অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભાલ વિસ્તારમાં દેશી કપાસની આધુનિક ખેતી પદ્ધતિ

અરણેજ કેન્દ્ર ખાતે હાથ ધરવામાં આવેલ પૂરક અખતરાના પરિણામો મુજબ દિવેલીના ખોળથી કપાસના ઉત્પાદનમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો

ભાલ વિસ્તારમાં દેશી કપાસની ખેતી આધુનિક પદ્ધતિથી કરવામાં આવે તો સારા પરિણામો મેળવી શકાય છે. અરણેજ કેન્દ્ર ખાતે દિવેલીના ખોળથી કપાસના ઉત્પાદનમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની ખેતી કેવી રીતે કરવી તે પદ્ધતિ વિશે જાણીએ.

જમીન અને જમીનની તૈયારી

કપાસને સારા નિતારવાળી, મધ્યમ અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં કપાસ થઇ શકતો નથી. પાકના મૂળ જમીનમાં ઉંડે સુધી જઇ શકે તેમજ વાવણી બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ જળવાઇ રહે તે માટે ઉંડી ખેડ જરૂરી છે. ટ્રેકટર સંચાલિત પાંચોટિયા અથવા હળની મદદથી ઉનાળામાં એક ખેડ કરી ત્યારબાદ કળિયાથી ખેડ કરવી જોઇએ.

પાયાનું ખાતર

હાલના સંજોગોમાં ટ્રેકટરનો ઉપયોગ વધતાં બળદોની સંખ્યા નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી છાણિયા ખાતરની ઉપલબ્ધતા પણ ઘટી છે. આથી મર્યાદિત પ્રમાણમાં છાણિયા ખાતરનો મહત્તમ ઉપયોગ કરી શકાય તે હેતુથી ચોમાસાની શરૂઆત પહેલાં સારુ કહેવાયેલું છાણિયુ ખાતર ચાસમાં ભરવું જોઇએ. માટે હેકટરે પાંચ ગાડી છાણિયુ ખાતર પૂરતું છે. છાણિયા ખાતરના વિકલ્પ રૂપે દિવેલી ખોળ પણ હેકટર દીઠ 500 કિલોગ્રામના દરે વાપરી શકાય. અરણેજ કેન્દ્ર ખાતે હાથ ધરવામાં આવેલ પૂરક અખતરાના પરિણામો મુજબ દિવેલીના ખોળથી કપાસના ઉત્પાદનમાં 30 ટકા જેટલો વધારો જોવા મળેલો. પ્રકારના સેન્દ્રિય ખાતરો વાપરવાળી જમીનની ફળદ્રુપતા વધે છે. પોત સુધારે છે અને જમીનમાં લાંબો સમય ભેજ જળવાઈ રહે છે. ઉપરાંત હેકટર દીઠ 20 કિલોગ્રામ નાઇટ્રોજન (44 કિલોગ્રામ યુરિયા) પાયાના ખાતર તરીકે આપવું હિતાવહ છે.

જાતની પસંદગી

ભાલવિસ્તાર માટે વી.-797, ગુજરાત કપાસ-13 છેલ્લે 1999માં ગુજરાત કપાસ-21ની વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. સદર જાતોના તુલનાત્મક લક્ષણો કોઠામાં દર્શાવેલ છે.

બિયારણનો દર

કપાસનુંવાવેતર 36 થી 48 ઇંચના સાંકડા ગાળે કરવું હોય તો હેકટર દીઠ 7 કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. પરંતુ 80 થી 96 ઇંચ જેટલા પહોળા ગાળે વાવેતર કરવા માટે 3.5 થી 4.0 કિ.ગ્રા. બિયારણ પુરતું છે.

બીજની માવજત

બીજને વાવતાં પહેલાં ફૂગનાશક દવા એક કિલો બીજ દીઠ 3 ગ્રામ ભેળવી ત્યારબાદ છાણ અને માટીથી રોળી સૂકવી વાવેતર માટે ઉપયોગમાં લેવું.

વાવણી સમય

ચોમાસુ બેસતાં વાવણી લાયક વરસાદ હોય પછીથી જમીન જ્યારે વાવેતર માટેની અનુકૂળ સ્થિતિમાં આવે કે તુરંત કપાસનું વાવેતર હાથ ધરવું. અરણેજ ખાતે હાથ કરવામાં આવેલ અખતરાના પરિણામો મુજબ જુન-જુલાઇમાં કપાસનું વાવેતર કરવાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. આમ છતાં પાણી ભરાઇ જવાથી અગાઉનું વાવેતર નિષ્ફળ ગયેલ હોય તેવા સંજોગોમાં ઓગસ્ટના અંત સુધી પણ વાવેતર કરવામાં આવે તો કપાસની ખેતી આર્થિક રીતે પરવડે છે પરંતુ ઓગસ્ટ પછી વાવણી કરવાથી ખાસ વળતર મળતું નથી. આથી કપાસના વહેલા વાવેતરનો લાભ મેળવવા વાવણીની એક પણ તક જતી કરવી જોઇએ.

વાવણી પદ્ધતિ

સામાન્યરીતે કપાસનું વાવેતર બળદ અથવા ટ્રેકટર સંચાલિત વાવણીયાથી કરવામાં઼ આવે છે પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાઇ જવાની શકયતાઓ હોય ત્યાં નિર્ધારિત અંતરે બંડ ફોર્મરની મદદથી પાળીઓ બનાવી તેના ઉપર કપાસનું બિયારણ વાવીને વાવેતર કરવું જોઇએ. બંડ ફોર્મર ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં ટ્રેકટર પાછળ સમાર બાંધી બંને બાજુ પાળીઓ ચઢે તે મુજબનું આયોજન કરી શકાય.

આધુનિક પદ્ધતિ થકી કપાસની ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન ખેડૂતો મેળવી શકે છે.

નવી સુધારેલી જાત ગુજરાત કપાસ-21 વિશિષ્ટતાઓ

  • એક ખુલ્લા કાલાવાળી જાત છે જેથી કાલામાંથી સીધો કપાસ ખેંચી શકાય છે.
  • વહેલી પાકે છે તેથી જ્યારે પવન ફુંકાય તે પહેલાં વીણી શકાય છે.
  • વી-797 અને ગુજરાત કપાસ-13 કરતાં આશરે 25 ટકા વધારે ઉત્પાદન આપે છે.
  • રૂનો ઉતારો પણ વધારે (42 ટકા) છે એટલે ઉત્પાદન સારુ મળે છે.
  • જીંડવા મોટેભાગે એકી સાથે પાકતા હોઇ વીણીની સંખ્યા ઓછી થાય છે.
  • ચૂસિયા પ્રકારની જીવાતો અને જીંડવાની ઇયળો સામે પ્રકારમાં વધારે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
  • કીટી,કસ્તર અને ધૂળના રજકણોનું પ્રમાણ તુલનાત્મક દ્ષ્ટિએ ઓછું છે.
  • રૂ અને દોરાના ગુણધર્મો વી-797 અને ગુજરાત કપાસ-13 જેવા છે.
  • ગુજરાત કપાસ-21 ના ઉપરોકત ગુણધર્મો જોતાં જાતને વાવેતર માટે પ્રથમ પસંદગી આપવી જોઇએ.

સ્ત્રોત: કૃષિ ભાસ્કર .આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate