હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / બાગાયતી પાકો / સ્ટ્રોબેરીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ટ્રોબેરીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

સ્ટ્રોબેરીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

સ્ટ્રોબેરી શીત કટિબંધનો પાક છે જયાં ઉનાળામાં સ્ટ્રોબેરી મોટા પાયે ઉગાડવામાં આવે છે ત્યાં ઉનાળો પણ ઘણો ઠંડો હોય છે. તેથી જમીનને ઠંડી પડતી રોકવા માટે અને સ્ટ્રોબેરીના ફળનો ભીની જમીન સાથે સીધો સંસર્ગન થાય તે માટે જમીન પર પરાળ (સ્ટ્રો) પાથરવામાં આવતું તેથી આ બેરીનું નામ સ્ટ્રોબેરી પડેલ છે.

મહારાષ્ટ્રના મહાબળેશ્વર જેવા વિસ્તારમાં શીતકટિબંધની જેમ આખા વર્ષ દરમ્યાન ઉષ્ણતામાન ખુશનુમા રહેતું હોવાથી જમીન સારી નિતારશકિત ધરાવતી અને મંદમંદ ઝરમર વરસાદ પડતો હોવાથી એક વખત રોપ્યા પછી સતત ત્રણ વર્ષ સુધી તે જ વાવેતરમાંથી સ્ટ્રોબેરી લણી શકાય છે. ગુજરાતની પરિસ્થિતિ આથી તદ્‌ન વિપરિત છે. દક્ષિણ ગુજરાતમાં ભારે જમીન અને ભારે વરસાદને કારણે ચોમાસામાં ખેતરમાનાં સ્ટ્રોબેરીના છોડ નાશ પામે છે. જો કે ખેડૂતોના અનુભવ પ્રમાણે ઊંચાણવાણી જમીન પર સ્ટ્રોબેરીનું વાવેતર હોય અને ચોમાસા દરમ્યાન નીંદામણ કરવામાં ન આવે તો સ્ટ્રોબેરીના છોડ ચોમાસા દરમ્યાન મરતા નથી અને તેમાંથી નવા વાવેતર માટે રનર્સ મળી રહે છે. ઉત્તર ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં સખત ગરમીવાળા દિવસોને કારણે સ્ટ્રોબેરીના છોડનો વિકાસ રૂંધાઈ જાય છે. કેટલીકવાર સખત ગરમી અને લૂ ને કારણે ખેતરમાં જ છોડ મરી જવાની ભરપૂર શકયતાઓ રહેલી છે. આથી ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી હોય તો શિયાળો ઉતરતાં પાક લઈ લીધાં બાદ જો ખેડૂત પોતાના પાકમાંથી જ બીજા વર્ષ માટે નવા છોડ બનાવવા માગતો હોય તો જૂના વાવેતરમાંથી સારા રનર્સ પસંદ કરી પોલીહાઉસમાં ઉછેરી બીજા વર્ષે આ નવા છોડનું વાવેતર કરવું પડે છે અથવા તો સ્ટ્રોબેરીના છોડનું વેચાણ કરતી નસરીમાંથી નવા છોડ ખરીદવા પડે છે. ગુજરાતમાં સ્ટ્રોબેરીનું વાવેતર અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ જેવા મોટા શહેરોની આસપાસ કરવું હિતાવહ છે, જેથી ફળના સારા ભાવ મળી શકે.

હવામાન અને જમીન :સ્ટ્રોબેરીના સારા વિકાસ માટે દિવસનું તાપમાન ૬૮૦ થી ૭૦૦ ફે. હોવું જરૂરી છે. તદઉપરાંત દિવસમાં ૮ થી ૧૧ કલાકનો સૂર્યપ્રકાશ (ટુંકો દિવસ) કળીઓ બેસવા માટે અને છોડમાંથી નીકળતા નવા રનર્સ નું ઉત્પાદન અટકાવવા માટે જરૂરી છે. હિમ પડવાથી સ્ટ્રોબેરીને નુકશાન થાય છે. જો કે છોડ પર ખૂલ્યા વગરના ફૂલ અને ખુલીને સેટ થઈ ગયેલા ફૂલને હિમથી ખૂબ જ ઓછું નુકશાન થાય છે. સ્ટ્રોબેરીના ફળના કદ, રંગ અને સુગંધના વિકાસ માટે પૂરતા સૂર્યપ્રકાશ (ઓછામાં ઓછો ૮ થી ૧૦ કલાક) ની જરૂર રહે છે તેથી આ પાક મોટા વૃક્ષોનો છાંયાવાળી જગ્યાએ  લેવો નહિ.

સ્ટ્રોબેરીનો પાક રેતાળથી ભારે ગોરાડુ જમીન પર લઈ શકાય છે. આમ છતાં ઊંચાણવાળી ફળષ્ટુપ અને ભરભરી ગોરાડુ જમીન કે જેની ભેજ સંગ્રહશકિત વધારે હોય અને સાથે જ સારી નિતારશકિત ધરાવતી હોય તે વધુ અનુકૂળ આવે છે. પ.પ થી ૬.પ પી.એચ. આંક ધરાવતી સારી નિતારવાળી, હલકી જમીન, પૂરતો ભેજ અને સેન્દ્રિય તત્વો તેમજ કાંકરા–કચરા રહિતનું ઉપરનું ૩૦ સે.મી. જમીનનું પડ એ વધુ ઉત્પાદન માટે પાયાની જરૂરિયાત છે.

જાતો :સ્ટ્રોબેરીના પાકવાના દિવસોના આધારે સ્ટ્રોબેરીની જાતોને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવેલ છે જેવી કે ઘણી વહેલી પાકતી જાતો, વહેલીથી મધ્યમ મોડી પાકતી જાતો અને મધ્યમ મોડી પાકતી જાતો. ગુજરાત રાજયનો ટુંકા ગાળાનો શિયાળો ધ્યાને રાખતા ઘણી વહેલી પાકતી જાતો ઉગાડવી હિતાવહ છે. દા.ત. પુસા અલી ડવાર્ફ આ ઉપરાંત સ્ટ્રોબેરીના બીજા પણ વિવિધ ઉપયોગ જેવા કે મુરબ્બો બનાવવા, ડબ્બાબંધી (કેનિંગ) માટે તથા કવિક ફ્રિઝિંગ માટેની જાતો પણ છે.

સ્ટ્રોબેરી એ સામાન્ય રીતે ઠંડા પ્રદેશનો પાક છે પરંતુ હવે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં ઉગાડવા માટેની જાતો ઉપલબ્ધ થવા માંડી છે તે પૈકી ગુજરાતના હવામાનમાં મેન્ડલર, સીલ્વા, પીરોઝા, કમાન્ડર, બેન્ટોન વગેરે જાતો ઉગાડી શકવાની શકયતાઓ છે. આ ઉપરાંત ગુજરાતમાં સુજાતા અને લાબેટા જાતો પણ અનુકૂળ ગણાય છે.

જમીનની તૈયારી : સ્ટ્રોબેરીના મૂળ છીછરા રહેતા હોવાથી ઉપરની ૩૦ સે.મી. જેટલી જમીન ભરભરી બનાવી તેમાંથી પથ્થર તથા અન્ય કચરો દૂર કરવા. જો ભારે જમીન હોય તો જમીનની પ્રત પ્રમાણે સારૂ સેન્દ્રિય ખાતર ઉમેરવું. જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટરે ર૦ થી રપ ટન સારૂ કોહવાયેલું ખાતર ઉમેરવું.

વાવણી : સ્ટ્રોબેરીનું વાવેતર બીજ કે રનર્સ દ્વારા કરી શકાય છે પરંતુ ઝડપી અને એકસરખું ઉત્પાદન મેળવવા માટે રનર્સનો ઉપયોગ કરવામાં  આવે છે. પાતળા, નાજુક, તંદુરસ્ત રનર્સ ના થડને સારી રીતે જમીનમાં દબાવી દેવાથી સાનુકૂળ સંજોગોમાં તેની ગાંઠ પાસેથી મૂળ ફુટે છે. સ્ટ્રોબેરીના છોડની એકાંતરે આવેલ ગાંઠોમાંથી નવા છોડ ઉત્પન્ન થાય છે અને તેને મૂળ ફુટે છે. આવા તંદુરસ્ત છોડને ખોદી, માતૃછોડથી છૂટા પાડીને યોગ્ય જગ્યાએ ફેરરોપણી કરવામાં આવે છે. તેમજ ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા છોડ પણ માર્કેટમાંથી લાવી રોપણી કરી શકાય છે.

રોપણી : ઓકટોબર માસના પ્રથમ પખવાડિયામાં અગાઉ તૈયાર કરેલ જમીન પર ૯૦ સે.મી. પહોળા અને ર૦ થી રપ સે.મી. ઊંચા ગાદી કયારા બનાવવા અને અન ગાદી કયારા પર સ્ટ્રોબેરીના છોડને બે હાર વચ્ચે ૭પ સે.મી. અને હારમાં બે છોડ  વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી.

રનર્સ રોપવા માટે ૧પ સે.મી. ઊંડો અંગ્રેજી 'વી' (અ) આકારનો ખાડો કરી તેમાં રનર્સના મૂળ ખાડાની દિવાલને અડકી રહે તથા નીચે તરફ લટકતા રહે તેમજ ગૂંચળું વળીને ઉપરની બાજુ ન રહે તેમ ગોઠવીને માટીથી સારી રીતે દાબી દેવામાં આવે છે. આ સમયે એ ખાસ ધ્યાન રાખવું કે મૂળ જયાંથી ફુટેલ હોય તે ભાગ જમીનની બહાર ન રહે તથા વધુ પડતો જમીનમાં ઊંડો પણ ન રહે તેમ રોપણી કરવી. જો આમ ન કરવામાં આવે તો છોડ મરી જવાની શકયતાઓ રહે છે. રોપણી પૂરી થયા બાદ કાળુ પ્લાસ્ટિક મલ્ચ (આવરણ/આચ્છાદન) અથવા અન્ય મલ્ચનો ઉપયોગ કરી ખુલ્લી જમીનઢાંકી દેવી જેથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે, નીંદણ ઓછું થાય અને ફળો બેસે ત્યારે ફળો બગડે નહી.

ખાતર : સ્ટ્રોબેરીના પાક માટે હેકટર દીઠ ૧રપ કિ.ગ્રા. નાઈટ્રોજન, રપ૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને રપ૦ કિ.ગ્રા. પોટાશની જરૂર રહે છે. ખાતરનો અડધો જથ્થો રોપણી બાદ ૧પ થી ર૦ દિવસે છોડની ફરતે રીંગ કરી આપવો. ત્યારબાદ બાકીનો અડધો જથ્થો રોપણી બાદ તે જ રીતે પપ થી ૬૦ દિવસે આપવો.

પિયત : સ્ટ્રોબેરીના છોડને ખૂબ જ ભેજની જરૂર રહે છે અને તેના છીછરા મૂળને કારણે ભેજના ખેંચની પરિસ્થિતી સામે ખૂબ જ સંવેદનશીલ છે. આથી સ્ટ્રોબેરીને ટુંકા ગાળે પિયત આપતા રહેવું જેથી કરીને આશરે ૩૦ સે.મી. જેટલી જમીન ભેજવાળી રહે. ફળ બેસતા હોય ત્યારે ૩ થી ૪ દિવસે જમીનની પ્રત મુજબ પિયત આપતા રહેવું. જો ટપક પધ્ધતિએ પિયત આપવું હોય તો  ચાર છોડ વચ્ચે એક ડ્રિપર (૪ લિટર પ્રતિ કલાક પાણી આપી શકતી) આવે તે પ્રમાણે ગોઠવણ કરી દરરોજ એક કલાક પિયત આપવું.

પાક સંરક્ષણ : સ્ટ્રોબેરીમાં ચૂસિયા પ્રકારની જીવાતો–મોલો, કથીરી તેમજ લશ્રી ઈયળ સામાન્યપણે જોવામાં આવે છે. જેનું નિયંત્રણ યોગ્ય જંતુનાશકોનો ઉપયોગ કરીને કરવુું. કરોળિયા જેવી માઈટ પાકને નુકશાનકારક છે જે માટેે મિલ્બેકટીન ૧ ઇસી (પ મિ.લિ.) અથવા પ્રોપરગાઈટ પ૭ ઈસી (પ મિ.લિ.) અથવા ફેનાઝાકવિન પ એસસી (૧૦ મિ.લિ.) ૧૦ લીટર પાણીમાં ભેળવીને છાંટવી. જંતુનાશક દવાઓ સાથે યોગ્ય વૃધ્ધિવર્ધક દવાઓનો ઉપયોગ પણ સારા પરિણામો લાવી શકે છે.

પાક ફેરબદલી : દર ત્રણ વર્ષ પછી સ્ટ્રોબેરી બાદ શાકભાજીનો પાક લેવાથી ફરીથી સ્ટ્રોબેરીના પાક માટે જમીનની યોગ્ય કાળજી લઈ શકાય છે.

કાપણી અને ઉત્પાદન : સ્ટ્રોબેરીના ફળ મુલાયમ તેમજ જલદી બગડી જાય તેવા હોય છે અને તેને પાકવા માટે ૧પ થી ૩૦ દિવસ લાગે છે. સામાન્ય રીતે કાપણીનો સમય વહેલી સવારનો અથવા સાંજનો પસંદ કરવામાં આવે છે જેથી નીચું તાપમાન હોવાને કારણે ફળો જલદી બગડી જતાં નથી. કાપણી માટે પાકા ફળોને દાંડી સાથે હાથથી તોડી લેવામાં આવે છે. ફળો લણી લીધા બાદ વાંસ કે પોચા લાકડાની બનાવેલી નાની ટોપલીઓ કે પૂંઠાના બોક્ષમાં અથવા જાડા કાગળની ટોપલીઓ અથવા પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં આશરે ૬૦૦ થી ૯૦૦ ગ્રામ જેટલા ફળ ભરીને બજારમાં મોકલવામાં આવે છે. કાપણી બાદ ફળોને યોગ્ય રીતે રેફ્રિજરેશનમાં રાખવાથી ફળો લાંબો સમય સાચવી શકાય છે. વધુ પડતી ફળની હેરફેર કરવાથી ફળને નુકશાન થાય છે. એક હેકટરના વિસ્તારમાંથી આશરે ૮૦૦૦ થી ૯૦૦૦ કિ.ગ્રા. ફળનું ઉત્પાદન મળી શકે છે.

કાળજી લેવા યોગ્ય મુદા :

  • ફેરરોપણી સમયે એક કે બે પાન રહેવા દઈ બીજા જૂના પાન કાપી નાખવા તેમજ જો રનર્સના મૂળ વધુ પડતા લાંબા હોય તો તેને યોગ્ય લંબાઈના રાખીને કાપી નાંખવા.
  • ફેરરોપણી બાદ ઉત્પન્ન થતા નવા રનર્સમાંથી ત્રણ થી ચાર રનર્સ રાખીને બીજા કાઢી નાંખવા જેથી આ નવા રનર્સ ને પૂરતી
  • જગ્યા મળવાથી તેનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન પણ વધુ મળે છે.
  • ફળોની લણણી ફળો ભીના હોય ત્યારે કરવી નહી. લણણી સમયે વધુ પાકેલા ફળ પણ લણીને અલગ રાખવા.
  • સ્ટ્રોબેરીના ફળ જલ્દી બગડી જાય તેવા હોવાથી લણણી બાદ ફળોને વેળાસર બજારમાં લઈ જવા અન્યથા ફળોને ડીપ
  • ફ્રિઝમાં સાચવીને રાખવા.

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપીત્લ ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

2.92
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top