অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રતાળુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

અંગ્રજી નામઃ Greater Yam or Yam or Water yam (રતાળુ) વાનસ્પતિક નામઃ Discrorea alata L.

આબોહવા :

આ  પાક સતત છાંયડો  તથા હિમ સહન કરી શકતો નથી. સામાન્ય  રીતે ર૬ થી ૩૧ સેં. ગ્રેડ ઉષ્ણતામાન તેને અનુકૂળ છે. સારી રીતે વહેંચાયેલા વધુ વરસાદવાળા પ્રદેશોમાં (૧૧૦૦ મીમી વરસાદ) તે સારૂં ઉત્પાદન આપી શકે છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુકૂળ છે. ર૦ં સેેં. ગ્રેડથી નીચુંઉષ્ણતામાન રતાળુના વૃધ્ધિ અને વિકાસને અવરોધે છે.

જમીનઃ

ઉડી,ભરભરી ,સારા નિતારવાળી સેન્દ્રિય પદાર્થથી તથા, પોટાશ તત્વથી ભરપૂર પાક માટે આદર્શ ગણાય. કાળી ચીકણી જમીનમાં બેડોળ આકારનાં તથા ઉતરતી કક્ષાનાં કંદ થાય છે. રતાળુ પ.પ થી ૭.પ પી. એચ. ધરાવતી જમીનમાં થઈ શકે છે. પાણી ભરાઈ રહેતું હોય  તેવી જમીન પસંદ ન કરવી.

સીટીસીઆરઆઈ, થીરૂવનન્તપુરૂમ, કેરલા ધ્વારા બહાર પાડવામાં આવેલી સુધારલી

  1. શ્રી કિર્થી
  2. શ્રી રૂપા
  3. શ્રી શિલ્પા
  4. શ્રી કાર્થીકાઃ
  5. ઓરિસ્સા ઈલાઈટ
  6. ઈન્દુ

રોપણીઃ

ચોમાસાની ૠતુ બેસે તે પહેલાં કરવામાં આવે છે(મે ના પ્રથમ અઠવાડિયામાં). પિયતની સગવડતા હોય તો માર્ચ– એપ્રિલ માસમાં પણ રોપણી કરી શકાય છે. રોપણી સપાટ કયારા કે ગાદી કે નીકપાળા બનાવીને પણ કરી શકાય છે.

રોપણી અંતરઃ

૯૦ × ૯૦ સે.મી.(૧ર૩૪પ છોડ/હેકટર) અથવા ૭પ × ૭પ સે.મી. (૧૭૭૯૩ છોડ/હેકટર). કીચન ગાર્ડનમાં કે ઘર આંગણે રોપણી માટે કોઈ ખાસ અંતર રાખવાની જરૂર નથી પરંતુ જયાં પણ થોડી ફાજલ જગ્યા હોય અને ટેકો મળી રહેતો હોય ત્યાં થઈ શકે છે. ટેકા તરીકે આપણી પાસે ઉપલબ્ધ જાંબુ, ફણસ, આંબો, ખાટી આમલી, સરગવો, નાળિયેરી વિગેરે ઝાડનો આધાર પણ લઈ શકાય છે.

રોપણી મટીરીયલઃ

વાનસ્પતિક પ્રસર્જનની રીત ધ્વારા ર૦૦ થી રપ૦ ગ્રામ વજનનાં નાના આખા કંદ અથવા તો ટૂકડાં ઉપયોગમાં લઈ શકાય છે. વેલાનાં ટૂકડા રોપીને પણ પાક ઉગાડી શકાય છે પરંતુ એથી કંદ ધીમા બેસે છે. તેથી વેલા ધ્વારા પ્રસર્જનની ભલામણ કરવામાં આવતી નથી. કંદને સડો ન લાગે તે માટે કંદ/ટૂકડાને રોપતાં પહેલાં ૧ લિટર પાણીમાં ૧ કિલો તાજું ગાયનું છાણ નાંખી તેમાં ટ્રાયકોડર્મા ( પ ગ્રામ/કિ.ગ્રા.) અથવા મેન્કોઝેબ (૦.ર%) + ડાયમીથોએટ (૦.૧%) સાથેની રબડીમાં ૧પ મિનિટ બોળવાં હિતાવહ છે. આ માવજત આપ્યા બાદ કંદ/ ટૂકડાંને છાંયડે સૂકવી પછી રોપણી કરવી. કંદના ટૂકડાને એવી રીત કાપવાં કે તેમાં છાલનો ભાગ વધુ રહે અને છાલ જમીનને અડે તે રીતે ખાડામાં પ સે.મી. ઉંડાઈએ રોપણી કરવી.

હેકટરે કંદની જરૂરીયાતઃ ૩૦૦૦ થી ૩૭૦૦ કિ.ગ્રા.

સંકલિત ખાતર વ્યવસ્થાઃ

જૈવિક ખાતર તરીકે એઝોસ્પીરીલમ તથા પીએસબી કલ્ચર (પ લિ./હે.) નો ઉપયોગ પણ કરી શકાય. તેની તથા ટ્રાયકોડર્મા કલ્ચરની જરૂરીયાત માટે બાયોપેસ્ટીસાઈડ યુનિટ, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., નવસારી– ૩૯૬ ૪પ૦ નો સંપર્ક સાધી શકાય.(ફોન નં. ૦ર૬૩૭ ર૮ર૭૭૧ થી  ૭પ એક્ષ. ૩૦પ). અઝોસ્પાયરીલમ, પીએસબી કલ્ચર તથા ટ્રાયકોડર્મા કલ્ચરનો હાલનો ભાવ રૂપિયા ૭૦ પ્રતિ લિટર / કિલો પ્રમાણે છે.

કોઠો : રતાળુની ખાતરની જરૂરીયાત

અ. નં.

ખાતર

જથ્થો કિ.ગ્રા./હેકટર

ખાતર આપવાનો સમય

ખાતરની જરૂરિયાત હેકટરે

૧.

સંપૂર્ણ સડેલું છાણિયું ખાતર / કંમ્પોસ્ટ

૧૦ થી ૧ર ટન

પાયામાં

૧૦ થી ૧ર ટન

ર.

રાસાયણિક ખાતર ના. ફો. પો. (છોડની ફરતે રીંગ કરી આપવું)

૮૦ : ૬૦ : ૮૦

૪૦ : ૬૦ : ૪૦

૪૦ : ૦૦ : ૪૦

બે હપ્તામાં રોપણી બાદ એક મહિને (પ્રથમ આંતર ખેડ વખતે)

રોપણી બાદ બીજા મહિને (બીજી આંતર  ખેડ વખતે)

યુરિયા ૮૭ કિલો, સીંગલ સુપર ફોસ્ફેટ ૩૭પ કિ, મ્યુરેટ ઓફ પોટાશ ૬૯ કિ.

યુરિયા ૮૭ કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ ૬૯ કિ.

પિયતઃ

  • રોપણી બાદ તુરત જ પાણી આપવું.
  • પાણીની ખેંચ ન પડે તેમ નિયમિત પિયત આપતા રહેવું.
  • પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી.
  • વૃધ્ધિના ચૈાદમા અને વીસમાં અઠવાડિયે જમીનમાં ભેજનું પ્રમાણ અવશ્ય રહેવું જોઈએ.

આવશ્યક ખેતી કાર્યઃ(ટેકા આપવા)

  • રતાળુના વેલાનું થડ નબળું હોય તેને ટેકાની ખાસ જરૂર પડે છે.
  • રતાળુની ખેતીમાં આ એક આવશ્યક  અને ખૂબ જ ખર્ચાળ ખેતી કાર્ય છે.
  • કંદની રોપણી બાદ વેલાનો વિકાસ થાય એટલે કે એક માસ બાદ વાંસનો કે અન્ય ટેકો આપવો જોઈએ.
  • વાંસના ટેકાની જગ્યાએ રતાળુની બે હારની વચ્ચે આંતર પાક તરીકે જુવાર, મકાઈ કે સુરણ ની એક હાર
  • કરવાથી પણ ટેકાની ગરજ સારી શકાય તેવી શકયતા છે.
  • ટેકો આપવાથી રતાળુના વેલાની શાખાની વૃધ્ધિ ચારેબાજુ ફેલાંતા વધુ સૂર્યપ્રકાશ મળતાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં વધારો થતાં ઉત્પાદનમાં વધારો થાય છે.

નિંદામણ અને આંતર ખેડઃ

નિંદણથી બચવા તથા જમીન ભરભરી રાખવા ર વાર (રોપણી પછી ૩૦ અને ૬૦ દિવસે) આંતરખેડ કરવી જરૂરી છે. સાથે સાથે આ સમયે થડ પાસે માટી પણ ચઢાવવી જરૂરી છે.

પાક સંરક્ષણઃ

રતાળુના પાકમાં નુકસાન કરતી પ૭ જેટલી જીવાતો તથા ૧ પાન કથીરી નોંધાયેલ છે. જેમાંથી પ૦ % જીવાતો સંગ્રહ દરમ્યાન જોવા મળે છે. રતાળુની માખી Yam sawfly: (Anisoarthra coerulea)  પણ નોંધાયેલ છે. ગુજરાત રાજયમાં કોઈ ખાસ રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી. તેમ છતાં ચૂસિયાં પ્રકારની જીવાત(મોલોમશી, મીલીબગ,ભીંગડાવાળી જીવાત) તથા  એન્થ્રેકનોઝ અને સરકોસ્પોરા લીફ સ્પોટ જેવા રોગ જોવા મળે તો આગોતરા નિયંત્રણના ઉપાય તરીકે મેન્કોઝેબ (૦.ર%) + કલોરપાયરીફોસ (૦.૦પ%) ના ત્રણ છંટકાવ રોપણી બાદ ૩૦,૬૦ અને ૯૦ દિવસે કરવાની ભલામણ છે. સંગ્રહ દરમ્યાન કેટલીક વાર કંદ ઉપર ભીંગડાવાળી જીવાત જોવા મળે તો તેવા સંજોગોમાં કંદની રોપણી અગાઉ કંદને ૦.૦પ% ના કલોરપાયરીફોસના દ્રાવણમાં ૧૦ મિનિટ ડૂબાડી પછી રોપણી કરવી હિતાવહ છે.

સુષુપ્ત અવસ્થાઃ

રતાળુમાં વધુ  ઉત્પાદન લેવા માટે ર થી ૩ માસની સુષુપ્ત અવસ્થા જરૂરી છે. સુષુપ્ત અવસ્થા જાળવી રાખવા માટે તથા સંગ્રહ દરમિયાન કંદના ઉગાવાના નિયંત્રણ માટે કંદને જમીનમાંથી કાઢયા બાદ તેને ૦.૧ ટકાના મેલીક હાઈડ્રેઝાઈડના દ્રાવણમાં ૧૦ કલાક બોળી રાખવા હિતાવહ છે.

લણણીઃ

લણણીની શરૂઆત ડીસેમ્બર–જાન્યુઆરી માસમાં જયારે રતાળુના વેલાના પાન પીળા પડી વેલો સુકાય ત્યારે રતાળુના કંદ જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે. કંદને જમીનમાંથી કાઢવા અગાઉ આછું પિયત આપવાથી કંદને સહેલાઈથી    કાઢી શકાય છે.

ગ્રેડીંગઃ લણણી વખતે કોદાળીથી કપાયેલાં કંદ તથા રોગને લીધે બગડી ગયેલા કંદને દૂર કરવાં.

પાકવાના દિવસોઃ ૭ થી ૯ માસ. બે માસ મોડાં પણ જમીનમાંથી કંદને કાઢી શકાય છે.

ઉત્પાદનઃર૦ થી રપ ટન/હેકટર અથવા ૩૩ થી ૪૦ ટન/હેકટર

સંગ્રહઃ

કંદનો સંગ્રહ પીરામીડ આકારમાં હવાની અવર જવરવાળા ઓરડામાં કરવાથી સંગ્રહ દરમિયાનનું નુકસાન ઘટાડી શકાય છે.

આંતરપાક તરીકેઃ

નાળિયેરી, સોપારી, કેળ, રબર, રોબસ્ટા, કોફી અને કોકોમાં લઈ શકાય છે. એક હેકટરના નાળિયેરીના બગીચામાં ૯૦ × ૯૦ સે.મી. ના અંતરે લગભગ ૯૦૦૦ રતાળુના વેલાનો સમાવેશ કરી શકાય છે. નાળિયેરીના મુખ્ય થડથી ર મીટરની ત્રિજયા જેટલી જગ્યા છોડી પછી રતાળુના કંદની રોપણી કરવી. આવા સંજોગોમાં નાળિયેરી તથા રતાળુ બંને પાકને ભલામણ કરેલ  ખાતરનો જથ્થો આપવો જરૂરી છે. નેન્દ્રેન તથા રોબસ્ટા કેળમાં પણ રતાળુ લઈ શકાય છે.

સ્ત્રોત શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ''કૃષિ સારથિ'',અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate