অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિયાળુ ઘઉની ખેતી

શિયાળુ ઘઉની ખેતી

ખેડુતમિત્રો, ઘંઉ (wheat) એ એક અગત્યનો શિયાળુ પાક છે. તેની વૈજ્ઞાનિક ખેતી કરી સારું ઉત્પાદન મેળવી શકાય. ઘંઉના પાક માટે ભલામણ કરેલ ખેતી પધ્ધતી નીચે મુજબ છે.

વાવણીનો સમય

જમીનની તૈયારી ચોમાસુ પાક પૂરો થયે જમીનને સખત થતી અટકાવવા હળથી ખેડ કરી, આગલા પાકના જડિયા-મૂળિયાં વીણી ખેતર સાફ કરવું. આમ કરવાથી ઊધઈનો ઉપદ્રવ પણ ઘટશે. ત્યારબાદ રાંપ મારી જમીન સમતલ કરવી. ખેડમાં વિલંબ કરવો નહીં તેમજ જમીનને ટ્રેકટર વડે વારંવાર ખેડવી નહીં, આમ કરવાથી જમીનનું નીચલું પડ સખત થશે જેનાથી નિતારશક્તિ અને મૂળનો વિકાસ અટકશે. જમીનની તૈયારીમાં લગભગ ૧૫૦૦ રૂ / એકર સુધી બચાવવા માટે શૂન્ય-ટીલેજ વિધિ અપનાવવી, જેમાં બીજ-કમ-ફર્ટિ ડ્રિલ મશીનથી કાળી કે ભારે કોળી જમીનમાં પૂરતા ભેજે સીધી વાવણી કરવી.

ભલામણ કરેલ જાતો

બિનપિયત ઘઉંની વાવણી માટે અરનેજ-૨૦૬, GW-૧, GW-૨ વગેરે જાતો પસંદ કરવી, સમયસર વાવણી એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્બર દરમિયાન વાવણીમાં સારા ઉત્પાદન માટે GW-૪૯૬, GW-૨૭૩, GW-૩૨૨, GW-૩૬૬, GW-૧૯૦ અને GW-૧૧૩૯ જાતો પસંદ કરવી. મોડી વાવણી એટલે કે ૧૦ ડિસેમ્બર સુધી વાવણી માટે GW-૧૭૩ અથવા લોક-૧ જાત પસંદ કરવી.

બીજ માવજ્ત

પાકને જમીનજન્ય અને બીજજન્ય રોગોથી બચાવવા એક કિલો બીજ દીઠ ૨ ગ્રામ થાઈરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપીને વાવેતર કરવું. ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે બીજને એઝોટોબેકટર @ ૩૦ ગ્રામ + PSB @ ૩૦ ગ્રામ / કિલો બીજ પ્રમાણે પટ આપી વાવવા. તેનાથી ૨૫% નાઈટ્રોજન + ૫૦% ફૉસ્ફરસ બચી શકે.

વાવણી પધ્ધતી

સમયસર એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્બર દરમિયાન વાવણી કરવી હોય તો સારા વિકાસ માટે વાવણી ૨૨.૫ સેમીના અંતરે ૫ થી ૬ સેમી ની ઊંડાઇએ કરવી. મોડી એટલે કે ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વાવણી કરવી હોય તો બે હાર વચ્ચે ૧૮ સેમી અંતર રાખવું. સારા ઉગાવા માટે કોરામાં વાવણી કરી પિયત આપવું. સમયસર વાવણી માટે ૫૦ કિલો / એકર વાપરવું. ડયુરમ જાતો અને મોડી વાવણી માં ૬૦ કિલો / એકર મુજબ બીજ વાપરવું. બિનપિયત વાવણી માટે ૨૦-૨૪ કિલો / એકર મુજબ બીજ વાપરવું.

નીંદણ નિયંત્રણ

નીંદણથી ૬૦% સુધી નુકસાન થઈ શકે. નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન૩૦EC (સ્ત્રોમ્પ, ટાટોપેનીડા ) @૧.૩ લીટર / એકર / ૨૦૦ લીટર પાણીમાં નાખી છાંટો. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ માટે વાવણીના ૩૫ દિવસના અંદર ૮ ગ્રામ મેટસલ્ફરોનમિથાઇલ૨૦WP (અલગપ, મેટસી) / એકર /૨૦૦ લીટર પાણી મુજબ છાંટો.

આાંતરખેડ

સારા વિકાસ માટે પહેલી આતરખેડ વાવણીના ૨૩-૩૦ દિવસે અને બીજી આાંતરખેડ વાવણીનો ૪૫-૫૦ દિવસે કરવી.

ખાતર વ્યવસ્થા

છાણિયું ખાતર

જમીન ની ફળદ્રુપતા જાળવવા દર ૧ વર્ષના અંતરે છાણિયું ખાતર ૪ ટન / એકર મુજબ આપો.

રાસાયણિક ખાતર

બિનપિયત ઘઉમાં ૧૦ કિલો નાઇટ્રોજન (૨૭ કિલો યુરિયા ) અને ૫ કિલો ફૉસ્ફરસ (૩૧ કિલો SSP) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. સમયસર એટલે કે ૧૫ થી ૨૫ નવેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં ૨૪ કિલો નાઇટ્રોજન ( ૫૩ કિલો યુરિયા ) અને ૨૪ કિલો ફૉસ્ફરસ (૬૮ કિલો SSP) / એકર મુજબ વાવણી સમયે ચાસ માં આપવું. આ ઉપરાંત વાવણીના ૨૧ દિવસે મુકુટ મૂળ અવસ્થાએ ૨૪ કિલો નાઇટ્રોજન ( ૫૩ કિલો યુરિયા ) / એકર મુજબ ભારે જમીન માં પિયત પહેલા ને હલ્કી જમીનમાં પિયત પછી આપવું. મોડી એટલે કે ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં ૧૬ કિલો ફૉસ્ફરસ (૧૦૦ કિલો SSP) / એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. આ ઉપરાંત ૧૬ કિલો નાઇટ્રોજન (૩૫ કિલો યુરિયા) વાવણીના ૨૧ દિવસે અને ૩૫ દિવસે આપવું. જો ઝીંકની ઉણપ હોય તો ૩ કિલો ઝીંક સલ્ફટ / એકર મુજબ આપવું

પાણીમાં દ્રાવ્ય ખાતરોનો છટકાવ સમયપત્રક

ઉત્પાદન વધારવા રોપણીના ૩૦-૩૫ દિવસે ૧૨.૬૧:૦૦ (MAP) @ ૧૫૦ ગ્રામ + હ્યુમિક એસિડ ૧૨% @ ૬૦ ml + સ્ટિકર @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી મુજબ છાંટો. આ ઉપરાંત વાવણીના ૩૫-૫૫ દિવસ દરમિયાન ગમે ત્યારે એસ્કોરબીક એસિડ (વિટામિન C) @ ૫૦૦ mg ૬ ગોળી + ગોળ નું દ્રાવણ @ ૧૦૦ ગ્રામ ૧૫ લીટર પાણી મુજબ છાંટી.

વૃદ્ધિકારક નો છંટકાવ

સારા વિકાસ અને ઉપજ માટે ૮ કિલો બાયોવિટી કે ૧૦ કિલો ટ્રાઇકંટેનોલ (વિપુલ) + ૫ કિલો મોનોજિક ૩૩% / એકર પ્રમાણે વાવણીના ૩૦-૩૫ દિવસ પછી આપો.

પિયત

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ૬ સેમી ઊંડાઈ ના ૮ પિયત આપવા. પ્રથમ પિયત ઓરવાણનું અને બાકીનો ૭ પિયત ૨૧, ૩૫, ૪૫, ૫૬, ૬૭, ૭૮ અને ૯૧ દિવસે આપવો.

સૌરાષ્ટ્રની મધ્યમ કાળી જમીનમાં ઘઉંના પાકને ૫ સેમી ઊંડાઈના ૧૦ પિયત આપવો. કોરામાં વાવેતર કરી પ્રથમ પિયત આપવું, ઉગાવા માટે બીજું પિયત આપવું. ત્યારબાદ ૮ પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે આપવો.

કચ્છની હલ્કી જમીન માં ૫ સેમી ઊંડાઈ ના કુલ ૧૪ પિયત અઠવાડીયા ના ગાળે આપવો.

દક્ષિણ ગુજરાતની ભારે કોળી જમીનમાં ઘઉના પાકની ૬ સેમી ઊંડાઈના કુલ ૭ પિયત આપવો. પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું અને બાકીના ૫ પિયત ૧૨ થી ૧૮ દિવસના અંતરે આપવો.

કટોકટીની અવસ્થા

ઘઉંના (wheat) પાકમાં ૬ કટોકટીની અવસ્થા હોય છે. આ ૬ અવસ્થામાં પાણી અચુક આપવું.

  • મુકુટ મૂળ અવસ્થા (૧૮ થી ૨૧ દિવસ )
  • ફૂટ અવસ્થા (૩૮ થી ૪૦ દિવસ)
  • ગાભે આવવાની અવસ્થા ( ૫૦ થી ૫૫ દિવસ)
  • ફૂલ અવસ્થા (૬૦ થી ૬૫ દિવસ)
  • દુધિયા દાણા અવસ્થા (૭૫ થી ૮૦ દિવસ)
  • પોક અવસ્થા (૯૦ થી ૯૫ દિવસ)

જો એક પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ પિયત આપવું. જો બે પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા અને ફૂલ અવસ્થાએ પિયત આપવું જે ૩ પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા, ફૂલ અવસ્થા અને પોક અવસ્થાએ પિયત આપવું

જીવાત નિયંત્રણ

ઊધઈ

ઊધઈનો ઉપદ્રવ રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊધઈનો ઉપદ્રવ ઘટાડવા પાછલા પાકના જડિયા મૂળિયાં વીણી ૪ થી ૫ ટન / એકર મુજબ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું. દિવેલીનો કે લીમડાનો ખોળ પણ અસરકારક છે. પાણીની અછત આ જીવાતને માટે અનુકૂળ છે. શરૂવાતની અવસ્થાએ નિયંત્રણ માટે ૧૦૦ કિલો બીજને ફિપ્રોનિલ૫SC ( રિજટ, સલ્લો ) @ ૬૦૦ મિલી / ૫ લિટર પાણી ના દ્રાવણ વડે ભોયતળિયા પર પાથરી મોઈ નાખવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ૨૦EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) ૨ લિટર અથવા ૫૦૦ મિલી ફીપ્રોનીલ ૫%SC (રેજટ, સલ્લો ) પિયતના પાણી સાથે ૧ એકરમાં આપવી.

લીલી ઇયળ

આ ઇયળ પંચરંગીયા ઇયળ તરીકે પણ ઓળખાય છે. લીલી ઇયળ નો ઉપદ્રવ જાન્યુઆરીના છેલ્લા અઠવાડીયાથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી વધુ દેખાય છે. તે દુધિયા દાણા ખાઈને નુકસાન કરે છે. દવાનો ખર્ચ ઘટાડવા પક્ષીઓ માટે ૮-૧૦ T આકારની રચના ગોઠવવાથી લીલી ઇયળનું કુદરતી રીતે નિયંત્રણ કરી શકાય છે. ઉંબીઓ આવવાની શરૂવાત થતાં જ ઝીણાવટભર્યું અવલોકન કરતાં રહેવું. જો ઝીણી ઇયળ દેખાય તો એઝોડીરેકટીન ૫EC ૧૦ મિલિ અથવા લીંબોળીના તેલ ૩૦ મિલિ / ૧૦ લિટર પાણી અથવા કવીનાલફોસ ૨૫ EC ૨૦ મિલિ / ૧૦ લીટર પાણી પ્રમાણે છાંટી. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ૪૫SC (સ્પીન્ટોર, ટ્રેસર ) @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી અથવા ફિપ્રોનિલ૫SC ( યુનિપ્રો, રેબીડ, ફેકસ )@ ૩૦ m) / ૧૫ લીટર પાણી અથવા થાયોડીકાર્બ૭૫WP (લાવીન, ચેક ) @ ૪૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટી.

ખપેડી

આ જીવાત ભાલના બિનપિયત વિસ્તારમાં વધુ દેખાય છે. તે પહેલા શેઢાપાળા પર નીંદણને અને પછી ઘઉંના કુમળા છોડને ખાય છે. આગોતરા નિયંત્રણ માટે ફેનવેલરેટ ૨૦%EC (ટાટાફેન, ફેંક્રો) @૭.૫ મિલી / ૧૫ લિટર પાણી અથવા કલોરપાયરીફોસ૨૦EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) @ ૩૦ મિલી / ૧૫ લિટર પાણી મુજબ શેઢાપાળા પર છાંટી. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ૪૫SC ( સ્પીન્ટોર, ટ્રેસર) @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી અથવા ફિપ્રોનિલ૫SC (યુનિપ્રો, રેબીડ, ફેકસ )@ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા થાયોડીકાર્બ૭૫WP (લાવીન,ચેક ) @ ૪૦ગ્રામ/૧૫લીટરl પાણી મુજબ છાંટો.

ગાભમારીની ઇયળ

ગાભમારીની ઇયળ થડની અંદરનો ગાભ ખાઈને નુકસાન કરે છે. જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડ ઉખાડી નાશ કરવો. જો ઉપદ્રવ વધુ હોય તો સ્પીનોસેડ૪૫SC ( સ્પીન્ટોર, ટ્રેસર) @ ૭.૫ ml / ૧૫ લીટર પાણી અથવા ફિપ્રોનિલ૫SC (યુનિપ્રો, રેબીડ, ફેકસ ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા થાયોડીકાર્બ૭૫WP (લાવીને,ચેક ) @ ૪૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટો.

મોલો-મશી

આ જીવાત પાન, થડ અને દાણામોથી રસ ચૂસી પ્રકાશસંષલેષણની ક્રિયાનો દર ઘટાડે છે. જો પરભક્ષી દાળીયા, લીલી પોપટી અને સીરફીડ ફલાઈ મોટી સંખ્યામાં હોય તો દવાનો છંટકાવ કરવો નહીં. જો જરૂર જણાય તો ઈમીડોકલોપ્રિડ (કોન્ફીડોર, ટાટામીડ ) @ ૩ ml / ૧૦ લીટર પાણી કે થાયોમેથોકઝામ (એકતારો / અનત ) @ ૪ ગ્રામ / ૧૦ લીટર પાણી અથવા એસિફેટ૫૦% + ઇમિડીકલોપ્રીડે૧.૮SC (લાન્સરગોલ્ડ ) @ ૫૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટી.

રોગ નિયંત્રણ

પાનનો ગેરૂ

આ રોગ પવન દ્વારા ફેલાય છે. આ રોગમાં પાન પર ગેરૂ રંગના ટપકા પડે છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગને વધુ માફક આવે છે. વધુ ઉપદ્રવથી ડાળિયો સુકાય છે. નિયંત્રણ માટે રોગની શરૂઆત થતાં જ મેંકોજેબ @ ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણી મુજબ ૧૫ દિવસ ના અંતરે ૩ વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન૨૫WP (બાયકોર) @ ૩૦ ગ્રામ / ૧૫ લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા ટેબૂકાનાઝોલ૨૫૦EC ( ફોલિકુર, ટોર્ક ) @ ૧૫ ml / ૧૫ લીટર પાણી અથવા કાર્બડોઝીમ૧૨% + મેંકોઝેબ૬૩WP (સાફ કોમ્બીપ્લસ, ડેલમિકસ ) @ ૩૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટો.

થડનો ગેરૂ

આ રોગ માર્ચ મહિના મહિના દરમિયાન તાપમાન વધતાં જોવા મળે છે. આ રોગમાં થડ પર ગેરૂ રંગના ટપકા પડે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણી મુજબ ૧૫ દિવસ ના અંતરે ૩ વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન૨૫WP (બાયકાર ) @ ૩૦ ગદ્રામ / ૧૫ લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા ટેબૂકાનાઝોલ૨૫૦EC (ફોલિકુર, ટોર્ક ) @ ૧૫ ml / ૧૫ લીટર પાણી અથવા કાર્બડોઝીમ૧૨% + મેંકોઝેબ૬૩WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલ મિકસ ) @ ૩૦ ગ્રામ/૧૫લીટર પાણી મુજબ છાંટો.

પાનનો સુકારો

આ રોગની શરૂવાત નીચેના પાન પર થાય છે. પાન પર તપખીરિયા ટપકા પડે છે. ઉપદ્રવ વધતાં પાન સુકાય છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગ ને અનુકૂળ છે. મોડી વાવણી માં આ રોગ વધુ જોવા મળે છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @ ૨૫ ગ્રામ / ૧૦ લિટર પાણી મુજબ ૧૫ દિવસ ના અંતરે ૩ વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન૨૫WP (બાયકોર ) @ ૩૦ ગ્રામ / ૧૫ લિટર પાણી અથવા કલોરોથેલોનીલ (કવચ, ડેકનીલ ) @ ૩૦ ml / ૧૫ લીટર પાણી અથવા ટેબૂકનાઝીલ૨૫૦EC (ફોલિકુર, ટોર્ક ) @ ૧૫ ml / ૧૫ લીટર પાણી અથવા કાર્બડોઝીમ ૧૨% + મેંકોઝેબ૬૩WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિકસ ) @ ૩૦ ગ્રામ / ૧૫ લીટર પાણી મુજબ છાંટી.

કાળા ડાઘ

આ રોગમાં, દાણા પર કાળા ટપકા પડે છે જેનાથી બજારભાવ ઓછા મળે છે. ઝાકળ અને વધુ ભેજ આ રોગ માટે અનુકૂળ છે. આ રોગનો ઉપદ્રવ ઓછો કરવા પાછલી અવસ્થાએ હલકું પિયત આપવું

કર્નલ બંટ

આ રોગ ગુજરાતમાં જોવા મળતો નથી પરંતુ તેને ઓળખી ને તેનો પ્રવેશ નિષેધ કરવો જરૂરી છે. આ માટે કાળા ડાઘ પડેલા દાણા વાવણી માટે ઉપયોગમાં લેવા નહીં

અનાવૃત અંગારિયો

આ રોગમાં ઉંબી ની અંદર દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી ઉત્પન્ન થતી હોય છે. જેથી ઉંબીમાં દાણા બેસતા નથી. આગોતરા નિયંત્રણ માટે બીજને એક કિલો બીજ દીઠ ૨ ગ્રામ થાઈરમ અથવા કેપ્ટન દવાનો પટ આપીને વાવેતર કરવું

કાપણી અવસ્થા અને ટેકિનક

પાક ૧૧૦-૧૧૫ દિવસ મા પાકી જાય છે.જયારે છોડ બદામી કલરના થઈ જાય ત્યારે કાપણી જમીન થી ૨-૩ ઈંચ ઉપરથી કરવી. દાણા ખરવાનું નુકસાન ઘટાડવા જયારે ઘઉં પીળા પડી જાય અને થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે કે મોડી સાંજે કાપણી કરવી. સુરક્ષિત સંગ્રહ માટે થ્રેશરથી લણણી કર્યા બાદ,વિણાટ કરી,દાણામા ભેજનુ પ્રમાણ ૧૦% થી ઓછુ થાય તે માટે તડકોમા ૨-૩ દિવસ સુધી સુકવવો. ગુણવત્તા જાળવવા જુદી જુદી જાતોના ઘઉંને અલગ અલગ રાખવા જેથી તે મિશ્ર ના થઈ જાય. ઘઉંને સીધા સુર્ય પ્રકાશથી તથા વધારે સુકાવાથી બચાવવા. કાપણી પરિપકવ અવસ્થાના પહેલા કરવાથી ઓછું ઉત્પાદન થાય છે વધારે અપરિપકવ, તુટેલો અને ઓછી ગુણવત્તાવાળા દાણા મળે છે અને સંગ્રહ દરમ્યાન રોગ થવાની શકયતા વધે છે. દાણા એકદમ સારી ચોખી ગની બેગમાં પેક કરવો.

વધુ સંપર્ક

  • સફલ કિસાન દ્વારા મોકલાતી ખેતી વિશેની નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો
  • તમારૂં નામ, વોટ્સએપ મોબાઇલ નંબર, ગામ, તાલુકો અને જીલ્લો નીચે આપો.તમારા ફોનથી 9742946225 પર Hi મેસેજ મોકલો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate