অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મગફળીમાં થડ અને શીંગનો સડો

ગુજરાત રાજય અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો ઘણા વર્ષોથી મગફળીનું વાવેતર કરે છે. પરંતુ તેના ઉત્પાદનમાં ખાસ નોંધપાત્ર પ્રગતિ થતી ન હતી તેના કારણો અનેક છે પરંતુ મુખ્ય કારણો આ પ્રમાણે છે.
  1. મગફળીના પાકને તેના વિકાસ અને વૃધ્ધિની અવસ્થાઓ જેવી કે, ફૂલ ઉઘડવા, સુયા ઉતરવા અને ડોડવામાં દાણાના વિકાસ સમયે પિયતની ચોક્કસ જરૂરિયાત રહે છે પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ ખુબ જ ઓછો અને અનિયમિત રીતે પડતો હોવાથી મગફળીના પાકને પાણીની જરૂરિયાત પિયત ખેતીમાં સંતોષાતી નથી એટલે મગફળીના ઉત્પાદનમાં વરસાદની પરિસ્થિતિ પ્રમાણે મોટી વધ-ઘટ થતી રહે છે.
  2. મગફળીની વધુ ઉત્પાદન આપતી અને દાણાની ઉત્તમ ગુણવત્તા ધરાવતી નવી સુધારેલી જાતોનું પ્રમાલિત બિયારણ ખેડૂતોને પુરતું મળતું ન હોવાથી મોટાભાગના ખેડૂતો ગમે તે જાતોના પોતાના બિયારણનો ઉપયોગ કરતા હોવાથી ઉત્પાદકતામાં ખાસ નોંધપાત્ર વધારો થતો નથી.
  3. ખેડૂતો ઘણા વર્ષોથી એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરે છે અને ભલામણ પ્રમાણે ઊંડી ખેડ તેમજ પાક ફેરબદલી કરતાં ન હોવાથી, જમીનમાં ઉગસુક, થડનો કોહવારો, અલારોટ જેવા રોગની ફૂગનું પ્રમાણ ખુબ જ વધી ગયુ છે તેથી છોડ સુકાઈ જવાથી વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાતી નથી. પરિણામે ઉત્પાદનમાં ખુબ જ મોટો ઘટાડો થાય છે.

રોગની ઓળખ અને ચિન્હ :

થડના સડાની શરૂઆત મગફળી ઉગ્યા બાદ સામાન્ય રીતે ૩૦ થી ૩૫ દિવસે થતી હોય છે. મગફળીના પ્રકાંડને જમીન લગોલગ સપાટી પાસેથી આ રોગ લાગે છે ત્યારે સૌ પ્રથમ નીચેની ડાળીઓ પીળી પડવા લાગે છે. જમીનની સપાટી પાસે સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે અને રોગ આગળ વધે તેમ આ ફૂગ રાખોડી રંગની બને છે અને ફૂગના તાંતણામાંથી રાઈના દાણા જેવી પેશીઓ બને છે. આ દાણાદાર પેશીઓને સ્કલેરોશીયો કહેવાય છે. આવી દાણાદરા ફૂગની પેશીઓ જમીનમાં વર્ષો સુધી પડી રહે છે અને પાકને રોગનો ચેપ ફેલાવવામાં કારણરૂપ બને છે. આ રોગ લાગવાથી મગફળીના છોડ વામણો રહે છે. મગફળીના પાન ઉપર પણ આ ફૂગ રોગના ચિન્હો પેદા કરે છે. પાન ઉપર ભૂરા બદામી રંગના ટપકા જોવા મળે છે અને આવા ટપકા પાનની સપાટી ઉપર પ્રસરતા મોટ બને છે.

રોગની તીવ્ર અવસ્થાએ પાન, ડાળી અને ડોડવાને અસર થાય છે અને સુકાવા લાગે છે. ડોડવાની ફોતરી ઉપર સડો લાગે છે અને અંદરના દાણા પણ નબળા બને છે. આવા રોગીષ્ટ ડોડવાઓ ઉપર રોગની દાણાદાર પેશીઓ અને સફેદ ફૂગ જોવા મળે છે. રોગની અસરના કારણે મગફળીના દાણા ભૂરા/બ્લ્યુ રંગના બને છે જે રોગની ફૂગ દ્વારા પેદા થતા ઓકઝેલિક એસિડના કારણે હોય છે.

રોગનો ફેલાવો :

ઓ રોગ જમીનજન્ય છે. જમીન મારફત ફેલાય છે અને રોગના ફેલાવાનું મુખ્ય માધ્યમ જમીન છે. જમીનમાં પડી રહેલા રોગના અવશેષો અને રોગના બીજાણું રોગનો ચેપ લગાવવા મુખ્ય કારણરૂપ છે. ઘણીવાર મગફળીના બિયારણ સાથે રોગની પેશીઓ કે રોગના ચેપવાળુ બીજ પણ આ રોગ લાગવામાં કારણરૂપ બને છે. આ રોગના બીજાણુની સુષુપ્ત પેશીઓ જમીનમાં પડી રહેલી હોય છે, તે ૩ થી ૫ વર્ષ સુધી જીવત રહી નવા પાકને રોગનો ચેપ લગાડવા માટે સબળ હોય છે. આ રોગના બીજાણુઓની પેશીઓ ઊંચા ઉષ્ણતામાને અને જમીનના ઓછા ભેજમાં કે ભેજ વિનાની જમીનમાં વધુ સક્રિય અને રોગ ફેલાવવામાં ઝડપી બને છે, જ્યારે ભેજવાળી જમીન ભીની જમીનમાં આ રોગના બીજાણુઓ ઓછા સક્રિય અને રોગ ફેલાવવમાં નબળા પડતા હોય છે. જમીનમાં પડી રહેલ અડધા છોડના ડાળા ડાંખળાં તેમજ પૂરેપુરા નહીં સડેલ સેન્દ્રિય ખાતરોમાં આ રોગના બીજાણુ વધુ સક્રિય થતા હોય છે. સામાન્ય રીતે આ રોગના ચિન્હો છોડ પર કે જમીન પર ઝડપથી જોવા મળતા નથી પરંતુ એકવાર રોગના ચેપ લાગે તે પછી સાનુકૂળ વાતવરણ મળતા આ રોગ ઝડપથી ફેલાતો હોય છે. આ રોગના સ્કેલેરોશીયા (પેશીઓ) ૩૦ થી ૩૦ સે. ઉષ્ણતામાને રોગને ખૂબ ઝડપથી પ્રસરાવે છે, આગળ જણાવાયુ તેમ આ રોગ જમીનજન્ય હોઈને વરસોવરસ જે જમીનમાં મગફળીની ખેતી થાય છે એને ઓછાવત્તા પ્રમાણમાં આ થડના સુકારાનો રોગ લાગે છે તે જમીનમાં આ રોગના બીજાણુ વરસોવરસ એકત્ર થવાથી રોગનું પ્રમાણ ઘણું જ ગંભીર અને સમસ્યારૂપ બનેલ છે.

નુકશાન :

રોગની તીવ્રતા અવસ્થાએ મગફળીના મૂળ અને થડને સડો લાગે છે. શીંગોની ફોતરી સડી જતાં અંદર રહેલા દાણાને પણ સડો લાગે છે. દાણા અને શીંગો બગડી જવા પામે છે. મગફળી ઉપાડતી વખતે શીંગ તૂટીને જમીનમાં રહી જાય છે અને મોટું નુકશાન થાય છે. કાપણી પહેલા છોડ પણ સડી જવાના કારણે ચારાના ઉત્પાદનમાં ઘણું નુકશાન થાય છે. શીંગો નબળી અને સડાવાળી થવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ મગફળીના બજારભાવ મળતા નથી. વિશેષમાં આ રોગના બીજાણુઓ જમીનમાં લાંબો સમય જીવંત રહી શકે છે જેના કારણે પછીના વર્ષોમાં નવા પાકને રોગ લાગવાનો પેરપુરો ભય રહે છે.

રોગ નિયંત્રણ :

આ રોગની નિયંત્રણ વ્યવસ્થા માટે બહુગામી પગલાઓ લેવા આવશ્યક છે. આ રોગની નિયંત્રણ વ્યવસ્થા બે વિભાગમાં વહેંચી શકાય.

ખેતી પધ્ધતિ વિષયક પગલાઓ :

  • જમીન વ્યવસ્થા : જમીનની સ્વચ્છતા જાળવવી તેમજ ચાસની ફેરબદલી કરવી. વાવણી પહેલા જમીનમાં પડી રહેલા આગલા પાકના ડાળા, ડાળખા, પાંદડા, નકામાં ઝાંખરાં વગેરે ભેગા કરી બાળી નાખવાં.
  • આંતરખેડ અને નીંદામણ : નકામા અને પાકની વચ્ચે ઊભેલા નીંદામણનો નાશ કરવો અને ફૂલ આવતા સુધીમાં ૨ થી ૩ વાર જરૂર પ્રમાણે આંતરખેડ કરવી.
  • પાકની ફેરબદલી : આ રોગ નિયંત્રણ પાક ફેરબદલી કરવાથી અસરકારક રીતે થાય છે. જે પાકમાં આ રોગ આવતો ન હોય તેવા પાક જેવા કે જુવાર, મકાઈ, કપાસ, એરંડા વગેરેની ખેતી ર થી ૩ વર્ષ કરવાથી આ રોગ નિયંત્રણમાં આવે છે.
  • વિચારણનો દર : મગફળીની જાત પ્રમાણે જે ભલામણ થઈ હોય તે મુજબ બિયારણનો દર બે હાર વચ્ચેનું અંતર અને બે છોડ વચ્ચેનું અંતર જાળવવું જોઈએ.

મગફળીની જાત

બિયારણનો દર/હે.

અંતર સે.મી.

હેકટરે છોડની સંખ્યા

ઉભડી

૧0૦  કિલો

૪૫ x ૧૦

 

૨,૨૦,૦૦૦

વેલડી

૧૦૦-૧૧૦ કિલો

૯૫ x ૧૫

૯૦,૦૦૦

અર્ધવેલડી

 

૧૨૦ કિલો

૬૦ x ૧૦

૧,૬૦,૦૦૦

  • જમીનનો ભેજ : સામાન્ય રીતે ફૂલ બેસવાના સમયે અને સુયા બેસવાના સમયે સારા વરસાદના કારણે જમીનનો ભેજ જળવાય રહેતો હોય છે પરંતુ ઘણીવાર એવું બને છે કે મગફળીની શીંગો, દાણા પાકવાના સમયે વરસાદની ખેંચના કારણે જમીનનો ભેજ જળવાતો નથી. આજ સમયે વાતાવરણમાં પણ ગરમીનું પ્રમાણ વધતુ હોવાથી સુકારાના રોગના બીજાણુઓની સક્રિયતા વધે છે અને રોગ ફેલાવવા માટે સાનુકુળ વાતાવરણ સર્જાય છે. આવા સમયે જમીનમાંનો ભેજ ઓછો થતાં મધ્યમ કાળી જમીનમાં તીરાડો પડતી હોય છે. આવા સમયે સગવડ હોય તો તુરત જ પિયત આપી દેવું.
  • વાવેતરના ચાસ બદલવા : સૌરાષ્ટ્રમાં ખેડૂતભાઈઓ એકના એક ચાસમાં મગફળીનું વરસો વરસ કરે છે અને તેથી ચાસમાં રહેલા રોગના અવશેષો પછીના વર્ષે રોગનો ફેલાવો કરે છે. આ માટે એકના એક ચાસમાં વાવેતર ન કરતાં ચાસની ફેરબદલી દર ૨ થી ૩ વર્ષે કરવામાં આવે તો રોગનું પ્રમાણ ઘટવા પામશે.
  • સૂર્યતાપથી જમીનની માવજત (સોલરાઈઝેરશન) : ઉનાળામાં ઊંચા ઉષ્ણતામાનમાં સૂર્યતાપથી જમીનની સોલરાઈઝેશન માવજત આપવાથી થડનો સડો ઘણો નોંધપાત્ર રીતે ઘટવા પામે છે. જમીનમાં હળવું પિયત આપી જમીનને પ્લાસ્ટિક ઢાંકી દેવાથી જમીનના ઉષ્ણતામાનમાં પ થી ૧૦૦ સે. સુધી વધારો થાય છે. આવી માવજત ગરમીના દિવસોમાં લગભગ બે અઠવાડીયા સુધી કરવાથી જમીનમાં રોગના બીજાણુઓનો ઘણોખરો નાશ થાય છે.

જૈવિક નિયંત્રણ :

જમીનજન્ય ફૂગ જેવી કે ટ્રાયકોડમાં હરજીયાનમ મગફળીનો થડનો સડો પેદા કરતી સ્કલેરોશીયમ રોલ્ફસી નામની ફુગના પ્રતિકારક અને સંહારક તરીકે ખુબ જ અસરકારક માલૂમ પડે છે. પ્રયોગો પરથી ફલિત થયું છે કે ટ્રાયકોડર્મા ફૂગના સુક્ષ્મ જીવાણુઓનું મેળવણ મગફળીની વાવણી સમયે ચાસમાં ઉમેરવામાં આવે તો ક્રમે ક્રમે તેની વૃદ્ધિ થતાં રોગના જીવાણુઓ સામે અસરકારક રીતે મગફળીને રક્ષણ પુરૂ પાડે છે. આવા ટ્રાયકોડર્માના જીવાણુ કરોડોની સંખ્યામાં (૨ x ૧૦ થી ૨ x ૧૦ / ગ્રામ એટલે કે ૧ ગ્રામ ટાલ્ક આધારીત કલ્ચરમાં ૨૦ લાખ થી ૨૦ કરોડ જીવાણુ) હોય તેવુ લેવું જોઈએ.

જૈવિક નિયંત્રણ વિષે વિગતવાર સમજણ :

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ટ્રાયકોડર્મા હરજીયાનમ નામની ફૂગ તૈયાર કરેલ છે જેની સંશોધન અને અખતરાને આધારે ભલામણ કરવામાં આવેલ છે.

ટ્રાઈકોડર્મા નામની ફૂગનું કલ્ચર ૨.૫ કિલો હેકટર તથા ૩૦ કિલો દિવેલીના ખોળમાં બરાબર ભેળવીને અથવા સંપૂર્ણ સડી ગયેલ ૩eo કિલો છાણિયા ખાતરમાં ર.૫ કિલો કલ્ચર મિશ્રણ કરી એક હેકટરમાં મગફળી વાવતી વખતે ચાસમાં અથવા વાવેતર બાદ થડ પાસે આપવામાં આવે તો ફૂગનું નિયંત્રણ સારી રીતે થયાનું માલુમ પડેલ છે.

નોંધ : સાવજ-ટ્રાઈકોડર્મા કલ્ચર, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ખેડૂતોને હિતાર્થે તૈયાર કરી નિયત કરેલ ભાવે વેચવામાં આવે છે.

ભારતમાં મગફળીનું વાવેતર ૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે. ભારતમાં મગફળીનું વાવેતર મુખ્યત્વે સમુદકાંઠાનાં રાજ્યો જેવા કે, ગુજરાત, આધિપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં થાય છે જેમાં ૨૦ લાખ હેક્ટરના વિસ્તાર સાથે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજયમાં મગફળીનું મોટાભાગનું વાવેતર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં થાય છે પરંતુ તાજેતરમાં ભલામણ કરવામાં આવેલ મગફળીની નવી સુધારેલી જાતો અને તેના ટેકનોલોજીનો ઉપયોગ થતા, રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિભાગોમાં પણ ખેડૂતો મગફળીનું વાવેતર તરફે વળ્યા છે. મગફળીમાં થડ અને ઈંગનો સડો મગફળી પાક માટે ગંભીર સમસ્યા રૂપ છે. છેલ્લા ૧૦ વર્ષથી આ રોગનું પ્રમાણ ઘણું વધવા પામ્યું છે. આ રોગ સ્કલેરોશીયમ રોક્સીનામની ફૂગથી ઉદભવે છે અને આ સડાને કારણે મગફળીના ઉત્પાદન ઉપર ઘણી જ માઠી અસર થાય છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ રોગ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર અને અન્ય જીલ્લામાં છેલ્લા દાયકાથી ઘણો જ નુકશાનકારક અને નિયંત્રણ બહાર ગયેલ છે.

<સ્ત્રોત : શ્રી યુ. એમ. વ્યાસ, ડો. કે. બી. જાડેજા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

 

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate