વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફણસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ફણસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ફણસનું મૂળવતન ભારતીય ઉપખંડમાં પશ્ચિમઘાટના અને મલેશિયાના વર્ષાવનો માનવામાં આવે છે. ભારતમાં ફણસ ખુબ જ પ્રાચીન કાળથી ઉગાડાય છે અને તેનો ઉલ્લેખ પ્રાચીન ધર્મગ્રંથો તેમજ આયુર્વેદના ગ્રંથોમાં થયેલો છે. ખાસ કરીને દક્ષિણ–પૂર્વ એશિયામાં આ ફળઝાડનો ફેલાવો ખુબજ સામાન્ય છે અને સૌથી મહત્વના વૃક્ષોમાં સ્થાન ધરાવે છે. દક્ષિણ તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના ગરમ અને સમશીતોષ્ણ હવામાનવાળા પ્રદેશોમાં ફણસ મહત્વના ફળઝાડ તરીકેનું સ્થાન ધરાવે છે. નાના અને મધ્યમ ખેડૂતો માટે આવકનું સાધન હોવાની સાથે–સાથે રોજીદાં ખોરાકમાં પણ ઉપયોગમાં લેવાય છે. સદાય લીલુંછમ રહેતું આ સુંદર વૃક્ષ તેના ગુણો તેમજ ફળધારણની  વિશિષ્ટતાને કારણે ઘરની આજુબાજુના બગીચામાં અને મંદિરના બગીચામાં ખાસ સ્થાન ધરાવે છે. ફણસનો સમાવેશ એવા ખુબ જ ઓછા ફળઝાડમાં થાય છે કે જેના બધા જ ભાગો રોજીંદા જીવનમાં ઉપયોગી હોય. ભારત સિવાય નેપાળ, બર્મા, ચીન, શ્રીલંકા, મલેશિયા, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સમાં પણ ફણસ મહત્વના ફળપાક તરીકે સ્થાન ધરાવે છે. બાંગ્લાદેશનું તો ફણસ રાષ્ટ્રીય ફળ છે. આ સિવાય આફ્રિકા, બ્રાઝીલ, સુરીનામ, કેરેબીયન ટાપુઓ, ફલોરીડા અને ઓસ્ટ્રેલિયામાં પણ ઉગાડાય છે.

ફણસ sArtocarpus heterophyelus Lam. ની ખેતી પ્રાચીન કાળથી કરવામાં આવે છે તેની ખેતી ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, મોરીશિયસ, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવાં દેશોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારતમાં ફણસનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ, બિહાર, પશ્રિમ બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, તામિલનાડું, કેરાલા અને મહારાષ્ટ્ર રાજયોમાં થાય છે. ઉપરાંત આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ થાય છે. ફણસની ખેતી ભારતમાં આશરે ૧ લાખ હેકટરમાં થાય છે. જેમાં ઉત્પાદન ૧૪ લાખ ટન તથા સરેરાશ ઉત્પાદકતા ર.ર૭  ટન/હેકટર છે. મલેશિયા  અને ફિલિપાઈન્સ જેવાં દેશો ફણસની નિકાસ અનુક્રમે સિંગાપુર અને હોગકોંગમાં કરે છે. એશિયામાં ફણસની નિકાસ કરનાર દેશોમાં થાઈલેન્ડ, ચીન અને મલેશિયા મોખરે છે. હાલમાં ભારતમાં ઉત્પાદિત ફણસનો મોટો હિસ્સો રોપામાંથી તૈયાર કરાયેલા ઝાડમાંથી મળે છે જેથી તેમાં કદ, દળ, આકાર અને ગુણવતામાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે તેમ છતાં આપણા દેશમાં ફણસના ફળ વહેલા પરિપકવ થતા હોય તથા ઓછુ લેટેકસ(દૂધ)વાળી અને સારી ગુણવત્તા ધરાવતી આવકાર્ય જીનોટાઇપ પસંદ કરવાનો  અવકાશ છે.

ફણસનો પરિચય :

ફણસનું ઝાડ મધ્યમ ઉંચાઈ ધરાવે છે અને સીધુ વધે છે. શરૂઆતના વર્ષોમાં તે પિરામિડ અથવા સાંકડા ત્રિકોણ આકારની ઘટા ધરાવે છે જે સમય જતા છત્રી આકારે ફેલાય છે. ઝાડની ઘટા ગીચ, પાંદડા મોટા અને ચમકદાર હોય છે. મુખ્ય થડ પર જમીન સપાટીની નજીકથી કે લગભગ એકાદ મીટર ઉંચાઈએથી ડાળીઓ નીકળવાનું શરૂ થાય છે. ફળ સહિત ઝાડના કોઈપણ ભાગને કાપવાથી ચીકણો સફેદ રસ બહાર આવે છે. ફળો મુખ્ય થડ અને ડાળીઓ પરથી ઉદ્‌ભવે છે જે આ ફળઝાડની વિશિષ્ટતા છે. સૌથી મોટા ફળ તરીકેનો વિક્રમ ધરાવતું ફણસનું ફળ ખરેખર તો ઘણા બધા ફૂલો મળીને બનેલું ફળ છે જેના દરેક ફૂલમાંથી એક પેશી અથવા ચાંપુ તૈયાર થાય છે. ફળની બાહયછાલ પર બુઠ્ઠા કાંટા જેવી રચનાઓ હોય છે. ફળમાંથી પાકે ત્યારે મીઠી તેજ સુગંધ આવે છે. ફળો ગોળાકાર, લંબકોળ, નળાકાર કે અન્ય વિવિધ આકારમાં જોવા મળે  છે.

હવામાન અને જમીન :

ફણસને વિષુવવૃત્તિય ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશનું ગરમ, ભેજવાળુ હવામાન ખુબ જ માફક આવે છે. વધુ વરસાદવાળા બધા પ્રદેશમાં આ ફળઝાડ સારા થાય છે. આ ઉપરાંત મધ્યમ સુકા કે મધ્યમ ઠંડા પ્રદેશોમાં પણ થઈ શકે છે પરંતુ ઠંડા કે ઉંચાઈવાળા પ્રદેશોમાં ઝાડ તેમજ ફળનો વિકાસ ધીમો હોય છે અને ફળ ઓછી ગુણવત્તાયુકત હોય છે. ફણસ નિતારવાળી, ઉંડી જમીનમાં સારા થાય છે પરંતુ તે વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે અને ઘણી જગ્યાઓએ ખુબ જ વિપરિત જમીન જેવી કે ઓછા પોષકતત્વોવાળી ડુંગરાળ કે રેતાળ જમીનમાં પણ સારી વૃધ્ધિ અને ફળ આપવાની ક્ષમતા ધરાવે છે.સતત ભીની રહેતી જમીન અથવા જયાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન અથવા ઓછા નિતારવાળી જમીનમાં ફણસના ઝાડ સારા થતા નથી. ફળદ્રુપ અથવા સારા પ્રતવાળી ગોરાળુ જમીન કે જેનો પી. એચ. પ.પ થી ૭.પ રહેતો હોય તેવી જમીન માફક આવે છે.

ઉપયોગો :

અપરિપકવ ફળ : ઉચ્ચ પોષણ ક્ષમતા અને અલગ સ્વાદને કારણે  અપરિપકવ ફળનું શાક દક્ષિણ અને દક્ષિણપૂર્વ ભારતના રાજયોમાં ખુબજ લોકપ્રિય છે અને તે એકલું અથવા ચીકન, માછલી કે ઈંડા સાથે રાંધીને ઉપયોગમાં લેવાય છે. તેમાં રહેલા પોષકતત્વો અને સ્વાદને કારણે તેનું શાક 'વેજીટેરિયન મીટ' એટલે કે 'શાકાહારી માંસ' તરીકે જાણીતું છે. શાક બનાવવા માટે જયારે ફણસ  બે–ત્રણ  મહિનાનું થાય અને ઠળિયા કઠણ ન થઈ ગયા  હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. આવું અપરિપકવ ફણસ પર થપકારવાળી ઠોસ  અવાજ સંભાળય છે જે તેની નિશાની છે.

પાકું ફળ : ફણસના પાકા ફળની પેશીઓ જે ચાંપા તરીકે ઓળખાય છે તે તેની પાકેલા કેળા અને પાઈનેપલને મળતી આવતી ખુબ જ લાક્ષણિક  તેજ સુગંધ, સ્વાદ અને મિઠાશને કારણે નાના–મોટા બધી  ઉમરના લોકોમાં પ્રિય છે. ફળમાંથી કાઢયા પછી ચાંપા જલ્દી ઉપયોગમાં લઈ લેવા જોઈએ કારણ કે ખુલ્લા વાતાવરણમાં ચાંપા એક–બે દિવસ જ ખાવાલાયક રહે છે. જો કે રેફિજરેટરમાં રાખવાથી ચાંપા લગભગ પ–૭ દિવસ ખાવાલાયક રહે છે. ફણસના ફળોનો સ્વાદ અને મિઠાશ નવા ઝાડની સરખામણીમાં જુના ઝાડ પર લાગેલા ફણસમાં વધુ હોય છે. આથી સામાન્ય રીતે ફણસના જુના ઝાડ પાકા ફળ ખાવા માટે અલાયદા રાખવામાં આવે છે. ચાંપાને મુખ્યત્વે ખાંડની ચાસણીમાં ડબ્બાબંધી કરીને આખું વર્ષ ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ચાંપામાંથી જામ, ચટણી, જેલી, કેન્ડી, પાપડ, ચીપ્સ, આઈસક્રીમ, આથવણ દ્વારા બનાવાયેલા પેય વગેરે ખાદ્યપદાર્થો બનાવી મૂલ્યવર્ધન કરાય છે.

ફણસના ઠળિયાઃ ફણસમાંથી  આશરે  પ૦–પ૦૦ જેટલા બીજ  અથવા ઠળિયા મળે છે જેના ઘણા  ઉપયોગ  છે. ઠળિયાનું શાક ખુબ જ પૌષ્ટિક  અને સ્વાદિષ્ટ  બને  છે. આ ઉપરાંત  ઠળિયાને શેકીને અથવા  બાફીને નાના–મોટા સહુ લહેજતથી ખાય છે. આ કારણથી ફણસના ચાંપા કાઢી વેચનાર સ્થાનિક વ્યકિતઓને ઠળિયાના વેચાણ દ્વારા વધારાની આવક મળે છે. આફ્રિકાના દેશોમાં ઠળિયાને સુકવીને તેનો લોટ બનાવી રોજીંદા ખોરાકમાં ઉપયોગ થાય છે.

ફણસના કાચા ફળ, પાકા ફળનાં ચાંપા અને ઠળિયામાં રહેલા પોષકતત્વો નીચે દર્શાવ્યા છે.

પોષકતત્વો

કાચા ફળ

પાકા ફળ

ઠળિયા

પ્રોટીન (ટકા)

ર.૦– ર.૬

૧.ર–ર.૦

૭.પ–૧૦.૦

કાર્બોહાઈડ્રેટ

૯.૦–૧૧.પ

૧૬.૦–રપ.૦

રપ.૦–૩૮.૦

કુલ શર્કરા

ર૦.૦

કેલ્શયમ (મીલીગ્રામ)

૩૦–૭૩

ર૦–૩૭

પ૦

મેગ્નેશયમ  (મીલીગ્રામ)

ર૭

પ૪

ફોસ્ફરસ  (મીલીગ્રામ)

ર૦–પ૭

૩૮–૪૧

૩૮–૯૭

પોટેશ્યમ  (મીલીગ્રામ)

ર૮૭–૩ર૩

૧૯૧–૪૦૭

ર૪૬

સોડિયમ  (મીલીગ્રામ)

૩–૩પ

ર–૪૧

૬૩

વિટામિન–એ ( IU)

૩૦

૧૭પ–પ૪૦

૧૦–૧૭

વિટામિન–સી  (મીલીગ્રામ)

૧ર–૧૪

૭–૧૦

૧૧

 

ફણસના પાકા ફળનો અખાદ્ય ભાગ : ફળની પરિપકવતા અનુસાર ફણસમાં ફળના વજનના ૪૦–૬૦ % ભાગ ચાંપા  હોય છે જે કાઢી લીધા પછીનો બાકીનો ઘણો  મોટો ભાગ મનુષ્ય માટે અખાદ્ય  હોય છે. આ  ભાગના ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. આ ભાગ દુધાળા જાનવરો માટે ખુબ જ પૌષ્ટિક ચારો છે જેની  ગણના દુધ ઉત્પાદન વધારનાર તેમજ દુધમાં ફેટના ટકા વધારનાર તરીકે થાય છે.

ફણસના પાંદડાઃ ફણસના પાંદડા પણ ચારા તરીકે ઉપયોગી છે. પાંદડાનો બાજ–દડિયા  બનાવવા ઉપયોગ જાણીતો છે. કેટલીકવાર લોકો તેનો ઉપયોગ સ્થાનિક વેપારમાં ચાંપા, જાંબુ, તાડફળી જેવા ફળોના પેકીંગમાં પણ કરે છે.

ફણસનું ઝાડઃ ફણસનું ઝાડ એગ્રોફોરેસ્ટ્રી વાવેતર તરીકે ખુબ જ ઉપયોગ છે કારણ કે નજીક–નજીક રોપવાથી તે સીધું વધે છે અને વધુ ડાળીઓ નીકળતી નથી. ફણસના ઝાડનું લાકડું ઈમારતી  ઉપયોગમાં લઈ શકાય તેવું મજબુત  હોય છે અને ફર્નીચર બનાવવા માટે  વપરાય છે. સંગીતના વાદ્યો જેવા કે વીણા, ગીટાર, મૃદંગ, વગેરે બનાવવા માટે ફણસના લાકડાનો ઉપયોગ જાણીતો છે. લાકડામાં બારીક કોતરણીકામ કરી શકાતું હોવાના કારણે વિવિધ સુશોભનની વસ્તુઓ પણ બનાવાય છે. લાકડાના નાના ફાડિયાઓમાંથી વિશ્વપ્રસિધ્ધ નારંગી લાલ રંગની ડાઈ મેળવવામાં આવે છે જેનાથી બૌધ સાધુઓને પહેરવાના પોષાક રંગવામાં આવે છે જેના વડે તેને લાક્ષણિક રંગ મળે છે. ફણસનું વૃક્ષ ભારે પવન સામે ઝીંંક ઝીલે તેવું મજબુત હોય છે  જેને કારણે તેનો ઉપયોગ પવન અવરોધ વાડ કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત કોફી, કોકો, સોપારી  વગેરેના પ્લાન્ટેશનમાં છાયા આપનાર વૃક્ષ  તરીકે થાય છે.

જાતો :

પરપરાગિત વૃક્ષ  હોવાના કારણે બીજથી  ઉગાડાયેલા વૃક્ષોમાં ઝાડની વૃધ્ધિ, ફળ અને ચાંપાના આકાર, કદ, રંગ, મીઠાશ, ઉત્પાદન ક્ષમતા વગેરે પરિબળોમાં ખુબજ ભિન્નતા જોવા મળે છે. ગૈાણ ફળપાકમાં ગણવાને કારણે ફણસ પ્રત્યે ખુબજ ઓછું ધ્યાન  આપવામાં આવે છે જેને કારણે જાતોની સુધારણા અને નવી જાત વિકસાવવા ક્ષેત્રે ખુબ જ ઓછું કાર્ય થયેલ છે. હાલમાં જે જાતો પ્રચલિત છે તે જાતો જે તે  વિસ્તારના ખેડૂતોએ પસંદગી  દ્વારા આગળ વધારેલ છે.

ફણસની કેટલીક જાણીતી જાતોમાં સફેદા, ખાજા, ભૂશિલા, ભદાયન, હાંડા, ટી–નગર જેક, મટન વરીકા, વેલીપાલા, સિંગાપોર, સિલોન વગેરેનો સમાવેશ કરી શકાય. આમાં સિંગાપોર જાત ર–૩ વર્ષમાં ફળે છે જયારે કલમ કરેલ અન્ય જાતો ૪–પ વર્ષે  ફળે છે. વ્યાપારિક ઉત્પાદન ૬ –૮ વર્ષે શરૂ થાય છે. બીજમાંથી થયેલા ઝાડ  ૭–૮  વર્ષે ફળે છે. ઘણી સ્થાનિક જાતોના નામ સ્થળના આધારે નહિં પરંતુ લક્ષણના આધારે રાખવામાં આવેલ છે. ઉદાહરણ તરીકે 'ગુલાબી' એટલે ગુલાબ જેવી સુગંધ ધરાવતી, 'ચંપા' એટલે ચંપા જેવી સુગંધ ધરાવતી, 'હજારી' એટલે ઘણા ફળ આપતી જાત.

ફણસની જાતોને તેના ફળના કદને આધારે બે ભાગમાં વહેંચવામાં આવે છે.

  1. કાપા : 'કથલ' તરીકે પણ ઓળખાય છે જેના ફળ મોટા, ૧૦ –૪૦ કિગ્રા  વજનના અને મીઠાશ વધુ હોય છે.
  2. બરકા : 'કથલી' તરીકે  પણ ઓળખાય છે જેના ફળ નાના, ર–૮ કિગ્રા  વજનના અને ઓછી મિઠાશ ધરાવે છે.

આ સિવાય ફળના ચાંપાને આધારે બે ભાગમાં વહેંચવામાં આવે છે.

મૃદુ પેશીઓવાળી જાતઃ પેશીઓ કે ચાંપા પોચા, રસાળ, મીઠા અને તેજ સુગંધવાળા હોય છે.

કઠણ પેશીઓવાળી જાતઃ પેશીઓ કે ચાંપા કઠણ, ઓછા રસાળ, મધ્યમ મીઠા અને ઓછી સુગંધવાળા હોય છે.

રોપણી અંતર : ફળ માટે ફણસને ૬×૬ મી., ૭×૭ મી., ૮×૮ મી. કે ૧૦×૧૦ મીટર અંતરે રોપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ૬×૧ર મી. અંતરે રોપવામાં આવે છે. પવન અવરોધક વાડ બનાવવા માટે ઓછા અંતરે જોડિયાહાર પધ્ધતિથી સામ–સામે ત્રિકોણાકાર રચાય તે રીતે રોપવામાં આવે છે. ઈમારતી લાકડા માટે વાવેતર કરવાનું હોય ત્યારે ર.પ મી. થી ૩.પ મી. અંતરે ધનિષ્ઠ વાવેતર કરવાથી છોડ સીધા વધે છે અને ગુણવત્તાયુકત લાકડુ મળે છે.

વર્ધનઃ ફણસનું વર્ધન બીજથી અથવા કલમ કરેલ છોડથી કરવામાં આવે છે.

બીજથી વર્ધનઃ ફણસના બીજ ચાંપામાંથી કાઢયા પછી બહુ ઝડપથી સ્ફુરણશકિત ગુમાવે છે આથી બને એટલા વહેલાં બીજનો રોપવા માટે ઉપયોગ કરવો. ફણસના બીજ માટી ભરેલી કોથળીમાં રોપી છોડ તૈયાર કરવામાં આવે છે. રોપ્યા પછી લગભગ ૧૦–૧પ દિવસે બીજ ઉગવાની  શરૂઆત થાય છે અને બે–ત્રણ મહિનાના ટુંકા ગાળામાં ૧.૦ થી ૧.પ મીટર ઉંચાઈ મેળવે છે. આમ ફણસના રોપા ખુબ જ ટુકાં ગાળામાં સહેલાઈથી તૈયાર કરી શકાય છે. પથરાળ રેતાળ જમીનમાં કે જયાં છોડ રોપ્યા પછી મરણનું પ્રમાણ વધુ હોય ત્યાં ચોમાસામાં બીજને સીધે–સીધા નકકી કરેલી જગ્યાએજ રોપવાથી સારું પરિણામ મેળવી શકાય છે. આમ કરવાથી ઘોરી મૂળ અકબંધ રહેશે અને ઉંંડે  સુધી જઈ વિકસતા ઝાડને ભારે પવન અને વરસાદ સામે રક્ષણ પુરું પાડે છે જે રેતાળ કે પથરાળ જમીનમાં જરૂરી છે. આવી રીતે ઉછેરેલા છોડ પર એક–બે વર્ષ પછી ઈચ્છીત જાતની ડાળી લાવી કલમ કરી ઈચ્છીત જાતના ઝાડ મેળવી શકાય.

કલમથી વર્ધનઃ પરપરાગિત વૃક્ષ હોવાથી બીજમાંથી ઉગાડેલા છોડમાં માતૃછોડના બધા જ ગુણધર્મો આવતા નથી અને પધ્ધતિસરનું વાવેતર કરવા માટે ઈચ્છીત ગુણધર્મો ધરાવતી જાતની જ કલમ રોપવી જોઇએ. આ માટે જે તે જાતના છોડ સારી નર્સરીમાંથી લાવી ચોમાસામાં નકકી કરેલી જગ્યાએ રોપી ટેકો આપવો. ફણસમાં  નુતનકલમ પધ્ધતિથી કલમ તૈયાર કરવામાં આવે છે.

છટણી : ફણસના છોડને પ્રથમ વર્ષે છટણીની ખાસ જરૂરિયાત હોતી નથી.્રપરતુ બીજા વર્ષ પછી ફળના વધુ ઉત્પાદનના આયોજન પેટે ઉપરની ગૈાણ ડાળીઓની છટણી કરવી જેથી ઝાડનો ઘેરાવો સારો થાય અને ઉપરથી ટોચનો વિકાસ ઘટે. ઝાડને થોડુ નીચું અને ગીચ રાખવા માટે ઉનાળામાં ડાળીની ટોચની એક થી બે આછી છટણી કરવી. વાનસ્પતિક રીતે સંવર્ધિત કરેલ છોડમાં  નીચા રહેવાના ગુણ હોય છેે.પરંતુ વિકાસના શરૂઆતના વર્ષમાં તેમા ઘણી ડાળીઓ ફૂટે છે. તેથી આ ડાળીઓ સતત છટણી કરતા રહેવુ. જેથી જરૂરિયાત મુજબની ઝાડની ડાળીઓવાળુ અને મજબૂત થડવાળુ માળખુ મળી રહેે. રોગ અને જીવાતનો ચેપ અટકાવવા ચોમાસાની ૠતુના અંતે નબળી, મૃૃત, સૂકાયેલ અને રોગયુકત ડાળીઓ વધુ જોશથી ઉચી વિકાસ પામતી ડાળીઓ અને પરોપજીવી છોડોની નિયમિતપણે છટણી કરવી.

વાડીનું વ્યવસ્થાપન : ફળના કદ એકસરખા રાખવા અને ફળની ગુણવત્તા સુધારવા તથા ફળના વધુ વજનથી ડાળીઓ ભાંગી ન જાય તે માટે વધારાના ફળ તોડી (ફૂ્રટ થીનીંગ) લેવા જોઈએ. એજ રીતે, ઝાડની અંદરની બાજુ સૂર્યપ્રકાશ આવે તે પ્રમાણે જૂના ફૂલવાળી ડાળીઓને લણણી બાદ દૂર કરવી. શરૂઆતના વર્ષ દરમ્યાન વાડીની ખુલ્લી જગ્યામાં ટૂંકા સમયગાળાના કઠોળ પાકો, શાાકભાજીના આંતરપાક લઈ વધારાની આવક મેળવી શકાય છે.

ખાતર : ફણસની ખાતરની જરૂરિયાત  વિશે ખુબ જ ઓછી માહિતી ઉપલબ્ધ  છે અને સામાન્ય રીતે ફણસના ઝાડને અલાયદુ ખાતર આપવામાં આવતું નથી. પરંતુ પધ્ધતિસરના વાવેતરમાં ખાતર આપવાથી વધુ ઉત્પાદન અને ફળની સારી ગુણવત્તા મળે છે. ફણસના ફળાઉ ઝાડને પ્રથમ ફૂલો નીકળે ત્યારે અને બીજીવાર ચોમાસાની શરૂઆતમાં એમ વર્ષમાં બે વાર ખાતર આપવું.

અલગ–અલગ રાજયોમાં ફણસની ખાતરની ભલામણ નીચે મુજબ છે.

રાજય

અંતર

નાઈટ્રોજન

(ગ્રામ/ઝાડ)

ફોસ્ફરસ

(ગ્રામ/ઝાડ)

પોટેશ્યમ

(ગ્રામ/ઝાડ)

છાણીયુ ખાતર

કિગ્રા/ઝાડ

કર્ણાટક

૧૦ × ૧૦ મી.

૬૦૦

૩૦૦

ર૪૦

પ૦

મધ્યપ્રદેશ

૧૦ × ૧૦ મી.

૮૦૦

૪૩૦

૧૦પ૦

૧૦૦

તામિલનાડુ

૬ × ૬ મી.

૭પ૦

૪૦૦

પ૦૦

પ૦

પિયત : ઝાડના મહત્તમ વિકાસ અને ફળ ઉત્પાદન માટે સૂકા સમયગાળા દરમિયાન પૂરતું પિયત આપવું. ફણસ પાણીના ભરાવવાથી ખૂબ જ સંવેદનશીલ છે. તેથી ઝાડના થડ પાસે પાણી ભરાવો થતો અટકાવવો. ઝાડના મૂળનો વ્યવસ્થિત વિકાસ થઈ સારી રીતે સ્થાપિત થાય ત્યાં સુધી નાના ઝાડને વાવણી બાદ ત્રણથી ચાર વર્ષ સુધી સૂકા સમયગાળા દરમિયાન નિયમિત રીતે પિયત આપવુ. જયારે પરીપકવ ઝાડને ફૂલ આવવાના સમયે અને ફળના વિકાસ દરમિયાન પિયતની ભલામણ છે.  પિયતનું પ્રમાણ અને અંતરાલ એ સ્થાનિક આબોહવા અને જમીનમાં ભેજના પ્રમાણ પર રહેલ છે. ફૂલ આવવા અને ફળાવ સમયગાળા દરમ્યાન પિયતના ઘણા સારા પરિણામો મળેલ છે.

ફળધારણ : ફણસમાં નર અને માદા ફૂલ એક જ ઝાડ પર અલગ–અલગ રીતે મુખ્ય થડ અથવા ડાળીઓ પરથી સીધા જ ઉદ્‌ભવે છે. કયારેક ફળધારણ  જમીન સપાટીની નીચેના ભાગમાં પણ થયેલ જોવા મળે છે. નર ફૂલોનું પ્રમાણ લગભગ ૮૦–૯૬%  જેટલું હોય છે. પરાગનયનની પ્રક્રિયા પવન દ્વારા થાય છે. જો પરાગનયન યોગ્ય પ્રમાણમાં ન થાય તો ફળનો આકાર એકસરખો ન રહેતા બેડોળ બને છે અને ફળ નાના રહે છે. ફળધારણ પછી ફળ ૯૦ થી ર૪૦  દિવસ (સામાન્ય રીતે ૪–પ  માસ) માં મુખ્યત્વે ઉનાળાના અંતમાં તૈયાર થાય છે પરંતુ સપ્ટેમ્બર–ઓકટોબર માસમાં પણ તૈયાર થતા જોઈ શકાય છે. પરિપકવ ફળ ૩–૧૦ દિવસમાં પાકી જાય છેે. ઠંડા પ્રદેશમાં ફળ તૈયાર થતા વધુ દિવસો લાગે છે.

ઉત્પાદન અને લણણી : ફણસનું ઝાડ સામાન્ય રીતે ૧૦૦–ર૦૦ ફળ પ્રતિ વર્ષ આપે છે  પરંતુ વિકસિત ઝાડ પરથી ર૦૦–રપ૦ કે તેથી વધુ ફળો પણ મળી શકે  છે. ફળનું સરેરાશ વજન જાતને અનુલક્ષીને પ–પ૦ કિલો સુધી હોય છે. ભારતમાં ફળની ઉત્પાદકતા ૧૦ ટન પ્રતિ હેકટર છે.

ફણસના ફળની લણણી બે જુદી–જુદી અવસ્થાઓએ કરવામાં આવે છે.

  1. કાચા ફળ : રાંધીને કે શાક બનાવીને ખાવા માટે ફણસના ફળ જયારે ર–૩ મહિનાના હોય અને બીજ કઠણ ન થઈ ગયા હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. આવા ફળ ઘાટા લીલા રંગના, છાલ પરના કાંટા નજીક–નજીક અને ફળને થપકારતા ઠોસ અવાજ સંભળાય છે. નેપાળમાં ૬૦% ફણસના ફળનો ઉપયોગ રાંધીને ખાવામાં થાય છે.
  2. પરિપકવ ફળ : ફળ લગભગ પાંચ મહિને કે તેથી વધુ સમયમાં તૈયાર થાય છે. આવા ફળની છાલનો રંગ પીળાશ પડતા લીલા અથવા આછા પીળા રંગમાં ફેરવાય છે અને ફળનું કદ વધવાથી કાંટા ચપટા બને છે અને કાંટાઓ વચ્ચેની જગ્યા વધે છે. પરિપકવ ફળની સૌથી ભરોસાપાત્ર નિશાની  એ છે કે ફળને થપકારવાથી બોદો અવાજ સંભળાય છે.

તૈયાર થયેલા ફળ જમીન સપાટીની નજીક હોય તો સહેલાઈથી ડીચુ કાપીને હાથ વડે ઉતારવામાં આવે છે પરંતુ મુખ્ય થડ કે ડાળીઓ પર ઉંચાઈએ બેસેલા ફળ ઉતારવા માટે દોરડાની જરૂર પડે છે. ઉંચાઈએથી ફળો ઉતારવા માટે મોટા થેલા કે કોથળા સાથે દોરડું બાંધી ફળને તેમાં સરકાવી પછી દાતરડા વડે ડીચુ કાપવામાં આવે છે. જો ફળ ઉંચાઈએથી જમીન પર પછડાય તો ફળના અંદરના ભાગને નુકશાન થવાથી ફળ વધુ દિવસો સુધી ટકતા નથી અને નુકશાન પામેલા ભાગમાંથી સડો ચાલુ થાય છે આથી આવા ફળોનો બને એટલો વહેલો ઉપયોગ કરી લેવો જોઈએ. ફણસના ફળ મહદઅંશે ચોમાસાની ૠતુમાં પાકતા હોવાથી ફળને નુકશાન ન થાય તે રીતે સાવચેતી પૂર્વક ઉતારવા અને યોગ્ય રીતે વહન કરવા. ફણસના ફળમાં પરિપકવતા અનુસાર ચાંપાનું કદ અને દળ ફળ જેમ વધુ પરિપકવ થાય તેમ વધે છે જેનું પ્રમાણ ૪પ–૬૦% સુધી હોય છે. આથી પાકા ફળ તરીકે ઉપયોગ કરવા માટે પૂર્ણવિકસિત ફળો જ ઉતારવા  જોઈએ. ફળને લાંબા ડીચા સાથેે ઉતારવા જોઈએ જેથી ફળની હેરફેર કરતી વખતે ફળને ડીચા પરથી પકડવામાં સરળતા રહે. ફળને તેની પરિપકવતા અનુસાર બજારમાં વેચાણ માટે મોકલવું અને પાકા ફળને પહેલા વેચાણ કરવું. ફણસમાં ઉતાર્યા પછીનું નુકશાન ૩૦–૩પ % સુધી છે જે ફણસને ઝાડ પરથી ઉતારવાની પધ્ધતિ, વહન અને હેરફેરમાં સુધારાની જરૂરિયાત  સુચવે છે.

પાક સંરક્ષણ :

જીવાતો :

ડાળી અને થડ કોરી ખાનાર ઈયળ :આ જીવાતની ઈયળ કુમળી ડાળીઓ અને કળીમાં કાણું પાડી અંદરનો ભાગ ખાઈ જઈને નુકશાન કરે છે.

નિયંત્રણ : મેલાથીઓન (૦.૦પ%)  અથવા કવીનાલફોસ (૦.૦પ%)  નો છંટકાવ કરવો.

બદામી ચાંચવા :આ જીવાત પણ ઝાડની કુમળી ડાળીઓ અને કળીઓ કોરીને નુકશાન કરે છે. તેના નિયંત્રણ માટે નુકશાન પામેલા ફળો, કળીઓને એકત્ર કરી નાશ કરવો.

અન્ય : આ ઉપરાંત ચીકટો અને ભીંગડાવાળી જીવાત પણ જોવા મળે છે. તેના નિયંત્રણ માટેકવીનાલફોસ ૦.૦પ%  અથવા ડાયકલોરવોસ ૦.૦૩% નો છંટકાવ કરવો.

રોગો :

ગુલાબી રોગ : આ રોગની અસરવાળા ઝાડની કુમળી ડાળીઓ પરથી શરૂઆતમાં પાન ખરી પડે છે અને ડાળી ઉપરથી નીચે તરફ સુકાતી જાય છે. નુકશાન પામેલ ડાળીના નીચેના ભાગમાં પાતળો ચીકણો ગુલાબી પદાર્થ નીકળતો જોવા મળે છે.

નિયંત્રણ : નુકશાનયુકત ભાગને કાપીને બાળી તેનો નાશ કરવો. કાપેલા ભાગ પર બોર્ડો પેસ્ટ ચોપડવું.

ફળનો સડો : આ રોગથી પુંકેસર અને કુમળા ફળો જલદી ખરી પડે છે. શરૂઆતમાં ફળની દાંડી પર ફૂગનું આક્રમણ થાય છે. જેથી અસરયુકત ભાગમાં કોહવારાની શરૂઆત થવાથી થોડા સમય બાદ ફળ સંકોચાઈ કાળા રંગની ફૂગથી છવાઈ જઈને ખરી પડે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ  માટે કોઈ પણ તાંબાયુકત ફુગનાશક (૦.રપ%) દવાનો છંટકાવ કરવો. આ સિવાય પાનના બદામી ટપકાનો રોગ પણ જોવા મળે છે. આ રોગથી ઓછા પ્રમાણમાં નુકશાન થાય છે.

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિલ ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

3.08
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top