অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચીકુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

ચીકુ એ ઉષ્ણ કટિબંધનો અગત્યનો ફળ પાક છે. ભારતમાં તે કેરી, કેળા, લીંબુ, સફરજન અને જમરૂખ પછી છઠ્ઠા ક્રમનું સ્થાન ધરાવે છે. ભારતમાં ચીકુની ખેતીની શરૂઆત ર૦ મી સદીની શરૂઆતમાં થવા છતાં આપણા દેશના દક્ષિણ ભાગની આબોહવા તેને એટલી બધી અનુકુળ આવી છે કે લોકો ભારતને જ તેનું મુળ વતન માને છે. પરંતુ હકીકતમાં ચીકુનુ મૂળ વતન મધ્ય અમેરિકામાં આવેલ મેકિસકો છે. ભારતમાં તેની ખેતી ખાવાના ફળ માટે થાય છે. જયારે દક્ષિણ અમેરિકામાં ચ્યુઈંગ ગમ બનાવવાના પાયાના પદાર્થ તરીકે ચીકલ (ગુટ્ટા પર્ચા) મેળવવા માટે થાય છે. દુનિયાના અન્ય દેશો જેવા કે જમૈકા, ફિલિપાઈન્સ, દક્ષિણ ફલોરીડા, ચીન, શ્રીલંકા, ગ્વાટેમાલા, મેકિસકો, વેસ્ટ ઈંડીઝ વિગેરેમાં વ્યાપારિક ધોરણે ચીકુની ખેતી થાય છે. ભારતમાં દરિયાકાંઠાના રાજયો જેવાં કે ગુજરાત, મહારાષ્ટ્ર,કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા અને પશ્રિમ બંગાળમાં ચીકુની ખેતી થાય છે. એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન, આખા વર્ષ દરમ્યાન ફળ આપવા અને રોગ જીવાતના ઓછા ઉપદ્રવ ઉપરાંત મહદઅંશે ક્ષારો સહન કરવાની અને પાણીની અછતનો પણ સામનો કરવાની ક્ષમતાના કારણે આપણા દેશમાં ચીકુનો પાક વધુ લોકપ્રિય બન્યો છે.  ઈન્ડિયન હોર્ટીકલ્ચર ડેટા બેઈઝ (ર૦૧૭) અનુસાર ભારતમાં ૧,૦૭,૦૦૦ હેકટર વિસ્તારમાં ચીકુની ખેતી થાય છે અને તેમાંથી પ્રતિ હેકટર ૧ર.૦૧ મેટ્રિક ટનની ઉત્પાદકતા સહિત વાર્ષિક ૧ર,૮પ,૦૦૦ મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. આપણા ગુજરાત રાજયમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ અને નર્મદા તેમજ જુનાગઢ જીલ્લામાં ચીકુની ખેતી થાય છે. ગુજરાતમાં કુલ ર૮,૮૦૦ હેકટરમાં ચીકુની ખેતી થાય છે અને તેમાંથી પ્રતિ હેકટરે ૧૦ મેટ્રિક ટનની ઉત્પાદકતા સાથે ર,૮૮,૦૦૦ મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન થાય છે. ચીકુ ખાવામાં ખુબજ મીઠાં, માવો પોચો અને કણીદાર હોય છે. પાકા ચીકુમાંથી સુકવણી કરીને ચીપ્સ, ચીકુ હલવો, ચીકુ મુરબ્બો, ચીકુ જયુસ, સ્કવોશ, સિરપ, જામ, ટ્રોફી, કેન્ડી અને મિલ્ક શેક બનાવી શકાય છે.

હવામાન અને જમીન :

ચીકુ ઉષ્ણકટિબંધનો પાક છે. દરિયાકિનારાનું ગરમ અને ભેજવાળું હવામાન ખૂબજ માફક આવે છે. દરિયાની સપાટીથી ૧ર૦૦ મીટરની ઊંચાઈએ ચીકુનું વાવેતર થઈ શકે છે. ૧૮  થી ૩પ સે. ગ્રે. ઉષ્ણતામાન ખૂબજ અનુકૂળ રહે છે. ૪૦ સે.ગ્રે. તાપમાને ચીકુના ફૂલ તથા નાના ફળ ખરી પડે છે. ૧૦ સે. ગ્રે. થી નીચા તાપમાને ચીકુના ઝાડનો વિકાસ અટકે છે તેમજ ફળો નાના રહે છે અને મોડા પરિપકવ થાય છે. સારા વહેંચાયેલા ૧પ૦૦ થી ર૦૦૦ મિ. મી. વરસાદવાળા વિસ્તારમાં ચીકુનો પાક  સારો થાય છે. ચીકુને સારા નિતારવાળી, ઉંડી, ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ છે. નદી કે દરિયાકાંઠાની ઉંડી કાંપાળ જમીન ચીકુના પાક માટે ઉત્તમ ગણાય.

જાતો :

દુનિયામાં ચીકુની ૧પ૦ થી વધુ જાતો નોંધાયેલ છે. ભારત દેશમાં પ૦ થી વધુ જાતોનું વાવેતર છે. તે પૈકી ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે ર૩ જેટલી જાતો એકત્ર કરવામાં આવેલ  છે. મોટા ભાગની ચીકુની જાતો પસંદગીથી વિકસાવવામાં આવેલ છે. જાતોના નામો પણ ઝાડનો આકાર, પાનનો રંગ, ફળ બેસવાની તરેહ, ફળનો આકાર અને પસંદગીના સ્થળ ઉપરથી આપવામાં આવેલ છે. આપણા ગુજરાત રાજયમાં મુખ્યત્વે કાલીપત્તી  જાતનું વાવેતર જોવા મળે છે. તેમ છતાં  વલસાડ અને નવસારી જીલ્લામાં ચીકુની મુરબ્બા, ક્રિકેટબોલ, ભૂરીપત્તી, પીળીપત્તી જેવી જાતોનું છુટુછવાયું વાવેતર જોવા મળે છે. તામિલનાડુ કૃષિ વિશ્વવિદ્યાલય, કોઈમ્બતુરથી કોઈમ્બતુર–૧, કોઈમ્બતુર–ર, અને કોઈમ્બતુર–૩ જેવી જાતો બહાર પાડવામાં આવેલ છે. જે પૈકી કોઈમ્બતુર–૧ અને ૩ સંકરણથી જયારે કોઈમ્બતુર–ર પસંદગીથી વિકસાવવામાં આવેલ છે. એજ વિશ્વવિદ્યાલયના પેરીયાકુલમ સંશોધન કેન્દ્ર પરથી પીકેએમ–૧ થી પીકેએમ–પ સુધીની જાતો વિકસાવવામાં આવેલ છે. જે પૈકી પીકેએમ–૧, પીકેએમ–૪ અને પીકેએમ–પ પસંદગીથી વિકસાવવામાં આવેલ છે. જયારે પીકેએમ–ર અને પીકેએમ–૩ એ સંકરણથી તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત કર્ણાટકની યુનિવર્સિટી ઓફ એગ્રી. સાયન્સીઝ ધારવાડ કેન્દ્ર ધ્વારા કાલીપત્તી અને ક્રિકેટબોલના સંકરણથી ડીએચએસ–૧ અને ડીએચએસ–ર નામની સંકર જાતો બહાર પાડવામાં આવેલ છે. જે તેમના પિતૃઓ કરતાં ઉંચી ગુણવત્તા ધરાવે છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે કાલીપત્તી, સીઓ–ર, સિંગાપોર, કિર્તીબર્થી અને પીકેએમ–૧ જાતોનો સમાવેશ કરતો અખતરો લેવામાં આવેલ હતો. જેના પરિણામો પરથી આપણા વિસ્તારમાં વવાતી કાલીપત્તી જાત ઉત્પાદન અને ગુણવતાની દ્રષ્ટિએ ચડિયાતી માલુમ પડેલ છે. ચીકુની જાતો ઉપરના બીજા અખતરામાં કાલીપત્તી, ક્રિકેટબોલ, કોઈમ્બતુર–૩, પીકેએમ–૩, પીકેએમ–પ, ડીએચએસ–૧ અને ડીએચએસ–ર નો સમાવેશ કરવામાં આવેલ છે.

  1. કાલીપતી : ફળ મધ્યમથી મોટા કદનું અને લંબગોળ, કાચા અને પાકા ફળનો રંગ બદામી અને ચળકતા તથા સ્વાદમાં માવો ખૂબ જ મીઠાશવાળો.
  2. ક્રિકેટબોલ : ફળ મોટા કદનાં અને ગોળ, પાકા અને કાચા ફળનો રંગ ઘેરોબદામી, પાકા ફળનો સ્વાદ મધુર, ઉત્પાદન ઓછું.

સંવર્ધન :

ચીકુનું સંવર્ધન બીજ, ગુટી, ભેટકલમ અને નૂતન કલમ પધ્ધતિથી કરી શકાય છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે ઘણા વર્ષો પહેલાં ચીકુની ચીકુ, રાયણ અને મહુડાના મુલકાંડ ઉપર કરેલ ભેટકલમો તથા ચીકુની ગૂટી કલમો રોપી કરવામાં આવેલ અભ્યાસના પરિણામો પરથી માલુમ પડેલ કે રાયણના મુલકાંડ ઉપર કરેલ કલમથી વિકસાવેલ ઝાડો જુસ્સાદાર હતા અને વધુ ઉત્પાદન આપેલ હતું. ચીકુના મુલકાંડ અને ચીકુની ગુટી કરતાં રાયણના મુલકાંડ ઉપરના વિકસિત ઝાડોના મુળતંત્રનો વિકાસ વધુ માલુમ પડેલ હતો. આ પરિણામો બાદ ચીકુની કલમો રાયણના મુલકાંડ ઉપર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. ગણદેવી કેન્દ્ર ઉપર ચીકુ સંવર્ધનની વિવિધ પધ્ધતિઓ અને કલમો કરવાના સમય માટે ગોઠવેલ અખતરાના પરિણામો દર્શાવે છે કે ચીકુની રાયણના મુલકાંડ ઉપર જાન્યુઆરી–ફેબ્રુઆરી, જુન–જુલાઈ અને સપ્ટેમ્બર–ઓકટોબર એમ ત્રણે સમયે તૈયાર કરેલ ભેટકલમમાં ૯૦ થી ૯પ ટકા સફળતા મળેલ છે. જયારે નુતન કલમ પધ્ધતિમાં ફકત જુન–જુલાઈ માસમાં ૭પ ટકા સફળતા મળેલ છે.

ચીકુની ભેટકલમ તથા નુતન કલમ માટે રાયણના મુલકાંડ ઉછેરવા માટે ગણદેવી કેન્દ્ર ખાતે થયેલ અભ્યાસ ના પરિણામો દર્શાવે છે કે રાયણના બીજને વાવતાં પહેલાં છાણની રબડીમાં ર૪ કલાક અથવા થાયોરીયા ના ૧ ટકા દ્રાવણમાં ૬ કલાક બોળ્યા બાદ વાવણી કરવાથી સારો ઉગાવો મળે છે.

રોપણી :

ચીકુની રોપણી ૧૦ × ૧૦ મીટરના અંતરે કરવાની ભલામણ છે. પરંતુ ગણદેવી કેન્દ્ર ખાતે ચીકુની કાલીપત્તી જાત ઉપર લેવામાં આવેલ અંતરના અખતરાના પરિણામો દર્શાવે છે કે શરૂઆતના ૧૩ વર્ષ સુધી એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ઝાડની રોપણી પ × પ મીટરના અંતરે કરવાથી વધુ ઉત્પાદન મળે છે. ૧૩ વર્ષ બાદ       પ × પ મીટરના અંતરે વાવેલ ઝાડોમાં ડાળીઓ એકબીજાને અડી જતાં ઝાડ દીઠ ઉત્પાદન ઘટતું જોવા મળેલ. આ ઝાડો ઉપર છાંટણી અને વૃધ્ધિ નિયંત્રક (કલ્ટાર) ના ઉપયોગની કોઈ સાર્થક અસર જોવા મળેલ નથી.

ચીકુની રોપણી કરવા માટે ઉનાળામાં ભલામણ કરેલ અંતરે ૧×૧×૧ મીટરના ખાડા કરવા. ખાડાએાને ૧પ દિવસ તપવા દઈ  ખાડા દીઠ ર૦–રપ કિ.ગ્રા. છાણિયું ખાતર માટી સાથે મિશ્ર કરી ખાડા પૂરી દેવા અને વચ્ચોવચ નિશાની કરી રાખવી. ચોમાસામાં સારો વરસાદ થયા બાદ પસંદ કરેલી કલમો નિશાની કરેલ જગ્યાએ રોપવી.

ખાતર :

પ્રથમ વર્ષે વાવેતર કરેલ ચીકુના ઝાડ દીઠ પ કિ.ગ્રા. છાણિયું ખાતર જૂન માસમાં ખામણું બનાવી આપવું. પૂર્તિખાતર તરીકે ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં આપવું. ત્યારબાદ દર વર્ષે ઉપરોકત જથ્થો ઉમેરીને નવ વર્ષ સુધી આપવો. દસ વર્ષ અને તેથી વધુ ઉંંંમરના ઝાડ દીઠ પ૦ કિ.ગ્રા છાણિયું ખાતર જૂન માસમાં ખામણું બનાવી આપવું. આ ઉપરાંત ઝાડ દીઠ ૧૦૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં ઝાડની ફરતે ર મીટરની ત્રિજયામાં ૩૦ સે. મી. પહોળી અને ૩૦ સે. મી. ઉંડી નીક ખોદી તેમાં ખાતર આપી ઢાંકી દેવું અને તૂર્તજ પિયત આપવું. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે હાલ ચાલી રહેલ અભ્યાસ મુજબ ઉપરોકત રાસાયણિક ખાતરના નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જથ્થાને રપ–૧૦૦–રપ, પ૦–૦–પ૦, અને રપ–૦–રપ ટકા પ્રમાણે અનુક્રમે જુન, ઓગસ્ટ અને ઓકટોબર માસમાં આપવાથી સારા પરિણામો મળેલ છે. બિનપિયત વિસ્તારમાં ઝાડ દીઠ ૧પ૦૦ ગ્રામ નાઈટ્રોજન (૩ કિ.ગ્રા. યુરિયા) વરસાદ શરૂ થાય કે તૂર્તજ આપવો. ફોસ્ફરસ અને પોટાશ યુકત ખાતરો જમીનના પૃથકકરણના આધારે જરૂરિયાત મુજબ આપવા.

પિયત : ચીકુ એ સદાપર્ણી, સતત વૃધ્ધિ પામતું અને આખા વર્ષ દરમ્યાન ફળ આપતું ઝાડ છે. તેની વાર્ષિક પાણીની જરૂરિયાત ૧૯પ૪ મી. મી. છે. ચીકુના ઝાડને સતત ભેજની જરૂરિયાત રહેતી હોવાના કારણે અછતના સમયમાં પિયત જરૂરી બને છે. પિયત આપવાનો સમયગાળો જમીનના પ્રકાર અને વાતાવરણ ઉપર આધાર રાખે છે. ચોમાસા બાદ જમીનમાં લભ્ય ભેજનું પ્રમાણ ૪૦ થી ૬૦ ટકાએ પહોંચે ત્યારે પિયત આપવું જોઈએ. નવસારી ખાતે થયેલ અભ્યાસ મુજબ ઉંડી કાળી જમીનમાં ચીકુના પુખ્ત ઉંમરના ઝાડને શિયાળામાં ૩૦ દિવસે અને ઉનાળામાં ૧પ દિવસના અંતરે પિયત આપવાની ભલામણ કરવામાં આવેલ છે. ટપક સિંચાઈ પધ્ધતિથી ચીકુના ઝાડને સતત વૃધ્ધિ અને ફળધારણની અવસ્થામાં રાખી શકાય છે. પરીયા કેન્દ્ર ખાતે જળ અને જમીન વ્યવસ્થાપન યુનિટ નવસારી ધ્વારા થયેલ અભ્યાસ મુજબ રોપણી બાદ શરૂઆતના બે વર્ષ સુધી થડથી પ૦ સે.મી. દુર પ્રતિ કલાકના ૪ લીટરની નિષ્કાષ ક્ષમતાવાળા ર ડ્રીપર અને બે થી પાંચ વર્ષ સુધી ૪ ડ્રીપર થડથી ૧ મીટર દુર ગોઠવી પધ્ધતિને શિયાળામાં ૪ કલાક અને ઉનાળામાં ૭ કલાક સુધી આંતરે દિવસે ચલાવવી. જયારે ૮ થી ૧ર વર્ષના ઝાડ માટે નળીઓ થડથી એક મીટર દુર ગોઠવી પ્રતિ કલાકના ૮ લીટરની નિષ્કાષ ક્ષમતાવાળા ૮ ડ્રીપર એકબીજાથી ૪૦ સે. મી. દુર ગોઠવી પધ્ધતિને શિયાળામાં ર કલાક અને ઉનાળામાં ૩ કલાક આંતરે દિવસે ચલાવવી.

પાછલી માવજત :

ચોમાસુ ૠતુ પૂરી થયે ઘાસ તથા વેલાઓ કાપી સફાઈ કરી ટે્રકટરથી ર થી ૩ ખેડ કરવી. પુખ્ત વયના ઝાડમાં રોગિષ્ઠ, પાકટ અને જમીન સાથે અડી ગયેલ ડાળીઓની છાંટણી કરવી તેમજ વાંદા જેવી પરોપજીવી વનસ્પતિની વૃધ્ધિ ડાળીઓ ઉપર જોવા મળે તો તે કાપી નાંખવી. ફળના જવતર માટે વૃધ્ધિ નિયંત્રકો જેવા કે એન. એ. એ. પ૦ પી.પી.એમ. (૧ લીટર પાણીમાં પ૦ મિ.ગ્રા. પાઉડર) નું પ્રવાહી ફૂલ આવવાના સમયે ૧પ દિવસના અંતરે ત્રણ વખત છાંટવાથી ૩૦ ટકા જેટલું ફળનું જવતર વધુ જોવા મળે છે. પ × પ મીટરના અંતરે રોપણી કરેલ ઝાડની ડાળી એકબીજાને અડી જાય ત્યારબાદ બંને દિશામાં એકાંતરે લાઈનમાં આવતા ઝાડોની જરૂરિયાત મુજબ છાંટણી કરતા રહી છેવટે ૧૦ × ૧૦ મીટરના અંતરે ઝાડો રાખવા.

આંતરપાક :

૧૦ × ૧૦ મીટરના અંતરે રોપણી કરેલ ચીકુના ખેતરમાં ૧૦ વર્ષ સુધી અને પ × પ મીટરે રોપણી કરેલ ખેતરમાં પ વર્ષ સુધી શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચી, ટામેટી, સુરણ, રતાળુ, શકકરિયા, આદુ વિગેરે તથા ફળપાકો જેવાકે કેળ અને પપૈયા આંતરપાકો તરીકે લઈ વધારાની પૂરક આવક મેળવી શકાય છે.

ફળધારણ અને ફળવિકાસ :

ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે કાલીપત્તી જાતમાં થયેલ અભ્યાસ મુજબ સપ્ટેમ્બર માસ દરમ્યાન નરી આંખે જોઈ શકાય તેવી કળીથી શરૂઆત કરી તોડવા લાયક પરિપકવ ફળો તૈયાર થવા ૩૩૪ દિવસ જેટલો સમય લાગેલ છે. એટલે કે બીજા વર્ષના ઓગસ્ટ માસમાં ફળો તૈયાર થાય છે અને ફકત ૧પ ટકા જ કળીઓ ફળમાં રૂપાંતર પામે છે. એ સમય દરમ્યાન તૈયાર થયેલા ફળોનો આકાર લંબગોળ જોવા મળેલ છે. ફરીથી ઉપર મુજબનો અભ્યાસ માર્ચથી શરૂ કરતા બીજા વર્ષે ૩૦૦ દિવસ બાદ જાન્યુઆરી માસમાં ફળો તૈયાર થયેલ છે. એ સમયગાળા દરમ્યાન ફકત ૧૦ ટકા કળીઓ જ  ફળોમાં રૂપાંતર પામેલ છે. વધુમાં એ સમય ગાળા દરમ્યાન તૈયાર થયેલ ફળોનો આકાર ગોળ જોવા મળેલ છે.

પાક સંરક્ષણ :

જીવાતો :

ચીકુની કળી કોરનાર ઈયળ : આ જીવાત ની ઈયળ રતાશ પડતી ઘેરા બદામી રંગના માથાવાળી અને માથા પર સફેદ પટો ધરાવતી હોય છે. ઈયળ ચીકુની કળી તથા ફૂલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે પરિણામે ફળો બેસતાં નથી.નવી પીલવણી વખતે કુમળા પાનને ખાઈને પણ નુકશાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ ફેબ્રુઆરી થી જૂન મહિના દરમ્યાન નુકશાન વધતું જાય છે.

નિયંત્રણ : આ જીવાતના નિયંત્રણ માટે ફેબ્રુઆરીના બીજા પખવાડીયાથી શરૂ કરીને એક મહિનાના અંતરે ૧૦ લિટર પાણીમાં મોનોક્રોટોફોસ ૧૦ મિ. લિ. અથવા ડાયકલોરવોશ ૩ મિ. લિ. પ્રવાહી દવાના ત્રણ છંટકાવ કરવા જોઈએ.

ચીકુ મોથ : આ જીવાતની ઈયળ ઝાંખા લીલા અથવા બદામી રંગની હોય છે. સામાન્ય રીતે પાનનાં ઝૂમખાં બનાવી તેમાં ભરાઈને પાનનું હરિત દ્રવ્ય ખાઈને નુકશાન કરે છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કળી તથા ફૂલોને નીચેથી કાણું પાડી કોરી ખાય છે. મે–જૂન તથા ઓકટોબર–નવેમ્બર મહિનામાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

નિયંત્રણ : કળી કોરનાર ઈયળના નિયંત્રણ માટે દર્શાવેલ રાસાયણિક દવાના છંટકાવથી આ જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય. ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી ખાતેથી કરવામાં આવેલ ભલામણ મુજબ મહતમ ફુલ આવવાના સમયે  ડાયકલોરવોશ  ૩ મી. લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૧૦ મી.લી.  અથવા પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીન નું તૈયાર મિશ્રણ  ૧૦ મી.લી.  અથવા કલોરપાયરીફોસ અને સાયપરમેથ્રીન નું તૈયાર મિશ્રણ ૧૦ મી.લી.  ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી કળી કોરનાર ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. ઉપરોકત છંટકાવ જરૂરિયાત ના આધારે અથવા ર૦ દિવસના આંતરે છંટકાવ કરવાની  ભલામણ છે.

ફળમાખી : ફળમાખી રંગે બદામી અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માદા ફળમાખી પરિપકવ થવા આવેલાં ફળોમાં પોતાનું અંડનિક્ષેપક દાખલ કરી ફળમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળેલા કીડા ફળની અંદરનો ગર્ભ ખાઈને નુકશાન કરે છે. નુકશાન પામેલાં ફળો કહોવાતાં ખાટી દુર્ગંધ મારે છે. એપ્રિલથી જૂલાઈ દરમ્યાન ચીકુવાડીમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

નિયંત્રણ  : ફળમાખીના નિયંત્રણ માટે વાડીમાં સ્વચ્છતા રાખવી અને સડેલાં ફળો ખાડામાં દાટી મિથાઈલ પેરાથિયોન પાઉડર નાંખવો. નૌરોજી મિથાઈલ યુજીનોલ યુકત  ટ્રેપ દર ૧૦ ઝાડ દીઠ એક પ્રમાણે અથવા હેકટરે ૧૦ ટ્રેપ મૂકવાથી નર ફળમાખીને આકર્ષીને વસ્તી વધતી અટકાવી શકાય છે. સામૂહિક રીતે આ  ટ્રેપો  મૂકવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આ ટ્રેપ જમીનથી ચાર ફુટ ઉંચાઈએ મૂકવા.

ચીકુનુ પાનકોરિયું અને પાન વાળનારી ઈયળ : આ જીવાતો નવી પીલવણી ને વધતાં ઓછા પ્રમાણમાં નુકશાન કરતી હોય છે. વધારે ઉપદ્રવ હોય તો ડી.ડી.વી.પી. ૧૦ લિટર પાણીમાં પ મિ.  લી. પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે.

ચીકુ ફળની કથીરી : દક્ષિણ ગુજરાતના ચીકુ ઉગાડતા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ટુકરેલા નામની લાલ માઈટનું નુકશાન ચીકુ ફળમાં જોવા મળે છે. આ માઈટ ફળો પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ખાય છે. પરિણામે ફળો ખરબચડા અને કાળા  રંગના થઈ જાય છે અને  ફળોની ગુણવત્તા ઘટે છે.

નિયંત્રણ : આ માઈટના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં  ફેનાઝાકવીન ૧૦ મિ.લિ અથવા ઈથીઓન ર૦ મિ. લિ.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ. લિ. દવા  ભેળવી  છંટકાવ  કરવો જોઈએ.

બીજ કોરી ખાનારી ઈયળ (સીડ બોરર) :

આ જીવાતની ઈયળ મધ્યમથી મોટા કદના ફળોનાં બીજનો અંદરનો ભાગ ખાય છે. પરંતુ ઈયળ અવસ્થા પુરી થતાં ફળમાં કાણું પાડી બહાર આવી પાન પર કોશેટો બનાવે છે. ફળ પરનાં આવા કાણાંમાંથી ફૂગ તથા અન્ય જીવાતો ફળમાં દાખલ થઈ નુકશાન કરે છે. આમ ઉપદ્રવિત ફળો ખાઈ શકાતાં નથી. તેની ગુણવતા ઘટવાથી બજારભાવ ઓછા મળે છે.

નિયંત્રણ : ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં ૧૦ લિટર પાણીમાં પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીનનું તૈયાર મિશ્રણ ૧૦ મિ. લિ. અથવા પ્રોફેનોફોસ ૧ર.પ મિ. લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૧૦ મિ. લિ. પ્ર્રમાણે ના છંટકાવ ર૦ થી રપ દિવસના અંતરે ર થી ૩ વખત કરવાથી આ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે.

રોગો :

પાનનાં ટપકાં : ચીકુના પાકમાં ફૂગથી થતાં પાનનાં છીંકણીયા ટપકાં, પાનનાં લાલ બદામી ટપકાં અથવા તો પાનનો ઝાળ અને પાનનાં રાખોડી રંગના ટપકાં જોવા મળે છે. ખાસ કરીને ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં આ ટપકાંઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ ટપકાંઓને લીધે પાન સુકાઈ ને ખરી પડે છે. તેમજ કોઈક વાર આ રોગનું પ્રમાણ વધુ હોય તો ઉત્પાદન પર માઠી અસર પડે છે જેથી આર્થિક નુકશાન થાય છે.

નિયંત્રણ : આ તમામ પાનના ટપકાંના અસરકારક નિયંત્રણ માટે મેન્કોઝેબ ર ગ્રામ/લિ. અથવા કાર્બેન્ડાઝિમ ૦.પ ગ્રામ/લિ. અથવા તો કોઈપણ તાંબા યુકત ફૂગનાશક દવા ૩ ગ્રામ/લિ. પ્રમાણે જરૂરી દવાનો જથ્થો બનાવી ર૦ થી રપ દિવસના અંતરે બે થી ત્રણ વખત છંટકાવ કરવો.

સુકારો : આ રોગ ફુગથી થાય છે. શરૂઆતમાં ઝાડ ઝાંખા પીળા અને ફીકકા થઈ ધીમે ધીમે સુકાવા લાગે છે. ખાસ કરીને વરસાદ બંધ થયા પછી સપ્ટેમ્બર–ઓકટોબર માસમાં છૂટાછવાયાં ઝાડોને અસર જોવા મળે છે. સમય જતાં આખું ઝાડ સુકાઈને મરી જાય છે. આ રોગની ફુગ મૂળ મારફતે આક્રમણ કરતી હોવાથી મૂળના અંતઃભાગને અસર થાય છે અને ઝાડ મરી જાય છે.

નિયંત્રણ : રોગવાળા ઝાડના થડનું ઢીમું ખોલી કાર્બેન્ડિઝીમ ર૦ ગ્રામ ત્ર ર૦૦ ગ્રામ યુરિયા ર૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી થડમાં  રેડવું. ર૦ થી રપ દિવસના અંતરે બે થી ત્રણ વાર ઉપર પ્રમાણે માવજત આપવી. આ ઉપરાંત વાડીમાં પાણી ભરાવા ન દેવું. પિયતનું નિયમન કરવું. તેમજ જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વીરીડી નામની જૈવિક ફુગનું કલ્ચર સેન્દ્રિય ખાતર સાથે ભેળવી આપવાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે.

અવરોહ મૃત્યુ (ડાયબેક) : આ રોગની શરૂઆતમાં ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જાય છે, તથા પાન પણ સુકાઈને ખરી પડે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે કોપર ઓકસીકલોરાઈડ ૪૦ ગ્રામ/૧૦ લીટર અથવા કાર્બેન્ડિઝીમ પ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

ફળનો પોચો સડો : આ રોગની શરૂઆતમાં ફળ પર ઘાટા બદામી રંગના ઝખમો ઉત્પન્ન થાય છે. જે ધીમે ધીમે વિકાસ પામે છે. આની અસર થી ફળ પાકવાની ક્રિયા ઝડપી બને છે અને ફળ પર ફૂગનું વર્ધન જોવા મળે છે. ફળમાંથી કાળા રંગના પ્રવાહીનું ઝરણ થતું જોવા મળે છે. જે ખરાબ ગંધ ફેલાવે છે.

નિયંત્રણ  : આ રોગના નિયંત્રણ માટે ફળોને  ઉતાર્યા બાદ ડાયથેન એમ–૪પ દવાના ૦.૧ ટકા દ્રાવણમાં પાંચ મિનિટ બોળવા.

ફળ ઉતારવાં : ચીકુના ઝાડ ઉપર લગભગ બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં પુષ્પો અને ફળો જોવા મળે છે. સામાન્ય રીતે ઓકટોબર થી જાન્યુઆરી માસના ગાળા દરમ્યાન વધુ ફળ મળે છે. ત્યારબાદ મે માસ સુધી ફળો મળતા રહે છે.  ફળની છાલ લીલાને બદલે પીળાશ પડતી જણાય, ફળ ઉપર હાથ ઘસવાથી રેતી જેવો ઝીણો ભૂકો હાથમાં ચોંટે અને ફળની ટોચ પરનો કાંટો સહેજ અડકતાં ખરી પડે ત્યારે ફળો ઉતારવા લાયક ગણાય છે. ફળો  ઉતારવા માટે વેડીનો ઉપયોગ કરવો. ફળો જમીન ઉપર ન પડે તેની ખાસ કાળજી રાખવી. ઉતારેલ ફળોને કોથળામાં નાખી હલાવવા જેથી ફળ સ્વચ્છ અને ચળકાટ આપશે. કોથળામાં નાંખીને હલાવવાના વિકલ્પે ફળોને પાણીમાં ધોઈ સૂકવવામાં આવે છે. ત્યારબાદ  કદ પ્રમાણે વર્ગીકરણ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

ઉત્પાદન : ચીકુની કલમોની રોપણી પછી શરૂઆતમાં બે વર્ષ સુધી આવતા ફળો તોડી નાંખવા હિતાવહ છે. ધીરેધીરે ચોથા વર્ષ પછી ઉત્પાદન મળતું થાય છે. સામાન્ય રીતે પુખ્ત વય (૧ર થી ૧પ વર્ષ) ના ઝાડ પ્રતિવર્ષ ૧ર૦ થી ૧પ૦ કિ. ગ્રા. જેટલું  ફળનું ઉત્પાદન આપે છે.

મુલ્યવૃધ્ધિ :

દક્ષિણ ગુજરાતમાં ચીકુ ફળોની વેચાણ વ્યવસ્થા સહકારી મંડળીઓ તથા સ્થાનિક વેપારીઓ ધ્વારા થાય છે.  ફળોને ઉતાર્યા પછી મુખ્યત્વે ત્રણ ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ કાગળના બોક્ષમાં ૧૦ કિલોગ્રામ ફળ ભરવામાં આવે છે. ફળોને ઉતાર્યા બાદ ૧પ૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડના દ્રાવણમાં ૮ થી ૧૦ મિનિટ બોળ્યા બાદ કાગળના બોક્ષમાં ભરવાથી તેની ટકાઉશકિત વધે છે. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે થયેલ અભ્યાસ મુજબ ચીકુને ઉતાર્યા બાદ ૧ % ચુનાના દ્રાવણમાં પ મિનિટ સુધી ડૂબાડી સુકાયા બાદ પાણીમાં ધોવાથી ફળોના દેખાવમાં સુધારો થાય છે અને ટકાઉશકિત વધે છે. બીજા એક અભ્યાસ મુજબ ફળોને ઉતાર્યા બાદ ૧૦ સે. ગ્રે. તાપમાને ૮ કલાક સુધી પ્રિકુલીંગની માવજત આપીને પ૦ માઈક્રોનની ૧.ર ટકા કાણાવાળી બેગમાં ભરી સીએફબી બોકસમાં મૂકી ૧ર સે. ગ્રે. તાપમાને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી ફળોની ગુણવતાને અસર થયા વગર ૧પ દિવસ સુધી સંગ્રહ કરી  શકાય છે.

સ્ત્રોત: શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ( ''ફળ વિશેષાંક'' અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,ન.કૃ.યુ .,નવસારી)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate