સામાન્ય રીતે પપૈયા વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પપૈયાના પાકમાંથી હેકટર દીઠ વધુ ઉત્પાદન મળતું હોવાથી તેની ખેતી માટે ફળદ્રુપ, સારા નિતારવાળી અને વધારે સેન્દ્રિય તત્વ ધરાવતી જમીનની જરૂરીયાત રહે છે. ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીનમાં પપૈયા સારા થાય છે. પપૈયાનાં મૂળ પોચા પ્રકારના હોવાથી ભારે કાળી, ચીકણી કે નબળા નિતારવાળી જમીનમાં થડના કોહવારાનો રોગ આવતો હોવાથી આવી જમીન પપૈયાની ખેતી માટે પસંદ કરવી નહી.
પપૈયાને સુકું હવામાન માફક આવે છે. આ પાક વધુ પડતી ઠંડી તેમજ ખૂબ વરસાદ સહન કરી શકતો નથી. પપૈયાનો પાક ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ કટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાં સફળતા પૂર્વક ઉગાડી શકાય છે. ભારે પવનથી છોડને નુકસાન થવાની શકયતા રહે છે.
આ ઉપરાંત પપૈયાની અન્ય સારી જાતમાં પુસા જાયન્ટ,પુસા ડવાર્ફ, સનરાઈઝ સોલો, રાંચી, પપૈયા પંત–૧,ર અને ૩ નો સમાવેશ થાય છે. ખેડૂતો મોટે ભાગે રેડ લેડી–૭૮૬ જે તાઈવાન નામથી જાણીતી છે તે જાતની ખેતી કરે છે. આ જાતમાં બધા છોડ ઉભયલિંગી હોવાથી બધા જ છોડમાં ઉત્પાદન મળે છે. ફળ મધ્યમ મોટા, માવો નારંગી લાલ રંગની અને મીઠો હોય છે. આ જાતના છોડ વધુ પડતા ભેજ કે વરસાદ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઉત્પાદનશકિત સારી છે. પપૈયા લગભગ ૩૦ –૪પ સેમી ઉંચાઈએથી બેસવાના શરૂ થાય છે. માર્કેટને ધ્યાનમાં રાખી પપૈયાની જાતની પસંદગી કરવી જોઈએ.
પપૈયાની ખેતી માટે બીજથી છોડ તૈયાર કરવામાં આવે છે. પાક પરપરાગિત હોવાના કારણે શુધ્ધ બીજ જાતે ઉત્પન્ન કરી લેવું જોઈએ. આ માટે પપૈયાની કોઈ સારી વાડીમાં જેનું ઉત્પાદન સારૂ હોય, ફળ થડ પર નીચેના ભાગથી બેસતા હોય, ખાવામાં મીઠાં હોય તેવા છોડ પરથી પસંદ કરેલ ફળોનું બીજ એકઠું કરી, રાખમાં ભેળવી સવારના સૂર્યના તાપમાં સુકવવું. બીજને પારા યુકત દવાનો પટ આપવો અને હવા ચુસ્ત ડબ્બામાં ભરી સંગ્રહ કરવો. એક જ માસમાં બીજનો વાવેતરમાં ઉપયોગ કરી લેવો. બીજની સ્ફુરણ શકિત લાંબો સમય જાળવી રાખવી હોય તો ૧૦૦ સે. ઉષ્ણતામાને સંગ્રહ કરવો.
એક હેકટર માટે ૩૦૦ થી ૪૦૦ ગ્રામ બીજ પૂરતું છે. ધરૂ ઉછેર ગાદી કયારા અથવા ૧૦×૧પ સે.મી. ૧પ૦ ગેજની પ્લાસ્ટીક બેગમાં કરી શકાય. ધરૂ ઉછેર માટે ૩ મીટર લાંબા અને ૧.ર મીટર પહોળા, ૧પ સે.મી. ઉંચા ગાદી કયારા તૈયાર કરવા. આ કયારામાં ચોમાસાની શરૂઆતમાં બે હાર વચ્ચે ૧પ સે.મી. અંતરે બીજ વાવી દેવા. બીજ વાવ્યા બાદ માટી અને છાણિયા ખાતરના મિશ્રણ વડે પૂરી દઈને તરત જ ઝારા વડે પાણી આપવું. બીજ ૧પ થી ર૦ દિવસ બાદ ઉગી જાય છે. વાવવા માટે તાંજા બીજ વાપરવા અંદાજે ૪ થી ૬ પાન ધરાવતું અને ર૦ સે.મી.ઉંચું અને ૬ અઠવાડિયાની ઉંમરવાળા છોડ ખેતરમાં રોપવા લાયક ગણાય છે. પ્લાસ્ટિકની કોથળીમાં બીજ ઉગાડવાથી દૂરના અંતરે છોડ લઈ જવા માટે ઘણી સરળતા રહે છે.
રોપણી માટે જમીન અગાઉથી ખેડી સમતલ કર્યાબાદ ર મીટર × ર મીટરનાં અંતરે ૩૦ સે.મી.× ૩૦ સે.મી.× ૩૦ સે.મી. ના ખાડા તૈયાર કરી ૭ થી ૧૦ દિવસ ખુલ્લા રાખી તેમાંથી નીકળેલ માટી સાથે ૧૦ કિલો છાણિયું ખાતર ભેળવી ખાડા પૂરી દેવા. ધનિષ્ટ વાવેતર માટે ઓછા અંતરે ર×૧.૮ મીટરે અથવા ર.૪×૧.પ મીટરે વાવેતર કરવાથી હેકટરે છોડની સંખ્યા વધારી શકાય. રર સે.મી. ઉંચાઈના વધુ તંતુમૂળવાળા રોપ પસંદ કરવા, રોપણી કરતી વખતે અથવા છોડને વહન કરતી વખતે તેના થડ ઉપર બિલકુલ દબાણ ના આવે તે અંગે ખાસ કાળજી લેવી. નહીતર થડની જે જગ્યાએ દબાણ આવ્યું હશે ત્યાંથી છોડ ભાંગી જશે. જો છોડ કયારામાં ઉછરેલા હોય તો છોડ હાથથી ખેંચીને નહી ઉપાડતા ખૂરપાથી સાવચેતીપૂર્વક ઉપાડવા તેમજ ઉપર ટોચના ર–૩ પાન રહેવા દઈ બાકીના પાનનું ડીટું રહેવા દઈ કાતરથી કાપી નાખવા જેથી છોડમાંથી ભેજ ઉડી જતો અટકાવી શકાય. દૂરનાં અંતરેથી જયારે છોડ લાવવાના થાય ત્યારે પણ આ રીતે કરી શકાય.
પપૈયાનો પાક ખૂબજ સંવેદનશીલ છે જેથી એ ખૂબ જ કાળજી માંગી લે છે. આ પાકમાં જો ગાદીકયારા પર મલ્ચીંગ પ્લાસ્ટિકનો આવરણ તરીકે ઉપયોગ કરી વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારો પરિણામ મળે છે. આ માટે ર.૪ × ૧.પ મીટરે વાવેતર કરવું. જેના માટે ૩ ફુટના ગાદી કયારા બનાવવા અને તેની ઉપર ૧.ર મીટરનું પ્લાસ્ટિક મલ્ચ પાથરવું. જેમાં ૧.પ મીટરના અંતરે ગોળ કાણા પાડી તેમાં પપૈયાના છોડ રોપવા. મલ્ચીંગનું આવરણ કરતા પહેલા ડ્રીપ સીસ્ટમ ફીટ કરી લેવી જેથી પાણી આપવામાં સરળતા રહે.
પપૈયાના છોડની રોપણી કરતા પહેલા ખાડામાં છાણિયું ખાતર અથવા કોઈ પણ સેન્દ્રિય ખાતર નાંખવું. પપૈયાના છોડમાં ખાતર એક મહિના પછી આપવાનું થાય છે. માટે શરૂઆતમાં છેાડને પોષણ આપવા માટે જૈવિક ખાતર (એઝેટોબેકટર, ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા, પોટાશ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા) નો ઉપયોગ કરવો. જેનું પ્રમાણ છોડ દીઠ ૧૦ ગ્રામ અથવા ભલામણ પ્રમાણે ઉપયોગ કરવાથી શરૂઆતમાં છોડને પોષણ મળી શકે.
પપૈયાના પાકને છાણિયું તેમજ રાસાયણિક ખાતરો પૂરતા પ્રમાણમાં અને સમયસર નીચે દર્શાવેલ કોઠા મુજબ છોડદીઠ આપવા.
ખાતર આપવાનો સમય |
છાણિયું ખાતર (કિ.ગ્રા./ છોડ) |
નાઈટ્રોજન(ગ્રામ) |
ફોસ્ફરસ (ગ્રામ) |
પોટાશ (ગ્રામ) |
રોપણી સમયે |
૧૦ |
– |
– |
– |
રોપણી બાદ બીજા માસે |
– |
પ૦ |
પ૦ |
૬ર.પ |
રોપણી બાદ ચોથા માસે |
– |
પ૦ |
પ૦ |
૬ર.પ |
રોપણી બાદ છઠ્ઠા માસે |
– |
પ૦ |
પ૦ |
૬ર.પ |
રોપણી બાદ આઠમા માસે |
– |
પ૦ |
પ૦ |
૬ર.પ |
કુલ ખાતરનો જથ્થો |
૧૦ |
ર૦૦ |
ર૦૦ |
રપ૦ |
પપૈયાના ફળો સેન્દ્રિય ખાતરના અપૂરતા વપરાશ તેમજ પોટાશ ખાતરના અભાવના લીધે સ્વાદમાં ફિકાશવાળા રહે છે. તેથી ભલામણ મુજબ સેન્દ્રિય તથા રાસાયણિક ખાતરો અને નિયમિત પિયત આપવાથી ફળની મીઠાશ અને ગુણવત્તા જળવાઈ રહે છે.
ઉપરોકત જથ્થો તત્વ રૂપમાં આપેલ છે એટલે કે સ્થાનિક ઉપલ્બધ ખાતરો અને તેમાં રહેલ પોષક તત્વોના સપ્રમાણમાં ખાતરો આપવા. ખાતરો થડથી ૧પ–ર૦ સે.મી. દૂર અને ૧પ સે.મી. ઉંડાઈ સુધીમાં આપવા. ત્યારબાદ તુરત જ પાણી આપવું. શકય તેટલા વધારે સેન્દ્રિય ખાતરો વાપરવા અને તે મુજબ રાસાયણિક ખાતરો ઘટાડવા. પપૈયામાં પોષણ વ્યવસ્થા માટે રાસાયણિક ખાતર આપતી વખતે જો થોડી કાળજી રાખવામાં આવે તો સારૂ પરિણામ મળી શકે. જે માટે પ્રથમ વખતે જયારે રાસાયણિક ખાતર આપવામાં આવે ત્યારે થડની ઉત્તર અને દક્ષિણ દિશામાં આપવું અને સેન્દ્રિય ખાતર પૂર્વ–પશ્ચિમમાં આપવું જયારે બીજીવાર ખાતર આપવાનું થાય ત્યારે રાસાયણિક ખાતર પૂર્વ–પશ્ચિમ અને સેન્દ્રિય ખાતર ઉત્તર–દક્ષિણ દિશામાં આપવું એમ ત્રીજી વાર ખાતર વ્યવસ્થાપન કરવું. જેથી છોડનો વિકાસ સારો થશે.
જો મલ્ચીંગ સીટમાં પપૈયાનું વાવેતર કરવું હોય તો વધારાની આવક લેવા માટે જાન્યુઆરી માસમાં જમીનની તૈયારી કરી લેવી અને તેમાં તરબુચનું વાવેતર કરવું અને એજ મલ્ચીંગ પર પપૈયાનું વાવેતર કરી ખર્ચનો બચાવ કરી શકાય.
આ ઉપરાંત પપૈયાના વાવેતર સાથે આંતર પાક માં આદુનો પાક લેવામાં આવે તો સારૂ વળતર મળે.
પપૈયાની ખેતીમાં પિયત વ્યવસ્થા ખાસ ધ્યાને લેવી. પપૈયાના છોડને વધારે પડતુ પાણી આપવું નહી. પાણીની ખેંચને લીધે ફળ ખરી પડવાની શકયતા રહે છે. જેથી સ્થાનિક હવામાન અને જમીનના પ્રકાર પ્રમાણે શિયાળામાં ૧૦ થી ૧ર દિવસે અને ઉનાળામાં ૬–૮ દિવસે પાણી આપવું.
પાકને નીંદણ મુકત રાખવા માટે જરૂર પ્રમાણે આંતરખેડ, ગોડ અને નીંદામણ નિયમિત કરતા રહેવું. થડની નજીક સાધારણ માટી ચઢાવવી. મુખ્ય થડ ખુલ્લુ રહે તેવી રીતે માટી ચઢાવવી, જેથી પાણી સીધું થડના સંપર્કમાં ન આવે અને થડના કોહવારાનો રોગ આવવાની શકયતા ઘટાડી શકાય.
પાકની શરૂઆતની અવસ્થામાં પપૈયાની બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચેની જમીન ફાજલ હોય છે. આ જમીનમાં ટૂંકાગાળાનાં શાકભાજી, રીંગણ,મરચાં, ટામેટા જેવા પાકો વાવીને વધારાની આવક મેળવી શકાય અને જમીન, પાણી તથા સૂર્યપ્રકાશનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય છે.
ફુલ આવવાની શરૂઆત થયેથી વાડીમાં ૮–૧૦ ટકા નર છોડ રાખી બીજા નર છોડ કાઢી નાંખવા. વાડી ફરતે નર છોડ રાખવા પ્રયત્ન કરવો. જો ઉભયલિંગી પ્રકારની જાતના છોડ હશે તો પ્રશ્ન ઉપસ્થિત નહી થાય. (નર ફુલ લાંબી દાંડી સાથે જયારે માદા ફુલ થડની કક્ષમાં આવે છે)
ફેરરોપણી પછી ૯–૧૦ મહિના પછી પપૈયાના ફળ પાકવાની શરૂઆત થાય છે અને ફળો ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે ત્યારે ફળ ઉતારવા માટે યોગ્ય ગણાય છે તેમજ ફળો ઉપર સહેજ પીળો પટ્ટો દેખાવાની શરૂઆત થાય ત્યારે ફળ ઉતારવા. તૈયાર થયેલ ફળોને હાથથી ઉતારવા અને પેકીંગ કરતી વખતે નાના–મોટા નુકસાનવાળા તેમજ રોગિષ્ટ ફળોનું અલગ–અલગ વર્ગીકરણ કરવું. ફળોના પેકિંગ માટે વાંસના ટોપલા, પ્લાસ્ટિક ક્રેટમાં નીચે પરાળ,કાગળ અને પપૈયાના પાન પાથરી તેના પર ચોકકસ સંખ્યામાં ફળ ગોઠવી બજારમાં વેચાણ માટે મોકલવા. લાંબા અંતરે મોકલવા માટે દરેક પપૈયાના ફળને ન્યૂઝપેપરમાં વીટાળી ક્રેટમાં ગોઠવી વહન કરવાથી ફળને ખૂબ જ ઓછું નુકસાન થાય છે.
ઉત્પાદનનો આધાર જાત, માવજત, જમીનનો પ્રકાર તેમજ પાણીનો પ્રકાર અને હવામાન ઉપર છે. પરંતુ સામાન્ય રીતે છોડ દીઠ ૪૦–પ૦ કિલો ફળ મળે છે.
જીવાતો : પપૈયાની જીવાતોમાં મોલો (એફીડ) અને સફેદમાખી ખુબ જ અગત્યની છે. કારણ કે આ બંને જીવાત અનુક્રમે પપૈયાનો પંચરંગિયો અને પપૈયાના પાનનો કોકડવા નામના વાયરસથી થતા રોગના વાહક તરીકે કામ કરે છે. આથી પપૈયાના પાકમાં આ જીવાતનું નિયંત્રણ ખુબ જ મહત્વનું બની રહે છે.
થડ અને મૂળનો કહોવારો : આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. ધરૂવાડિયામાં પણ આ રોગ જોવા મળે છે તેથી તેને ''ધરૂમૃત્યુ''નો રોગ પણ કહે છે. આ રોગ મધ્યમ તાપમાન તથા જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં પપૈયાના થડના જમીન પાસેના ભાગ પર પાણી પોચા કથ્થઈ રંગના ડાઘ પડે છે જે ધીમે ધીમે ઉપર તરફ વધતાં થડનો ભાગ પોચો પડી તેમાંથી પાણી ઝરે છે અને છેવટે થડ નબળું પડી છોડ ત્યાંથી ભાંગી પડે છે. રોગગ્રસ્ત ખેતરમાં રોગનો ફેલાવો કરવામાં પિયત અગત્યનો ભાગ ભજવે છે.
પાનનો કોકડવા : આ રોગ વિષાણુથી થાય છે અને તેનો ફેલાવો સફેદમાખીથી થાય છે. આ રોગમાં છોડના પાન નાના, ટુંકા,ખરબચડા, જાડા થઈ જાય છે. નસો પણ કોકડાઈ જતાં ખાસ કરીને ટોચના પાન ઉપર અસર થતાં પાન કદરૂપા બની જાય છે. ફળ પણ વિકૃત થઈ જાય છે.
પાનનો પંચરંગીયો : આ રોગ પણ વિષાણુથી થાય છે જેનો ફેલાવો મોલો દ્રારા થાય છે આ રોગના લક્ષણોમાં પાન પર ઝાંખા તથા ઘાટા લીલા રંગના ચટપટાવાળા ડાઘ પડે છે અનેે પાન વિકૃત બને છે. આવા છોડ પર ફળો બેસતાં નથી અને ફળો બેસે તો બેડોળ બને છે. પાનના ટપકાંનો રોગ અને રીંગસ્પોટ વાયરસનો રોગ પણ કયારેક જોવા મળે છે.
શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ,( ''ફળ વિશેષાંક'' અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,ન.કૃ.યુ .,નવસારી)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020