હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / લોહતત્ત્વયુક્ત ડાંગર : જીએનઆર-૪
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લોહતત્ત્વયુક્ત ડાંગર : જીએનઆર-૪

લોહતત્ત્વયુક્ત ડાંગર : જીએનઆર-૪ વિષની માહિતી આપવામાં આવેલ છે

ચોખા એ એક પોષક આહાર છે. તેમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ ૭૦ થી ૮૦ ટકા, પ્રોટીન પ થી ૭ ટકા, ચરબી ર થી ર.પ ટકા હોય છે. આ ઉપરાંત તેમાંથી ખનીજ ક્ષારો, વિટામિન અને ફાઈબર મળે છે. ચોખામાં ફોલિક એસિડ પણ હોય છે. જે નવજાત શિશુમાં જોવા મળતી ખામી ઘટાડવામાં મદદરૂપ  થાય છે.

ખોરાકમાં ભાત લગભગ ૩૦ ટકા જેટલી શક્તિ પુરી પાડે છે. ચોખાને સામાન્ય રીતે રાંધીને ભાત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ રાંધેલા ભાતમાંથી ખનીજક્ષારો અને પોષક તત્વો બહુ જૂજ માત્રામાં કાઢવાની પ્રોસેસ વખતે તે ચોખાથી અલગ થઈ જાય છે અને આ કુસકીનો મોટા ભાગે પશુદાણ કે મરદઘાં-બતકાંના આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

આજે ચોખાનો મુખ્ય ખોરાક તરીકે વપરાશ કરતા દેશોમાં માનવ શરીરને જરૂરી સુક્ષ્મતત્વોની ખામી જોવા મળે છે. ખાસ કરીને લોહ, ઝિંક તત્ત્વ અને વિટામિન-એની ખામી કે જે મનુષ્યની તંદરસ્તી માટે ખૂબ નિકારક છે. આવા તત્ત્વોની ખોરાકમાં અછત કે ઓછી માત્રા હોવાના કારણે મનુષ્યને  એનીમિયાની અસર થાય છે. વિશ્વ કક્ષાએ ૨૦ કરોડ જેટલા લોકોમાં એનીમિયાની અસર થાય છે. એનીમિયા ખોરાકમાં લોહતત્વની ખામીને લીધે થાય  છે, જેને લીધે માનવની તંદુરસ્તી ઉપર અસર થાય છે, ખાસ કરીને બાળકના વિકાસ પર તેની અસર જોવા મળે છે અને બાળમરણનું પ્રમાણ આના લીધે વધારે રહે છે. યુવા અવસ્થાએ પણ તેમની  અસર થાય છે અને માણસની કામ કરવાની ગતિ ઉપર અસર કરે છે. ઝિંકની ઉણપના લીધે માનવની વૃદ્ધિ ઉપર અસર કરે છે અને રોગ પ્રતિકારક  શક્તિ ઘટે છે.

ઉપરોક્ત બાબત ધ્યાને લઈ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્ય ચોખા/સંશોધન કેન્દ્ર દ્વારા ચોખાની લાલ દાણાવાળી બાયોફોર્ટિફાઈડ જાત  જીએનઆર-૪ વિકસાવવામાં આવેલ છે તેમાં લોહ અને ઝિંક તત્ત્વનું પ્રમાણ અન્ય ચોખા કરતા વધારે છે, જેથી તેમાં પોષણમૂલ્ય માત્રા વધારે છે.

દુનિયામાં અને આપણે ત્યાં પણ કુપોષણના પ્રશ્નો જોવા મળે છે અને પરિણામે શરીરની તંદુરસ્તી જોખમાય છે. તે જ રીતે વધુ પોષક તત્વો યુક્ત ખોરાક વધારે પ્રમાણમાં ખાવાથી પણ તંદુરસ્તી બગડે છે. આમ  ઓછા પોષક્તત્ત્વો ધરાવતા ખોરાક ખાવાથી અને વધુ માત્રામાં પોષણયુક્ત ખોરાક લેવાથી, આ બન્ને સ્થિતિને કૂપોષણથી થતા રોગો બાળકો અને  મહિલાઓમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બાળકોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રોટીનની ખામી, વિટામિનની ઉણપ, લોહતત્ત્વ, કેલ્શિયમ  જેવા ખનીજ ક્ષારોની ખામી વધુ જોવા મળે છે.

લોહતત્ત્વની ખામીને લીધે લોહીમાં રહેલા રક્તકણોની માત્રા ઓછી થાય છે અને એનીમિયા એટલે કે શરીર ફીક્કુ લાગે છે જેને ‘પાંડુરોગ' તરીકે  ઓળખવામાં આવે છે જેના લીધે માણસને થાક લાગે છે અને એનીમિયાના લીધે બાળ મરણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. મહિલાઓમાં ગર્ભાવસ્થા  દરમ્યાન આવી પરિસ્થિતિને કારણે શિશુનો પુરતો વિકાસ થતો નથી અને જન્મ સમયે બાળક નબળુ જન્મે છે અથવા તેમનો પુરતો વિકાસ થયેલ હોતો  નથી. પુષ્ટવયની વ્યક્તિમાં લોહત્ત્તતી ઉણપના લીધે કામ કરવાની ક્રિયાશીલતા ઉપર અસર થાય છે. એક  તારણ મુજબ અમેરિકા અને કેનેડામાં  લગભગ ર૨૦ ટકા સ્રીઓ અને ૩ ટકા પુરુષોમાં લોહતત્ત્વની ઉણપના લીધે શરીરની નબળાઈ, થાક લાગવો, આળસ થવી, કોઈપણ પ્રવૃત્તિમાં રસ ન  પડવો અને માથાના દુઃખાવો જેવા ચિન્હો જોવા મળે છે.

આપણા શરીર માટે લોહતત્ત્વની અગત્યતા ઘણી રહેલી છે. જીએનઆર-૪ જાતના ચોખાના ભાત આપણા ભોજનમાં એક વાટકી જેટલા લેવામાં આવે  તો આપણી દેનિક જરૂરિયાતના ૫૦ ટકા જેટલું લોહતત્ત્વ તેમાંથી મળી શકે છે. આમ લોહતત્ત્વની જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે બાયોફર્ટિફાઈડ  ચોખાનો ઉપયોગ આપણા ખોરાકમાં કરીશું તો લોહતત્ત્વની ખામીને લીધે થતી અસરથી બચી શકીશું.

ચોખાનો ઉપયોગ ભાત ઉપરાંત તેમાંથી જુદી જુદી બનાવટો જેવી કે, ખીચડી, ખીર, પુલાવ, બીરીયાની, પૌવા, મમરા ઈડલી, ઢોંસા, વડા, લાડું, ચકરી,  પાપડ વગેરે બનાવવામાં આવે છે. આ ઉપરાંત ચોખાના પ્રોસેસિંગ વખતે કુસકી મળે છે જેમાંથી બેકરીની બનાવટો જેવી કે બિસ્કીટ, કેક વગેરે પણ  બનાવી શકાય છે. આવી મુલ્યવર્ધિત બનાવટો જીએનઆર-૪ (લાલ ચોખા)માંથી બનાવવામાં આવે અને બાળકો અને સગર્ભા મહિલાઓને આપવામાં  આવે તો કૃપોષણનો પ્રશ્ન મહદ્‌ અંશે હલ થઈ શકે.

જીએનઆર-૪ ડાંગરની જાતનું વાવેતર અને ખેતી પદ્ધતિ અત્યારે જે ચીલાચાલુ જીણા દાણાવાળી ડાંગરની જાતમાં અપનાવવામાં આવે છે તેવી રીતે જ  કરવામાં આવે છે. આમ, ડાંગરની ખેતીમાં બાયોકોર્ટિફાઈડ ડાંગરની સાથે સાથે પોષણયુક્ત ખોરાક ખાસ કરીને લોહતત્ત્વથી સભર ચોખાનો ઉપયોગ  કરવાથી કુપોષણને જાકારો આપી આ ભયાનક રોગને નાથી, બહોળા જનસમુદાયની તંદુરસ્તી જાળવવામાં સિંહફાળો આપી શકીશું.

પોષણમૂલ્ય અને તેના સેવનથી શરીરને થતા લાભો:

 • માનવ શરીરમાં લગભગ ૪ ગ્રામ જેટલું લોહતત્ત્વ રહેલું હોય છે.
 • માણસને પ્રતિદિન અંદાજીત ૮ મિ.ગ્રા. લોહતત્ત્વની જરૃરિયાત પડે છે.
 • ખોરાકમાં રહેલા લોહતત્ત્વમાંથી શરીર ફક્ત ૧૦ થી ૧૫ ટકા જ આ તત્વ ગ્રહણ કરે છે.
 • લોહીમાં રહેલા રક્તકણો ઉત્પન્ન કરવામાં લોહતત્ત્વનો અગત્યનો ભાગ ભજવે છે.
 • માંસપેશીઓમાં પ્રાણવાયુ પહોંચાડવાનું કાર્ય લોહતત્ત્વ દ્વારા થાય છે.
 • માણસને સતત ક્રિયાશીલ રાખવા જરૂરી શક્તિ લોહતત્ત્વમાંથી મળી રહે છે.
 • શરીરના દરેક કોષોની મેટાબોલિક એક્ટીવિટી, બંધારણ અને પરિવહનના કાર્યમાં લોહતત્વ સક્રિય ભાગ ભજવે છે.
 • ખાસ ડરીને બાલ્ય અને યુવાવસ્થા દરમ્યાન માનવના તંદુરસ્ત વિકાસમાં અગત્યની ભૂમિકા રહેલી છે.
 • લોહતત્ત્વ ઈંડાની જરદી, મશરૂમ અને માંસમાંથી મળે છે. લીલા પાનવાળા શાકભાજી (પાલક, મેથી, તાંદળજો, સવા) , લીલા વટાણા અને તરબૂચમાં  પણ લોહતત્ત્વનું પ્રમાણ વધારે હોય છે.
 • શાકાહારીઓને લોહતત્ત્વ મુખ્યત્વે લીલા શાકભાજી અને કઠોળમાંથી મળી રહે છે.

ધાન્યપાકોમાં ડાંગર મોખરાનું સ્થાન ધરાવે છે. પૃથ્વી પરની માનવ વસ્તીના દર ત્રણમાંથી એક માણસ દરરોજ ચોખા અથવા તેમાંથી બનતી કોઈપણ બનાવટનો તેમના દૈનિક ખોરાકમાં ઉપયોગ કરે છે અને તેમાંથી મળતી પોષ્ટિક્તાને કારણે તેને મુખ્ય ખોરાક તરીકે અપનાવેલ છે, જેથી ચોખાની  અગત્યતા ઘણી રહેલી છે. આપણે ત્યાં અંદાજે ૬૫ ટકા વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રિય ફૂડ સિક્યુરિટીનો મોટો આધાર ચોખા ઉપર  રહેલો છે. ડાંગર પાકનું ઉત્પાદન, વાવેતર અને ઉત્પાદકતા વધે તેમજ કૂદકે ને ભૂસકે વધતા જનસમૂદાયના પોક્ષણ માટે જરૂરી ખોરાકની માંગને પહોંચી  વળવા માટે ધ્યાન આપવાની જરૂયિત છે.

સ્ત્રોત:

ડૉ. વી.પી. ઉસદડિયા, પ્રો. પી. બી. પટેલ, પ્રો. વી. આર. નાયક

મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન યુનિટ

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી - ૩૯૬૯૪૫૦

ફોનઃ (૦૨૯૩૭) ૨૯૨૧૦૩

કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.74193548387
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top