હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / સંકર દિવેલાની ખેતીમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંકર દિવેલાની ખેતીમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન

સંકર દિવેલાની ખેતીમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન અપનાવો

જીવાતો :

ઘોડીયા ઈયળ : તે પાનની નસો સિવાયનો લીલો ભાગ કાપી ખાય છે. તેનો વધુ ઉપદ્રવ હોય તો  છોડ ઝાંખરા જેવો બની જાય છે. આ જીવાત કયારેક દિવેલાની માળ અને ડોડવાને પણ નુકશાન  પહોંચાડે છે. દિવેલાની વાવણી ઓગષ્ટ મહિનાના પ્રથમ પખવાડીયામાં કરવાથી ઘોડીયા ઈયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. શક્ય હોય ત્યાં ઈયળો હાથથી વીણી તેનો નાશ કરવો. રાત્રિના સમયે ખેતરમાં પ્રકાશ પિંજર  ગોઠવવાથી ઘોડીયા ઈયળોના ફૂદાઓને આકર્ષી તેની વસ્તી ઘટાડી શકાય છે. ઘોડીયા ઈયળનું કુદરતી રીતે કીટભક્ષી પક્ષીઓ (મેના, વેઈયા, કાળીયોકોશી) દ્વારા નિયંત્રણ થતું હોય છે. આવા કીટભક્ષી પક્ષીઓને દિવેલાના ખેતરમાં આકર્ષવા લાકડીના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલાખડા  (બર્ડ પર્ચર) પ્રતિ હેકટરે ખોડવા. ખેતરમાં ફૂંદાઓની હાજરી જણાતાં ટ્રાઈકોગ્રામા ભમરી એક લાખ પ્રતિ હેકટર પ્રમાણે દર અઠવાડીયે છોડવાથી સારૂ પરિણામ મળે છે. ક્વિનાલફોસ રપ ઈસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ./૧૦  લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી ઘોડીયા ઈયળનું નિયંત્રણ થાય છે.

પાન કાપી ખાનાર (સ્પોડોપ્ટેરા) : તેની નાની ઈયળો સમૂહમાં પાનની નીચેની બાજુએથી પાનનો લીલો ભાગ ખાય છે જયાં સફેદ ધાબુ પડે છે. મોટી  ઈયળો ખૂબ જ ખાઉધરી હોઈ પાનમાં કાણાં પાડી નુક્સાન કરે છે. ક્યારેક આ ઈયળો છોડની ડૂંખો અને ડોડવા કોરીને પણ નુક્સાન કરે છે. માદા ફૂદીએ પાનની નીચે મૂકેલ ઈંડાના સમૂહ અને નાની (પહેલી-બીજી અવસ્થા) ઈયળોના સમૂહવાળા પાનને તોડી તેનો નાશ કરવો. પ્રકાશ પિંજર અને ફેરોમેન ટ્રેપતો ઉપયોગ કરી ફદીઓની વસ્તી ઘટાડી શકાય. બેસિલસ થુરીન્જીન્સીસ આધારીત જૈવિક કીટનાશક (૧ થી ૧.૫ કિલો/હે.)નો છંટકાવ કરવાથી ઘોડીયા ઈયળ, પાન કાપી ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા) અને કાતરાનું અસરકારક  નિયંત્રણ થાય છે. સ્પોડોપ્ટેરા માટે માટે વિકસાવેલ એનપીવી (ર૫૦ એલઈ/હે.)નો છંટકાવ સાંજના સમયે કરવાની ભલામણ છે. આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ રપ ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી (૨૦ મિ.લિ./૧૦ લિટર) અથવા ફેનવલરેટ ૨૦ ઈસી અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮ ઈસી (પ મિ.લિ./૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો. ઈયળો મોટી થઈ ગઈ હોય તો ક્વિનાલફોસ રપ ઈસી ર૦ મિ.લિ. ડાયકલોરવોસ ૭૬ ઈસી પ મિ.લિ. /૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. પાકની કાપણી બાદ  ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ ઘોડીયા ઈયળ, પાન કાપી ખાનાર ઈયળ અને કાતરા ખુલ્લા થતાં તેનો નાશ થાય છે.

ડોડવાં કોરનાર ઈયળ : દિવેલાના પાકમાં માળ બેસવાની શરૂઆત થાય ત્યાર પછી આ ઈયળનો ઉપદ્રવ શરૂ થાય છે. આ ઈયળ વિક્સતાં/કુમળા ડોડવામાં કાણું પાડી અંદરના દાણાને કોરી નુક્સાન કરે છે. તેની લાળમાંથી બનેલ રેશમી તાંતણા અને હગારથી બનેલા જાળા વડે નજીક-નજીકના બે ડોડવાને જોડી તેમાં ભરાઈ રહે છે. આ ઈયળ ડૂંખ તેમજ માળની  ડાળીઓને પણ કોરી ખાસ નુક્સાન પહોંચાડે છે. તેના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી (૨૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા ડાયકલોરવોસ ૭૬  ઈસી (૫ મિ.લિ./ ૧૦ લિટર)નો છંટકાવ કરવો ભૂકારૂપ કીટનાશકોમાં મિથાઈલ પેરાથિયોન ર% અથવા ક્લોરપાયરીફોસ ૧.૫% અથવા ક્વિનાલફફોસ  ૧.૫% (રપ કિ.ગ્રા./હે.)નો છંટકાવ અસરકારક જણાયેલ છે.

લીલા તડતડીયા, થ્વિપ્સ, સફેદમાખી અને પાનકોરીયું : લીલા તડતડીયા પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસે છે જેને કારણે પાનની  કિનારી પીળી પડી છેવટે બદામી રંગની બને છે. થ્રિપ્સ પાનની નીચેની સપાટી પર ઘસરકા પાડી તેમાંથી નિકળતો રસ ચૂસે છે. તેને લીધે પાન પર સફેદ  ભૂખરા રંગની પટ્ટીઓ પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન વળી જાય છે કે ફાટી જાય છે. સફેદમાખીના બચ્ચાં અને પુષ્ટ પાનની નીચેની બાજુએ રહી  પાનમાંથી રસ ચૂસે છે પરિણામે પાન પીળા પડી જાય છે. પાનકોરીયાની નાની ઈયળો પાનના બે પડ વચ્ચે રહી પાન કોરીને સાપના લિસોટા જેવી  પાનમાં સર્પકાર ગેલેરીઓ બનાવે છે.

તડતડીયાં, થ્વિપ્સ, સફેદમાખી અને પાનકોરીયાના નિયંત્રણ માટે શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય તો લીંબોળીના તેલ (૫૦ મિ.લિ./૧૦ લિટર પાણી)  અથવા લીંબોળીના મીજનો અર્ક ૫% (૫૦૦ ગ્રામ મીંજનો ભૂકો/ ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ જણાય તો ડાયમીથોએટ ૩૦ ઈસી (૧૦ મિ.લિ./ ૧૦ લિટર પાણી) મિથાઈલ ઓ ડેમેટોન રપ ઈસી (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી), મીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ (૩ મિ.લિ./૧૦ લિટર પાણી) પૈકી  કોઈપણ એક શોષક વિષનો જરૂર મુજબ છંટકાવ કરવો. સફેદમાખીનો ઉપદ્રવ વધુ હોય તો ટ્રાઈઝોફોસ ૪૦ ઈસી (ર૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા  એસીફેટ ૭૫% વે.પા. (૧૫ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાથી સારા પરિણામો મળે છે.

કથીરી : આછા કથ્થાઈ કે લાલ રંગની કથીરીના બચ્ચાં અને પુષ્ટ પાનની નીચેના ભાગે રહી પાનમાંથી રસ ચૂસે છે જેને પરિણામે પાન પર પીળા  ધાબા પડે છે. જે પાછળથી કથ્થાઈ રંગમાં પરિણમે છે. તેના વધુ ઉપદ્રવ વખતે માળમાં ડોડા પણ બેસતાં નથી. કથીરીના નિયંત્રણ માટે ડાયકોફોલ  ૧૮.૫ ઈસી (૧૫ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા ફેનાઝાકવીન ૧૦ ઈસી (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) કથીરીનાશકનો છંટકાવ કરવો.

રોગો :

  • સુકારો : તે જમીનજન્ય ફૂગથી થતો રોગ છે. તે પાકની કોઈપણ અવસ્થાએ જોવા મળે છે પરંતુ રોગની તીવ્રતા ખાસ કરીને નવેમ્બરથી ફેબ્રુઆરી  માસ દરમ્યાન વધારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં ટોચના પાન પીળા પડી છેવટે ખરી પડે છે. ઘણીવાર છોડની અમુક ડાળીઓ સુકાઈ જાય છે,  જ્યારે બાકીની ડાળીઓ તંદુરસ્ત જોવા મળે છે. રોગિષ્ટ છોડ ધીરે ધીરે કાળો પડી સુકાઈ જાય છે. રોગની તીવ્રતા વધતાં ખેતરમાં છોડ સુકાતાં ટાલાં પડે  છે.
  • મૂળનો કહોવારો (મૂળખાઈ) : આ જમીનજન્ય ફૂગથી થતો રોગ છે. આ રોગ ખાસ કરીને ભાદરવા મહિનામાં ઓતરા-ચીતરાના તાપમાં વધુ જોવા  મળે છે. આ રોગમાં શરૂઆતમાં છોડ પાણીની ખેચ અનુભવતો હોય તેવું લાગે છે અને એકાએક (ટૂંકાગાળામાં) આખો છોડ સુકાઈ જાય છે. સુકારા અને મૂળનો કોહવારો એ બન્ને જમીનજન્ય ફૂગથી થતો રોગ હાઈ પાકની ફેરબદલી કરવી હિતાવહ છે. બીજને વાવતાં પહેલા થાયરમ અથવા  કેપ્ટાન (૩ ગ્રામ/કિલોબીજ) અથવા કાર્બેન્ડાઝીમ (૧ ગ્રામ/કિલોબીજ)ની માવજત આપવી સેન્દ્રિય ખાતર સાથે ટ્રાયકોડર્મા મિશ્ર કરી ચાસમાં આપવાથી  સુકારા અને મૂળખાઈ રોગ સામે રક્ષણ પુરૂ પાડે છે. છાણિયા ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. ગુજરાત સંકર દિવેલા-૨  અને ગુજરાત સંકર દિવેલા-૬ મૂળના કહોવારા સામે તથા ગુજરાત દિવેલા-૪ અને ગુજરાત સંકર દિવેલા-પ સુકારા સામે અંશતઃ પ્રતિકારક શક્તિ ધરાવે છે. ગુજરાત સંકર દિવેલા-૭ સુકારા સામે સંપૂર્ણ પ્રતિકારક શક્તિ ધરાવે છે. શક્ય હોય ત્યાં વાવેતર માટે આવી જાતોની પસંદગી કરવી. પાકને પાણીની ખેચ ન પડતા જરૂરિયાત મુજબ પિયત આપવું. મૂળના કહોવારાના રોગની શરૂઆત થતાં તાંબાયુક્ત ફૂગનાશક (૫૦% વે.પા.) ૪૦  ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઓગાળી રોગની અસર પામેલ છોડની ફરતે જમીનમાં આપવાથી ઉ્રેન્ચિંગ કરવાથી) રોગની તીવ્રતા ઘટાડી શકાય છે. ઉનાળામાં હળની ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ રોગપ્રેરક ફૂગનો નાશ થાય.
  • ફૂગથી થતાં પાનનાં ટપકાં (સરકોસ્પોરા): આ રોગની શરૂઆતમાં પાન પર પાણી પોચા ટપકા પડે છે જે ધીમે ધીમે બદામી રંગના બને છે. તેની  વચ્ચે સફેદ ટપકુ જોવા મળે છે. રોગિષ્ટ ટપકાં એકબીજા સાથે મળી જતા પાન સુકાઈ જાય છે. ઝાળ રોગ ઓલ્ટરનેરીયા ફૂગથી થાય છે. આ રોગની  શરૂઆતમાં પાન પર આછા ભૂરા રંગના ટપકાં પડે છે જે ધીમે ધીમે બદામી રંગમાં પરિવર્તન પામે છે. આવા ટપકાંમાં વર્તુળાકાર રીંગ જોવા મળે છે. રોગની તીવ્રતા વધારે હોય તો આવા ટપકા મોટા થઈ એકબીજા સાથે ભળતા પાન સુકાઈ જાય છે. પાન/છોડ ૫ર ઝાળ લાગી હોય તેવો ભાસ ઊભો કરે  છે. મેન્કોઝેબ ૪૫% વે.પા. (રપ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા કૌપર ઓક્ઝીકલોરાઈડ ૫૦% વે.પા. (૪૦ ગ્રામ/૧૦ લિટર પાણી) નો છંટકાવ જરૂર  મુજબ કરવાથી ફૃગથી થતાં ટપકાંના રોગ કાબૂમાં રહે છે.
  • જીવાણુથી થતાં ટપકાં : આ રોગની શરૂઆતમાં પાન પર ચળકતા આછા બદામી રંગના ટપકાં જોવા મળે છે. જે સમય જતાં કાળા રંગના બની જાય છે. આવા ટપકાં પાનની નસોની વચ્ચે સિમિત હોય છે જેથી ખૂણીયાં આકારના ટપકાં જોવા મળે છે. ચોમાસામાં સતત ઝરમર ઝરમર વરસાદ  પડતો હોય ત્યારે રોગની તીવ્રતા વધારે જોવા મળે છે. આ રોગની અટકાયત માટે બીજને વાવતા પહેલા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૫૦૦ પીપીએમ (૫૦૦  મિ.ગ્રા/લિટર પાણી)ના દ્રાવણમાં પલાળી બીજા દિવસે વાવણી કરવી. રોગની શરૂઆત થાય કે તરત જ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧૦૦ પીપીએમ. (૧૦૦  મિ.ગ્રા./ લિટર પાણી) અથવા પૌષામાયસીન ર૫૦ પીપીએમ (ર૫૦ મિ.ગ્રા./ લિટર પાણી)નો છંટકાવ કરવો. રોગની તીવ્રતા વધુ જણાય તો ૧૫ દિવસ પછી  બીજો છંટકાવ કરવો.
  • રેનીફોર્મ કૃમિ : આ કૃમિ દિવેલાના મૂળ પર ગાંઠો બનાવતાં નથી પરંતુ મૂળની બહારની બાજુ રહી મૂળમાંથી ચૂંસિકાની મદદથી રસ ચૂસે છે. તેને  લીધે છોડની વૃદ્ધિ અટકી જઈ છોડ ઠીંગણા રહે છે. ઉપદ્રવિત મૂળ કાળા પડી જાય છે. તેના ઉપદ્રવને કારણે સુકારા રોગ માટે જવાબદાર ફૂગ  સહેલાઈથી મૂળમાં દાખલ થઈ જાય છે. સેન્દ્રિય ખાતરો જેવા કે મરઘાનું ખાતર અથવા છાણિયું ખાતર ૧૦-૧૫ ટન/હે. જમીનમાં આપવાથી કુમિનું  પ્રમાણ ઓછું જોવા મળે છે. દિવેલાના પાકમાં છોડની ફરતે રીંગ કરી ખાતર સાથે કાર્બોફયુરાન ૩% દાણાદાર (૩૩ કિ./હે.) આપવાથી અને પાકની  ફેરબદલી ધાન્યપાકો સાથે કરવાથી ફૂમિનો ઉપદ્રવ ઘટે છે. પાક લીધા પછી ઉનાળામાં ટ્રેકટરથી ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કૃમિનો નાશ  થાય છે.

સંકર દિવેલાના ઉત્પાદનમાં જીવાતો અને રોગથી થતુ નુક્સાન એક અગત્યનું જેવિક પરિબળ ગણાય છે. સંકર દિવેલામાં ખાસ કરીને ઘોડીયા ઈયળ, પાન કાપી ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળ, તડતડીયા, સફેદમાખી, થ્રિપ્મ, પાનકથીરી અને પાનકોરીયા જેવી જીવાતો અને સુકારો મૂળનો કહોવારો, પાનના ટપકાં અને કૃમિ જેવા રોગ પાકની જુદી જુદી અવસ્થાએ નુક્સાન કરતા જોવા મળે છે. આ બધી જીવાતો અને રોગના નિયંત્રણ માટે સમયસરના સંકલિત પાક સંરક્ષણના પગલા અગત્યના ગણાય છે.

સ્ત્રોત: ડૉ. ડી. એમ. કોરાટ, કુ. જલ્પા લોડાયા, સંશોધન નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ -૩૮૮ ૧૧૦ ફોનઃ (૦૨૬૯૨) ૨૬૧૦૫૭

કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.74285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top