অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શાકભાજીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

આપણો દેશ શાકભાજી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં વિશ્વમાં ચીન બાદ બીજું સ્થાન ધરાવે છે. વર્ષ ર૦૧૭–૧૮ દરમ્યાન આપણા દેશમાં શાકભાજીના પાકોનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા અનુક્રમે ૧૦૧૭ર હજાર હેકટર , ૧૮૦૬૮૪ હજાર મે.ટન અને ૧૭.૭૬ મે.ટન/ હેકટર હતું. જયારે ગુજરાત રાજયમાં શાકભાજીના પાકોનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા અનુક્રમે ૬૪૯.૬ હજાર હેકટર,૧૩ર૯ર.૮ હજાર મે.ટન અને ર૦.૪૬ મે.ટન/ હેકટર જે અગાઉંના વર્ષની સરખામણીમાં ગુજરાતમાં શાકભાજી પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયેલ છે.
શાકભાજીના પાકો માનવ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમાંથી મુખ્યત્વે કાર્બોદિત પદાર્થો (કાર્બોહાઈડ્રેટ), ચરબી, પ્રોટીન, વિપુલ પ્રમાણમાં ક્ષારો તેમજ પ્રજીવકો (વિટામીન્સ) મળે છે. જેથી શાકભાજીને રક્ષણાત્મક ખોરાક તરીકે ગણવામાં આવે છે. જે શરીરને રોગપ્રતિકારક શકિત આપે છે. સમતોલ આહાર માટે માથાદીઠ ૧૧પ ગ્રામ પાંદડાવાળા શાકભાજી, ૮પ ગ્રામ કંદમુળવાળા અને ૧૦૦ ગ્રામ અન્ય શાકભાજી મળીને કુલ ૩૦૦ ગ્રામ શાકભાજી દૈનિક ખોરાકમાં લેવા જોઈએ. પરંતુ આપણા દેશમાં શાકભાજીનો દૈનિક સરેરાશ વપરાશ ફકત ૧૪પ ગ્રામ છે. જેનું મુખ્ય કારણ ઓછું ઉત્પાદન, બગાડ અને આહાર પ્ર્રત્યેની અસભાનતા જવાબદાર છે. આ પાકો હાલમાં રોકડીયા પાકો તરીકે પ્રસ્થાપીત થયેલ હોઈ તેમજ અન્ય પાકોની સરખામણીમાં વધારે ઉત્પાદન ક્ષમતાની સાથે આ પાકો આયુર્વેદિક દવાઓ તરીકે કે તેના બંધારણમાં પણ આગવું સ્થાન ધરાવે છે.
શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે એકમ વિસ્તારમાંથી ટુંકા ગાળામાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આપણા રાજયમાં ચોમાસુ પાકોમાં મુખ્યત્વે મરચી, ટામેટી, રીંગણ, ભીંડાં,દૂઘી, પરવળ, ટીંડોળા, કારેલા, કાકડી, કોળુ તેમજ કઠોળ પાકોમાં તુવેર, ગુવાર, ચોળી વિગેરે તેમજ શિયાળુ પાકોમાં કોબીજ, ફુલ કોબી, પાપડી, કોથમીર, મેથી, પાલખ વિગેરે જેવા પાકોનો સમાવેશ થાય છે. આ પૈકી રીંગણ,મરચી, ટામેટી, કોબીજ, ફુલ કોબી જેવા પાકોનો ઘરૂ ઉછેર કરી ફેરરોપણી કરવામાં આવે છે. જયારે અન્ય પાકોની વાવણી બીજથી થાય છે. શાકભાજી પાકોનું સારી ગુણવત્તાવાળુ, વધારે અને આર્થિક રીતે પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટે પરંપરાગત ખેતી પધ્ધતિઓમાં જરૂરી ફેરબદલ કરવો જરૂરી છે.

શાકભાજીની ખેતીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :

જમીન અને તેની તૈયારી : શાકભાજીના પાકોમાં  ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેલી હોવાથી આ પાકો ફળદ્રુપ, સારા નિતારવાળી અને ભેજ સંગ્રહ શકિત સારી હોય તેવી ગોરાડું, મધ્યમકાળી કે કાંપવાળી જમીન ખૂબ જ અનુકુળ છે. જમીનને જરૂરીયાત મુજબ હળ અને કરબથી ખેડકર્યા બાદ સમાર મારી જમીન સમતલ બનાવવી, અગાઉના પાકના જડીયા હોય તો વીણી લેવા. જુદા જુદા શાકભાજીની વાવણી માટે જે તે પાકની ખાસિયત, ૠતુ, જમીનનો પ્રકાર વિગેરે ધ્યાનમાં રાખી સપાટ/ગાદી કયારા, નીકપાળા અથવા ખામણાં અગાઉથી તૈયાર કરવા.

જાતોની પસંદગી : શાકભાજીના પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતરની ૠતુ, વિસ્તાર વપરાશકર્તાની જરૂરીયાત અને પિયતની સગવડતાની અનુરૂપ પાકની વધુ ઉત્પાદન આપતી, રોગ–જીવાત સામે રોગપ્રતિકારક શકિત ધરાવતી સુધારેલી/ સંકર જાતો પસંદ કરવી.

ધરૂ ઉછેર : (મરચી, રીંગણ, ટામેટી, ફૂલકોબી અને કોબી) : ધરૂવાડીયું હંમેશા અર્ધ  છાયડાવાળી, ઉંચાણવાળી જગ્યા તથા સહેલાઈથી પિયત મળી રહે તેવી જગ્યાએ બનાવવું. એક હેકટરની ફેરબદલી માટે પ થી ૬ ગુંઠા ડુંગળીના વાવેતર અને અન્ય શાકભાજી માટે ૧.પ ગુંઠા વિસ્તારમાં ધરૂવાડીયુ બનાવવું. તંદુરસ્ત અને રોગમુકત ધરૂ મેળવવા માટે નીચેની કાળજી લેવી જરૂરી છે.

  • રાબીંગ : જમીન ઉપર ઘઉંનું ભૂસું કે બાજરીનું કચરું અથવા નકામું ઘાસ પાથરી ૧પ સે.મી. જેટલો થર બનાવવો અને પવનની વિરૂધ્ધ દિશામાં સળગાવવું. જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે, આને રાબીંગ કહેવામાં આવે છે. રાબીંગ કરવાથી જમીનમાં રહેલા ફુગ, જીવાણું, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નિંદણના બીેજનું નિયંત્રણ કરી શકાય. જો રાબિંગ શકય ન હોય તો સફેદ પારદર્શક પાતળા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો. વરાબ થયે ખેડ કરીને કયારાના માપ પ્રમાણે ૧૦ થી ર૦ દિવસ સુધી પ્લાસ્ટીક ઢાંકી રાખવું.
  • એક ગુંઠા વિસ્તાર માટે ૧૦૦ કિ.ગ્રા. સારું કહોવાયલું છાણીયું કે ગળતિયું ખાતર નાખવું , જો આ શકય ન હોય તો એક ગુંઠામાં ૧૦ કિ.ગ્રા. પ્રમાણે  દિવેલીનો ખોળ નાખવો.
  • ધરૂવાડિયાની જમીનમાં ઝીંક અને લોહ તત્વની ઉણપ જણાતી હોવાથી એક ગુંઠા વિસ્તારમાં પ૦૦ : રપ૦ : ૧૦૦  ગ્રામ ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને બોરેક્ષ જમીન તૈયાર કરતી વખતે નાખવું.
  • જમીનનો ઢાળ ધ્યાનમાં રાખી, વધારાના પાણીનો નિકાલ થાય તે માટે નીંકો બનાવવી, ત્યારબાદ એક ગુંઠા વિસ્તારમાં  એક કિલો ડી.એ.પી. અને ર૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પુંખીને આપવાં. કાળી જમીનમાં ગાદી કયારા બનાવવા તથા ગોરાડુ જમીનમાં સપાટ કયારા બનાવવા. કયરાની લંબાઈ જમીનના ઢોળાવ મુજબ રાખવી જયારે પહોળાઈ ૧.૩ થી ૧.પ મીટર જેટલી રાખવી.
  • ધરૂવાડીયામાં શરુઆતમાં નાના છોડને ઉધઈ, લાલકીડી, અળસિયા, કૃમિ તેમજ ચૂસિયા પ્રકારની જીવાત નુકશાન ન કરે તે માટે એક ગુંઠામાં ૩૦૦ ગ્રામ પ્રમાણે કાર્બોફયુરાન ૩ જી આપવું.
  • બીજની વાવણી માટે લાકડાની પંજેઠીના દાંતાથી  ૧૦ સેમી અંતરે લંબાઈની વિરૂધ્ધ છીછરા (ર થી ર.પ સેમી) ચાસ ખોલવા.
  • બીજને થાયરમ કે સેરેસાન ૩ ગ્રામ પ્રતિ ૧કિલો ગ્રામ બીજ મુજબ માવજત આપી કયારા દીઠ નિયત જથ્થામાં આપેલ  બીજ સરખા અંતરે પડે તે રીતે ચાસમાં નાખવું.
  • બીજને વાવ્યા બાદ લાકડાની પંજેઠી ઉંધી રાખી અથવા સળી વાળો સાવરણો ફેરવી બીજને માટી સાથે ભેળવી દેવા.
  • જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે તેમજ કુમળા ધરૂ/ છોડને તડકા સામે રક્ષણ મળે તે માટે ઘઉંના પરાળનું આછું ઢાંકણ કરવું અથવા તો જમીનથી દોઠ થી બે ફૂટ ઉચે રહે તે રીતે ગાર્ડન એગ્રોનેટ ઢાંકવી. સંરક્ષિત ધરૂઉછેર માટે નેટ હાઉસનો ઉપયોગ કરી શકાય તેમજ શિયાળામાં (ડિસેમ્બર – જાન્યુઆરી ) ધરૂઉછેર કરવા માટે સફેદ પોલીથીન જમીનથી દોઠ થી બે ફૂટ ઉચે રહે તે રીતે ઢાંકવું અથવા સફેદ પોલીહાઉસમાં ધરૂઉછેર કરવો. આમ,રીંગણ, મરચી અને ડુંગળીનું ૪૦ થી ૪પ દિવસે, કોબી / ફલાવરનું  ૩૦ થી ૩પ દિવસે તથા ટામેટા નું રર થી રપ દિવસે ધરૂ રોપવા લાયક તૈયાર થાય છે.
  • ધરૂને ઉપાડતાં પહેલાં ધરૂવાડીયામાં હળવું પિયત આપવું.

વાવણી અને વાવણીનું અંતર : શાકભાજીના પાકોની જાત અને ખાસિયત પ્રમાણે જુદી જુદી  પધ્ધતિથી વાવેતર કરવામાં આવે છે. જેમકે રીંગણ, ટામેટી, મરચી, કોબી, ફુલ કોબી વિગેરે જેવા પાકોનું પ્રથમ ધરૂ ઉછેરીને ફેરરોપણીથી અગાઉથી તૈયાર કરેલ ખેતરમાં પાક મુજબ ભલામણ થયેલ અંતરે વાવણી કરવામાં આવે છે. જયારે મેથી, ધાણા જેવા શાકભાજીના પાકોનું બીજ કયારામાં છાંટીને અથવા પૂંખીને તથા દૂધી,કારેલા,કાકડી,તુરીયા,ગલકાં, ભીંડા, ચોળા, ગુવાર, પાપડી વિગેરે પાકોની વાવણી ઓરી/ થાણીને જે તે પાકને અનુરૂપ ભલામણ કરેલ અંતરે કરવામાં આવે છે.

સેન્દ્રીય / રાસાયણિક ખાતર : સામાન્ય રીતે શાકભાજીના જુદા જુદા પાકોની જરૂરીયાત મુજબ  પાકના વૃધ્ધિ અને વિકાસના તબકકાને અનુરૂપ સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો આપવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે ૧પ થી ર૦ ટન કાહોવાયેલું છાણિયું ખાતર / કંમ્પોસ્ટ જમીન તૈયારી વખતે આપવું. આ ઉપરાંત શાકભાજીના પાક અને જાત મુજબ ભલામણ કરેલ રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજનનો પ૦ ટકા તેમજ બધો જ ફોસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે મુળ વિસ્તારમાં આપવું,  તેમજ બાકીનો પ૦ ટકા નાઈટ્રોજન નો જથ્થો પૂર્તિખાતર તરીકે પાક, તેની જરૂરીયાત અને વૃધ્ધિ ગાળાને અનુરૂપ જમીનમાં યોગ્ય પ્રમાણમાં ભેજ હોય ત્યારે છોડની ફરતે, થડથી  પ સે.મી. દુર, એક/બે/ ત્રણ સરખા હપ્તામાં આપવા.

માવજત : સામાન્ય રીતે શાકભાજીના પાકોમાં નિંદણ નિયંત્રણ તેમજ આંતરખેડ ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે.  નિંદણથી પાક ઉત્પાદનમાં ઘટાડો અને રોગ–જીવાત ઉપદ્રવમાં વધારો થતાં ઉત્પાદકતા ઘટે છે. જેથી પાકને નિંદણ મુકત રાખવા જરૂરી છે. તે માટે પાકની જરૂરીયાત મુજબ આંતર ખેડ અને હાથ નિંદામણ કરવું. પરંતુ મજુરની અછતની પરિસ્થિતીમાં  ભલામણ કરેલ રાસાયણિક નિંદણનાશક દવાઓનો સમજપૂર્વક ઉપયોગ કરીને પણ નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

શાકભાજીમાં રાસાયણિક નિંદણ નિયંત્રણ :

પાક

નિંદામણનાશક દવા

સક્રિય તત્વનો જથ્થો  ( કીગ્રા/ હેકટર)

માવજતનો સમય

ભીંડા

પેન્ડીમીથેલીન

૧.૦૦૦ (મ. ગુજ.)

૦.૬૦૦ (સૈારાષ્ટ્ર)

પ્રિ ઈમરજન્સ

રીંગણ

પેન્ડીમીથેલીન

૦.પ૦૦

પ્રિ ઈમરજન્સ

ટામેટા

પેન્ડીમીથેલીન

બ્યુટાકલોર

ઓકઝીડાયેઝોન

 

૧.૦૦૦

૧.૦૦૦

૦.પ૦૦

રોપણી બાદ

ર–૩ દિવસે

મરચી

પેન્ડીમીથેલીન ઓકઝીડાયેઝોન

૧.૦૦૦

૦.પ૦૦

ફેર રોપણી પહેલાં

કોબી / ફુલકોબી

પેન્ડીમીથેલીન

૧.૦૦૦

ફેર રોપણી પહેલાં

પિયત : પિયતની જરૂરિયાતનો આધાર પાક અને તેની જાત, જમીનનો પ્રકાર અને ૠતુ ઉપર આધારિત છે. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદની અછતના સમયે દસ થી બાર દિવસના અંતરે અને શિયાળામાં ૧ર થી ૧પ દિવસના અંતરે તેમજ ઉનાળામાં જમીનમાં ૮ થી ૧૦ દિવસનાં અંતરે જમીનની પ્રત અનુસાર પિયત આપવું. શાકભાજીના પાકોમાં ટપક સિંચાઈ પધ્ધતીની સાથે ખાતર આપવાથી પાણી અને ખાતરનો બચાવ કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. મલ્ચીંગ (આવરણ) નો ઉપયોગ કરવાથી પાણીની જરૂરીયાત ઓછી કરી શકાય,  બે પિયત વચ્ચેનો ગાળો ગુણવત્તાસભર વધારે  ઉત્પાદન વધારો મેળવી શકાય છે. મલ્ચ (આવરણ) તરીકે શેરડીની સુકી પાતરી, ડાંગરનું પરાળ, ઘઉંનું ભુસુ, દિવેલાની ફોતરી, સુકુ ઘાસ અને પ્લાસ્ટિક શીટનો ઉપયોગ થઈ શકે છે. મલ્ચિંગ કરવાથી પાકમાં નિંદામણ, રોગ, અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શાકભાજીની ગુણવત્તા સારી મેળવી શકાય છે. આ પાકોમાં ફુવારા પિયત પધ્ધતિ અપનાવવાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેવળી શકાય, તેમજ ઓછા પિયતથી સારી ગુણવત્તાવાળુ શાકભાજીનું વધારે ઉત્પાદન મેળવી શકાય છે.

વીણી અને ગ્રેડીંગ : શાકભાજીની વીણી જે તે પાકની જાત, બજારમાં માંગ, વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળના રંગ, આકાર અને કદ પ્રમાણે કરવી જોઈએ. વધારે પડતા કુમળા કે પાકટ ફળો ઉતારવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય, બજારભાવ ઓછા મળે અંતે નફાકારકતામાં ઘટાડો થાય છે. નિકાસ માટેના શાકભાજી જે તે દેશની જરૂરીયાતન અને તેની ગુણવત્તાને  ધ્યાનમાં રાખીને કરવા જોઈએ. શાકભાજી ઉતાર્યા બાદ રોગ અને જીવાતવાળા ફળો દૂર કરીને જુદા જુદા વિભાગમાં ગ્રેડીંગ કરી  બજારમાં મોકલવાથી સારા ભાવ મળતા હોય છે.

સ્ત્રોત: ર્ડા. ડી.બી. પ્રજાપતિ, પ્રો.એ.એમ.અમીન, ર્ડા. બી.જી. પ્રજાપતિ અને ર્ડા. એ.યુ.અમીન, શાકભાજી સંશોધન યોજના, બીજ  મસાલા સંશોધન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ., જગુદણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/16/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate