অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાજુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

કાજુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

કાજુ એ લેટીન અમેરીકાના ઉત્તર પૂર્વીય બ્રાઝિલથી ઉદ્દભવેલ છે. ઉષ્ણ કટિબંધ વિસ્તારનું સદાબહાર વૃક્ષ હોઈ ગરમ આબોહવાકીય વિસ્તારના ર૮ દેશોમાં તેના પેોષ્ટીક ખાવાલાયક કાજુ મીંજ (કરનલ) માટે તેમજ એપલ તથા કરનલ નટ સીડ લિકવીડ માટે ઉગાડવામાં આવે છે.

કાજુનો તેના ખાવા લાયક કાજુ મીંજ (કરનલ) માં રહેલા તત્વો જેવા કે પ્રોટીન (ર૧%), ફેટ (૪પ.પ૦%), કાર્બોદીત પદાર્થો (૧૮–ર૦%), પોષક તત્વો, વિટામીન તથા પાચક રેસાઓ જેવા પૌષ્ટીક તત્વોના અનોખા મિશ્રણને કારણે સ્વાદીષ્ટ સુકા મેવા તરીકે તેમજ દુનિયાની મોટાભાગની મીઠાઇઓ અને કન્ફેકશનરી બનાવટોમાં ઉપયોગ કરવામાં આવે છે. કાજુના બનાવટી ફળ (કેશ્યુ એપલ)માં વિટામીન–સી (એસ્કોર્બીક એસિડ ૪૦ થી ૩૧૦ મીગ્રા/૧૦૦ ગ્રામ), ખાંડ, પોષક તત્વો તથા અન્ય એન્ટીઓકસીડન્ટથી પ્રચુર હોય છે. મોટા ભાગના રાજયોમાં આ એપલનો મોટી માત્રામાં બગાડ થતો હોય છે. માત્ર ગોવા રાજયમાં તેનો ઉપયોગ ''કાજુ ફેની'' નામનાં માદક પીણાંની બનાવટ માટે થાય છે. વધુમાં આ એપલનો ઉપયોગ મર્યાદીત પ્રમાણમાં જયુસ, સીરપ, રેડી ટુ ડ્રીંક પીણાં, જામ, નેકટર, ફ્રોજન પલ્પ, ફળોની વેફર, સરકો (વીનેગાર) વગેરે બનાવવામાં થાય છે. કરનલ નટ સીડ લિકવીડનો ઉપયોગ રંગ, ટેક્ષટાઇલ, રેસીન ઉધોગો તથા વહાણ બનાવટ ઉધોગમાં વધુ પ્રમાણમાં થતો હોવાથી તેની ગણના ઉચ્ચ વેચાણ મુલ્ય ઘરાવતી બાય પ્રોડકટ તરીકે થાય છે.

આજે કાજુ એ વિદેશી નાણાં મેળવી આપતા મહત્વના પ્લાન્ટેશન પાક તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પામેલ છે. એફ.એ.ઓ. (FAO) ના ર૦૧ર ના અહેવાલ મુજબ આ પાક હાલમાં અંદાજે ૪પ.૯૭ લાખ હેકટર વિસ્તારમાં કરવામાં આવે છે અને ૩૭.ર૦ લાખ ટન રો નટસનું ઉત્પાદન થાય છે. કાજુનાં ઉત્પાદનમાં  ભારત મોખરાના દેશોમાંનુ એક હોવા છતાં તેની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે કાજુના ઉત્પાદનમાં અન્ય દેશોમાં બ્રાઝિલ, વિયેટનામ, તાન્ઝાનિયા, મોઝેમ્બિક, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને નાઇજિરીયા નો મહત્વનો ફાળો છે. ભારતમાં પશ્શિમ કિનારાના રાજયો કેરાલા, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર, પૂર્વકાંઠાના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્શિમ બંગાળ અને ઉત્તરપૂર્વીય પર્વતીય પ્રદેશના ત્રિપુરા, મેઘાલય, આસામ અને મણિપુર કાજુ ઉગાડતા રાજયોમાં મહત્વના છે. ગુજરાત રાજયમાં  છેલ્લા ઘણાં વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકો, ડાંગ જિલ્લો તેમજ સેલવાસ અને દમણમાં પધ્ધતિસર કાજુની ખેતી કરવામાં આવે છે. મહારાષ્ટ્ર રાજય ર.રપ લાખ મે.ટનના ઉત્પાદન અને ૧પ૦૦ કિગ્રા/હેકટર ઉત્પાદકતા સાથે મોખરે છે, જયારે વિસ્તારની દ્દષ્ટિએ આંધ્રપ્રદેશ ૧.૮ર લાખ હેકટર સાથે મોખરે છે જે૧.૧ર લાખ મે.ટન ઉત્પાદન અને ૯ર૦ કિગ્રા/ હેકટર ઉત્પાદકતા ધરાવે છે.

હવામાન :

કાજુ ગરમ અને ભેજવાળા હવામાનનો પાક છે પરંતુ સુકા અને અર્ધસુકા વિસ્તારમાં પણ થઈ શકે છે. આ ફળઝાડ ઘણીજ ગરમી સહન કરી શકે છે પરંતુ વધારે લાંબા સમય સુધી રહેતી સખત ઠંડી તથા હીમ સહન કરી શકતું નથી. ફુલ આવવાના સમયથી ફળ પાકવાના સમય દરમ્યાન ૩૬૦ સે. કરતા વધારે ઉષ્ણતામાન ફળ ધારણમાં નુકસાન કરે છે અને ફળનું ખરણ થાય છે. સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ ૬૦૦ મી.મી. સુધીના વરસાદવાળા વિસ્તારમાં કાજુનો પાક સારી રીતે ઉછેરી શકાય છે.

જમીન :

સારા નિતારવાળી બેસર ગોરાડુ, ફળદ્રુપ અને લાલ ડુંગરાળ જમીન વધુ માફક આવે છે. ભારે કાળી, ચીકણી, રેતાળ, ક્ષારીય અને છીછરી જમીન કાજુના પાકને અનુકુળ નથી. જમીનનો પી.એચ. આંક પ થી ૭ વચ્ચે હોય ત્યાં આ પાક સારો થાય છે. પડતર જમીનમાં ઝાડી, ઝાંખરા ખોદી કાઢી જમીનને ઉંડી ખેડી સમતળ કરી કાજુ ઉછેરી શકાય છે. તેજ રીતે ડુંગરાળ કે ઢોળાવવાળી જમીનમાં પણ કાજુ સફળતાપૂર્વક ઉગાડી શકાય.

કાજુની સુધારેલી જાતો :

કાજુમાં લગભગ ૪૦ જેટલી જાતો સમગ્ર દેશમાં વાવતેર માટે ભલામણ કરવામાં આવે છે. પરતું આપણાં રાજયમાં મહારાષ્ટ્રની ભલામણ કરેલી જાતો જેવીકે વેન્ગુર્લા–૪, વેન્ગુર્લા–૬ અને વેન્ગુર્લા–૭ જાત ઉત્તમ માલુમ પડી છે. તેની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા બીજી જાતો કરતાં સારી છે. આ જાતોમાં કાજુ નટસનું કદ મધ્યમ અને રપ થી ૩૦ ટકા રિકવરી મળે છે અને કાજુના એક્ષપોર્ટ કવોલીટીના નટ્‌સ મળી રહે છે. કાજુની ફકત એક જ જાત રોપવા કરતાં વેન્ગુર્લા–૪ અને વેન્ગુર્લા–૭ જાતો સાથે રોપવી હિતાવહ છે.

કલમની પસંદગી :

કાજુમાં ખુબજ સરળ એવી વાનસ્પતિક પ્રસર્જનની વિવિધ રીતો જેમ કે ગૂટી કલમ, કટકા કલમ, આંખ કલમ, નૂતન કલમ પૈકી નૂતન કલમ પધ્ધતી વ્યાપારિક દ્વષ્ટિએ સેોથી અનુકૂળ માલુમ પડેલ છે. પરંતુ ગુજરાતમાં વ્યાપારીક ધોરણે હજુ કાજુની નૂતન કલમ બનાવવામાં આવતી ન હોવાથી કાજુની પ્રમાણિત કલમો આપણા નજીકના રાજય મહારાષ્ટ્ર અથવા ગોવાથી મેળવી શકાય. કલમની પસંદગીમાં ધ્યાન રાખવાની ખાસ બાબતોમાં તે રોગ અને જીવાત મુકત, તંદુરસ્ત તેમજ ત્રણ થી ચાર પર્ણ ધરાવતી હોવી જોઈએ.

રોપણી અને અંતર :

કાજુમાં ૭.પ મી. × ૭.પ મી. (૧૭૭ કલમ/હેકટર) અથવા ૮ મી. × ૮ મી. (૧પ૬ કલમ/હેકટર) ના અંતરે રોપણી કરવી. જે તે જગ્યાએ ઉનાળામાં ૬૦ સેમી. × ૬૦ સેમી. × ૬૦ સેમી. ના માપના ખાડા પસંદ કરેલ જગ્યાએ ખોદી ૧પ થી ર૦ દિવસ તપવા દેવા. ચોમાસા પહેલા ખાડામાં ૧૦ કિ.ગ્રા. સારી રીતે કોહવાયેલું છાણીયું ખાતર તથા રપ૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તથા રપ૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ ખાડાની માટીમાં ભેળવી ખાડા પુરી દેવા. ચોમાસાના એકાદ બે સારા વરસાદ બાદ જુન–જુલાઈ માસમાં તંદુરસ્ત અને પ્રમાણિત નૂતન કલમની રોપણી કરવી હિતાવહ છે. કલમ રોપતી વખતે હળવેથી પોલીથીન બેગને દૂર કરી કલમનો સાંધો જમીનથી પ સે.મી. ઉપર રહે તે રીતે તૈયાર કરેલ ખાડામાં બરાબર વચ્ચે રોપીને ચારેબાજુની માટી હળવેથી દબાવીને કલમ સીધી ઉભી રહે તે માટે વાંસ કે લાકડાનો ટેકો આપી દોરીથી બાંધવી.

શરૂઆતમાં વર્ષોમાં સાંકડા ગાળે ૪ મી. × ૪ મી. (૬રપ કલમ/હેકટર) ના અંતરે કલમ રોપી ૧૦ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે અને ત્યારબાદ આંતરે ગાળે એક–એક કલમની હાર દુર કરવાથી ૮મી. × ૮મી. નું નિયમિત વાવતેર રાખી શકાય છે. સાંકડા ગાળે (૪ મી. × ૪ મી. અંતરે) કાજુની રોપણી ઓછી ફળદ્રુપ જમીનમાં વધારે અનુકૂળ આવે છે કારણ કે આવી જમીનમાં કાજુના ઝાડનો વિકાસ ધીમો થાય છે તેથી  જો નિયમિત અંતરે  (૮મી. × ૮મી.) વાવેતર કરવામાં આવે તો શરૂઆતની અવસ્થામાં ઉત્પાદન ઓછું મળે છે.

સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો :

કાજુનું ઝાડ સામાન્ય રીતે ૩ વર્ષની ઉંમરથી ૪૦ વર્ષની ઉંમર સુધી વ્યાવસાયિક ધોરણના ફળ આપે છે. જેથી તેને જરૂર પુરતું પોષણ મળી રહે તે માટે ખાતર આપવાની જરૂર રહે છે. ઝાડની વૃધ્ધિ, વિકાસ તેમજ ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવા માટે સેન્દ્રિય (છાણિયું ખાતર) ખુબજ જરૂરી છે અને પ્રમાણસર રાસાયણિક ખાતર પણ આપવું જોઈએ. કાજુના પુખ્ત ઝાડને પ૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને ૭પ૦ ગ્રામ નાઈટ્રોજન, ૧પ૦ ગ્રામ ફોસ્ફરસ અને ૧પ૦ ગ્રામ પોટાશ આપવું. સેન્દ્રિય ખાતરનો સંપૂર્ણ જથ્થો જુન માસમાં આપવો. રાસાયણિક ખાતરનો જથ્થો ઝાડનાં ઘેરાવાને ધ્યાનમાં રાખી થડથી ૧ થી ૧.પ મીટર દુર ૧પ થી ર૦ સે.મી. ઊંડાઈએ આપી માટીથી ઢાંકવો. જમીનમાં પૂરતો ભેજ ન હોય તો પાણી આપવું.

ઉમર પ્રમાણે કાજુના ઝાડ દીઠ સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરનો જથ્થો :

ઝાડની ઉંમર

છાણિયુ ખાતર (કિ.ગ્રા.)

યુરિયા (ગ્રામ)

ડી.એ.પી.(ગ્રામ)

મ્યુરેટ ઓફ પોટાશ (ગ્રામ)

પ્રથમ વર્ષ

૧૦

૩૦૦

૬પ

પ૦

બીજુ વર્ષ

ર૦

૬૦૦

૧૩૦

૧૦૦

ત્રીજુ વર્ષ

૩૦

૯૦૦

૧૯પ

૧પ૦

ચોથુ વર્ષ

૪૦

૧ર૦૦

ર૬૦

ર૦૦

પાંચમુ વર્ષ અને ત્યારબાદના વર્ષો

પ૦

૧પ૦૦

૩રપ

રપ૦

(નોંધઃ યુરિયાનો જથ્થો બે સરખા હપ્તામાં જુન તથા ઓકટોબર માસમાં આપવો.)

આંતર પાકો :

શરૂઆતના વર્ષોમાં બે હાર વચ્ચે રહેલી ખાલી જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય તે માટે ૩ થી ૪ વર્ષ સુધી આંતરપાક તરીકે કઠોળ પાકો જેવા કે ચોળી, તુવેર,અડદ અને તેલીબિયાના પાકો જેવા કે મગફળી, ખરસાણી લઈ શકાય. ફળપાકોમાં કેળ, પાઈનેપલ જેવા ટુંકાગાળાના પાકો પણ લઈ શકાય. આ સિવાય શાકભાજીના પાકો પણ આંતરપાક તરીકે લઈ વધારાની આવક મેળવી શકાય છે.

કેળવણી અને છાંટણી :

પ્રથમ વર્ષ દરમ્યાન કાજુનાં મુળકાંડ ઉપરથી એટલે કે કલમનાં સાંધાની નીચેના ભાગથી નીકળતી નવી ફુટ સમયે–સમયે કાઢતા રહેવું. શરૂઆતની ડાળીઓ જમીનની સપાટીથી ૧ મીટરની ઉંચાઈ પછી દરેક દિશામાં ફેલાય તેવું સમતોલ માળખું વિકસાવવું. કાજુના છોડના વિકાસના જુદા જુદા તબકકે જરૂરીયાત મુજબ યોગ્ય પ્રમાણમાં છાંટણી કરવી જરૂરી છે. કાજુમાં છાંટણીનું કાર્ય ઓગષ્ટ–સપ્ટેમ્બર માસમાં કરવું હિતાવહ છે. પુખ્ત વયનાં ઝાડમાં ફળની લણણી બાદ નબળી, સુકાઈ ગયેલી, રોગિષ્ટ ડાળીઓ, ખેતકાર્યોમાં નડતરરૂપ ડાળીઓ તથા એકબીજાને અડતી ડાળીઓ દૂર કરવી. છાંટણી કર્યા બાદ કાપેલ ભાગ ઉપર બોર્ડોપેસ્ટ લગાવવું હિતાવહ છે.

પિયત :

નવી  રોપેલ કલમ ને ચોમાસામાં જયારે વરસાદની ખેંચ પડે ત્યારે પિયત આપવું. જમીનના પ્રકારને ધ્યાનમાં લઈ શિયાળામાં ૧૦ થી ૧પ દિવસે અને ઉનાળામાં ૮ થી ૧૦ દિવસે પ્રથમ ૩ વર્ષ સુધી પાણી આપવું. કાજુનાં પુખ્ત વયના ઝાડ પાણી વિના મરી જતા નથી પરંતુ જો પાણીની સગવડ હોય તો ફુલ આવ્યા પછી પિયત આપવામાં આવે તો વધારે ઉત્પાદન મેળવી શકાય છે. આ ઝાડ પાણી નો ભરાવો સહન કરી શકતુ નથી માટે યોગ્ય નિતારની વ્યવસ્થા કરવી જરૂરી છે.

આંતરખેડ, નિંદામણ :

વર્ષમાં બે વખત ઝાડના થડની ફરતે ગોડ કરી જમીન પોચી અને ભરભરી રાખવી. કાજુના ઝાડ નીચેની જમીનને ઊંડી ખેડ કે ગોડ કરવી નહિ. ઊંડી ખેેડ કે ગોડ કરવામાં આવે તો કાજુનાં ઝાડના મૂળ તુટી જવાથી છોડનો વિકાસ અવરોધાય છે.

ઉત્પાદન :

કાજુની ખેતીમાં સમયસર માવજત કરવાથી હેકટરે ર૦૦૦ થી ૩૦૦૦ કિલો ઉત્પાદન લઈ શકાય છે અને કાજુના નટસમાંથી પ્રોસેસીંગ કરતાં તેની જાતોને ધ્યાને લેતાં ર૦ થી ૩૦ ટકા ખાવાલાયક કાજુ (કર્નલ) મળે છે.

પાક સંરક્ષણ :

ભારતમાં ૬૦ થી વધુ જીવાતો કાજુના પાકને નુકશાન કરતી જોવા મળેલ છે, જે પૈકી ટી મોસ્કયુટો બગ્સ, પ્રકાંડ અને મૂળ કોરી ખાનાર ઈયળ, ચીકટો, થ્રીપ્સ, લીફ માયનર, લીફ અને બ્લોઝમ વેબર અને એપલ અને નટ બોરર નામની મુખ્ય જીવાતો મહદ્દઅંશે નુકશાન કરે છે.

કાજુના પાકમાં વિવિધ જીવાતો માટે ભલામણ થયેલ ક્ષમ્યમાત્રા નીચે મુજબ છે.

કેટરપીલર

૧૦–૧પ %

તાજુ નુકશાન

થ્રીપ્સ / મોલો

પ–૧૦ %

તાજુ નુકશાન

ટી મોસ્કયુટો બગ્સ

૬–૧૦ %

તાજુ નુકશાન

કાજુના પાકમાં વિવિધ જીવાતો માટે ભલામણ થયેલ ક્ષમ્યમાત્રા નીચે મુજબ છે.

  1. ટી મોસ્કયુટો બગ્સ :આ કીટકના બચ્ચાં અને પુખ્ત કીટક તાજા કુમળા પાન અને ડાળીમાંથી રસ ચૂસે છે. કીટક દ્વારા પાન/ડાળીમાં દાખલ કરાયેલ સૂંઢવાળી જગ્યાએથી નહીવત જેવી માત્રામાંથી રસ બહાર આવે છે અને તે જગ્યાએ ધબ્બાં ઉપસી આવે છે. ધબ્બાનો મધ્યભાગ ભૂખરા રંગનો જોવા મળે છે. સમય જતાં તમામ ધબ્બાઓ એકઠા થાય છે, પરિણામે પાન કાળુ પડી ચીમળાઈ જાય છે અને અંતે ખરી પડે છે. નુકશાનની તીવ્ર માત્રાએ નવી તાજી નીકળેલ ડાળી અને મોર સુકાઈ જાય છે. બચ્ચાં અને પુખ્ત કીટકો કુમળી ડાળીઓ, પાન, મોર અને કુમળા ફળ તેમજ નટસમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. શરૂઆતમાં જયાંથી રસ ચૂસે તે જગ્યાએ પાણીપોચા ધબ્બા જોવા મળે છે જે સમયાંતરે એકઠા થઈ ભૂખરા ધબ્બામાં પરિણામે છે અને અંતે નુકશાનવાળો ભાગ સૂકાઈને ખરી પડે છે. ફુટ (વાનસ્પતિક વૃધ્ધિ) અને ફુલ અવસ્થાએ હળવા વરસાદથી આ કીટકની નુકશાનની માત્રા વધે છે.
  2. કાજુની પ્રકાંડ અને મૂળ કોરી ખાનાર ઈયળ :નાની ઈયળ શરૂઆતમાં કાજુના પ્રકાંડ અથવા મૂળમાં કાણું પાડી અંદર દાખલ થાય છે જયાં તે પ્રકાંડ અથવા મૂળમાં અસ્તવ્યસ્ત બોગદું બનાવી તેમાં રહેલ રસવાહિનીઓને કોરીને નુકશાન કરે છે. જેના પરિણામે નુકશાનવાળા ભાગમાંથી ગુંદર તેમજ વ્હેર જેવો પદાર્થ નીકળતો જોવા મળે છે. વધુ પડતાં રસવાહિનીઓને નુકશાન થતાં પાનને તેમજ ડાળીને પૂરતું પોષણ ન મળવાને કારણે પાન પીળા પડી ખરી જાય છે.
  3. થ્રીપ્સ :પુખ્ત અને બચ્ચાં ઉઝરડા પાડી કુમળા પાન/ડાળી, ફળ, મોર તેમજ નસમાંથી રસ ચૂસે છે જેને કારણે ઉપદ્રવિત  ભાગ ઝાંખા–ભૂખરા રંગનો થઈ ચીમળાઈ જાય છે. નુકશાનની વધુ તીવ્રતામાં ઉપદ્રવિત  ભાગ સૂકાઈને  અંતે ખરી પડે છે, તેમજ ઝાડની વાનસ્પતિક વૃધ્ધિ અટકી જાય છે. ફુટ (વાન. વૃધ્ધિ) અને ફુલ અવસ્થા દરમ્યાનના દિવસોમાં ઓછા તાપમાનથી આ કિટકની વસ્તી વધે છે.
  4. એપલ એન્ડ નટ બોરર :ઈંડામાંથી સેવાઈને તાજી નીકળેલ ઈયળ નટ અને ફળના સંપર્ક વિભાગ તરફ જઈ ફળની ઉપરની છાલને ઉઝરડીને અંદર દાખલ થાય છે, અને ફળ/નટસની અંદર રહેલ ગર્ભ ખાય છે. જેને કારણે કાજુના નટસ વિકસિત થતા નથી અને અંતે ચીમળાઈને સૂકાઈ જઈને ખરી પડે છે. ઈયળ જયાંથી ફળમાં દાખલ થાય છે તે ભાગને અઘારથી બંધ કરી દે છે.
  5. લીફ માઈનર :તાજી ઈયળ કુમળા પાનના ઉપરની બાજુની છાલને કોતરી બોગદું બનાવે છે. સમય જતાં બોગદું બનાવેલ ભાગ ઉપસી આવે છે. નુકશાનવાળા ભાગમાં ભૂખરા સફેદ રંગના ધબ્બા જોવા મળે છે. કુમળા પાન જયારે પાકટ થાય ત્યારે નુકશાનવાળા ભાગમાં મોટા કાણાં પડેલા જોવા મળે છે. ઈયળના નુકશાનથી પાન ચીમળાઈ સુકાઈને અંતે ખરી પડે છે. તીવ્રતા સમયે એકજ પાન પર ૮ જેટલી ઈયળો જોવા મળે છે. ફુટ અવસ્થા દરમ્યાનના દિવસોમાં ઓછા તાપમાનથી આ કિટકની વસ્તી વધે છે.
  6. લીફ એન્ડ બ્લોઝમ વેબર :ઈયળ કાજુના કુમળા પાન તેમજ ફુલોને ખાઈને નુકશાન કરે છે. દક્ષિણ ગુજરાતમાં હાલના સમયમાં આ કીટકનું નુકશાન વધી રહયું છે. ઈયળ તાજા કુમળા પાન અને ફુલોને એકઠાં કરી જાળુ બનાવે છે. ઈયળ જાળામાં રહી પાન અને ફુલોને ખાય છે. સમય જતાં પાન અને ફુલો સુકાઈને ખરી પડે છે. ફુટ અને ફુલ અવસ્થા દરમ્યાનના દિવસોમાં મધ્યમ તાપમાનથી આ કીટકની વસ્તી વધે છે.
  7. મીલીબગ્સ :બચ્ચા અને પુખ્ત કીટકો કુમળા પાન, ડાળીઓ, મોર અને ફળના ભાગે એકઠા થઈ રસ ચૂસે છે. રસ ચૂસવાને કારણે પાન ઝાંખા પીળા રંગના થાય છે તેમજ નીચેની બાજુએ વળી જાય છે. આ સીધા નુકશાન ઉપરાંત કિટકના શરીરમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી ઝરે છે જેને લીધે કાળી ફુગનો ઉપદ્રવ થતાં પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વિક્ષેપ ઉત્પન થાય છે તેમજ નટસની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
  8. ડાયબેક/ગુલાબીરોગ :આ કાજુનો ખૂબજ સામાન્ય રોગ છે. અસરગ્રસ્ત ડાળીઓ પર સફેદ અથવા ગુલાબી ફૂગ વિકસતી જોવા મળે છે. ફૂગ ડાળીની પેશીમાં દાખલ થાય છે જેથી ડાળીઓ ટોચથી નીચેની તરફ સૂકાતી જાય છે. શરૂઆતમાં ડાળીની છાલ છૂટી પડે છે ને સમય જતા ડાળી પીળી પડી સૂકાઈ જાય છે.
  9. મૂળનો કોહવારો :આ રોગ ખાસ કરીને નર્સરીમાં કાજુની નવી કલમોમાં જોવા મળે છે. શરૂઆતમાં કલમના પ્રકાંડ પર પાણીપોચા ટપકાં જોવા મળે છે. સમય જતા આ ટપકા પ્રકાંડની ફરતે ફેલાય છે જેથી રોપા વાંકા વળી અંતે મૃત્યુ પામે છે.
  10. કાલવ્રણ :આ ફુગ કુમળા પાન અને નવી તાજી વિકસતી ડાળીને અસર કરે છે. શરૂઆતમાં કથ્થઈ રંગના પાણીપોચા ટપકાં કુમળાપાનો તેમજ ડાળી ઉપર જોવા મળે છે. અસરગ્રસ્ત પાનો અને ફળ ચીમળાઈને અંતે સુકાઈ જાય છે.

રોગ–જીવાતોનું સંકલિત નિયંત્રણ :

  • કાજુની કલમ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા કાજુ બીજની પસંદગી પ્રતિકારક જાતોમાંથી કરવી. પસંદ કરીને કાજુ બીજને નર્સરીમાં લઈ જતાં પહેલાં હુંફાળા પાણી (ર ભાગ ઉકળતુ પાણી + ૩ ભાગ ઠંડુ પાણી /પર :પપ : સે. તાપમાનમાં ફુગનાશક બીનોમીલ ૧ ગ્રામ/લીટર મુજબ ભેળવી માવજત આપવી).
  • જે જાતની કલમ બનાવવી હોય તેની પસંદ કરેલ ડાળી સીધી મજબૂત ૪૦–૪પ સે.મી. લંબાઈની તેમજ કીટકના નુકશાન રહિત હોવી જરૂરી છે.
  • નર્સરીમાં કાજુની કલમોના પાન પર જોવા મળતી ઈયળોને હાથેથી વીણી નાશ કરવો.
  • નર્સરીમાં કલમો પર ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મીલી/૧૦ લીટર પાણી મુજબનો છંટકાવ ૩ અઠવાડિયાના અંતરે કરવો.
  • કાજુની નવી કલમોનું વાવતેર કરતાં પહેલા ખાડા ખોદીને તેને ૧પ થી ર૦ દિવસ સુધી સૂર્યપ્રકાશમાં તપાવવા.
  • નવી કાજુ વાડીની આસપાસ રહેલ તમામ જંગલી નિંદામણોને દૂર કરી સેઢાપાળા ચોખ્ખા રાખવા.
  • શિયાળામાં (નવેમ્બર –માર્ચ માસ દરમિયાન) કાજુવાડીમાં મોડી સાંજ અથવા વહેલી સવારના સમયે નકામા  નિંદામણ યુકત કચરાને સળગાવી૧૦ દિવસના અંતરે ધૂમાડિયું કરવાથી ટી મોસ્કયુટો બગ્સ, ઢાલપક્ષી તેમજ પાનને નુકશાન કરતાં કિટકોથી રાહત મેળવી શકાય છે.
  • અખિલ ભારતીય કાજુ સંશોધન પરિષદ દ્વારા નીચે મુજબ ભલામણ થયેલ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

પ્રથમ છંટકાવ

લેમ્ડાસાયહેલોથ્રીન પ ઈ.સી. ફુટ અવસ્થાએ

૦.૦૩% મુજબ

દ્વિતીય છંટકાવ

મોર અવસ્થાએ

૦.૦૩% મુજબ

  • લીંબોળી ખોળની સાથે મેટારીઝીયમ એનીસોપલી અથવા બ્યુવેરીયા બાઝીઆનાની માવજત અનુક્રમે રપ૦ અને પ૯૦ ગ્રામ પ્રતિ ઝાડ દીઠ ઓકટોબર–નવેમ્બર માસ સુધીના સમયગાળામાં આપવી.
  • દાંતરડાથી કોતરી યાંત્રિક રીતે થડમાં છૂપાયેલ કીટકને બહાર કાઢી નાશ કરવો.
  • કાજુના પ્રકાંડને મોનોકનેટોફોસ ૩૬ એસ.એલ.નો ૩૦ મી.લી./૧૦ લીટર પાણીમાં ઓગાળી લેપ કરવો જયારે ખુલ્લાં રહેલાં મૂળને આજ જંતુધ્નની ર૦ મી.લી./૧૦ લીટર પાણીમાં ઓગાળી માવજત આપવી.
  • ઓકટોબર–નવેમ્બર માસમાં જયારે નવી ફુટ આવે ત્યારે કલોરપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં  ર૦ મિ.લિ. મુજબનો છંટકાવ કરવો.
  • મોર આવતાં પહેલાં અને મોર આવ્યા બાદ તુરત જ ફુગનાશક બીનોમીલ (બેનલેટ) પ૦% વે.પા. અને ડાયમીથોએટ ૩૦ ઈ.સી. અનુક્રમે ૧.પ ગ્રામ અને ૧ મી.લી./લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો .

શીતાગાર અને નિયંત્રિત વાતાવરણમાં ફળસંગ્રહ માટેનું તાપમાન અને વાતાવરણ

ફળ

શીતાગાર ફેરનહીટ

નિયંત્રિત વાતાવરણ સંગ્રહ

તાપમાન (સેન્ટીગ્રેડ)

પ્રાણવાયુ (ટકા)

અંગારવાયુ (ટકા)

કેરી

પ૦–પપ

૧૦–૧પ

પ–૧૦

કેળા

પપ

૧ર–૧પ

ર–પ

ર–પ

પપૈયા

૪૪–પપ

૧૦–૧પ

૧૦

કાગદી લીંબુ

પર–પપ

૧૦–૧પ

પ–૧૦

૦–૧૦

લાઈમ

૪ર–૪પ

૧૦–૧પ

પ–૧૦

૦–પ

ગ્રેપફ્રુટ

૪ર–૪પ

૧૦–૧પ

૩–૧૦

પ–૧૦

સંતરા, મોસંબી

૪ર–૪પ

પ–૧૦

પ–૧૦

૦–પ

અનાનસ

૪૭–પ૦

૧૦–૧પ

૧૦

દ્વાક્ષ

૩ર–૩પ

૦–પ

ર–પ

૧–૩

સફરજન

૩૧–૩ર

૦–પ

ર–૩

૧–ર

પ્લમ

૩ર–૩પ

૦–પ

૧–ર

૦–પ

નાસપતી

૩૩–૩પ

૦–પ

ર–૩

૦–૧

અંજીર

૩પ

૦–પ

પ–૧૦

૧પ–ર૦

સ્ટ્રોબેરી

૩ર–૩પ

૦–પ

૧૦

૧પ–ર૦

પ્રોડકટનું પ્રોસેસિંગ

ખાદ્ય પદાર્થ

બનાવટ

કેરી

અથાણું, મેન્ગો પલ્પ, જામ, કેરીના પાપડ, આમચૂર, કેરીની ગોટલી, પાઉડર

ચીકુ

જામ, પાઉડર, ચિકલ ગમ

પપૈયા

જામ, જેલી, ટુટીફ્રુટી, પેપીન

જામફળ

જેલી, જામ

લીંબુ

અથાણું, લેમન સ્કવોશ, સૂકવણી, પેકટીન, લીંબુના ફૂલ, લાઈમ ઓઈલ

નારંગી/સંતરા

માર્મલોડ, સ્કવોશ

બીજોરૂ

બીજોરાનું ચુર્ણ (પાઉડર)

આમળા

મુરબ્બો, અથાણું, મુખવાસ, કેન્ડી, પાઉડર, ચ્યવનપ્રાશ

પાઈનેપલ

સ્કવોશ, જામ

ફાલસા

સ્કવોશ

સ્ત્રોત: શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ફળ વિશેષાંક અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,ન.કૃ.યુ .,નવસારી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate