অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સજીવાતોના અસરકારાક નિયંત્રણ માટેના પગલાં

સજીવાતોના અસરકારાક નિયંત્રણ માટેના પગલાં

  1. અસરકારક જીવાત નિયંત્રણની વિવિધ પધ્ધતિઓ :
  2. કર્ષણ પધ્ધ્તિ :
    1. શેઢાપાળા / ખેતરની ચોખ્ખાઇ / ઊંડી ખેડ :
    2. જીવાત સામે પ્રતિકાર શક્તિ ધરાવતી જાતોની પસંદગી :
    3. સારા કહોવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ :
    4. બીજ માવજત :
    5. વાવણી / રોપણીના સમયમાં ફેરફાર
    6. પિંજરપાક /આંતરપાક પધ્ધ્તિ :
    7. ખાતર/પાણીનું નિયમન :
    8. ભૌતિક પધ્ધ્તિ :
    9. ફેરોમોન ટ્રેપ :
  3. સ્ટિકી ટ્રેપ :
  4. પક્ષીના ટેકા :
    1. યાંત્રિક પધ્ધતિ :
    2. જૈવિક નિયંત્રણ પધ્ધ્તિ :
    3. કાનૂની પધ્ધ્તિ :
    4. વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ :
  5. રાસાયણિક જંતુનાશક દવાઓ :
    1. દવાની પસંદગી :
    2. દવાનું યોગ્ય પ્રમાણ :
    3. એક સાથે વધુ દવાઓ ભેગી કરવી નહી :
    4. પંપની પસંદગી :
    5. પુરતા પ્રમાણમાં પાણીના વપરાશનો જથ્થો :
    6. દવામાં સ્ટિકરનો ઉપયોગ :
    7. દવા છંટકાવનો સમય :
    8. દવા છંટકાવ કરનારની કુશળતા :
    9. દવા છંટકાવની પધ્ધ્તિ :

અસરકારક જીવાત નિયંત્રણની વિવિધ પધ્ધતિઓ :

કર્ષણ પધ્ધ્તિ :

શેઢાપાળા / ખેતરની ચોખ્ખાઇ / ઊંડી ખેડ :

અગાઉના વર્ષોમાં ગામડાઓમાં ઉનાળામાં જયારે પાક ઊભા ન હોય ત્યારે આવતા (પછીના) વર્ષની પૂર્વ તૈયારી રુપે ખેતરોમાં ઊંડી ખેડ કરવામાં આવતી તેમજ ખેતરમાં અને શેઢાપાળા ઉપર ઉગેલુ નકામુ કચરું (નીંદણ) નાશ કરવામાં આવતું. આ કામગીરીને લીધે અનેક જીવાતોના ઇંડા , કોશેટા કે જે જમીનમાં મૂકાયેલા હોય તેનો નાશ થવાથી જીવાતોનો ઉપદ્રવ ઓછો થતો દા.ત.(1) કાતરા / તીતીઘોડા / ખપૈડીનો ઉપદ્રવ ઘટે  (2) ડાંગરના જડીયાં વીણી નિકાલ કરવાથી ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે (3) વાડીમાં નીચે પડેલાં ફળો વીણી નાશ કરવાથી ફળમાખીનો ઉપદ્રવ ઘટે.

જીવાત સામે પ્રતિકાર શક્તિ ધરાવતી જાતોની પસંદગી :

સરકાર દ્વારા આયોજીત કૃષિ મહોત્સવ , અનેક ખેડૂતોપયોગી કાર્યક્રમો દ્વારા આધુનિક ખેતી અંગેનું માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવી રહ્યુ છે તેમાં જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોની પસંદગી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. આપણામાં કાહેવત છે કે ‘વાવો તેવું લણો’ એટલે કે સારી ગુણવત્તા ધરાવતી જાતની પસંદગી કરવાથી નુકશાન અટકાવી શકાય છે.

સારા કહોવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ :

ગામડામાં મોટે ભાગે છણિયા ખાતર્ના ઉકરડા જોવામાં આવે છે. તેમાં 50 % રાડા (કચરુ) હોય છે.આવુ છાણિયુ ખાતર ખેતરમાં નાખવામાં આવે તો ઊધઇનો ઉપદ્રવ થતો હોય છે.સારા કહોવાયેલા છાણિયા ખાતર અને ખોળનો ઉપયોગ કરવાથી ઊધઇનો ઉપદ્રવ નિવારી શકાય છે.

બીજ માવજત :

બજારમાં મળતા પ્રમાણિત બિયારણોને બીજ માવજત આપીને વેચાણ કરવામાં આવતા હોય છે.પરંતુ ઘણી વખત ખેડૂતો સમયસર સારી ગુણવત્ત્તાવાળુ બિયારણ સંજોગોવસાત ખરીદી શકતા નથી ત્યારે પોતાની પાસે ઘરમાં જે બીજ હોય તેનો ઉપયોગ કરતા હોય છે જેથી જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે .બીજ માવજત આપવાથી ચુસિયાં પ્રકારની જીવાતોથી થતા નુકસાનને ઓછા ખર્ચે અટકાવી શકાય છે દા.ત. કપાસ અને ભીંડાના બિયારણને ઇમીડાકલોપ્રીડ 70 ડબલ્યુ એસ (7.5 ગ્રામ/કિલો બીજ)ની માવજત આપી વાવવાથી શરુઆતની અવસ્થામાં નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતોથી રક્ષણ મળે છે.

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે મોટે ભાગે ખેડૂતો રાસાયણિક જંતુ નાશક દવાઓ જંતુ માત્ર વિકલ્પ સમજતા હોય છે અને મોઘી દવાઓથી જ સારુ નિયંત્રણ થાય તેવી માન્યતાને આધારે દવાઓનો વધુ પડતો ખર્ચ કરતા હોય છે તેથી ખેતી ખર્ચમાં વધારો થતાં આર્થિક ફાયદો થતો નથી .અસરાકારાક જીવાત નિયંત્રણ માટે જીવાત અને તેનાથી થતા નુકસાનની ઓળખ ,જીવાતની નુકસાન કરતી અવસ્થા ,નુકસાન કરતી રીત વગેરે માહીતિ મેળવી સંકલિત કીટ નિયંત્રણ પધ્ધ્તિ એટલે કે કર્ષણ પધ્ધ્તિ , ભૌતિક પધ્ધ્તિ , યાંત્રિક પધ્ધ્તિ ,જૈવિક પધ્ધ્તિ ,કાનૂની પધ્ધ્તિ અને રાસાયણિક પધ્ધ્તિ પૈકી શકય પધ્ધ્તિનો સમન્વય કરી જીવાતની વસ્તી તેની આર્થિક સમ્ય્માત્રા કરતા નીચે રાખવાના પ્રયત્નો કરવામાં આવે તો ઓછો ખર્ચ જીવાતનું અસરકારક નિયંત્રણ કરી શકાય .

વાવણી / રોપણીના સમયમાં ફેરફાર

જે તે પાકમાં નુકશાન કરતી જીવાતોનો વધુ ઉપદ્રવ કયારે થાય છે તેને ધ્યાને લઇ પાકની વાવણી / રોપણી કરવામાં આવે તો જીવાતથી થતું નુકસાન અટકાવી શકાય છે.

  1. દિવેલાની વાવણી ઓગષ્ટના બીજા પખવાડિયામાં કરવાથી ઘોડિયા ઇયળના ઉપદ્રવથી પાકને બચાવી શકાય છે.
  2. રાયડાની વાવણી 10 થી 25 ઓકટોમ્બર ની વચ્ચે કરવાથી મોલોનો ઉપદ્રવ ઓછો થાય છે.
  3. બાજારી અને જુવારના પાકની શરુઆતની અવસ્થાએ સાંઠામાખીથી નુકશાન થતુ હોય છે ચોમાસાનો પ્રથમ વરસાદ થયે સમયસર વાવેતર કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

પિંજરપાક /આંતરપાક પધ્ધ્તિ :

  • તમાકુના પાકમાં નુકસાન કરતી સ્પોડોપ્ટેરા (પાન ખાનારી ઇયળ) ના નિયંત્રણ માટે તમાકુની ફરતે પિંજરપાક તરીકે દિવેલા વાવવાથી આ જીવાતનું નુકસાન અટકાવી શકાય છે.
  • કોબીજની 10 થી12 લાઇન પછી રાયડાનો એક ચાસ વાવવાથી હીરાફૂદીનો ઉપદ્રવ ઘટે છે.
  • કપાસ / ટામેટાના ખેતરમાં 10 ચાસ દીઠ એક ચાસ હજારીગોટા રોપવાથી લીલી ઇયળનો ઉપદ્રવ ઘટે છે.

ખાતર/પાણીનું નિયમન :

  1. ડાંગરના પાકમાં સુપરફોસ્ફેટ આપવાથી મૂળના ચાંચવાનો ઉપદ્રવ ઘટે છે.
  2. પાકમાં નાઇટ્રોજનયુકત ખાતરનો નિયંત્રિત ઉપયોગ કરવાથી મોલો ,તડતડિયાં , સફેદમાખીનો ઉપદ્રવ ઘટે છે.
  3. વરિયાળી , કપાસ ,જીરુરિયાત મુજબ પિયત આપવાથી થ્રિપ્સની વસ્તીનું નિયંત્રણ થાય છે.
  4. શેરડીમાં નાઇટ્રોજનયુકત ખાતર /પાણીનું નિયમન કરવાથી સફેદમાખીનું નિયંત્રણ થાય છે.

ભૌતિક પધ્ધ્તિ :

  1. ચોમાસાની શરુઆતમાં ખેતરમાં પ્રકાશપિંજર /રાત્રે તાપણાં કરવાથી કાતરા , લીલી ઇયળ , લશ્કરી ઇયળના ફૂદાનું તેમજ ડોળના ઢાલિયાંનું નિયંત્રણ કરી શકાય છે.
  2. કપાસના બીજને ઉનાળામાં તડકે તપાવવાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઓછો થાય છે.
  3. અનાજને સંગ્રહતા પહેલા ત્રણ-ચાર દિવસ સૂર્યના તાપમાં તપાવી ઠંડા પાડી કોઠારમાં સંગ્રહ કરવાથી ધનેરા/ચાંચવાનો ઉપદ્રવ ઘટે છે.

ફેરોમોન ટ્રેપ :

કાબરી ઇયળ , લશ્કરી ઇયળ , ગુલાબી ઇયળ , લીલી ઇયળ , રીંગણીની ડૂંખ અને ફળ કોરનારી ઇયળ, હીરાફદાની ઇયળ વગેરે માટે દરેકના ફેરોમોન ટ્રેપ કે જે બજારમાં ઉપલબ્ધ છે તે હેકટરે 40 ની સંખ્યામાં ગોઠવવાથી તેમાં નર ફૂદાં આકર્ષાઇ તેનો નાશ થતાં ઇયળોની વસ્તીમાત્રા ઘટે છે.

સ્ટિકી ટ્રેપ :

મોલો-મશી , સફેદમાખીની જીવાતના ઉપદ્રવના અનુમાન માટે થોડી સંખ્યામાં ચિકાશવાળા બોર્ડ ખેતરમાં ગોઠ્વવામાં આવે તો પોચા શરીરવાળી જીવાતો ચોટી જતાં તેનું નિયંત્રણ થાય છે.

પક્ષીના ટેકા :

પાકની અંદર થોડા થોડા અંતરે ‘ટી’ આકારના (T) ના પક્ષીઓ માટેની બેઠકો ગોઠવવામાં આવે તો પક્ષીઓ તેની ઉપર બેસી પાકની અંદરની ઇયળો ખાઇને નિયંત્રણ કરે છે.

યાંત્રિક પધ્ધતિ :

  1. રીંગણ અને ભીંડામાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે કરમાયેલા ડૂંખોને તોડી ઇયળ સહિત નાશ કરવો.
  2. લશ્કરી ઇયળનું નુકસાન અટ્કાવવા ઇડાંના સમુહો કે નાની ઇયળોના સમૂહો કે જે પાનની નીચેની બાજુએ હોય છે તેવા પાન વીણી તેનો નાશ કરવો.
  3. મોટી લશ્કરી ઇયળો રાત્રિના સમયે બહાર આવી ખાતી (નુકસાન કરતી) હોવાથી દિવસે ખેતરમાં ઘાસની ઢગલીઓ કરી સંતાયેલ ઇયળોને બીજે દિવસે ઇયળો સહિત તેનો નાશ કરવો.
  4. નાળિયેરીના થડ ઉપર 30 સે.મી. પહોળા પતરાની શંકુ આકારની ઝાલર લગાડવાથી ઉંદરનું નુકસાન અટકાવી શકાય છે.

જૈવિક નિયંત્રણ પધ્ધ્તિ :

ખેતીપાકોમાં જોવા મળતા ઘણા કીટકો ફાયદાકારક પણ હોય છે. જે ખેડૂતમિત્રો જાણતા ન હોઇ તેને પણ નુકશાનકારાક જીવાતો સમજી દવાઓનો છંટકાવ કરતા હોય છે.આથી ફાયદાકારક કીટકોનો પણ નાશ થાય છે.

કોઇપણ નુકસાનકારક સજીવના નિયંત્રણ માટે અથવા તો તેની વસ્તી પર કાબૂ મેળવવા માટે જયારે અન્ય સજીવનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને જૈવિક નિયંત્રણ કહે છે.

પરજીવી કીટકો કે જે યજમાન કીટકોના શરીરની અંદર કે બહાર રહીને પોતાની કોઇ એક કે વધુ અવસ્થા પસાર કરે તેવા કીટકને પરજીવી કીટક કહે છે જેમાં ટ્રાઇકોગ્રામા ભમરી કે જે ફૂદાં અને પતંગિયાના ઇડાંનું પરજીવીકરણ કરી જીવાતનું નિયંત્રણ કરે છે. કપાસના પાકમાં જીંડવાં કોરી ખાનાર ઇયળો (લીલી ઇયળ ,કાબરી ઇયળ , ગુલારી ઇયળ ) શેરડીંના વેધકો ,લશ્કરી ઇયળ , ડાંગરની ઇયળ , ગાભમારાની ઇયળ વગેરે જીવાતોના નિયંત્રણ માટે ટ્રાઇકોગ્રામા ભમરીનો ઉપયોગ થાય છે.

પાકમાં નુકશાન કરતી જીવાતોના નિયંત્રણ માટે કુદરતે અદ્દભુત વ્યવસ્થા ગોઠવી છે. કુદરતમાં રહેલ પરજીવી અને પરભક્ષી કીટકો , પરભક્ષી પ્રાણીઓ તથા જુદા જુદા રોગકારકો (જીવાણુ , ફૂગ , વિષાણુ , કૃમિ) કુદરતી રીતે જ નિયંત્રણ કરતા હોય છે. આવા ઉપયોગી કીટકોને ઓળખી જીવાતોનું નિયંત્રણ કરવામાં આવે તો જંતુનાશક દવાઓની ઓછી જરુરિયાત ઉભી થાય.

કાનૂની પધ્ધ્તિ :

કાનૂની પધ્ધ્તિમાં એક રાજયમાંથી બીજા રાજયમાં અથવા તો અન્ય વિસ્તારમાં ખેતી પાકને નુકસાન કરતી જીવાતો અથવા રોગ પ્રવેશ ન કરે તે માટે કાયદાકીય જોગવાઇ (પ્લાન્ટ કોરેન્ટાઇન નિયમો) હોય છે તેનો અમલ કરવામાં આવે તો પણ ઘણા રોગ-જીવાતનો ફેલાવો થતો અટકાવી શકાય છે.

વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ :

ઘણી જાતની વનસ્પતિમાં કીટકનાશક ગુણધર્મો રહેલા છે જેમકે , લીમડો , તમાકુ , કરંજ , સીતાફળ , નફફટીયો , અરણી , નેપાળો , કુંવારપાઠું , કરેણ વગેરે અગત્યના કીટકનાશક ગુણધર્મવાળા છોડ છે.

  1. તમાકુના ઉકાળાના છંટકાવથી લીલી ઇયળ, લશ્કરી ઇયળ , સફેદમાખી , મોલોમશી , લીંબુના પાનકોરીયાનું અસરકારક નિયંત્રણ થાય છે.
  2. લીંબોળીના તેલનું 0.5 થી10% પ્રવાહી મિશ્રણ +0.1% સાબુનું દ્રાવણ ચૂસિયાં પ્રકારની જીવાતો અને ઇયળો સામે અસરકારક જણાયેલ છે.
  3. લીંબોળીના મીંજના પ્રવાહી મિશ્રણનો છંટકાવ કીટકોને દૂર ભગાડે છે(રીપેલન્ટ તરીકે), વૃધ્ધિ નિયંત્રણ કરે છે (ગ્રોથ રેગ્યુલેટર તરીકે ), પ્રજનન ક્ષમતા ઘટાડે છે (ઇડાંની સંખ્યા ઘટે), છંટકાવ કરેલ વનસ્પતિને જીવાત ખાવાનું ટાળે છે (એન્ટિફીડન્ટ તરીકે).

રાસાયણિક જંતુનાશક દવાઓ :

કોઇપણ જીવાત માટે કીટનાશક દવાનો ઉપયોગ કરતા પહેલાં જે તે જીવાતનો પ્રકાર , તેની નુકસાન કરવાની રીત ,પાકનો પ્રકાર , પાકની અવસ્થા અને વાતાવરણના પરીબળોને ધ્યાને લઇ યોગ્ય કીટનાશક દવાની પસંદગી કરવી જોઇએ . નીચેના મુદ્દાઓને ધ્યાને લઇ દવાઓનો છંટકાવ કરવામાં આવે તો સારી રીતે અને અસરકારક નિયંત્રણ થઇ શકે.

દવાની પસંદગી :

મોટા ભાગના ખેડૂતો દવાની પસંદગી જીવાતને ધ્યાને રાખીકરતા હોતા નથી. સીધા જ એગ્રોસેન્ટર અથવા તો દુકાનદારનો સંપર્ક કરતા હોય છે અને વેપારી જે દેવાઓ આપે તે ખરીદી કરતા હોય છે જે બરાબર નથી. પાકમાં નુકસાન કરતી જીવાતો મુખ્યત્વે બે પ્રકારના મુખાંગો ધરાવે છે, જેમ કે મોલો-મશી , તડતડિયાં , સફેદમાખી , મીલીબગ જેવી જીવાતો વેધી-ચૂસી પ્રકારના મુખાંગો ધરાવે છે , જયારે ફદાં , પતગિયાંની ઇયળો , ઢાલિયાં , ખપૈડી અને તીતીઘોડા જેવી જીવાતો ચાવીને ખાવાના મુખાંગો ધરાવે છે. ચૂસીને ખાનારી જીવાતો ચાવીને ખાવાના મુખાંગો ધરાવે છે. ચુસીને ખાનારી જીવાતો માટે શોષક પ્રકારની અને ચાવીને ખાનાર જીવાતો માટે સ્પ્રર્શધ્ન અને જઠરવિષ ની ભલામણ કરવામાં આવે છે. બધા જ કિસ્સામાં આ શકય ન પણ બને. ઘણી વખત કોઇ એક દવા એક કરતાં વધુ પ્રકારે જીવાતનો નાશ કરે. બજારમાં ઓર્ગોનોકલોરિન ઓર્ગેનોકલોરીન , ઓર્ગેનોફોસ્ફેટ ,કાર્બામેટ ,સિંથેટિક પાયરેથ્રોઇડ , નિયોનિકોટીનોઇડ , બેન્ઝોલ ફીનાઇલ યુરિયા, પાયરોલ , કિવનાઝોલ , ઓર્ગેનો સલ્ફર, ફિનાઇલ પાયરાઝોલ , થાયોયુરિયા ,જીવાણુ આધારિત કીટનાશક , ફૂગ આધારિત કીટનાશક , વિષાણું આધારિત કીટનાશક ગૃપની દવાઓ મળતી હોય છે.તેથી જીવાત નિયંત્રણમાં જે તે કીટનાશક દવાની પસંદગીમાં શકય તેટલાં બધા જ પાસાઓનો અભ્યાસ હોવો જરૂરી છે.

દવાનું યોગ્ય પ્રમાણ :

ખેડૂત મિત્રો દવાના છંટકાવ વખતે દવાનું પ્રમાણ વેપારીના જણાવ્યા પ્રમાણે કરતાં હોય છે. ખરેખર જે તે જીવાત માટે ભલામણ થયેલા દવા અને તેનું પ્રમાણ પ્રમાણે જ દવા છંટકાવ માટે વાપરવી . દવાઓનો વધારે જથ્થો વાપરવો નહિ . તેનાથી જીવાતમાં પ્રતિકારક શક્તિ પેદા થાય અને જીવાતનું નિયંત્રણ થાય નહી.

એક સાથે વધુ દવાઓ ભેગી કરવી નહી :

જંતુનાશક દવાઓ અલગ અલગ રાસાયણિક બંધારણ ધરાવે છે તેથી આડેધડ ગમે તે દવાઓ મિશ્ર કરી છાંટી શકાય નહી. તેમ છતાં ખેડૂતમિત્રો માહિતીના અભાવે અથવા તો સમય બચવવા અથવા તો એક સાથે વધુ દવાઓ મિશ્ર કરવાથી બધી જ જીવાતોનું નિયંત્રણ થઇ જાય તેવી માન્યતાને લીધે આમ કરતા હોય છે જે બરાબર નથી. આડેધડ દવાઓ મિશ્ર કરવાથી ઘણીવાર તેના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે . કેટલીકવાર જંતુનાશક દવાઓ ટાંકીમાં ગંઠાઇ જાય છે અથવા તો દવાના સક્રિય તત્વો પ્રવાહી મિશ્રણમાંથી જુદા તરી આવી ટાંકીના તળીયે બેસી જતા હોય છે અને દવાની અસરકારકતામાં ઘટાડો જોવા મળે છે. ઘણીવાર પાકમાં પાનની ધારો બળી જવી , પાન લાંબા થઇ જવા કે છોડના વિવિધ કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે . તેથી આડેધડ દવાઓ ભેગી કરવી જોઇએ નહી.

પંપની પસંદગી :

દવા છાંટવા માટે ખેડૂત પાસે જે પંપ હોય તેનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ શકય હોય ત્યાં સુધી જંતુનાશક અને નીંદણનાશક દવાના છંટકાવ માટે અલગ અલગ પંપ વાપરવા જોઇએ . પંપને વાપરતા પહેલાં બરાબર સાફ કરવો જોઇએ . પંપનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં પ્ર્રેસર બરાબર આવે છે કે કેમ ? નોઝલનો ફુવારો બરાબર છે કે કેમ ? તે ચેક કર્યા પછી જ પંપનો દવા છાંટવા માટે ઉપયોગ કરવો જોઇએ.

પુરતા પ્રમાણમાં પાણીના વપરાશનો જથ્થો :

દવાના છંટકાવ માટે જરુરી પાણીનો જથ્થો ખેડૂતો વાપરતા નથી . બે ત્રણ પંપમાં છંટકાવ પુરો કરી દે છે જે બરાબર નથી . કોઇપણ પાક ઉપર દવાનો છંટકાવ કરવાનો હોય તે છોડ બધી જ રીતે બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો જોઇએ . દરેક પાકમાં વૃધ્ધિ પ્રમાણે પાણીનો જરુરી જથ્થો બદલાય . આ માટે પંપમાં પાંચ લિટર પાણી લઇ ખેતરની અંદર છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરો . જેટલા વિસ્તારમાં કેટલી દવાની જરુરિયાત ઊભી થશે તે પણ જાણી શકાશે . આમ જરુરી પાણીનો જથ્થો જાણી દવાનો છંટકાવ કરવામાં આવે તો જ અસરકારક પરિણામ મળે.

દવામાં સ્ટિકરનો ઉપયોગ :

કોઇપણ પાક ઉપર દવાનો છંટકાવ કરવામાં આવે ત્યારે  છોડ ઉપર દવા ચોંટી જાય તે માટે પંપની અંદર 1 લિટર પાણીએ 1 ગ્રામ પ્રમાણે ડીટરજન્ટ પાઉડર ઉમેરવો . ખાસ કરીને લીમડાનું તેલ અથવા તો મીલીબગના નિયંત્રણ વખતે ડીટરજન્ટ પાઉડર ઉમેરવો ખાસ આવશ્યક છે જે સસ્તો અને અસરકારક છે.

દવા છંટકાવનો સમય :

દવાનો છંટકાવ ખાસ કરીને પાકમાં આવેલ જીવાતનું નુકસાન ક્યારે થાય છે તે જાણ કરવામાં આવે તો દવાની અસરકારકતા વધે છે દા.ત. પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) રાત્રે નુકસાન કરતી હોય છે તેથી આ જીવાતના નિયંત્રણ માટે સાંજના સમયે દવાનો છંટકાવ કરવાથી સારુ પરિણામ મળે છે . વિશેષમાં જયારે મધમાખી જેવા પરાગનયનમાં ઉપયોગી કીટકોની અવરજવર વધારે હોય ત્યારે દવાનો છંટકાવ ટાળવો જોઇએ.

દવા છંટકાવ કરનારની કુશળતા :

દવાનો છંટકાવ માટે વ્યક્તિની પસંદગી એવી કરવી જોઇએ કે જે આપણી સુચનાઓનો અમલ કરે . બરાબર દવા પંપમાં મિશ્ર કરી , છોડ બધી જ રીતે ભીંજાય તે રીતે દવાનો છંટકાવ કરે તે ખાસ જરુરી છે.

દવા છંટકાવની પધ્ધ્તિ :

ખેડૂતો દવાનો છંટકાવ મોટે ભાગે એક સાથે બે લાઇનો લઇ સર્પાકારે કરતા હોય છે અને ટોચ ઉપર જ છંટકાવ થતો હોય છે . આમ આખો છોડ ભીંજાતો ન હોઇ દવાની અસરકારકતા થતી નથી . એક જ લાઇન લઇ આખો છોડ બરાબર ભીંજાય તે રીતે આખા ખેતરમાં દવાનો છંટકાવ થાય તે જરુરી છે .

ઉપરોકત બાબતોને ધ્યાને લઇ જીવાત નિયંત્રણના પગલાં બધા જ ખેડૂતો અપનાવે તો ચોકકસ પણે જીવાતોનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ કરી શકાય .

સ્ત્રોત :ડૉ.બી.એચ.પટેલ , ડૉ.ડી.એમ.કોરાટ , ડૉ.મનીષ આર.ડાભી - વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી , આણંદ કૃષિ યુનિવર્સિટી , આણંદ – 388110

કૃષિગૌવિદ્યા માર્ચ-2016 વર્ષ : 68 અંક : ૧૧ સળંગ અંક : 815

કોલેજ ઓફ ઍગ્રીકલ્ચરલ ઇંન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate