অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિવિધ ઉપયોગી શાકભાજી વૃક્ષ : સરગવો

સરગવો પૃથ્વી પરતું અદભૂત વિવિધ ઉપયોગી પર્ણપાતી ઝાડ છે. સરગવો એ મોરીગેસી કૂળનું વિશ્વનું અગત્યનું એન અદભૂત ઝાડ છે. સરગવો શાકભાજી વૃક્ષ' તરીકે દેશ અને દુનિયામાં સારી ખ્યાતિ ધરાવે

છે. આ ઝાડના પોષણ મૂલ્ય ઔષધિય અને ઔદ્યોગિક ઉપયોગ સાથે ખેતીમાં એક રોકડીયા પાક તરીકે ટુંકા ગાળામાં વધારે આવક અને ઉત્પાદનના કારણે હવે સર્વત્ર આ પાક પ્રસિદ્ધિ પામતો જાય છે. ખેતીની દૃષ્ટિએ ઘણી આવક આપતો ખૂબ જ ઝડપથી વધતો પાક છે, તેન વ્યાપારીક ખેતી થાય છે. આ ઉપરાંત રસ્તા, શેઢા, પાળા, કેનાલો અને પડતર જમીનમાં ઓછી મહેનતે ઉગાડી શકાતા સરગવાની ખેતી આર્થિક રીતે ઘણી પોષણક્ષમ છે. આ ઝડપથી વૃદ્ધિ પામતો, અછત પ્રતિકારક (ઓછા પાણીએ થતો) અને વિવિધ વિસ્તાર અને ખેત પદ્ધતિમાં સહેલાઈથી અનુકૂળ આવતો પાક છે. ગુજરાતમાં આ પાક સરળતાથી ઉગાડી શકાય છે. કિચન ગાર્ડનમાં અને અગાસીમાં કૂંડામાં પણ સરગવાના છોડ ઉગાડી શકાય છે.

સરગવાના વિવિધ ઉપયોગો :

આ ઝાડના દરેક ભાગો જેવા કે પાન, ફૂલ, ફળ અને મૂળ સારા એવા પોષક દ્રવ્યો ધરાવે છે અને ઘણા રોગો અટકાવવા ઉપયોગી છે. તેથી હોમીયોપેથી, સિદ્ધ અને આયુર્વેદિક દવાઓની બનાવટમાં વપરાય છે. વિશ્વમાં મોટી ઉમરના બાળકો અને મહિલાઓ કુપોષણથી પીડાઈ રહ્યા છે ત્યારે પોષણયુક્ત આહારના વિકલ્પ તરીકે આ પાક ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. આ પાકના પાનનો પાઉડર આ માટે ઘણું જ સસ્તુ ટોનિક પૂરવાર થઈ શકે તેમ છે. શાક તરીકે આ પાકની શીંગોની માંગ વિશ્વમાં ખૂબ જ વધી રહી છે. તેના બીજમાંથી મળતા તેલ (૩૮ થી ૪૦%) ગંધરહિત હોય તેનો ઉપયોગ ખાવા માટે, કોમેટિક અને ઉંજણ તરીકે થાય છે. તેલ ક્યારેય ખોટું થતુ નથી જે બેન ઓઈલ તરીકે ઓળખાય છે.

સરગવાના દરેક ભાગનો ખાસ ઉપયોગ રહેલ છે. તાજા પાન તથા શીંગો શાકભાજી તરીકે દાળ-શાકસંભાર , કઢી, ચામાં ઉમેરી જમવાનું સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બનાવી શકાય છે. પાનની સૂકવણી કરી પાઉડર બનાવી રોજબરોજના ખોરાકમાં અને પાણીમાં ઉમેરી શકાય છે. ખાસ કરીને પછાત વિસ્તારના ઉછરતા બાળકો, ગર્ભવતી અને પ્રસૂતિ પછી બહેનોને આ સરગવો અતિ ઉપયોગી છે.

વાવેતર વિસ્તાર :

ભારતમાં અંદાજે ૩૮000 હેકટરમાં સરગવાનું વાવેતર થાય છે જેમાંથી ૧૩ લાખ ટન ઉત્પાદન મળે છે. ભારતમાં સરગવાની ખેતી મુખ્યત્વે દક્ષિણના રાજયો જેવા કે તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશમાં કરવામાં આવે છે. ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજયોમાં બહુવર્ષાયુ સરગવાનું છૂટું છવાયું વાવેતર થાય છે.

ગુજરાતના ખેડૂતો સરગવાની વર્ષાયુ જાતનું વાવેતર કરી ટુંકા સમયમાં વધુ ઉત્પાદન લઈ સારી આવક મેળવતા થયા છે. વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, સુરત, ભરૂચ અને નર્મદા જીલ્લામાં વ્યાપારિક ધોરણે સરગવાની ખેતી કરવામાં આવે છે.

હવામાન :

આ પાક ઉષ્ણકટિબંધ અને સમશીતોષણ કટિબંધ પ્રદેશમાં ઉગાડી શકાય છે. રપ સે. થી ૩પ સે. ઉષ્ણતામાન માફક આવે છે, પરંતુ ૪૦° સે. સુધીનું ઉષ્ણતામાન તથા સૂકુ હવામાન સહન કરી શકે છે. વરસાદ ૨૫૦ થી ૧૫00 મિ.મી. સુધી અને દરિયાની સપાટીથી ૯૦૦ મીટર ઊંચાઈ સુધી આ પાક સરળતાથી ઉગાડી શકાય છે.

જમીન :

સારી નિતારશક્તિ ધરાવતી, ગોરાડુ, બેસર, મધ્યમ કાળી કે ફળદ્રુપતા ધરાવતી રેતાળ, ગોરાડુ જમીન વધુ માફક આવે છે. શેઢા, પાળા, રસ્તા ઉપરની ઓછી માવજતવાળી જમીનમ પણ સરગવાના ઝાડો ઉત્પાદન આપે છે. પી.એચ. આંક પ-૯ સુધી સહન કરે છે. જો કે લાંબો સમય પાણી ભરાઈ રહે અથવા એકદમ ભારે કાળી, ચીકણી જમીનમાં આ પાક સારો થતો નથી. આ ઉપરાંત ભાઠાની જમીનમાં પણ સરગવો સારી રીતે થાય છે. પાણી ભરાઈ રહે તેવી પરિસ્થિતિ સરગવાના મૂળ સહન કરી શકતા નથી તેથી મૂળની આજુબાજુ વધારાનું પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી અને ખેતરમાંથી વધારાના પાણીની નિકાલની વ્યવસ્થા કરવી.

સુધારેલી જાતો :

સરગવાની ઘણી જુદી જુદી જાતો છે. બાગાયત કોલેજ અને સંશોધન સંસ્થા, તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, પેરીયાકુલમ દ્વારા વર્ષાયુ સરગવાની બે જાતોની ભલામણ કરેલ છે.

  • પેરીયાકુલમ-૧ (પીકેએમ-૧): પીકેએમ-૧ જાત ગુજરાતમાં વાવેતર હેઠળ છે જે વાર્ષિક સરગવા તરીકે પણ ઓળખાય છે. તેનું આયુષ્ય ૪-૫ વર્ષનું હોય છે. નજીક નજીક રોપણી ૩ મીટર * ૩ મીટરે થાય છે. આ જાત સને ૧૯૮૯માં બહાર પાડવામાં આવી છે. આ જાતની શીંગો ગર્ભવાળી અને સ્વાદિષ્ટ છે. વાવેતર બાદ ૬ માસમાં ફૂલ બેસે છે અને ૭ થી ૮ માસે શીંગો કાપણી માટે તૈયાર થાય છે. શીંગની કાપણી માટેનો ઉત્તમ સમય માર્ચ થી ઓગષ્ટ છે. આ જાતના છોડ ૪ થી ૬ મીટર ઊંચા થાય છે. જેમાં ૬ થી ૧૨ શાખાઓ હોય છે. આ જાતના સંયુક્ત પાન ૪૦ સે.મી. લંબાઈના અને પાંદડી ઉપરની બાજુ ઘાટા લીલા રંગની અને નીચેની બાજુ આછા લીલા રંગની હોય છે. ફૂલ ઝૂમખામાં બેસે છે. એક ઝૂમખામાં અંદાજે ૨૫ થી ૫૦ ફૂલો જોવા મળે છે. પરંતુ એક ઝૂમખામાંથી મોટે ભાગે એક જ શીંગ તૈયાર થાય છે. ભાગ્યેજ ૨ થી ૪ શીંગો બેસે છે. ફૂલ આવ્યા બાદ ૬પ દિવસે શીંગ ખાવાલાયક બને છે. આ જાતની શીંગો ૭૦ થી ૯૦ સે.મી. લાંબી અને ૩ થી ૬ સે.મી. જાડાઈની હોય છે જેનું વજન ૧૫૦ ગ્રામ જેટલું થાય છે જેમાં ૭૦ ટકા ગર્ભ હોય છે. ઝાડ દીઠ વર્ષે ૨૨૦ શીંગોનું અને હેકટર દીઠ અંદાજે પર ટન શીંગોનું ઉત્પાદન મળે છે. વર્ષ પુરૂ થયા પછી જમીનથી ૧ મીટર ઊંચાઈ રાખી કાપવામાં આવે છે. આ રીતે ૪ થી ૫ વર્ષ સુધી રટુન પાક (બડધા પાક) તરીકે લઈ શકાય છે. આ જાત નાળિયેરના બગીચામાં શરૂઆતમાં આતરપાક તરીકે લઈ શકાય છે. તેમજ સરગવાના ખુલ્લા ખેતરમાં ડુંગળી, મરચી, ભીંડા, ચોળી રીંગણ, ટામેટા અને મગફળી જેવા આંતરપાક પણ લઈ શકાય છે.
  • (૨) પેરીયાકુલમ-ર (પીકેએમ-ર): આ જાન્યુઆરી ર000ની સાલમાં ભલામણ કરવામાં આવેલ હાઈબ્રિડ જાત છે જે એમપી-૩૧ * એપી૨૮ ના સંકરણથી તૈયાર કરવામાં આવેલ છે. આ જાતમાં ૬ માસે શીંગો આવવાની શરૂઆત થાય છે. શીંગોનો રંગ આછો લીલો, લંબાઈ ૪૫-૭૫ સે.મી., શીંગોનું વજન ૨૮૦ ગ્રામ, શીંગમાં ૭૦ ટકા ગર્ભ હોય છે. આ જાતમાં વર્ષે ઝાડ દીઠ ૩00 થી૪00 શીંગો બેસે છે. પાણીની વિશેષ જરૂરિયાત રહે છે અને પ્રતિ હેકટરે ૯૮ ટન ઉત્પાદન આપે છે. આ જાત જદી જુદી પાક પદ્ધતિ અને વિવિધ જમીન માટે ઘણી અનુકૂળ છે. આ જાત ૪ થી ૫ વર્ષ સુધી રટુન પાક (બડઘા પાક) તરીકે લઈ શકાય છે.

અન્ય વર્ષાયુ જાતો:

  1. કડુમીયાન મલાઈ -૧ (કે.એમ.-૧) : આ જાતમાં વર્ષે ઝાડ દીઠ 100 થી પ00 શીંગો બેસે છે. આ જાતની શીંગો ૨૫ થી ૩૦ સે.મી. લાંબી હોય છે. આ જાતના છોડ નાના હોવાથી શીંગો ઉતારવાનું સરળ પડે છે તેમજ ૩ વર્ષ સુધી રટુન પાક તરીકે લઈ શકાય છે. આ જાતમાં ૬ માસ બાદ શીંગો બેસવાનું ચાલુ થાય છે.
  2. ધનરાજ : આ જાત કે.આર.સી. કોલેજ ઓફ એગ્રિકલ્ચર, યુ.એસ. અરભાવી, કર્ણાટકથી બહાર પાડેલ છે.
  3. પાદરા : પાદરા વિસ્તારમાં વવાતી આ જાત સરગવી તરીકે ઓળખાય છે જે કાયમી ઝાડ છે. કદમાં મોટા ૧૫ર૦ વર્ષની આયુષ્ય ધરાવતા, શીંગોની લંબાઈ ૩૦-૪૫ સે.મી., આછો લીલો રંગ, અન્ય જાતો કરતાં જાડી માવાદાર, છેડેથી બુટ્ટી, ખાવામાં અતિ સ્વાદિષ્ટ આ જાત સ્થાનિક કે નિકાસ માટે અને મુંબઈ શાક બજારમાં મોટી માંગ ધરાવે છે. ઉત્પાદન ક્ષમતા એકરે ૮-૧૦ ટન (મહી નદીના કિનારે).
  4. જાફના: શ્રીલંકાથી આયાત કરેલી શીંગો ૩ ફૂટ લાંબી અને વર્ષે ઝાડ દીઠ ૬00 શિંગોનું ઉત્પાદન મેળવી શકાય છે.
  5. કોડીકાલમ: ત્રિચિનાપલ્લી જીલ્લામાં વધારે વવાય છે. શિંગો ટુંકી (ર૦-૨૫ સે.મી.) છે.
  6. રોહીત-૧: આ જાત મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના ‘શાહા” (SHAHA) તાલુકાના ‘સર (SINNAR) ના ખેડૂત શ્રી બાબાસાહેબ મારલેઈએ અનેક સરગવાની વાડીઓની મુલાકાતો લઈ પસંદ કરેલ છે. આ વાર્ષિક સરગવો છે. આ જાતનું ઉત્પાદન ૪-૬ માસ બાદ શરૂ થાય છે અને ૧૦ વર્ષ સુધી ઉત્પાદન આપે છે. શીંગો ૪૫૬૦ સે.મી. લાંબી, માવો પોચો અને સ્વાદિષ્ટ, છોડ દીઠ ૩-૧૦ કિલો ઉત્પાદન, એક એકરે ૭-૧૨ ટન ઉત્પાદન મળે છે.
  7. કોઈમ્બતુર-ર: રોપણી પછી ૮-૯ માસે ઉત્પાદન શરૂ થાય. વાર્ષિક સરગવો છે. વર્ષમાં બે વખત ફાલ બેસે, શીંગની લંબાઈ ૧ ફૂટ, ર00-૩૭પ શીંગો ઝાડ દીઠ મળે. ૪-૫ વર્ષ સુધી ઉત્પાદન મળ્યા કરે. ગુજરાતમાં વાવેતર હેઠળ છે.
  8. સજના: આખા વર્ષમાં એકવાર ફૂલ આવે પશ્ચિમ બંગાળમાં વાવેતર હેઠળ છે.
  9. નજના: આખા વર્ષમાં ત્રણ વાર ફૂલ આવે, પશ્ચિમ બંગાળમાં વાવેતર હેઠળ છે.
  10. અન્ય જાતો : (જૂનાગઢ-પોરબંદર) કારેલિયો સરગવો (ભાવનગર), મોરીંગા જી.કે.વી કે-૧, જી.કે. વી.કે.-૨, ચાવાકાચેરી, દુર્ગા, શબનમ, કોકણ રૂચીરા (ઉત્તમ ગુણવત્તા), કેમ મોરીંગા (લાલ રંગની ટીપ), મુલાનર, કોડાઈલ મોરીંગા (લાલ રંગની હોય),

નિકાસ યોગ્ય જાત : વલયપટ્ટી, પાદરા.

સંવર્ધન :

આ પાકનું સંવર્ધન બીજ દ્વારા અને ક્ટકા દ્વારા થાય છે. બીજ (વાર્ષિક સરગવા દા.ત. પી.કે.એમ.-૧) તથા ક્ટાકાને (કાયમી સરગવા દા.ત. પાદરા સરગવી) સીધા રોપવાની પ્રથા છે અથવા કોથળીમાં રોપ અથવા કટકા ઉછેરી રોપી શકાય.

  • (બીજ દ્વારા::પ્લાસ્ટિક ટ્રેમાં કોકપિટ અથવા મોસના મીડિયામાં ઉછેરવા અથવા ૧૫ સે.મી. X ૧૦ સે.મી. સાઈઝની પ્લાસ્ટિક કોથળીમાં ઉછેરવા ૩૦-૪પ દિવસે છોડ રોપવા લાયક બનશે. બીજ રોપણીનો સમય જૂનજુલાઈ અથવા નવેમ્બર અનુકૂળ છે.
  • ડાળીના કટકા દ્વારા: એક વર્ષ જુના સરગવાના ઝાડના 100 સે. મી. થી ૧૫૦ સે.મી. સુધીના લંબાઈના અને ૧૪-૧૬ સે.મી. વ્યાસના કટિંગ લેવા. ૨-૩ દિવસ છાંયડામાં મૂકી રાખી કટકાને આઈબીએ પ૦૦ પીપીએમની માવજત આપી સીધા ખેતર અથવા પ્લાસ્ટિક કોથળીમાં રોપવા કટિંગનો નીચેનો ત્રીજો ભાગ જમીનમાં જવા દેવો. જમીનમાં અગાઉ સારૂ કોહવાયેલ સેન્દ્રિય ખાતર છોડ દીઠ ૧ કિલો અને ૧૦ ગ્રામ ટ્રાયકોડર્મા અને પાંચ ગ્રામ પેસીલોમાયસીસ ભેળવી રોપણી કરવી.

અંતર : ૩ મી. X ૩ મી. અથવા ૪ મી. × ૪ મી. અથવા ૫ x ૫ મી. જાત જમીન અને ઉત્પાદનના ઉપયોગ ઉપર આધારિત અંતર પસંદ કરવું. દા.ત. સરગવા માટે (પી.કે.એમ.-૧) ૩ મી. × ૩ મી. તથા લાંબા સમય એટલે કાયમી ટાઈપ (પાદરા સરગવો) માટે પ મી.x ૫ મી. પસંદ કરવું. જો ફકત પાન માટે ખેતી કરવી હોય તો ૨ મી. X ૨ મી. નું અંતર રાખી શકાય છે.

રોપણી :યોગ્ય અંતરે એક મીટર પહોળા અને ૩૦ સે. મી, ઊંચાઈના સરગવાની જાત પ્રમાણે (ગાદી કયારા ) પાળાઓ કરી એક જગ્યાએ ૨-૩ બીજ રોપી શકાય અથવા સીધા ૨-૨ ટકા મૂકવા. ઉગ્યા બાદ ઉત્તમ એક છોડ રાખી બાકીના કાઢી નાખવા.

સેન્દ્રિય/રાસાયણિક ખાતરો (ઝાડ દીઠ)::સરગવાના પાકને વધુ ખાતરની જરૂરિયાત નથી પરંતુ વધુ અને સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવવા થડથી એક મીટર દૂરના ઘેરાવામાં ખાડા દીઠ ૨૦ મિ.લિ. એઝોટોબેકટર + ૧૦ મિ.લિ. પીએસબી + ૧૦ મિ.લિ. પોટાશ બેકટેરિયા + ૫ ગ્રામ ટ્રાયકોડર્મા ખાતર આપવું જરૂરી છે. ઉપરાંત ૭.૫ કિ.ગ્રા. સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર + ૫૦૦ ગ્રામ મરઘાનું ખાતર + ૨૫૦ ગ્રામ લીંબોળીના ખોળ (ઓકટોબર માસમાં)આપવો.

વાવેતર સમય,અંતર અને બીજ દર : વર્ષાયુ સરગવાનું વાવેતર બીજથી જૂન-જુલાઈ કે નવેમ્બર-ડિસેમ્બરમાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં સરગવાના વાવેતરનો અનુકૂળ સમય સપ્ટેમ્બર માસ ગણાય છે કારણ કે ફૂલ આવવાનો સમય વર્ષાઋતુમાં ન આવે અને વરસાદને લીધે ફૂલ ખરી પડતાં અટકે છે. ૪૫ સે.મી. x ૪૫ સે.મી. x ૪૫ સે.મી.નો ખાડાની મધ્યમાં ૨ બીજ, ૩ સે.મી. ઊંડાઈએ વાવવામાં આવે છે. અથવા એક માસ જૂનો તંદુરસ્ત રોપ રોપવામાં આવે છે. એક હેકટરના વાવેતર માટે અંદાજે ૬ર૫ ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. ૧૦ થી ૧૨ દિવસ બાદ બીજનો ઉગાવો થાય છે. બહુવર્ષાયુ સરગવાનું વાવેતર ડાળીના કટકા દ્વારા કરવામાં આવે છે.

બીજ માવજત: વાવતા પહેલા સરગવાના બીજને એઝોસ્પાયરીલમ કલ્ચર ૧૦૦ ગ્રામ પ્રતિ ૬૨૫ ગ્રામ બીજ આપવી જેનાથી બીજનો ઉગાવો ઝડપથી થાય છે, રોપાનો જુસ્સો વધે છે, ઝડપથી વૃદ્ધિ થાય છે અને બીજ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.

પાછલી માવજત : જયારે સરગવાનો છોડ ૭૫ સે.મી. ઊંચાઈનો થાય એટલે કે વાવેતર બાદ ૬૦ દિવસે મુખ્ય થડની અગ્રકલિકાને કાપી નાંખવી જોઈએ (પીચિંગ કરવું) જેથી બાજુની શાખાઓની વૃદ્ધિ ઝડપથી થાય છે અને છોડની ઊંચાઈમાં ઘટાડો થાય છે જેથી શીંગો ઉતરવાનું સરળ પડે

પ્રુનિંગ: પ્રથમ સીધા વધતા છોડને વધારે ડાળીઓ ફુટાડવા ૧.૫ મીટર (દોઢ) ઊંચાઈથી કાપવા ત્યારબાદ વર્ષે શીંગો પૂરી થયા બાદ એટલે કે મે-જૂનમાં ૩૦-૪૫ સે. મી. ટોચની ડાળીઓ કાપવી. સરગવાના વૃક્ષો મુનિંગ કરી (ર મીટર ઊંચાઈ) ઠીંગણા રાખવા જેથી શીંગો ઉતારવામાં અને અન્ય ખેતી કાર્યોની સરળતા રહે. ફક્ત પાન માટેના સરગવાને મુનિંગ કરી ઠીંગણા રાખવા.

પિયત : સરગવો એ ઉષ્ણકટીબંધનો પાક હોવાથી પાણીની ખેંચ સહન કરી શકે છે. પરંતુ બહુવર્ષાયુ સરગવાની સરખામણીમાં વર્ષાયુ સરગવાનું બીજથી વાવેતર થતું હોવાથી તેમજ તેના મૂળ ભરાવદાર અને ઝડપથી પથરાતા હોવાથી જમીનના નીચેના સ્તરમાંથી વધારે પાણી ખેંચે છે તેથી તેને સમયસર ૭દિવસે પાણીની જરૂરિયાત પડે છે જયારે બહુવર્ષાયુ સરગવાને ૧૫ દિવસે પાણી જોઈએ. વર્ષાયુ સરગવાના પાકમાં ૬૦ દિવસ બાદ ૧ મીટરની ઊંચાઈએથી પીચિંગ કર્યા બાદ ૧૦ થી ૧૫ દિવસ પાણીની ખેંચ પડવા દેવી જોઈએ જેથી બાજુની શાખાઓ વધુ ફૂટે છે. તે જ રીતે વર્ષાયુ સરગવામાં ફૂલ લાવવા માટે ૨૦ થી ૩૦ દિવસ પાણીની ખેંચ આપવાથી ફૂલની સંખ્યા વધે છે અને છોડની વાનસ્પતિક વૃદ્ધિ અટકે છે. પરંતુ પુષ્કળ ફૂલ અને શીંગ બેસવાની અવસ્થાએ પાણીની ખેંચ પડવી જોઈએ નહી. નહીંતર ફૂલ તેમજ અપરિપક્વ શીંગો ખરી પડે છે અને પરાગરજ સૂકી બને છે તેમજ આ અવસ્થાએ વધારે પડતુ પાણી પણ ભરાઈ રહેવું જોઈએ નહીં. સરગવાનું ઝાડ અછતની પરિસ્થિતિ અને સખત તાપમાં એન્ટિ ટ્રાન્સપરન્ટ જેવા કે ગ્રીન મિરેકલ, પીએમએ અને કેઓલીન છોડે છે જે ફૂલો અને શીંગોને ખરી પડતા અટકાવે છે. સરગવાની ડાળીઓ, થડ અને મૂળ બટકણા હોવાથી વધારે પવનથી ઝાડ તૂટી કે ઉખડી જાય છે જેથી સરગવાના થડની આજુબાજુ પાળા ચઢાવવા જોઈએ તેમજ થડમાં સીધુ પિયત આપવું જોઈએ નહી. જો ટપક પિયત આપવું હોય તો લેટરલ અને એમિટર્સ સરગવાના થડથી ૧ થી ૧.૫ ફૂટ દૂર ગોઠવવા જોઈએ. જમીનમાં પુરતા પ્રમાણમાં ભેજ જળવાઈ રહે તે માટે ઉનાળામાં ઊંડી ખેડ, વાવેતરની બ્રોડ બેડ ફરો પદ્ધતિ, પાક રેસિયૂ મલ્વેિગ, સેન્દ્રિય ખાતર અને હ્યુમિક સબસ્ટન્ટ વગેરેનો સામૂહિક રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય.

સરગવાને નિયમિત અને પ્રમાણસર પાણીની જરૂરત છે. ઉનાળામાં ૪ થી ૬ દિવસે અને શિયાળામાં ૮ થી ૧૦ દિવસે પિયત આપવું. ટપક પદ્ધતિ બેસાડી શકાય તો વિશેષ સારું. શેઢે પાળે અથવા વાડ પર સરગવા રોપેલા હોય તો ખાસ પિયત વ્યવસ્થાની જરૂરિયાત નથી.

આંતરપાકો: કાયમી પ્રકારના સરગવામાં શરૂઆતના ૨-૩ વર્ષ વેલા વગરના શાકભાજી, સોયાબીન, ગમ ગુવાર, રજકો, મગફળી જેવા પાક લેવા જેથી વધારાનું વળતર મળી રહે. લીલો પડવાશ કરી સેન્દ્રિય તત્વો ઉમેરવામાં પણ અતિ ઉપયોગી છે તેમજ કઠોળ વર્ગના પાક લેવાથી વધારાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાશે.

નીંદણ નિયંત્રણ :

સરગવાના પાકને ૩૦ થી ૯૦ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો જોઈએ. સરગવાનો પાક પહોળા અંતરે વવાતો હોવાથી ૩ થી ૪ વખત કરબથી આડી ઊભી આંતરખેડ કરવી જોઈએ તેમજ છોડના ખામણાની આજુબાજુ હાથ વડે નીંદામણ કરવું જોઈએ. નીંદામણ, ખેડ/ગોડ કરી જમીન પોચી અને ભરભરી રાખવી.

પાક સંરક્ષણ :

રોગ:

  1. પાનનાં ટપકાં: આ રોગના નિયંત્રણ માટે કોઈપણ એક ફૂગનાશક દવા જેવી કે કાર્બેન્ડાઝીમ, મેન્કોઝેબ કે ઝાયનેબનો છંટકાવ કરવો.
  2. ભૂકી છારો: આ રોગના નિયંત્રણ માટે ૦.૨ ટકાના દ્રાવ્ય ગંધકનો છંટકાવ કરવો.
  3. મૂળનો સડો: આ રોગને અટકાવવા માટે કાર્બેન્ડાઝીમ અથવા થાયોફેનેટ મિથાઈલ કે કલોરોથેલોનીલનો છંટકાવ કરવો.
  4. સૂકારો: આ રોગના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ કે બોનોમીલ દવાનો છંટકાવ કરવો. આ ઉપરાંત જૈવિક ફૂગનાશક ટ્રાઈકોડર્મા (કુદરતી ફૂગનાશકોનો ઉપયોગ કરવો. અનિવાર્ય જણાય તો જ રાસાયણિક ફૂગનાશક દવા વાપરવી.

જીવાત:

ફૂલ ખાનાર ઈયળ:

  • આ જીવાતોના નિયંત્રણ માટે ઝાડના થડની આજુબાજુ ગોડ કરવો જોઈએ.
  • નુકસાન થયેલ કળીઓને ઈયળ સાથે વીણીને નાશ કરવો.
  • •હેકટરે એક લાઈટ ટ્રેપ મૂકવું જોઈએ
  • મેલાથીઓન ૫૦ ઈ.સી. ૨ મિ.લિ. લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

પાન ખાનરી ઈયળ:

સરગવાનાં પાન ખાનાર ઈયળનો વિશેષ ઉપદ્રવ જોવા મળે છે. આ ઈયળના નિયંત્રણ માટે લીમડાના તેલ આધારિત અથવા ગૌમૂત્ર આધારિત દવાનો ઉપયોગ કરવો. અનિવાર્ય જણાય તો જ જંતુનાશક દવા વાપરવી.

કાતરા (હેરી કેટરપીલર) :

  • આ જીવાતના નિયંત્રણ માટે ઈડા અને ઈયળોનો વીણી નાશ કરવો.
  • પ્રતિ એકરે એક લાઈટ ટ્રેપ ગોઠવવું.
  • મેલાથીયોન ૫૦ ઈ.સી. (૨ મિ.લિ. લિટર), નીમ્બીસીડીન (૩ મિ.લિ. ૧ લિટર), ઈન્ડોકઝાકાર્બ ૧૫% (૧ મિ.લિ.૧ લિટર), સ્પીનોસાડ ૪૫% (૭ મિ.લિ./૧૫ લિ.) મીથોમીલ ૧૨.૫ ઈ.સી. (પ મિ.લિ. ૧૦ લિ.) પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.

એશ વીવીલ:

  • પુષ્ઠ વયના જીવડાંને વીણી નાશ કરવો.
  • વાવેતર બાદ ૧૫ દિવસ પછી ૧૫ કિ.ગ્રા. કાર્બોફયુરાન ૩ જી પ્રતિ હેકટરે આપવું.

શીંગની ફળમાખી:

  • શીંગના છેવાડાના ભાગ ઉપર એકદમ ઝીણુ કાણું પાડીને મેગટ શીંગમાં દાખલ થાય છે. છે નુકસાન પામેલ અને ખરી પડેલ શીંગોનો વીણીને નાશ કરવો.
  • હેકટરે એક ફિશમીલ ટ્રેપ ગોઠવવું.
  • કીટનાશક દવા નીમ્બેસાઈડીન ૩ મિ.લિ./લિટર પાણીમાં ભેળવી ૫૦ ટકા ફૂલ આવે ત્યારે અને ત્યારબાદ ૩૫ દિવસે એમ બે છંટકાવ કરવા જોઈએ. આ જીવાતના ઉપદ્રવથી દક્ષિણ ભારતમાં 90% ઉપદ્રવ નોંધાયેલ છે.
  • ટ્રેપમાં આથો આવેલ ટામેટાં મૂકવાથી ફળમાખીના નરને આકર્ષી શકાય છે.

થડ કોરી ખાનાર ઈચળ (ઈન્ડરબેલા):

કેટલીક વાર થડ કોરી ખાનારી ઈયળનો ઉપદ્રવ પણ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે થડ પરની ગેલેરી સાફ કરવી.

ઈયળે કોરાણ કરેલ કાણામાં કલોરોફોર્મ અથવા ફોર્માલિન અથવા પેટ્રોલમાં બોળેલું રૂ નું પૂમડુ મૂકવું.  રાસાયણિક નિયંત્રણ માટે ઈન્ડોકજાકાર્બ ૧૫ લિટર પાણીમાં ૧૫ મિ.લિ. અથવા સ્પિનોસાડ ૭ મિ.લિ. અથવા સ્પાર્ક ૩૫ મિ.લિ. અથવા મિથોમીલ ૫ મિ.લિ. નો છંટકાવ કરવો.

કાપણી :

પુરતી વિકસિત થયેલ, કુમળી અને લીલી શીંગોની કાપણી કરવી જોઈએ. વધુ પાક્ટ શીંગો રેસાવાળી હોય છે. વાવેતર બાદ ૬ થી ૮ માસે કાપણી લાયક શીંગો તૈયાર થાય છે. કાપણી ૨ થી ૩ મહિના ચાલે

ઘેરા લીલા રંગમાંથી આછા લીલા રંગની શીંગો થાય ત્યારે ભરાવદાર શીંગો ખાસ પ્રકારના વાંસ ઉપર લગાડેલ ચીપિયા વડે ઉતારવી. શીંગો નીચે પાથરેલ કપડામાં ભેગી કરવામાં આવે છે. એકઠી કરી છાંયડે લઈ જઈ સાફ કરવી, ઠંડા પાણીથી ધોવી તથા વર્ગીકરણ કરી ચોક્કસ વજન (૫ કિલો)ની સરખી લંબાઈ, જાડાઈ અને ગુણગત્તાવાળી શીંગોની ભારીઓ કરી વેન્ટિલેટર (કાણાવાળી) કોથળીમાં અથવા જાળીવાળી થેલીમાં પેક કરી બજારમાં વેચાણ માટે મોકલવી. પેકિંગ હવાચૂસ્ત રાખવું.

ઉત્પાદન :

દરેક ઝાડ જાત પ્રમાણે ૨૫૦ થી ૪00 શીંગો આપે છે. તે મુજબ હેક્ટરે અંદાજે ૩૦ થી ૪૦ ટન ઉત્પાદન મળે છે.

પેકેજિંગઃ:શીંગો ઉતાર્યા બાદ તેને પોલીથીન બેગમાં પેક કરવી જોઈએ જેથી તેના વજનમાં ઓછામાં ઓછી ઘટ આવે છે તેમજ ૧૫ દિવસ સુધી સંગ્રહી શકાય છે. ઉપરાંત પોલીથીન બેગમાં પેક કરવાથી તેમાં અન્ય પેકિંગ કરતાં વધુમાં વધુ કેરોટીન અને એસ્કોરબિક એસિડનું પ્રમાણ જોવા મળેલ હતું.

સંગ્રહ:: ૭ થી ૮ સે. તાપમાન અને ૭૦ થી ૭૫% સાપેક્ષ ભેજ.

નિકાસ માટેના ધારાધોરણો : :૩૦ સે.મી. લાંબી શીંગ કાણાંવાળા પૂઠાના કાર્ટનમાં પ થી ૮ કિલોના પેકિંગમાં મોકલવી.

મૂલ્ય વર્ધન :

અથાણું, પાનનો પાઉડર, શીંગના માવાનો પાઉડર, કેસુલ, મોરીંગા ટી, મોરીંગા ઓઈલ, મોરીંગા ક્રીમ વગેરે બનાવટો બનાવી શકાય છે.

સ્ત્રોત: ડિસેમ્બર-ર૦૧૭ વર્ષ : ૭૦ અંક : ૮ સળંગ અંક : ૮૩૬,કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate