ખાટી આંબલીનું મૂળ વતન આફ્રિકા છે, જે કઠોળ વર્ગનું ઝાડ છે. આંબલીનું ઝાડ ૮ થી ૧૦ મી ઉંચાઈ અને ર થી ૩ મીટરનો ઘેરાવો અને મજબુત ડાળીઓ રાખોડી કલરની મધ્યમ જાડી છાલ ધરાવે છે. જેનું બોટાનીકલ નામ ટેમારીન્ડસ ઈન્ડિકા છે અને જે ઈમલીના નામથી પણ ઓળખાય છે.
આંબલી મુખ્યત્વે બાંગ્લાદેશ, શ્રીલંકા, બર્મા, ફલોરીડા, સુદાન, ઈજીપ્ત, તાઈવાન, મલાશીયા, ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરાલા, કર્ણાટક જેવા દક્ષિણ ભારતના ભેજવાળા વિસ્તારમાં બારેમાસ આંબલીનું ઝાડ લીલુ રહે છે, જયારે સુકા વિસ્તારમાં પાનખર ૠતુમાં તેના પર્ણો ખરી પડે છે. આંબલીના ઝાડ મુખ્યત્વે ખેતરોના શેઢાપાળા પર જોવા મળે છે. ગુજરાત રાજયમાં વલસાડ–ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, જુનાગઢ અને ભાવનગર વિસ્તારમાં આંબલીના વૃક્ષો જોવા મળે છે.
જમીન : વિપુલ પ્રમાણમાં સેન્દ્રીય પદાર્થ ધરાવતી જમીન આમલીને ખૂબ જ માફક આવે છે તદઉપરાંત વિવિધ પ્રકારની જેવી કે પથરાળ, ઉંડી, ગોરાડુ, ક્ષારવાળી કે ભારે કાળી જમીનમાં જોવા પણ થઈ શકે છે. આંબલીને પુરતા પ્રમાણમાં જમીનમાંનો ભેજ મળે તો તેનો વિકાસ ખૂબ જ સારો થાય છે તેમજ ફળ અને ફુલનું બેસાણ પણ સારૂ થાય છે. આંબલી થોડા ઘણા અંશે ક્ષારનો પ્રતિકાર કરી શકે છે.
જાતો : બીજા ફળપાકોની માફક આંબલી પરપરાગીત ઝાડ છે. મુખ્યત્વે આ પાકનું વર્ધન બીજથી થતું હોય આનુવંશીક વૈવિધ્ય જોવા મળે છે. ફળની સાઈઝ (લાંબા ફળ ૬–૧ર બીજ, અને ટુંકા ફળ ૧–૪ બીજ), આકાર (સીધા અથવા દાતરડા આકારના), માવાનો કલર (કથ્થાઈ અથવા રતાશ પડતો), સ્વાદ (મીઠો કે તુરો) જેવી ગુણવત્તાને ધ્યાનમાં રાખી કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર ખાતે વિવિધ જાતો વિકસાવી છે. કથ્થાઈ કલરનો માવો જે લાંબા ગાળે કાળો પડે છે. રતાશ પડતો માવો ધરાવતી જાતોમાં મુકત એસીડ ઓછું હોવાથી મોટાભાગે મીઠી હોય છે. તુરી આમલીનો વેપાર સ્થાનિક બજારોમાં અને નિકાસમાં મુખ્યત્વે જોવા મળે છે. મોટાભાગની આંબલીની જાતો તુરા સ્વાદની છે.
વર્ધન : બહુ વર્ષાયુ આંબલીનું વર્ધન મોટાભાગે બીજથી થાય છે. હાલ કલમો દ્વારા પણ વર્ધન કરવામાં આવે છે. થીંગદાકાર આંખ કલમ અથવા નૂતન કલમ પધ્ધતિથી વર્ધન કરી શકાય છે.
વાવેતર અંતર : સામાન્ય રીતે ૧૦ × ૧૦ અથવા ૧ર × ૧ર મી. ના અંતરે આંબલીનું વાવેતર કરવું સલાહભર્યુ છે. આ માટે ૧ × ૧ × ૧ મી. ના ખાડા ઉનાળામાં તૈયાર કરી છાણીયું ખાતર (૧૦ થી ૧પ કિ.ગ્રા.) અને ખાડાની ઉપરની ફળદ્રુપ માટી અને સીંગલ સુપર ફોસ્ફેટ ર–૩ કિલોનું મિશ્રણ કરી ખાડા પુરવા જોઈએ.
ખાતરો : આંબલીમાં સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરો આપવા બાબતે ખાસ કોઈ સંશોધનો થયેલ નથી. આમ છતાં વાવેતર સમયે ખાડામાં સીંગલ સુપર ફોસ્ફેટ અને ત્યારબાદ એમોનીયમ સલ્ફેટ અથવા યુરીયા ખાતર આપવાથી ઝાડની વૃધ્ધિ સારી થાય છે. પ૦ કિલો છાણિયું ખાતર અને ર કિલો લીંબળીનો ખોળ ચોમાસા દરમ્યાન ખાડામાં આપવાથી ફાયદાકારક ઉત્પાદન લઈ શકાય છે. રાજસ્થાનમાં થયેલા એક સંશોધનને આધારે પુખ્તવયના ઝાડને રપ કિલો છાણિયું ખાતર અને રપ૦–૧પ૦–ર૦૦ કિલો ના. ફો.પો./વર્ષ આપવું જોઈએ. ખાતરો જમીનમાં ભેજ હોય ત્યારે જ થડની ફરતે નીક કરીને જ આપવા જોઈએ. એટલે કે ચોમાસાનો પ્રથમ વરસાદ બાદ ખાતરનો બધોજ જથ્થો એકસાથે થડથી ૧.પ મી. દૂર રીંગ બનાવી આપવો અને માટી ઢાંકી દેવી.
છાંટણી અને કેળવણી : સામાન્ય રીતે આંબલીમાં છાંટણી કરવામાં આવતી નથી આમ છતાં જમીનથી ૧.પ થી ર.૦ મી. ની ઉંચાઈ સુધીની બધી જ ડાળીઓની છાંટણી કરીને ઝાડની કેળવણી કરવી જોઈએ.
પિયત : આંબલીના નવા વાવેતરમાં શરૂઆતના તબકકામાં જમીનની પ્રત પ્રમાણેે ૧૦ થી ૧પ દિવસના અંતરે નિયમિત પિયત આપવાથી ઝાડની વૃધ્ધિ સારી થાય છે. ઝાડ મોટા થયા બાદ પિયત આપવાની ખાસ જરૂર જણાતી નથી.
પાછલી માવજતો :
કાપણી : સામાન્ય રીતે ફળ ફેબ્રુઆરી–માર્ચ માસમાં તૈયાર થાય છે. ફળનું બહારનું કોચલું સુકાઈ જાય અને સખત થાય તેમજ ફળનો માવો કોચલાથી જુદો પડે ત્યાં સુધી ઝાડ પર જ ફળને પાકવા દેવું. પાકા ફળો ઝાડ પરથી ઉતારવામાં ન આવે તો એકાદ વર્ષ સુધી લટકતા રહે છે. પાકા ફળો ઝાડની ડાળીઓ હલાવી ભેગા કરવા. ત્યારબાદ લાકડાંની સોટીથી હળવેથી ફટકારી કોચલાનું આવરણ દુર કરવું. ફળના માવાને બીજમાંથી છુટો પાડી તેમાંથી રેસા દુર કરી આ ફળમાં ભેજ ઓછો થાય ત્યાં સુધી સુર્યના તાપમાં સુકવવો. આંબલીના ફળમાં પપ % માવો, ૩૪ % બીજ અને ૧૧ % કોચલા અને રેસા હોય છે.
ઉત્પાદન : બીજ દ્વારા તૈયાર થયેલ આંબલીનું ઝાડ ૭ થી ૧૦ વર્ષે ફળવાની શરૂઆત થાય છે જયારે કલમી આંબલી વહેલી ફળે છે. જેમ જેમ ઝાડનું કદ અને ઉંમર વધે છે તેમ ઉત્પાદન વધતું જાય છે, જે ૮૦ થી ૧૦૦ વર્ષ સુધી ફાયદાકારક રહે છે. સારૂ વિકસિત ઝાડ અંદાજે ર૦૦–૩૦૦ કિલો ફળનું ઉત્પાદન પ્રતિ વર્ષ આપે છે.
મૂલ્યવર્ધન :
સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ,''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020