી પાણીનો ઝમણ દર વધારે હોય છે. માટીથી લઈને રેતાળ જમીનમાં પ્રતિ દિવસ ૧૦.૩૬ થી ૯૦.૬૫ સેમી પાણીની સપાટીનો ઘટાડો ઝમણ અને બાષ્પીભવનને કારણે જોવા મળે છે.
સિમેન્ટ સાથે ઈંટો અને પથ્થરો દ્વારા તલાવડીના તળિયે લાઈનિંગ કરવામાં આવે તો શરૂઆતમાં ખર્ચ વધારે થાય છે પરંતુ તે કાયમી ઉકેલ છે અને ઝમણ દ્વારા થતો પાણીનો વ્યય અટકાવી શકાય છે. અત્યારે લાઈનિંગ માટે લેટેસ્ટ ટેકનોલોજીમાં પોલીઈથીલીનની શીટ ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહી છે. પરંતુ વધારે આયુષ્ય માટે તેની જાડાઈ યોગ્ય પસંદ કરવામાં આવે છે જેનું આયુષ્ય ૫ થી ૧૦ વર્ષ હોય છે. સામાન્ય રીતે અત્યારે પ00 માઈક્રોનની HDPE ફિલ્મ ૩ થી ૪ મી. ઊંડાઈના તળાવ માટે વાપરવામાં આવે છે.
એક ઘનમીટર પાણી સંગ્રહ કરવા માટેનો એકમ ખર્ચ જેમ ખેત તલાવડીની ક્ષમતા વધારવામાં આવે તેમ ઘટે છે. ઊંધા શંકુ આકારની ખેત તલાવડી માટે સપાટીનો વિસ્તાર વધારે હોવાથી લાઈનિંગ મટીરિયલની જરૂર ચોરસ કે લંબચોરસ આકાર કરતાં વધારે પડે છે. તેમજ તેમજ ચોરસ કે લંબચોરસ આકારમાં લાઈનિંગ મટીરિયલ સરળતાથી પાથરી શકાય છે.
સ્ત્રોત : નવેમ્બર-૨૦૧૪, વર્ષ :૭, સળંગ અંક :૭૯૯, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020