অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના મુખ્ય ઘટકો વિષે જાણો

ખેતી કાર્યો :

સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિમાં ખેતરમાં સમયે-સમયે થતાં ખેતી કાર્યો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં વિવિધ ખેતી  કાર્યો દ્વારા ખેતરમાં એવું વાતાવરણ તેયાર કરવામાં આવે છે, કે જે જીવાતો/રોગોના ઉપદ્રવ તથા એમના જીવનક્રમને ઓછામાં ઓછું ઉપયોગી થાય. આ પદ્ધતિમાં ઉનાળામાં ઊંડી ખેડ, પાકના અવશેષો અને જડીયાં વીણીને નાશ કરવો. વાવણી પહેલા ખેતરની સારી તૈયારી, યોગ્ય બીજ, પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોની પસંદગી કરવી. પાણીનો યોગ્ય નિકાલ, જૈવિક ખાતર તથા સૂક્ષ્મ તત્વોનો સંતુલિત ઉપયોગ, બીજ માવજત, બે છોડ વચ્ચે પુરતુ  અંતર, પાકની કાપણી યોગ્ય રીતે, પાણીનો યોગ્ય ઉપયોગ તથા પિંજર પાકની વાવણીનો સમાવેશ થાય છે.

યાંત્રિક પદ્ધતિ :

આ પદ્ધતિમાં પ્રકાશ  પિજર અથવા ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવાનો હોય છે.

પ્રકાશ પિજર : પ્રકાશ પિંજર એક યાંત્રિક પદ્ધતિ છે જેના દ્રારા પાકને હાનિકારક જીવાતોનો નાશ કરવામાં આવે છે. જે જીવાત ‘નિશાચર’ હોય છે તે પ્રકાશ તરફ આકર્ષાય છે. આ રીતે તેમને આકર્ષિત કરીને ઉપદ્રવ ઘટાડવામાં આવે છે. લાઈટનો બલ્બ રાત્રે ચાલુ કરીને તેની નીચે એક મોટા વાસણમાં પાણીની સાથે કેરોસીન અથવા જંતુનાશક દવા ભેળવી મૂકવામાં આવે છે જેથી જીવાત તેમાં પડીને મરી જાય છે. આ પ્રકારે જો બધા જ ખેડૂતો મળીને  સામૂહિક ધોરણે આ પ્રયાસ અપનાવે તો જીવાત પર નિયંત્રણ કરી શકાય છે.

  • ધૈણ (ડોળ)ના પુખ્તને પકડવા : રાત્રિના સમયે ધૈણ (ડોળ) ના પુખ્તને લીમડા, બોરડી સરગવાના ઝાડ પરથી ખંખેરીને અથવા પ્રકાશ પિંજર મૂકી  આકર્ષને નિયંત્રિત કરવામાં આવે છે.
  • ઉપદ્રવિત છોડ/ભાગનો નાશ કરવો : આ પદ્ધતિ ખાસ કરીને ડૂંખો, ફળ અને થડ કોરનાર જીવાત સામે ઉપયોગી સાબિત થયેલ છે. આ પદ્ધતિમાં  જૂન અને ઓક્ટોબર મહિનામાં શેરડીના થડ કોરનાર જીવાતથી ઉપદ્ધવિત સાંઠાનો નાશ કરવામાં આવે છે તેમજ શેરડીની કાપણી બાદ તેના પાન પણ નાશ મુખ્ય જૈવિક નિયંત્રકો કરવામાં આવે છે. શાકભાજીના પાકોમાં પણ ઉપદ્રવિત ફળો અને ડૂંખોને તોડીને નાશ કરવામાં આવે છે તેમજ શેરડીની કાપણી બાદ તેના પાન નાશ કરવામા આવે છે.

ફેરોમેન ટ્રેપ (ગંધપાસ) : ફેરોમેન ટ્રેપ દ્રારા પાકની મુખ્ય જીવાતોના નરને માદા જીવાત જેવી ગંધ (કાર્બીનિક રસાયણ)ની લાલચ આપી આકર્ષીને નાશ કરવામાં આવે છે. આ  પદ્ધતિમાં ફક્ત પુખ્ત કીટકોને નષ્ટ કરી શકાય છે. આ પ્રક્રિયાથી જીવાતની મોજણી પણ કરી શકાય છે અને તેમની સંખ્યા અનુસાર બીજી પદ્ધતિઓ  દ્વારા તેમનું નિયંત્રણ પણ થઈ શકે છે. આ પ્રક્રિયામાં જીવાતની માદા દ્વારા છોડવામાં આવતી ગંધના જેવી ગંધવાળુ લ્યુર લગાવીને નર જીવાત (કીટકો)ને આકર્ષી શકાય છે. ગંધથી નર કીટકો ઉત્તેજીત થઈ ટ્રેપ પાસે જાય છે અને તેમાં ફસાઈ જાય છે.

જૈવિક નિયંત્રણ : આ પદ્ધતિમાં જીવાતોના કુદરતી દુશ્મનો (પરજીવી/પરભક્ષી)નો પ્રયોગશાળામાં મોટા પાયે ઉત્પાદન કરી જીવાત નિયંત્રણ માટે યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે છે જેમાં હાનિકારક જીવાતના ઈંડા, ઈયળો તથા પુખ્તોનો નાશ કરી શકાય છે. જૈવિક નિયંત્રણ માટે ખેડૂતોને હવામાન, પાક, જીવાત,  પરભક્ષી/પરજીવી અને સલામત કૃષિ રસાયણો વગેરેનું યોગ્ય જ્ઞાન હોવું જરૂરી છે.

ટ્રાઈકોગ્રામા : ટ્રાઈકોગ્રામા ભમરી દુશ્મન જીવાતના ઈંડામાં પોતાનું ઈંડુ મુકે છે જેથી જીવાતના ઈંડા કાળા પડી જાય છે અને ટ્રાઈકોગ્રામાનું પુષ્ઠ ૭  થી ૮ દિવસમાં દુશ્મન કીટકના ઈંડામાંથી બહાર આવે છે. એક ટ્રાઈકોટ્રામા ભમરી દુશ્મન કીટકના લગભગ ૧૦૦ ઈંડાને પરજીવીકરણ કરી શકે છે.

લીલી પોપટી : તેનો ઉપયોગ સફેદમાખી, ચિકટો તથા ભીંગડાવાળી જીવાતના નિયંત્રણ માટે થાય છે. કપાસ, મગફળી, કઠોળ અને શાકભાજીના  પાકોમાં જૈવિક નિયંત્રણ માટે તેના ઉપયોગ માટે થાય છે.

દાળીયા અથવા લેડી બર્ડ બીટલ : પુખ્ત  દાળીયા તેમજ તેની ઈયળો પોચા શરીરવાળી જીવાતો જેવી કે મોલો, થ્રિપ્સ, તડતડીયાં, મીલીબગ વગેરેનું  ભક્ષણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં રાખે છે.

જૈવિક કીટનાશકો : સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત સુક્ષ્મજીવો જેવા કે જીવાણું (બેકટેરીયા) વિષાણુ (વાયરસ), ફૂગ અને ક્રુમિનો ઉપયોગ  જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં કરવામાં આવે છે. જીવાત નિયંત્રણ માટે જીવાણું (બેસિલસ થુરિનજીએન્સીસ) આધારીત જૈવિક કીટનાશકોના ઉપયોગ  સફળ સાબિત થયો છે. આ જીવાણું બજારમાં ડાઈપેલ, હોલ્ટ, ડોલ્ફિન બાયોલેપ, બાયોબિટ જેવા વ્યાપારી નામથી મળે છે.

ન્યુક્લિઅર પોલિહેડ્રોસિસ વાયરસ (એન.પી.વી.) :

તે પ્રવાહી સ્વરૂપમાં મળે છે. જે તે જીવાત માટેના એન.પી. વી.ને પાણીમાં ભેળવી સાંજના સમયે  છોડ પર છંટકાવ કરવામાં આવે છે જે કીટકના પેટમાં જતાં રોગ થવાને કારણે ઈયળ પડી જાય છે અને શરીર ઉપરના પગ દ્વારા છોડના પાન ઉપર ઉંધી  લટકી જાય છે એન.પી.વી. વિષાણુંને અંધારામાં તથા ઠંડી જગ્યા ઉપર લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. નાની અવસ્થાની ઈયળોના નિયંત્રણ  માટે આ બહુ લાભપ્રદ છે એન.પી.વી.નો મુખ્ય ઉપયોગ ટામેટાના પાક ઉપર ફળ કોરનાર જીવાત (લીલી ઈયળ)ના તેમજ લશ્કરી ઈયળ (પ્રોડેનિયા)ના  નિયંત્રણ માટે થાય છે અને અંતે કીટક મરી જાય છે.

કીટનાશક કૃમિ : એ એક વિશેષ સમૂહના કૃમિ કીટકના શરીરમાં પ્રવેશ કરીને ઘાતક જીવાણું છોડી ઈયળનો નાશ કરે છે અને નાની ઈયળ અથવા તેના  મૃત શરીરમાંથી પુનઃ ઉત્પાદિત થાય છે. આમ કૃમિ દ્વારા કીટકોમાં રોગ ઉત્પન્ન થાય છે અને અંતે કીટક મરી જાય છે.

વાનસ્પતિક કીટનાશકો :

સૌથી વધારે વાનસ્પતિક કીટનાશકોના સ્ત્રોત તરીકે અત્યારે લીમડાનું નામ મુખ્ય છે જેમાં રહેલ એઝાડિરેક્ટીન નામનું  ઝેરી તત્ત્વ કીટનાશક તરીકે કામ કરે છે. જીવાત નિયંત્રણમાં લીમડા આધારિત કીટનાશકોનો ઉપયોગ સફળ સાબિત થઈ રહ્યો છે. બજારમાં તે  નિમ્બીસીડીન, નિમારીન અચુક, નિમેકિટન, નિમાઝાલ, બાયોનીમ, ઈકોનીમ અને નીકોનીમ વગેરે નામોથી મળે છે જેને ૩ થી પ લિ. માત્રા પ્રતિ  હેક્ટરના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડા આધારિત કીટનાશકોનો ઉપયોગ પણ જૈવિક કીટનાશકોની જેમ જ શાકભાજીમાં નુકશાન કરતી ઈયળોના નિયંત્રણ માટે અસરકારક સાબિત થયો છે.

પાકટ લીંબોળીમાંથી કાઢેલ મીંજને સુકવી તેનું ૫૦૦ ગ્રામ જેટલું ચૂર્ણ બનાવી તેને ઝીણા કાપડની પોટલીમાં બાંધી ર લિટર પાણીમાં ર૪ કલાક પલાળીને મસળી નાખી ત્યારબાદ પાતળા કાપડથી ગાળીને તેમાં ૨૦૦ મિ.લિ. સાબુનુ દ્રાવણ મિલાવી, આ મિશ્રણને બીજા ૮ લિટર પાણીમાં ભેળવીને બરાબર  હલાવીને સાંજના સમયે પાક ઉપર છંટકાવ કરવાથી પાકમાં નુકશાન કરતા ચુસિયા તેમજ ઈયળોનું નિયંત્રણ કરી શકાય છે.

લીમડાયુક્ત દવાઓ: લીમડામાં એઝાડિરેક્ટીન નામનું ઝેરી તત્ત્વ હોય છે જે ૩૦૦ થી વધારે જીવાતોનું નિયંત્રણ કરવા માટે સક્ષમ છે. લીમડાયુક્ત દાવા  એઝાડીરેકટીનની માત્રા (પી.પી.એમ.) અનુસાર ઘણી સાંદ્રતામાં ઉપલબ્ધ છે. એઝાડિરેકટીન ૦.૦૩% અથવા ૩૦૦ પી.પી.એમ. (તેલ આધારિત દવા),  એઝાડિરેકટીન ૦.૧૫% અથવા ૧૫૦૦ પી.પી.એમ.

લીમડામાં તેયાર કરેલી કીટનાશક પ્રતિકર્ષણ, ખાદ્ય-પ્રતિરોધક, અંડનિક્ષેપક અવરોધક અને વૃદ્ધિ નિયંત્રણ તરીકે ઉપયોગી છે. એના ઉપયોગથી ધાન્ય પાકો, શાકભાજી અને ફળો વગેરેમાં નુકશાન કરતી ચૂસીયાં, પાન ખાનાર તથા ફળો કોરનાર જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે.

વાનસ્પતિક કીટનાશકો તથા તેનો ઉપયોગ

ક્રમ

છોડ

ભાગ

નિયંત્રણ

લીમડો

પાન,તેલ,લીંબોળી

ઉધઈ, ચૂસીયાં, લશ્કરી ઈયળ,

કઠોળના ભોંટવા,

ગાભમારાની ઈયળ

લસણ અને મરચાં

અર્ક

શિંગો કોરનાર ઈયળ

કરંજ

અર્ક

રસ ચૂસવાવાળા કીટકો

ચંપો

ફૂલોનો અર્ક

મચ્છરની ઈયળો

તુલસી

પાનનો અર્ક

શાકભાજીની મોલોમશી

ગલગોટો

મૂળનું ચૂર્ણ

કૃમિ

રાસાયણિક કીટનાશકોનો વિવેકપૂર્ણ ઉપયોગ :

સંકલિત જીવાતના નિયંત્રણ અંતર્ગત જ્યારે આ ઉપાયો હ્વારા કીટકોના નિયંત્રણમાં જરૂરી સફળતા ના મળે અથવા કીટકો દ્વારા આર્થિક નુકશાન  થવાની સંભાવના દેખાય તો એવા સમયે પાકને બચાવવા માટે ભલામણ કરેલ સુરક્ષિત કીટનાશકોનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ. ઘણા બધા  પરીક્ષણો દ્વારા કેટલાક રાસાયણિક કીટનાશકો એવા મળ્યા છે કે જે પરોપજીવી, પરભક્ષી તથા મધમાખી માટે ‘અપેક્ષિતનુસાર' સુરક્ષિત છે. એમનો  વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેથી માનવજીવન તથા તેના પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના ઓછી રહે. રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ જ્યારે પાક ફૂલ અવસ્થામાં હોય ત્યારે ન કરવો જોઈએ.

કીટનાશકોને વારાફરતી એટલે કે જુદા જુદા વાપરવા જોઈએ કેમ કે એક જ કીટનાશક વારંવાર છાંટવાથી કીટકોમાં તેને સહન કરવાની ક્ષમતા આવી જાય છે અને સમય જતાં કીટકોમાં દવા સામે પ્રતિકારક કરવાની ક્ષમતા વિકસે છે.

રાસાયણિક કીટનાશકોનો ઉપયોગ કરતા પહેલાં ફળો/શાકભાજીને ઉતારી લેવામાં આવે છે તથા દવાનો છંટકાવ કર્યા પછી લગભગ નિયત સમય બાદ  જ ફળો તથા શાકભાજી ઉતારવા જોઈએ.

સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિમાં કીટકોના ‘વિનાશ' અથવા 'નિયંત્રણ'ના બદલામાં તેના વ્યવસ્થાપનની વાત છે. વાસ્તવમાં ઉદેશ એ છે કે કોઈ જીવને હંમેશા માટે નષ્ટ ન કરતાં, એવા ઉપાય કરીએ કે જીવની સંખ્યા સિમિત રહે અને પાકને આર્થિક રીતે નુકશાન ના પહોંચે.

વિભિન્ન પાકોની ઉત્પાદકતા તેમજ ગુણવત્તામાં જુદી જુદી જીવાતો/રોગો દ્વારા થનાર નુક્સાન અટકાવવા માટે ખેડૂતો દ્વારા ખાસ કરીને ઝેરી  રસાયણોનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી કેટલીય સમસ્યાઓનો જન્મ થયો છે. આ સમસ્યાઓમાં ગૌણ જીવાતોનું મુખ્ય જીવાતોમાં  પરિવર્તન, જીવાતોના કીટનાશકો સામે વધતી પ્રતિરોધકતા, પર્યાવરણ તેમજ ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો, ખેતરો/ બગીચામાં  ઉપસ્થિત જીવાતોના કુદરતી દુશ્મનોનો વિનાશ વગેરે મુખ્ય છે. આ રસાયણો દ્વારા ફળો તેમજ શાકભાજી પ્રદૂષિત થવાની સંભાવના અપેક્ષા કરતા  વધારે હોય છે, કારણ કે છોડ પરથી ઉતાર્યા પછી તરત જ ઉપયોગમાં લેવામાં આવે છે. ઝેરી રસાયણોના વધુ પડતા/અવિવેકી ઉપયોગથી પરાગનયન કરતાં કીટકો જેવા કે મધમાખીઓ ઉપર પણ અવળી અસર થાય છે. પરિણામ સ્વરૂપે પાકોમાં પરાગનયન ન થવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તેથી  રોગ જીવાત નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવાની જરૂરિયાત છે.

સ્ત્રોત:ડો. ડી.બી. સિસોદીયા, શ્રી એન. એમ. વસાવા, ડો. જે. બી. પટેલ, કુષિ મહાવિધાલય વ કૃષિ પોલીટેકનિક, આણંદ કૃષિ યુનિવર્સિટી,વસો જી. ખેડા – ૩૮૭૩૮૦ ફોનઃ (૦૨૬૯૮) ૨૫૫૩૧૦૮

કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate