অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોપાણ ડાંગરની ખેતી પધ્ધતિ

ગુજરાત રાજયમાં વષ્ર ર૦૧૬-૧૭ દરમ્યાન ખરીફ ડાંગરનો  કુલ ૭.૮ લાખ  વિસ્તારમાંથી ૧૭.૮ લાખ મે.ટન ઉત્પાદન તથા ઉનાળુ ડાંગર હેઠળના પ૬ હજાર હેકટર વાવેતર વિસ્તારમાંથી ૧.૮ લાખ મે.ટન મળેલ છે. આમ, વષ્ર્ ર૦૧૬-૧૭ દરમ્યાન રાજયમાં ડાંગરનો  કુલ વાવેતર વિસ્તાર ૮.૪ લાખ હેકટરમાંથી કુલ ૧૯.૬ લાખ ટન ઉત્પાદન મળેલ છે. જેમાં ખરીફ ડાંગરની પ્રતિ હેકટરે ઉત્પાદકતા ર.ર૭ ટન જયારે ઉનાળુ ડાંગરની ૩.ર ટન  મળેલ છે. ગુજરાત રાજયમાં ડાંગરની ખેતીના કુલ વિસ્તાર પૈકી ૬૦ ટકા થી વધુ વિસ્તારમાં ફેરરોપણીથી ડાંગરની ખેતી થાય છે. આમ, ગુજરાત રાજયમાં  ઉનાળુ ડાંગરનો વિસ્તાર વધતો જાય છે. ઓરાણ ડાંગરનો વાવેતર વિસ્તાર ઘટતો જાય છે. જેથી વષ્ર્ ર૦૧૭ ની ઉત્પાદકતા સરેરાસ અંદાજીત ર.૪ ટન પ્રતિ  હેકટર થવા પામેલ છે. તેમ છતાં પ્રગતીશીલ ખેડૂતોએ વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાતો, ધરૂ ઉછેર તેમજ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ધ્વારા ૭-૮ ટન પ્રતિ હેકટર સુધી ઉત્પાદન લીધેલ છે.ડાંગરના આદર્શ ધરૂ ઉછેર અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ માટે નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખવાથી ખેતીની નફાકારકતા વધે છે.

યોગ્ય જાતની પસંદગી

ડાંગરનો પાકએ જુદી જુદી હવામાન પરિસ્થિતિમાં ઉગાડતો હોઈ જે તે વિવિધ જાતોની પાકવાના દિવસોના આધારે ભલામણ કરવામાં આવેલ છે.

  • વહેલી પાકતી જાતો (૧૦૫ થી ૧૨૦ દિવસ): જી.આર.-૩, જી.આર.-૪, જી.આર.-૬, જી.આર.-૭, જી.આર.-૧૨, ગુર્જરી, આઈ.આર.-૨૮., જી.એ.આર-૨. જી.એન.આર- ૩, જી.એન.આર.એચ.-૧,૨ (સંકર જાતો),  જી.એ.આર- ૩  અને મહીસાગર
  • મધ્યમ મોડી પાકતી જાતો(૧૨૧ થી ૧૩૫ દિવસ):- જી.આર.-૧૧, જયા, આઈ.આર.-૨૨, જી.આર.-૧૦૩,  એન.એ.યુ.આર-૧, જી.એન.આર.-૨, જી.એન.આર.-૫, જી.એ.આર.-૧૩, જી.એ.આર.-૧(સુગંધીત); દાંડી, એસ.એલ.આર.-૫૧૨૧૪, જી.એન.આર.-૫ (ક્ષાર પ્રતિકારક જાતો)
  • મોડી પાકતી જાતો (૧૩૬ થી ૧૫૦ દિવસથી વધુ) :- બીન સુગંધિત : મસુરી, જી.એન.આર.-૪
  • સુગંધિત: જી.આર.-૧૦૧, જી.આર.-૧૦૨, નર્મદા અને જી.આર.-૧૦૪
  • ઉનાળુ ઋતુ માટે અનુકૂળ જાતો ગુર્જરી,જયા,જી.આર.-૧૧.જી.આર.-૧૦૩, જી.આર.-૭, જી.એ.આર.-૧ અને મહીસાગર

જે વિસ્તારમાં પિયતની સગવડતા સારી છે ત્યાં વધુ ઉત્પાદન લેવા માટે મધ્યમ મોડી પાકતી અને મોડી પાકતી જાતો પસંદ કરવી જોઈએ.

  • બીજ અને માવજત :- રોગમુક્ત વિસ્તારનું પ્રમાણિત બીજ પસંદ કરવું. ઝીણા દાણાવાળી જાતો માટે હેક્ટરે ૨૦-૨૫ કિ.ગ્રા. જ્યારે જાડા દાણાવાળી જાતો માટે ૨૫-૩૦ કિ.ગ્રા.બિયારણનો દર જાળવવો હિતાવહ છે.
  • સૂકી બીજ માવજત: ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩.૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૫૦ વે.પા. અથવા  થાયરમ ૭૫ % દવાનો બીજને પટ આપવો.
  • ભીની બીજ માવજત :  ૨૫ કિ.ગ્રા.  બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવા ના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.

ધરૂવાડિયુ

  • સારી પિયતની સગવડ અને નિતારની વ્યવસ્થા હોય તેવી સમતળ જમીન પસંદ કરવી.
  • એક હેક્ટર (૧૦૦ ગુંઠા) ની રોપણી માટે ૧૦૦૦ ચો.મી.(૧૦ ગુંઠા) વિસ્તારમાં ધરૂવાડિયુ  કરવું. ભારે કાળી જમીનમાં ગાદી ક્યારા જ્યારે હલકી રેતાળ જમીનમાં ૧૦ મીટર x  ૧ મીટર ના સપાટ ક્યારા બનાવવા.
  • એક ક્યારા માટે પાયામાં ૨૦ કિ.ગ્રા.  સારૂ કહોવાયેલ છાણિયું ખાતર + ૧ કિ.ગ્રા.  દિવેલી ખોળ + ૨૫૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ + ૫૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ આપવું.  જ્યારે વાવણીના ૧૫ દિવસ બાદ ક્યારા દીઠ ૨૫૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું,
  • ધરૂવાડિયામાં જરૂર મુજબ પિયત આપી ભીનુ રાખવું. નીંદણ અને રોગ-જીવાતના નિયંત્રણ માટે સમયસર પગલાં લેવા.
  • ધરૂવાડિયામાં પાણીની ખેંચ ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખવું. ધરૂવાડિયામાં શક્ય હોયા ત્યાં સુધી સારી ગુણવતાવાળું પણી પીયત માટે આપવું.
  • અભ્યાસ અને અવલોકનોને આધારે ધરૂ ઉપાડવાના અઠવાડીયા અગાઉ કાર્બોફ્યુરાન - ૩જી ગુંઠા દીઠ ૧.૦ કિ.ગ્રા.  આપવાથી ફેરરોપણી પછીના ૨૦-૨૫ દિવસ સુધી કોઈ જીવાતનો ઉપદ્રવ દેખાતો નથી.

જૈવિક ખાતરો:

ડાંગરના ધરૂના મુળને રોપતા પહેલાં એઝોટૉબેક્ટર અથવા એઝોસ્પીરીલમ અને ફોસ્ફોબેક્ટરીયા ના પ્રવાહી દ્રાવણમાં ૧૫ મીનીટ બોળ્યા બાદ રોપણી કરવી અને વધેલા દ્રાવણને  ખેતરમાં રેડવું. જેનાથી હેક્ટર દીઠ ૨૫ કિ.ગ્રા. રાસાયણિક નાઈટ્રોજનની બચત કરી શકાય છે.

ધરૂ વાવેતર સમય

ખરીફ (ચોમાસુ)  : જુનનું પ્રથમ પખવાડીયું

રવી (ઉનાળુ): નવેમ્બરના છેલ્લા અઠવાડીયાથી ડીસેમ્બરનુ પ્રથમ અઠવાડીયું. સમયસરની વાવણી અને રોપણી કરવાથી રોગ-જીવાતના પ્રશ્નો ઉદભવતા નથી.

ફેરરોપણી સમય અને રોપણી

  • ખરીફ (ચોમાસું): જુલાઈમાં (૨૫ થી ૩૦ દિવસનું ધરૂ રોપવું.)
  • રવી (ઉનાળુ): ફેબ્રુઆરીમાં (૫૦ થી ૫૫ દિવસનું ધરૂ રોપવું).

ફેરરોપણી માટે જમીનની તૈયારી :- ડાંગરાના પાકની ઓછા નિતારવાળી મધ્યમ ગોરડુ કે કાળી જ્મીન વધુ ભેજ સંગ્રહી શકે તેવી અથવા ક્યારીની જ્મીન હેક્ટરે વધુ અનુકુળ રહે છે. ઓછા વરસાદી વિસ્તારોમાં જ્યાં નિચણવાળી જગ્યાએ પાણી ભરાઇ રહે તેવી કાંપની જમીનમાં પણ રોપાણા ડંગર સારી રીતે લઇ શકાય છે.   રોપણીના ૧૫ દિવસ પહેલાં જમીનમાં હેક્ટરે ૧૦ ટન મુજબ છાણિયું ખાતર આપવું કે હેક્ટરે ૪૦ થી ૫૦ કિ.ગ્રા. ગ્રામ બીજ વાપરી શણ અથવા ઈક્કડનો લીલો પડવાશ કરવો. લીલો પડવાશ કરવાથી હેક્ટરે ૭૦ કિ.ગ્રા. ગ્રામ  નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે.

  • સારી રીતે ખેડેલ ખેતરમાં બે વખત ઘાવલ કરવું. જેથી પાણીનો વ્યય ઓછો થાય છે અને જમીન સાથે સારી  રીતે મૂળ સ્થપિતા થાય છે.
  • આખા ખેતરમાં પાણીનું સમાન સ્તર જાળવવા સમાર મારી જમીન સમતળ  કરવી.
  • સમાર મારતાં પહેલાં પાયાના ખાતરો આપી દેવા.

રોપણીનું અંતર

અસ્ત વ્યસ્ત રોપણી : એક ચોરસ મીટરમાં ૩૦-૩૫ રોપા.

હારમાં રોપણી : ૨૦ x ૧૫ સે.મી. અથવા ૧૫ x ૧૫ સે.મી.એક ખાંમણે  ૧-૨ રોપા.

ગામાં પૂરવાં : હળવા વરસાદના ઝાપટાં ચાલુ હોય ત્યારે જ જરૂર મુજબ રોપણીના ૧૦  દિવસમાં ગાંમા પૂરવાં.

સીધી વાવણી માટે ફણગાવેલ બીજ પધ્ધતિ :-

મધ્ય અને દક્ષિણ ગુજરાત બન્ને વિસ્તાર માટે ભલામણ કરેલ અનુકૂળ પધ્ધતિ છે.

  • ઝીણા દાણાવાળી જાતો માટે હેક્ટરે ૫૦ કિ.ગ્રા. ગ્રામ જ્યારે જાડા દાણાવાળી જાતો માટે હેક્ટરે ૬૦ કિ.ગ્રા. ગ્રામ મુજબ ફણગાવેલ બીજને ઘાવલ કરી સમતળ કરેલ જમીન પર અનુભવી માણસ દ્વારા જોરથી પૂંખવામાં આવે છે અથવા ૨૨.૫ સે.મી. અંતરે લાઈનમાં ઓરવામાં આવે છે જેનાથી ધરૂવાડિયું ઉછેરવાનો અને રોપણી માટેના મજૂરી ખર્ચની બચત થાય છે.

ખાતરનું વ્યવસ્થાપના

રોપાણ ડાંગરના પાકમાં જાતોના પાકવાના સમયને અનુરૂપ નીચે પ્રમાણે રાસાયણિક ખાતરોની ભલામણ કરવામાં આવે છે.

નાઈટ્રોજનયુક્ત ખાતરો માટે શક્ય હોય તો નીમ કોટેડ  યુરિયા અથવા એમોનીયમ સલ્ફેટ પૈકી કોઈ એકનો જ ઉપયોગ નીચે મુજબ કરવો.

નાઈટ્રોજનયુક્ત ખાતરોનો હેક્ટરે દીઠ આપવાનો થતો જથ્થો (કિ.ગ્રા.)

ક્રમ

પાકવાનો સમય

ખાતરની   જાત

પાયામાં

ફૂટ વખતે

જીવ પડે ત્યારે

કુલ ખાતર

વહેલી પાકતી જાતો માટે

એસ.કે.-૨૦, જી.આર.-૩, જી.આર.-૪, જી.આર.-૬, જી.આર.-૭, જી.આર.-૧૨, ગુર્જરી, જી.એ.આર.-૨,  જી.એ.આર.-૩, જી.એન.આર- ૩ અને મહીસાગર

એમોનીયમ સલ્ફેટ અથવા

૧૫૫

૧૫૫

૭૮

૩૮૮

યુરિયા

૭૦

૭૦

૩૪

૧૭૪

મધ્યમ મોડી પાકતી જાતો માટે

જી.આર.-૧૧, જયા, દાંડી, જી.એ.આર.-૧૩, જી.એ.આર.-૧, જી.આર.-૧૦૩, એન.એ.યુ.આર-૧, જી.એન.આર.-૨, જી.એન.આર.-૫, આઈ.આર.-૨૨ અને એસ.એલ.આર.-૫૧૨૧૪,  જી.એન.આર.એચ.-૧(સંકર જાત હોવાથી)

એમોનીયમ સલ્ફેટ અથવા

૧૯૪

૧૯૪

૯૭

૪૮૫

યુરિયા

૮૭

૮૭

૪૪

૨૧૮

મોડી પાકતી જાતો માટે

મસુરી, જી.આર.-૧૦૧, જી.આર.-૧૦૨, નર્મદા, જી.આર.-૧૦૪, જી.એન.આર.-૪

એમોનીયમ સલ્ફેટ અથવા

૨૩૩

૨૩૩

૧૧૬

૫૮૨

યુરિયા

૧૦૪

૧૦૪

૫૩

૨૬૧

નાઈટ્રોજન યુક્ત પૂર્તિ ખાતરનો બીજો અને છેલ્લો હપ્તો જે ૨૦ ટકા લેખે જીવ પડતી (કંટી બેસે પહેલાની અવસ્થા) વખતે આપવાનો થાય છે તે ખાસ ધ્યાને રાખીને ભલામણ કરતાં વધારે આપવો નહી, કારણ કે તે વખતે રોગ જીવાતને અનુકૂળ વાતાવરણ હોય તો તે તીવ્ર સ્વરૂપમાં ફેલાય છે અને નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે. સંશોધનના પરિણામો પરથી ડાંગરના પાકને મધ્ય ગુજરાત માટે હેક્ટરે ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ અને દક્ષિણ ગુજરાત માટે ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે તે બજારમાં મળતા ખાતરના રૂપમાં નીચે કોઠામાં દર્શાવ્યા મુજબ આપી શકાય.

ફોસ્ફરસ યુક્ત ખાતરોનો આપવાનો થતો જથ્થો કિ.ગ્રા.:

જે તે વિસ્તાર

હેક્ટરે ભલામણ કરેલ ફોસ્ફરસ (કિ.ગ્રા.)

ખાતરનો પ્રકાર

વીઘા દીઠ આપવાનો થતો હપ્તો (કિ.ગ્રા.)

હેક્ટર

મધ્ય ગુજરાત

૨૫

સીંગલ સુપર ફોસ્ફેટ

૩૭

૧૫૬

ડી.એ.પી.

૧૩

૫૪

દક્ષિણ ગુજરાત

૩૦

સીંગલ સુપર ફોસ્ફેટ

૪૪

૧૮૮

ડી.એ.પી.

૧૬

૬૫

ફોસ્ફરસ યુક્ત ખાતરોનો બધો જથ્થો તથા નાઈટ્રોજન યુક્ત ખાતરનો પ્રથમ હપ્તો તથા ૨૦ કિગ્રા ઝીંક સલ્ફેટ પાયામાં જ રોપણી વખતે જમીનમાં આપી દેવો જોઈએ. ગુજરાત રાજ્યની જમીનમાં પોટેશીયમ તત્વ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ તે આપવાની કોઈ ભલામણ નથી.

નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મુખ્ય પોષક તત્વો સિવાય સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, ઝીંક, મેંગેનીઝ, કેલ્શીયમ, તાંબુ, બોરોન, સીલીકા, વગેરે બહું ઓછા પ્રમાણમાં પણ ડાંગરના પાકને જરૂરી છે. જે સેન્દ્રીય ખાતરોમાંથી મળી શકે છે એટલે ડાંગરના પાકમાં સેન્દ્રીય ખાતરો પણ આપવા જરૂરી છે. સંકલિત પોષણ વ્યવસ્થાપણના ભાગરૂપે જમીનના પ્રૂથ્થકરણ રીપોર્ટના આધારે પોષણ વ્યવસ્થપન કરવાથી બિનજરૂરી વધરાને ખર્ચ નિવારીને નફામાં વધારો કરી શકાય છે.  વધુમાં રોગ જીવાત વધુ ખાતર આપવાથી થતો હોવથી ઘટાળી શકાય છે.

એક હેક્ટરે દીઠ ૨૫૦ મિ.લિ એઝોટોબેક્ટર અને એઝોસ્પીરીલમ જેવા જૈવિક ખાતરની  ૩૦-૪૦ લિ. પાણીમાં દ્રાવણ બનાવી ધરૂના મુળને ૧૫-૨૦ મીનીટ બોળ્યા બાદ રોપણી કરવાથી ૨૫ થી ૩૦% નાઇટ્રોજન યુક્ત ખાતરની બચત થાય છે.

પાયામાં આપવાના ખાતરો :­- ૪૦ ટકા નાઈટ્રોજન + ૧૦૦ ટકા ફોસ્ફરસ + ૧૦૦ ટકા ઝીંક   સલ્ફેટ  (૫.૦ કિ.ગ્રા. ) રોપણી વખતે જ આપી દેવો જોઈએ.

પૂર્તિ ખાતર:

પ્રથમ હપ્તો: ફૂટ વખતે ૪૦ ટકા નાઈટ્રોજન (કોઠામાં દર્શાવ્યા મુજબ).

બીજો હપ્તો: જીવ પડવાની અવસ્થાએ બાકી રહેલ ૨૦ ટકા નાઈટ્રોજન (કોઠામાં દર્શાવ્યા મુજબ).

નિંદણ નિયંત્રણ

ધરૂવાડીયામાં: વાવણીના બીજા દિવસે હેક્ટરે ૧.૫ થી ૨.૦ કિ.ગ્રા.  બ્યુટાક્લોર ૫૦ ઈસી સક્રીય તત્વ મુજબ અથવા પેન્ડીમીથેલીન ૩૦ ઈસી હેક્ટરે ૧.૦ થી ૧.૫ કિ.ગ્રા.  સક્રીય તત્વ મુજબ (વીઘા દીઠ ૧.૦ લિ)  આપવુ/છાંટવું.

ખેતરમાં: ઉપર મુજબના નિંદણનાશકો રોપણી પછી ચાર દિવસમાં ખેતરમાં થોડુંક પાણી (છબછબીયુ પાણી)  હોય ત્યારે રેતી સાથે ભેળવી પૂંકવા.

પિયતનું વ્યવસ્થાપન

ડાંગર એ પાણી ભૂખ્યો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ નહીં. પરંતુ ખેતરમાં ૫-૭ સે.મી. પાણી ફૂલ આવે ત્યાં સુધી અવાર-નવાર ભરવાની અને નિતારી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી જમીનમાં હવાની સારી અવર જવર થઈ શકે. નીંધલ પડ્યા પછી દાણા ભરાવાની અવસ્થા સુધી ફક્ત ૫-૭ સે.મી. પાણી ભરી રાખવું અને કાપણીના ૨-૩ અઠવાડીયાં પહેલાં સંપૂર્ણ નીતારી દેવું જોઈએ.

ડાંગરની પાણી બચાવતી ખેતી પધ્ધતિ “ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ (“શ્રી”) અપનાવવી જોઈએ જેનાથી ઉત્પાદન પણ વધે છે અને પાણી બચે છે.

શ્રી પધ્ધતિના છ સિધ્ધાંતો નીચે મુજબ છે:

  1. એક હેક્ટરની રોપણી કરવા ધરૂવાડીયા માટે ઓછી જગ્યા જોઈએ અને ફક્ત ૫-૬ કિ.ગ્રા.  બીયારણની જરૂર પડે.
  2. ફક્ત ૧૨-૧૪ દિવસની ઉંમરનું ધરૂ જ રોપવાનું હોય છે.
  3. રોપણીનું અંતર પહોળા ગાળે ૨૫ સે.મી. x ૨૫ સે.મી અને એક થુંમડે ફક્ત એક જ ચીપો રોપવાનો હોય છે.
  4. નીંદણ નિયંત્રણ માટે રોટરી વીડર/કોનો વીડરનો ઉપયોગ રોપણી પછી ૧૫ દિવસે કરવો.
  5. ખેતરમાં સતત પાણી ન ભરતાં વારા ફરથી એકાંતરે પિયત, ફક્ત ભીનું કોરૂ કરવું.
  6. સેન્દ્રીય ખાતરો અને નીંદણ/ઘાસ વિગેરે જમીનમાં દબાવવા.

જીવાત નિયંત્રણ

પાન વાળનાર ઈયળ:- પાનની ભૂંગળી બનાવી અંદર ભરાઈ લીલો ભાગ ખાય છે. તેના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન -૮૫% ૦.૦૩ ટકા (૧૦ લિ. પાણીમાં ૧૦ મિ.લિ. દવા) અથવા અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરઇડ  ૫૦ ટકા એસ.પી. ૦.૩ કિ.ગ્રા.  સ.તત્વ/હે. અથવા એસીફેટ-૭૫ ટકા એસ.પી. (૧૦ લિ. પાણીમાં ૨૦ ગ્રામ) કે ટ્રાઈઝોફોસ-૪૦ ઈસી ૦.૫૦ કિ.ગ્રા.  સ.તત્વ/હે. (૧૦ લિ. પાણીમાં ૨૦ મિ.લિ.) મુજબ છંટકાવ કરવો.

ગાભમારાની ઈયળ:- રોપણી પછી ૨૫-૩૦ દિવસે છોડનો વચ્ચેનો પીલો સુકાય છે જેને “ડેડહાર્ટ” કહે છે. કંટી વખતે કંટી સુકાઈ ને સફેદ થઈ દાણા ભરાતા નથી અને ખેંચતાં સહેલાઈથી ખેંચાઈ આવે છે. જેને સફેદ પીંછી (વ્હાઈટ ઈયર હેડ) કહે છે. માટે રોપણી પછી ૨૫-૩૦ દિવસે અને ૪૦-૪૫ દિવસે એમ બે વખત કાર્બોફ્યુરાન-૩જી હેક્ટરે ૨૫ કિ.ગ્રા.  સ.તત્વ અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ૪ જી હેક્ટરે ૨૦ કિ.ગ્રા.  સ.તત્વ મુજબ જમીનમાં આપવું. વિશેષમાં આ જીવાતના વીઘા દીઠ ૬ થી ૭ ફેરોમોન ટ્રેપ મુકવાથી પણ નિયંત્રણ થાય છે.

સફેદ પીઠવાળાં ચૂસિયાં:- છોડના થડમાંથી રસ ચૂસી નબળો પાડી સુકવી નાંખે છે જેના નિયંત્રણ માટે આગળ મુજબ દાણાદાર જંતુનાશક દવાઓ આપવી ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૦.૦૦૫ ટકા (૩ મિ.લિ./૧૦ લિ. પાણીમાં) અથવા ફેનોબુકાર્બ ૫૦ ઈસી ૦.૦૭ ટકા (૧૫ મિ.લિ./૧૦ લિ. પાણીમાં) નો પ્રથમ છંટકાવ રોપણી પછી ૧૫ દિવસે અને વધારાના છંટકાવ ક્ષમ્ય માત્રા અનુસાર જરૂર મુજબ કરવાથી ઉપર મુજબની બધી જીવાતોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.

લશ્કરી ઈયળ:- ઈયળ રાત્રી દરમ્યાન પાન, થડ અને કંટી કાપી ખાય છે. દિવસે સંતાઈ રહે છે,  તેના નિયંત્રણ માટે મિથાઈલ પેરાથીઓન ૨ ટકા ભૂકી અથવા કાર્બારીલ ૫ ટકા ભૂકીનો હેક્ટરે ૨૫ કિ.ગ્રા.  મુજબ છંટકાવ કરવો.

રોગ નિયંત્રણ

જીવાણુંથી થતો સુકારો :- આ રોગમાં પાનની ટોચેથી ધારો સૂકાઈ ધીમે ધીમે છોડ અને કંટી પણ સુકાય છે. ડોડા અવસ્થાએ વધુ પડતાં નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવાથી આ રોગ તીવ્ર સ્વરૂપમાં આવે છે. તેથી ભલામણ મુજબ જ ખાતરો વાપરવાં. રોગ આવે ત્યારે જરૂર મુજબ ૨૦ લિ. પાણીમાં ૧.૦ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન કે ૧૦ ગ્રામ મુજબ કોપર ઓક્સીક્લોરાઈડનું પ્રમાણ રાખી વીઘા દીઠ ૮૦ થી ૧૦૦ લિ. મુજબ દ્રાવણનો છંટકાવ કરવો.

કરમોડી (બ્લાસ્ટ) :- પાન પર ત્રાક આકારનાં આંખ જેવા ટપકાં થાય, છોડની ગાંઠ અને કંટીનું ગળુ સડીને સુકાય તેના નિયંત્રણ માટે ૦.૦૪૫ ટકા ટ્રાયસાયક્લોઝોલ ૭૫ ટકા વે.પા. (૬ ગ્રામ/૧૦ લિ.  પાણીમાં)  અથવા ૦.૦૦૫ ટકા કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિ.  પાણીમાં)  રોગ દેખાય ત્યારે અને ત્યારબાદ જરૂર મુજબ બે છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. વિઘા દીઠ ૮૦ લિ.  મુજબ છંટકાવ કરવો.

ભૂખરા દાણા (ગ્રેઈન ડીસક્લરેશન):- દાણા લાલ બદામી થઈ ગુણવત્તા બગડે છે. તેના નિયંત્રણ માટે ૦.૨૨૫ ટકા મેન્કોઝેબ ૭૫ વે.પા. (૩૦ ગ્રામ/૧૦ લિ.  પાણીમાં) અથવા ૦.૧૧૩ ટકા (કાર્બેન્ડાઝીમ ૧૨ ટકા વે.પા. + મેન્કોઝેબ ૬૩ ટકા વે.પા.) (૧૦ ગ્રામ/૧૦ લિ.પાણીમાં) અથવા ૦.૦૦૧ ટકા હેક્ઝાકોનોઝોલ ૫ ટકા ઇસી (૨૦ ગ્રામ/૧૦ લિ.  પાણીમાં)વીઘા દીઠ ૮૦ લિ.  મુજબ ડોડા અવસ્થાએ શરૂ કરી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

ગલત અંગારિયો :- કંટી નીકળે ત્યારે દાણાની જગ્યાએ પીળા ચણા જેવી ગાંઠો થાય છે. પાછળથી કાળા પાવડરના રૂપમાં ફેરવાય છે. તેના નિયંત્રણ માટે નાઈટ્રોજન યુક્ત ખાતરો ભલામણ મુજબ જ વાપરવાં. નિંઘલ પડવાની શરૂઆત થાય કે તરત જ ૧૦ લીટર પાણીમાં ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા.(૨૫ ગ્રામ/૧૦ લિ.  પાણીમાં) અથવા ૦.૦૫ ટકા કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિ.  પાણીમાં) અથવા ૦.૦૨૫ ટકા પ્રોપીકોનાઝોલ ૨૫ ટકા ઈ.સી (૧૦ ગ્રામ/૧૦ લિ.  પાણીમાં) ના દ્રાવણનો વીઘા દીઠ ૮૦ લિ.  મુજબ ડોડા અવસ્થાએ અને ૫૦ ટકા કંટી નીકળે ત્યારે છંટકાવ કરવો.

સંકલિત જીવાત-નિયંત્રણ :-

મધ્ય ગુજરાત એગ્રોક્લાઈમેટીક ઝોન-૩ના ડાંગર ઉગાડતા ખેડૂતોએ ડાંગરની પાન વાળનાર ઈયળના નિયંત્રણ માટે અને પરભક્ષી કરોળિયાની જાળવણી માટે નીચે મુજબ સંકલિત નિયંત્રણ અપનાવવાની ભલામણ છે.

  1. જીવાત સામે ટક્કર ઝીલતી ગુર્જરી જાતની ખેતી કરવી અને રાસાયણિક ખાતરો ભલામણ મુજબ જ વાપરવાં.
  2. જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં ડાંગરની રોપણી કરી દેવી જોઈએ.
  3. ડાંગરના ખેતરોમાં કરોળિયાની વસ્તી વધે તે માટે રોપણીના ૧૫ થી ૨૦ દિવસે  ઘઉં/રજકાનું પરાળ (૮૦ કિગ્રા/હે.) પૂંખવું.

ડાંગરના મિત્ર કીટકો તેમજ પરભક્ષી/પરજીવી જીવાતોને ઓળખીને તેનું સંવર્ધન કરવાના તેમજ જાળવણીના પ્રયત્નો કરવા જોઈએ. આડેધડ ભલામણ વગરની દવાઓનો છંટકાવ ટાળવો જોઈએ. જેથી મિત્ર કીટકોનું સંવર્ધન/જાળવણી થઈ શકે.

કાપણી અને સંગ્રહ :-

ડાંગરને પાકવાના દિવસોના આધારે દાણા પરિપક્વ થાય ત્યારે લીલી સળીએ કાપણી કરવાથી આખા ચોખાનું પ્રમાણ વધુ મળે. ડાંગર ખરતી નથી અને બગાડ ઓછો થાય. ઝૂડીને ૧૦ થી ૧૨ ટકા ભેજ રહે તેટલી સૂકવી સંગ્રહ કરવો.

નોંધ: દર્શાવેલ માહિતી સ્થાન, વાતવરણ અને સમય પ્રમાણે બદલાઈ શકે છે

સ્ત્રોત:  ર્ડા.ડી.બી.પ્રજાપતિ અને ર્ડા.એમ.બી.પરમાર,મુખ્ય  ચોખા સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ  યુનિવર્સિટી, નવાગામ–૩૮૭ પ૪૦, તા. જી.ખેડા, ફોન નં. ૦ર૬૯૪ ર૮૪ર૭૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate